પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૭૩
મીતાબેન જે વાત કરી રહ્યા હતા એના પરથી સમજાઈ રહ્યું હતું કે નિરૂપા કોઈ ગંભીર કારણથી આવી ન હતી. રચના એમની વાતને વર્ષો પછી ફરી સાંભળી રહી હતી. ત્યારે નાની વયમાં જાણેલી વાત પ્રત્યે ગંભીરતા ના હતી કે ખાસ સમજણ ના હતી. અત્યારે રચના એને પહેલી વખત સાંભળી રહી હોય એમ ધ્યાન દઈને મા પાસેથી સાંભળી રહી હતી.
મીતાબેન વાત આગળ વધારતાં બોલ્યા:‘બપોરે ખબર પડી કે નિરૂપાના પતિ દેવનાથભાઈનું મોત થયું છે. કેવી રીતે અને ક્યાં થયું એની કોઈને ખબર ન હતી. હું ચોંકી ગઈ અને મારી પાસે રણજીતલાલના મોતનું રહસ્ય પામવાની જે આશા હતી એ પણ હવે મારી પરવારી હતી. મને નિરૂપા પર દયા આવી. એની સ્થિતિ મારા જેવી જ થઈ હતી. હું અડધા દિવસની રજા મૂકીને નિરૂપાના ઘરે ગઈ ત્યારે બધી વિધિ પૂરી થઈ ગઈ હતી. દેવનાથભાઈની લાશને સ્મશાન લઈ ગયા હતા. એમનો આત્મા પંચમહાભૂતમાં મળી ચૂક્યો હતો. નિરૂપા રડી રડીને અર્ધબેભાન જેવી થઈ ગઈ હતી. કોઇની સાથે વાત કરી શકે એવી સ્થિતિમાં ન હતી. તારા જેવી જ એની નાની છોકરી સૂનમૂન બેસી રહી હતી. મેં એક-બે સ્ત્રીઓને દેવનાથભાઈના મૃત્યુનું કારણ પૂછ્યું ત્યારે માર્ગ અકસ્માતમાં મરી ગયા હોવાનું જાણવા મળ્યું. દેવનાથભાઈ ચાલતા જતાં હતા ત્યારે એક માતેલા સાંઢ જેવા ટ્રકે એમને અડફટે લીધા હતા. માથું ફાટી ગયું હતું અને ઘટના સ્થળે જ એમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. કંપનીના માણસોને ખબર પડતાં એમને હોસ્પિટલે લઈ ગયા હતા અને તપાસ કરાવી ઘરે લાશને મૂકી ગયા હતા. હું ખરખરો કરીને ઘરે આવી ગઈ. નિરૂપા સ્વસ્થ થયા પછી એને વાત પૂછવાનું નક્કી કર્યું હતું.’
‘મા, એ અકસ્માત એક કાવતરું જ હતો ને?’ રચનાને કંઈક યાદ આવતા પૂછ્યું.
‘એના કોઈ પુરાવા કોઈને મળ્યા ના હતા. બધા જ ખાનગીમાં વાત કરતાં હતા કે દેવનાથભાઈને ઉડાવી દેવામાં આવ્યા હશે. રણજીતલાલ પછી એમના પર મેનેજરનો ડોળો હતો. એને શંકા હતી કે એ ઘણી વાત જાણી ગયા છે...’ મીતાબેનના સ્વરમાં અફસોસ ઝલકતો હતો.
‘મા, પછી તમે જ્યારે નિરૂપાઆંટીને મળ્યા ત્યારે શું જાણવા મળ્યું હતું?’ રચનાને એમની કોઈ વાત યાદ આવતી હતી.
‘હા, એ થોડા સ્વસ્થ થયા પછી હું એમને મળી ત્યારે એમણે કહ્યું કે રસ્તામાં ચાલતા હતા ત્યારે કોઈ ટ્રક અકસ્માતમાં મોત થયું એ સાચી વાત હતી. પણ જે સંજોગોમાં મોત થયું એ શંકા ઉપજાવનારું હતું. એ દિવસે વધારે કામ હોવાથી એમને કંપનીમાં વહેલા બોલાવવામાં આવ્યા હતા. સવારે કોઈ વાહન મળે એમ ન હોવાથી એ ચાલતા જ નીકળી ગયા હતા. જ્યારે કંપનીના મેનેજરને પૂછ્યું કે એમને વહેલા બોલાવવામાં આવ્યા હતા? ત્યારે એણે સાફ ઇન્કાર કરી દીધો હતો. પણ મને એમણે એવું કહ્યું હતું. મેનેજરે એમ કહ્યું કે કંપનીના કામ સિવાયના સમયમાં કામદાર શું કરે છે એની એમને કોઈ લેવાદેવા નથી. નિરૂપાને એ પછી પાકી શંકા ઊભી થઈ હતી કે કંપનીએ જ આ કાવતરું ઘડયું હશે. કેમકે અકસ્માત કરીને ટ્રક ભાગી ગયો એનો કોઈ નંબર કે માહિતી કોઈને મળી શક્યા નહીં. થોડા દિવસ પહેલાં એમની રણજીતલાલના મોત અંગે પણ ચર્ચા થઈ હતી. ત્યારે દેવનાથભાઈ કહેતા હતા કે એ રણજીતલાલ વિશે માહિતી મેળવી રહ્યા છે પણ કોઈ પાસેથી કંઇ જાણવા મળી રહ્યું નથી. હવે કોઈને મુકાદમ રાખવાને બદલે મેનેજર પોતે જ મજૂરોનું કામ જોવા લાગ્યો છે. જેથી કોઈ યુનિયન ના બને અને મજૂરોનું વર્ચસ્વ ઓછું થઈ જાય. આમપણ એક મજૂરની શું હેસિયત હોય કે શેઠ લોકો સાથે શિંગડા ભેરવી શકે?’
‘મા, આવા ભ્રમને લીધે જ શેઠ લોકો મજૂરો પર પોતાની મનમાની કરતાં રહે છે. પણ નિરૂપા આંટી પાસેથી વધારે કંઇ જાણવા ના મળ્યું?’ રચના યાદ કરવા મથી રહી હતી.
‘નિરૂપાને એક વાત જાણવા મળી કે મેનેજરે કોઈના કહેવાથી કંપનીમાં મજૂરોનું વર્ચસ્વ ખતમ કરવાનું બીડું ઉપાડયું હતું.’ મીતાબેન યાદશક્તિ પર જોર આપીને બોલ્યા.
ક્રમશ: