રમતો : વ્યક્તિત્વ વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ પર સકારાત્મક પ્રભાવ.
નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? આજે હું એક અગત્યની વાત લઈને આવી છું જે અત્યારના કોમ્પુટર અને મોબાઈલના યુગમાં ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. જે છે રમતો. તમને થશે કે અમે તો રમીએ જ છીએ ને? હા, તમે રમો છો તે સાચું. પણ શું રમો છો ? ક્યાં રમો છો ? કેવું રમો છો ? તેનાથી શું ફાયદો થાય છે ? આ બધી તમને ખબર છે ? તમે સતત મોબાઈલમાં જ રમતો રમ્યા કરો છો. જે તમને ખૂબ નુકશાનકારક છે. મેદાનમાં જઈને મિત્રો સાથે કદી નિયમિત રમવા જાઓ છો ? તમારાં માંથી અમુક જ જતાં હશે. આવી રમતો વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી છે. શાળાઓમાં પણ તમને એક વિષય તરીકે શારીરિક શિક્ષણને સ્થાન આપવામાં આવ્યું છે. બાળકો ઘરની બહાર કે મેદાનમાં રમવાથી કયા કયા ફાયદા થાય છે ? શા માટે આપણે એવી રમતો રમવી જોઈએ? તો ચાલો આપણે જાણીએ.
પ્રકૃતિ સાથે પરિચય :
ખુલ્લાં મેદાનોમાં કે ખેતરોમાં રમવાથી સૌ પ્રથમ તો પ્રકૃતિના નિકટતમ સાથી બની રહીએ છીએ. પર્યાવરણનો પરિચય કેળવાય છે. પ્રકૃતિ જ આપણને ઘણું બધું શીખવી જાય છે જે આપણાં પાઠ્ય પુસ્તકોમાં આવે છે તે તમે સારી રીતે શીખી અને સમજી શકો છો. વૃક્ષો, પર્ણો, પુષ્પો અને ફળો સાથે મૈત્રીભાવ કેળવાય છે. તમે જાતે જ પ્રકૃતિનાં ગુણધર્મો જાણી શકો છો.
શારીરિક માનસિક સ્વાસ્થય :
નિયમિત રમતો રમવાથી તમને ખૂબ સારી કસરત મળે છે. તમારું સ્વાસ્થય સુધરે છે. ભૂખ લાગે છે અને શરીર ખડતલ બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તમે વારંવાર બિમાર પડતાં નથી. શરીર બળવાન બને છે. રમતોથી આખું શરીર ખડતલ બને છે અને સ્નાયુઓ મજબૂત બને છે. તમારું તન સ્વસ્થ રહે તો મન પણ સ્વસ્થ રહે છે. તમારાં ચિંતા, નિરાશા અને ડર રમતો રમવાથી ગાયબ થઈ જાય છે. તમે હંમેશાં તરોતાજા બની રહો છો.
સંઘભાવના :
તમે બધાંને સાથે લઈને કામ કરી શકો છો. બધાંની સાથે રહીને યોગ્ય નિર્ણય લઈ શકો છો. સંગઠન મજબૂત બને છે અને દરેક ક્ષેત્રમાં ધાર્યા કામ પાર પાડી શકવાની ક્ષમતામાં વધારો કરનાર સંઘભાવના જ કારણભૂત છે. તમે તમારી સાથે સાથે તમારી ટીમ, તમારું ગામ, તમારું રાજ્ય અને દેશ પ્રત્યેનો પ્રેમ વધે છે. સૌનો ખ્યાલ રાખી શકો છો.
નેતૃત્વનાં ગુણો :
રમતો રમવાથી તમારી નેતૃત્વ શક્તિનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. તમે ક્રિકેટ, કબડ્ડી, ખો - ખો કે વોલીબોલ જેવી રમતો રમો છો ત્યારે ક્યારેક તમે ટીમના કેપ્ટન બનો છો. ટીમના કેપ્ટનને માથે આખી ટીમને જીતાડવાની એક જવાબદારી હોય છે. કેપ્ટન રમતમાં યોગ્ય પ્લાન, સમય સૂચકતા અને યોગ્ય નિર્ણય લઈને ટીમને વિજેતા બનાવે છે. આ રીતે રમતો દ્વારા નેતૃત્વના ગુણો વિકસે છે.
લક્ષ્ય પ્રાપ્તિનો મહત્વનો ગુણ :
હા, જીવનમાં દરેક ક્ષેત્રમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે બધાં મહેનત કરતાં હોય છે પરંતુ આ ગુણ પણ રમતો દ્વારા જ કેળવાય છે. જ્યારે તમે એકવાર વિજેતા બનો છો તે સમયે તમે તમારું આગળનું લક્ષ્ય નક્કી કરી જ લો છો. જેમકે એકવાર જિલ્લાની ટીમમાં વિજેતા બન્યા બાદ તમારું આગળનું મિશન રાજ્યની ટીમમાં વિજેતા બનવાનું હોય છે. ત્યાં સુધી પહોંચીને તમે ઘણાં બધાં અનુભવો સાથે ઘડાઈ જાઓ છો જે તમને તમારાં આગળનાં લક્ષ્ય સુધી પહોંચવા માટે મદદ કરે છે. શૈક્ષણિક પ્રગતિ માટે પણ લક્ષ્ય પ્રાપ્તિ જરૂરી છે. આ જ રીતે જીવનનાં તમામ ક્ષેત્રે લક્ષ્ય પ્રાપ્તિનો ગુણ તમને ઉપયોગી બને છે.
બહોળું મિત્ર વર્તુળ :
તમારાં ઘણાં મિત્રો બને છે. રમતો તમને કદી એકલાં પડવા દેતી નથી. હંમેશાં તમારાં મિત્રો તમારી સાથે હોય છે. જ્યારે તમે એકલા એકલા ઘરમાં બેસીને રમ્યાં કરો તો તમારાં મિત્રો તમારી સાથે નથી હોતાં. તમે બહાર રમવા જાઓ છો ત્યારે તમારી શાળાનાં મિત્રો અને તેમનાં મિત્રો, તમારી સોસાયટીના મિત્રો અને તેઓના મિત્રો એક મિત્ર વર્તુળ ખૂબ મોટું બને છે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. દરેક મિત્રો માંથી તમને કંઇક ને કંઇક નવું નવું શીખવા મળે છે. દરેક ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો.
આ સાથે સાથે રમતો રમવાથી બીજાં ઉપયોગી ગુણો જેવાકે, એકાગ્રતા, ચપળતા, મૈત્રી, શૌર્ય, ધૈર્ય અને સ્થૈર્ય કેળવાય છે. આ બધાં જ ગુણો જીવનમાં ઉપયોગી છે જે રમવાથી આપણને મળે છે.
તો, બાળકો આજથી મોબાઈલ અને કોમ્પુટરમાં આવતી ગેમ્સ રમવાની બંધ કરીને ખુલ્લાં મેદાને રમવાનું શરૂ કરશો. પછી જોજો તમે ઊર્જાવાન બનો છો કે નહીં ? તમારી આળસ ભાગી જશે. તમે ઉત્સાહી બનશો. અભ્યાસમાં રુચિ વધશે. તમારો સર્વાંગી વિકાસ થશે. તો થઈ જાઓ તૈયાર, નિયમ અને સમય અનુસાર રમવા તૈયાર !!!!