Bhootno Bhay - 1 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભૂતનો ભય - 1

ભૂતનો ભય

-રાકેશ ઠક્કર

બે મોઢાવાળું ભૂત

અશોકભાઇ અને એમના પત્ની લલિતાબેન લગભગ આઠ વર્ષ પછી મગડા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા. રાત્રિના બે વાગે મગડાનું રેલ્વે સ્ટેશન જોયા પછી એમને ખ્યાલ આવી ગયો કે વિકાસ હજુ સુધી અહીં પહોંચ્યો નથી. આઠ વર્ષમાં આંખે ઊડીને વળગે એવો કોઈ ફેરફાર રેલવે સ્ટેશન પર જોવા મળ્યો નહીં. ગામ હજુ પછાત જ રહી ગયું છે.

બંને લોકલ ટ્રેનમાં જ આવ્યા હતા. આમ તો આ ટ્રેન રાત્રે આઠ વાગે મગડા આવતી હતી. એક્સપ્રેસ કે ફાસ્ટ ટ્રેનો હજુ મગડાની મહેમાન બનતી ન હતી. અહીં આવવાની અશોકભાઈની મજબૂરી ના હોત તો ક્યારેય આવ્યા ન હોત. વર્ષોથી જે ખેડૂતને જમીન ખેડવા આપી હતી એ ગુજરી જતાં હવે બીજા ખેડૂત પરિવારને આપવા આવ્યા હતા. નોકરી અને બીજી દોડધામને કારણે છેક અમદાવાદથી મગડા આવવાનું ત્રાસદાયક રહેતું હતું. એમણે શનિવારની અડધા દિવસની રજા લઈને આ વીકએન્ડમાં કાર્યક્રમ ગોઠવી કાઢ્યો હતો.

બંને ચાલીને રેલવે સ્ટેશનની બહાર આવ્યા ત્યારે એકલા જ પ્રવાસી હતા. ચારે તરફ અંધારું અને સૂનકારનું રાજ હતું. લલિતાબેનને અંધારામાં તમરાના અવાજથી ડર લાગ્યો. એમણે બાસઠની ઉંમરે પણ પાંસઠના પતિનો હાથ નવોઢાની જેમ પકડવામાં શરમ ના અનુભવી. એમના દિલની ધડકન વધી રહી હતી. એમના ડરનો ચેપ લાગ્યો હોય એમ પત્નીનો હાથ પોતાના હાથમાં આવ્યા પછી અશોકભાઈને રોમાંચ થવાને બદલે ધ્રુજારી પેસી ગઈ. એમને હતું કે ગામની થોડી તો પ્રગતિ થઈ હશે એટલે રાત્રે મોડું થશે તો પણ વાહન મળી રહેશે. એમને અડધી રાત થશે એવી કલ્પના ન હતી. એક તો ટ્રેન ઠિચૂક ઠિચૂક ચાલતી હતી અને વચ્ચે બે જગ્યાએ રેલવે ટ્રેકનું સમારકામ ચાલતું હોવાથી મોડી પડી હતી. ઓછું હોય એમ એક્સપ્રેસ ટ્રેનોને આગળ કાઢવામાં આવતા એમની ટ્રેન વધુ મોડી પડી હતી.

અશોકભાઇએ આમતેમ નજર ઘૂમાવી અને બે જગ્યાએ રીક્ષાઓ દેખાઈ. એમને હાશ થઈ ગઈ કે વાહન મળી જશે. પહેલી દેખાતી રિક્ષાની નજીક જઈને એમણે જોયું કે પાછળની સીટ પર ડ્રાઈવર આરામથી ઘોરતો હતો. સવારની વહેલી ટ્રેનના પ્રવાસીઓના ભાડા માટે એ રાત્રે અહીં રોકાયો હોવાનું અનુમાન કરી એને જગાડ્યો:ભાઈ, ઊઠોને ભાઈ...

રિક્ષાચાલકે ગાઢ ઊંઘમાંથી ઝબકીને પૂછ્યું:કોણ.. ક... કોણ?

અમે પ્રવાસી છીએ. મગડામાં તળાવની પાળ નજીક છોડી દેશો?’ અશોકભાઇએ વિનંતીના સૂરમાં કહ્યું.

રિક્ષાચાલકે બંનેને બહુ ધ્યાનથી જોઈને કહ્યું: નવા લાગો છો. ત્યાં આટલી રાત્રે જવાય નહીં...

અશોકભાઇએ કહ્યું: ભાઈ, આ ગામથી વર્ષોથી પરિચિત છું. રાત છે તો વધારે ભાડું લેજો...

ભાઈ, નવા છો એટલે જ રાત્રે તળાવ તરફ જવાનું કહો છો. તમે દસગણા પૈસા આપશો તો પણ કોઈ આવશે નહીં.

કેમ?’

ભાઈ, તળાવને કાંઠે બે મોઢાવાળું ભૂત રહે છે, અડધી રાત્રે બહાર નીકળે છે અને ગળું દબાવી દે છે...

હેં... જાવ જાવ, એ બધી ખોટી વાતો હશે. બે મોઢાવાળું ભૂત કોઈ દિવસ હોતું હશે? તમારે ના આવવું હોય તો સીધી ના પાડી દો ને... બીજા મળી રહેશે... આમ ગભરાવશો નહીં...

ભાઈ, કોઈ ત્યાં જવા માટે અત્યારે તૈયાર નહીં થાય. એની બહુ મજબૂરી હશે તો કદાચ શક્ય છે. પણ તમારી કોઈ મજબૂરી ના હોય તો અહીં રેલ્વે સ્ટેશન પર બેસી રહેજો. સવારે પાંચ પછી હું જ તમને લઈ જઈશ... આ ઉંમરે ખોટું જાનનું જોખમ ના લેશો...

ભાઈ, તારે ના જવું હોય તો કંઇ નહીં... અમને શું કામ ડરાવીને રોકે છે?’

તમારી મરજી...

રિક્ષાચાલક ચાદર માથા પર નાખીને સૂઈ ગયો.

અશોકભાઇએ બીજા બે રિક્ષાચાલકને ઉઠાડીને વિનંતી કરી. એમણે પણ પહેલા જેવી જ બે મોંઢાવાળું ભૂત હોવાની વાત કરી.

અશોકભાઇને થોડો ડર લાગ્યો. લલિતાબેન તો ફફડી જ ગયા. અશોકભાઇ બેસી રહેવા માગતા ન હતા. એમણે ચાલીને જતાં રહેવાનું નક્કી કર્યું. ખેડૂતનું ઘર નજીક જ હતું. આટલી રાત્રે એને ઉઠાડવાનું યોગ્ય ન હતું. પણ બીજો કોઈ રસ્તો ન હતો.

લલિતાબેન ફફડતા દિલે એમનો હાથ મજબૂતીથી પકડીને આગળ વધવા લાગ્યા. સો કદમ ચાલ્યા હશે અને બીજી એક રિક્ષા દેખાતા અશોકભાઇને આશા જાગી.

એ રિક્ષા ચાલક પણ ઊંઘતો હતો. એને જગાડીને વિનંતી કરી.

થોડીવાર વિચાર્યા પછી એણે કહ્યું: રાતનો ટાઈમ છે. આમ તો બેગણું ભાડું થાય પણ ભૂતનો ભય રહેતો હોવાથી ચાર ગણું ભાડું લઇશ.

અશોકભાઇ ઝટપટ રિક્ષામાં બેસતા બોલ્યા: ભાઈ, પાંચગણું લઈ લેજે. જલદી ચાલ...

રિક્ષા ચાલકે ખુશ થઈને રિક્ષા ઉપાડી. અશોકભાઇએ જોયું કે ગામનો રસ્તો હજુ એવો જ છે. વનરાજી ઓછી થઈ નથી. આ ઝાડપાનને લીધે જ ગામડામાં રહેવાનું આરોગ્યપ્રદ રહે છે...

ચાર મિનિટનો રસ્તો અત્યારે દરેકને દસ મિનિટનો લાગી રહ્યો હતો. કોઈ એક શબ્દ બોલતું ન હતું. માત્ર રિક્ષાની ઘરઘરાટી જ આખા વાતાવરણમાં સંભળાતી હતી.

અચાનક એક ઝાટકા સાથે રિક્ષાનું એન્જીન બંધ પડી ગયું. અશોકભાઇ અને લલિતાબેન ભયગ્રસ્ત નજરે એકબીજાને જોવા લાગ્યા.

અશોકભાઈએ હિંમત કરીને પૂછ્યું:ભાઈ, રિક્ષાને શું થયું...?’ એમને મનમાં ડર સાથે પ્રશ્ન થયો:બે મોઢાવાળા ભૂતનું તો આ કામ નહીં હોય ને?’

ખબર નહીં...રિક્ષા ચાલકે જવાબ આપ્યો.

તો પછી બેસીને વિચારે છે શું. જોતો ખરો રિક્ષાને શું થયું છે...અશોકભાઈએ ગુસ્સો ગળીને ધીમેથી કહ્યું.

એ સાથે જ એણે માથા સુધીની સીટની બાજુમાં આવી પાછળ મોં ફેરવી કહ્યું:તમારું ઠેકાણું આવી ગયું છે...

અશોકભાઇ અને લલિતાબેન ચમકી ગયા. રિક્ષા ચાલક બે મોંઢાવાળો દેખાતો હતો. બંને વધારે કોઈ વિચાર કરે એ પહેલાં જ બે મોઢાવાળા ભૂતે એમની ગળચીઓ દબાવી દીધી.

બીજા દિવસે સવારે તળાવ પાસેના રસ્તા પર અશોકભાઈની ગળું કપાયેલી લાશ અને એમના માથાની બાજુમાં લલિતાબેનનું માત્ર માથું હતું. ધડ ગાયબ હતું. ગામલોકો કહેતા હતા કે ફરી એક યુગલે પોતાનો જીવ ગુમાવ્યો. લાશ પરથી એમને ખ્યાલ આવી ગયો કે આ કામ બે મોઢાવાળા ભૂતનું જ હોય શકે.

આ ઘટના પછી બધા જ રિક્ષાચાલકોએ રાત્રે રેલ્વે સ્ટેશન પર ઊભા રહેવાનું જ બંધ કરી દીધું. પહેલા રિક્ષાચાલકે પોતે ના પાડી હોવા છતાં બંને ગયા એનું દુ:ખ વ્યક્ત કર્યું. બીજાએ પૂછ્યું:આપણે ત્રણ જ રિક્ષાચાલક છીએ. મેં રિક્ષાની ઘરઘરાટી સાંભળી હતી. મને એમ કે તમારા બેમાંથી કોઈ એમને લઈ ગયું હશે. તમે તો બંને ના કહો છો. તો પછી એ કોની રિક્ષામાં ગયા હશે?’

એ પ્રશ્નનો જવાબ કોઇની પાસે ન હતો. પરંતુ એમને ખ્યાલ આવી ગયો હતો.

***