ન્યુ યોર્કથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પકડી ત્યારે ઇરા પોતે મૂંઝવણમાં હતી. આમ સીધું ઇન્ડિયા પહોંચીને વિવાનને ધરવાની વાત વિચિત્ર જ નહીં અજૂગતી હતી. પણ , આ નિર્ણય વહેલો કે મોડો તો લેવાનો જ હતો તો પછી અત્યારે કેમ નહીં ?
નીનાએ તો કહ્યું પણ ખરું કે આવતા અઠવાડિયે બે ત્રણ મહત્વની મિટિંગ છે એ પતાવીને જાય તો ન ચાલે ?
પણ, ઇરા કોઈ વાત સાંભળવા રાજી નહોતી.
'નહીં નીના, મને ખાતરી છે કે તું એ મીટિંગ્સ મારા વિના સારી રીતે હેન્ડલ કરશે જ.. ' ઇરાએ મક્કમતાથી કહ્યું હતું.
ઈરાની ઉતાવળ પાછળનું કારણ નીના ક્યાંથી સમજી શકવાની હતી ?
ઇરાએ પ્રોગ્રામ તો પહેલા બે દિવસનો જ કર્યો હતો પણ પછી ખ્યાલ આવ્યો કે પોતે ઇન્ડિયા જાય ને માને ન મળે તે પણ યોગ્ય નથી. એટલે બે ચાર દિવસ મા સાથે મથુરામાં રહેવું અને પછી બે દિવસ મુંબઈ એવી કોઈક વિચારણાથી ઇરાએ ટિકિટ બુક કરી હતી.
પૂરા ચૌદ કલાકની ફ્લાઇટ દરમિયાન મગજ પર જૂના દિવસોના સ્મરણ તાજાં થતાં રહ્યાં. દરિયામાં આવતી ઘૂઘવતી ભરતી. આ દિવસો ભૂલી જવા પોતે સજ્જડપણે કેટલાં પ્રયત્ન કર્યા હતા. જે વ્યક્તિને પોતાનામાં રસ ન હોય એની પાછળ ભાગવું એટલે તો જાણે પડછાયાને પકડવાની વાત થઇ ને ! આવી નાદાનિયત ઉંમર ત્યારે પણ નહોતી.
પણ, આખરે વિવાનને મળીને પણ શું ઉત્તર હાંસલ કરવા માંગતી હતી પોતે ? આ પ્રશ્ન તો જ્યારથી પુસ્તક વાંચ્યું ત્યારથી ઉઠતો રહ્યો હતો.
ના, ભલે જે જવાબ મળે તે, પણ આ વાતને ક્ષીરનીર તો કરવી જ રહી.
પોતે ઇન્ડિયા આવે છે એ વાત માને જણાવી ત્યારે એ કેટલી ખુશ થઇ ગઈ હતી. વિવાન સાથે નારાજગીનો બદલો મા સાથે લેવાતો રહ્યો હતો તેનો પસ્તાવો ઈરાને રહી રહીને થવા લાગ્યો હતો.
માએ ફોન પર જ રડવાનું શરુ કરી દીધું હતું. એક તો દીકરી વર્ષો પછી ઘરે આવે તેની ખુશી સાથે હવે ઉંમર લગ્નલાયક ઉંમર વીતી રહી છે એની ચિંતા.
'ઇરા, મને મળવા આવે છે તો કંઈક નક્કી કરી લીધું છે ?, જો એમ હોય તો પણ મને વાંધો નથી પણ જે કરવું હોય તે જલ્દી કર, હાથમાંથી સમય નીકળી રહ્યો છે.'
'મમ્મી , મને ઇન્ડિયા તો આવવા દે. અને હા , તું જેવું ધારે છે તેવું કંઈ પણ નથી.' પોતે તો સપાટ સ્વરે કહી દીધું પણ એ સાંભળીને માના દિલને દુભાવ્યું એનો ચચરાટ રહી રહીને થવા લાગ્યો હતો.
આ સમજદારી યુ એસમાં સ્થાયી થયા પછી પડેલા અંતરથી કે પછી ઉંમર સાથે વિકસી રહેલી પરિપકવતાને કારણે હતી.
દિલ્હી પર ઉતરતાંવેંત ટેક્ષીચાલકોનો હલ્લો શરૂ થયો. એક જરા ઠીક લાગે તેવા ડ્રાઈવર સાથે મથુરા જવા બોલી કરીને ઇરા ટેક્સીમાં ગોઠવાઈ . સોળ કલાકની ફ્લાઇટ અને ત્રણ કલાકની ડ્રાઈવ પછી આશ્રમ પહોંચીત્યારે થાકીને ચૂર થઇ ગઈ હતી.
આશ્રમ અતિપ્રતિષ્ઠિત હતો એટલે શોધવામાં વાર લાગી નહોતી પણ આશ્રમના કોમ્પ્લેક્સમાં આવેલું સુમનનું કોટેજ શોધવામાં થોડીવાર લાગી.
ટેક્સી કૉટેજના ગેટ સામે ઉભી રહી. વરંડામાં રહેલા હિંચકા પર મા રાહ જોતી હતી. લાગ્યું કે કલાકોથી મા વાટ જોતી હશે.
નાનકડું સુંદર કોટેજ અને આજુબાજુ નાનો એવો બગીચો. ઇરા જરા હેરતથી માનું ઘર જોઈ રહી.
'ઇરા, આવી ગઈ દીકરા?' સુમને બહાર આવવા ગેટ ખોલ્યો ત્યારે ઇરા ડ્રાઈવર પાસે પોતાનો સમાન ડિકીમાંથી ઉતરાવી રહી હતી.
'આ શું ? આવડી નાની બેગ? 'સુમનને ઈરાની બેગ જોઈને ઝાટકો લાગ્યો.
ઇરા પાસે સામાનમાં હતી એક કેબીનસાઈઝ બેગ. હાથમાં રહેલી એક ટોટ બેગ.
'એટલે તું મારી પાસે કેટલા દિવસ રહેવાનો પ્રોગ્રામ કરીને આવી છે ?' સુમનના સ્વરમાં ઉચાટ હતો.
'મા , ઘરમાં તો આવવા દે, તું તો બસ ....' ઇરા જરા હસીને બોલી.
ડ્રાઈવરને વિદાય કરી માદીકરી ઘરમાં પ્રવેશ્યા. ઇરા મુગ્ધતાથી માની નવી વસેલી દુનિયા નિહાળતી રહી.
કદાચ દીકરી પાછી ક્યારેય નહિ આવે એ સમજીને માએ પોતાની જૂદી જ દુનિયા વસાવી લીધી હતી.
'ઇરા, ભૂખી થઇ હશે ને !! ' સુમન માથે હાથ ફેરવતા બોલી।
'ના મા , મેં ફ્લાઇટ પર ખાધું છે પણ મને એકવાર વ્હાલથી ભેટવા તો દે. ' ઇરા બોલતા બોલતા માને વળગી પડી.
સુમનની આંખોમાં આંસુ આવી ગયા. 'ઇરા, મને થતું હતું કે તું મારી લાગણી ક્યારેય સમજી નહીં શકશે .....પણ તે વખતે મેં જે વર્તન કર્યું હતું તે તારા હિતમાં હતું. ' માનો ઈશારો વિવાન માટે હતો તે સમજતા ઈરાને વાર ન લાગી.
'મમ્મી, પ્લીઝ. એ બધું ભૂલી જાવ 'પણ રૂંધાયો. મા સાવ ખોટી પણ ક્યાં હતી?
માદીકરી વચ્ચે લાગણીભર્યું સ્નેહમિલન થોડીવાર ચાલ્યું પછી બંને સ્વસ્થ થઇ બેઠા.
થોડી ઔપચારિક વાતચીતનો દોર પત્યા પછી સુમને જ વાત કાઢી.
'ઇરા , હવે તો તું સમજદાર છે. સારું નરસું મારા કરતા વધુ સારી રીતે સમજી શકે છે. હવે ત્રીસીએ પહોંચી ચૂકી છે. હજી બે પાંચ વર્ષ લગ્ન માટે તક છે. એકવાર સમય હાથમાંથી નીકળી જશે તો પછી......'
'મમ , મને ખબર છે ને તારી વાત પણ સાચી છે , પણ મેં સાચે હજી એ દિશામાં કશું વિચાર્યું નથી. ' ઇરાએ માના હાથ પર પોતાની હથેળી થપથપાવી.
'ઇરા, એક વાત કહું ? ફરી છેડાઈ તો નહિ જાય ને ?'
'ના , બોલ શું કહેવું છે ? ' ઇરા જાણતી હતી કે મા શું કહેવાની છે.
'દીકરા, એ વખતે તારી ઉંમર નાજુક હતી , નાદાનિયતના દિવસો હતા. એટલે કદાચ હું તને ટોકતી ને તને નહોતું ગમતું પણ હજી તારા મનમાં પેલો વિવાન જ હોય તો એ વિષે વિચાર પણ, હવે જે પણ હોય નક્કી કર.'
'ઓહો મારી મીઠ્ઠી મમ્મી , તો હવે તું દુનિયાના કોઈપણ છોકરા સાથે પરણાવવા તૈયાર છે એમ ને ? ' ઇરા ખડખડાટ હસી પડી ને સુમનના ગાલ પર હળવો ચીંટિયો ભર્યો.
'ના, વાત એવી નથી. મને ખબર નથી કે એ ક્યાં હશે કેવી હાલતમાં હશે ને તમે એકબીજા સાથે હજી સંપર્કમાં છો કે નહીં પણ હવે જયારે તું સારું નરસું બધું સુપેરે સમજી શકે છે તો મને લાગે છે કે તું જે નિર્ણય કરશે યોગ્ય જ હશે ? ક્યાંક તું મને એટલે જ તો મળવા નથી આવી ને ? સુમનના ચહેરા પર એક પ્રશ્નાર્થ અંકાઈ ગયો.
'ના , મા તું સમજે છે તેવું કંઈ પણ નથી. અલબત્ત, તને ખબર છે કે નહીં પણ વિવાન બહુ મોટો લેખક થઇ ચૂક્યો છે. માત્ર ઇન્ડિયામાં જ નહીં , ઇન્ટરનેશનલ નામનાવાળો લેખક, મામાજી જો હયાત હોત તો એમની છાતી ગજ ગજ ફૂલી હોતે...' ઇરાએ બહુ સ્વાભાવિકતાથી કહ્યું.
'એમ ? તો પછી એ પરણી ગયો છે કે પછી ? તારી સાથે હજી ટચમાં છે ખરો ? 'સુમનના ચહેરા પર વિવાનની સિદ્ધિ સાંભળી રોનક આવી ગઈ. હવે એ કોઈ મામૂલી મુફલિસ છોકરો નહોતો હવે એ પાંચમા પૂછાતો માણસ બની ગયો હતો. તો પછી ઇરા એને પસંદ કરતી હોય તો એથી રૂડું શું?
'મમ્મી , મને આ વાત ખબર છે કારણકે આ વાતો બધે છપાય છે. પણ ન તો હું એના વિષે વધુ જાણું છું ન એ મારા ટચમાં છે.'
ઇરાનો જવાબ સાંભળીને સુમનનો ચહેરો થોડો ઝંખવાયો. આ વાત તો જામતાં પહેલા જ ઉડી ગઈ.
'માજી , દીદીનો સામાન ઉપરના રૂમમાં મૂકી દીધો છે ને જમવાનું પણ તૈયાર છે. ' સુમને રાખેલી છોકરીએ આવીને જાણ કરી.
ઈરાને ભૂખ તો નહોતી પણ માના આગ્રહને વશ થઈને જમવા ઉઠવું પડ્યું.
મોડી રાત સુધી માદીકરી વચ્ચે વાતચીત ચાલતી રહી. છતાં , સુમનને એક વાત ન સમજાઈ કે ઇરા આમ અચાનક ઈંડિયા આવી શા માટે ?
બે ચાર દિવસના રોકાણ માટે જ ઇરા આવી છે તે જાણ્યા પછી સુમન જરા તો થઇ પણ આવા ટૂંકા રોકાણ માટે આવી એનો આનંદ કરકરો નહોતો કરવો.
બે દિવસના રોકાણ દરમિયાન ઇરા મુંબઈ ફોનકોલ્સ કરતી રહી તે જોઈને જમાનાની પારખું સુમન એટલું તો સમજી કે ઇરા માત્ર તેને મળવા નહીં પણ બીજો કોઈક પ્લાન કરીને આવી હતી.
ઇરાએ ફોન કર્યો હતો વિવાનના પબ્લીશર ગોસ્વામીને. નામ આપ્યું હતું નીના માથુર. ન્યુઝ પોર્ટલ થ્રાઇવની મેગેઝીન એડિટર.
ગોસ્વામી તો એક પણ પબ્લિક રિલેશનની તક જવા ન દે તેવો હતો.
પણ કોઈ અમેરિકાના પોર્ટલની એડિટર ઇન્ડિયા આવે ? વિવાનના ઇન્ટરવ્યૂ માટે?
'અરે ના, હું સ્પેશ્યલી તો નથી આવી , હું ખરેખર તો વૃંદાવન પર સ્પેશિઅલ સ્ટોરી કરવા આવી હતી પણ મને થયું કે મુંબઈમાં રોકાણ છે તો હું વિવાન શ્રીવાસ્તવને મળી લઉં ....'
એ સાંભળીને ગોસ્વામીએ તરત જ વિવાનના સેક્રેટરી ઉદયનો નંબર આપી દીધો હતો.
ઇરાએ પબ્લિશરનો ફોન મૂકી પહેલું કામ કર્યું વિવાનના સેક્રેટરીને ફોન કરવાનું.
બધું યોજના પ્રમાણે પર પડતું જતું હતું.
ઇરા ને ઘડીભર માટે રંજ થઇ આવ્યો . વિવાનને પોતે ઇરા તરીકે જ ફોન કર્યો હોત તો ? વિવાન જયારે પત્રકારને બદલે પોતાને જોશે તો ?
પણ ઈરાના મનના ઉચાટે જ જવાબ આપી દીધો : વિવાન કદાચ પહેલાનો વિવાન નહિ રહ્યો હોય તો ? પહેલા જેવો જ સાલસ હોત તો ન ઉછાળ્યું હોતે !!
એકવાર અપોઈન્ટમેન્ટ ફિક્સ થયા પછી ઈરા નેટ પર મુંબઈની ટિકિટ બુક કરી રહી હતી ત્યારે જ સુમને વાત કાઢી।
'મુંબઈ જાય છે ? તો વિવાનને મળશે ને ?'
'મમ્મી , હું એક કામ માટે આવી છું. એ કામ વધુ મહત્વનું છે.' ઈરાને શું જવાબ આપવો સમજાયું નહીં.
માને બિચારી ને શું ખબર કે વિવાનના પુસ્તકની બબાલને કારણે તો એ અહીં આવી છે.
'ના પણ હું શું કહેતી હતી કે વિવાનને મળવાની જ હોય તો જરા .....' સુમન આગળ કંઈ બોલે એ પહેલા જ ઇરાએ એને અટકાવી.
'હું એને મળીશ તો જરૂર કહીશ કે માએ યાદ આપી છે ,બસ.?' ઇરા જરા ચિડાઈને બોલી પણ ત્યારે એને ખબર નહોતી કે જયારે એ વિવાનના પબ્લીશર પાસેથી વિવાનનો નંબર લઇ એના સેક્રેટરી સાથે વાત કરી રહી હતી ત્યારે માના કાન એની વાત પર જ હતા.
મા જોડે ચાર દિવસ વિતાવીને ઇરાએ દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ પકડી ત્યારે મનમાં ન સમજાય એવી ફીલિંગ્સ ઉઠી રહી હતી. ધારોકે વિવાન પત્રકારની બદલે પોતાને જોઈને મળવાની ના પડી દે તો ?
અપમાન કરી દે તો ?
હવે તો એ મોટો માણસ છે , ક્યાંક એવું વર્તન કરી દે કે પોતાના મનમાં રહેલી છબી કાયમ માટે ખંડિત થઇ જાય !!
*******************
મુંબઈમાં ઇરાએ હોટેલ પણ વિવાનના ઘરની નજીક જ પસંદ કરી હતી. બે દિવસની જ તો વાત હતી. સાંજે મળવાનું નક્કી હતું છતાં સાંજ પડવાને પૂરાં છ કલાકની વાર હતી.
સાંજે છ વાગ્યાનો સમય નક્કી થયો હતો. મિટિંગ વિવાનના ઘરે જ હતી. વિવાન અલગારી જ હતો એનો આ એક વધુ પૂરાવો. લેખકને વળી ઓફિસનું શું કામ ?
માન્યું કે વિવાન હવે બેસ્ટ સેલર લેખક હતો. એના લેક્ચર્સ, વર્કશોપ , રેકોર્ડિંગ્સ , લાઈવ ચેટથી તેનો દિવસ ભરેલો જ રહેતો પણ તેને માટે ઓફિસની જરૂર નહીં લાગી હોય.
વિવાનના સેક્રેટરી ઉદયે જ મિટિંગ ઘરે વધુ ફાવશે એમ કહ્યું હતું.
ઇરા સભાનપૂર્વક તૈયાર થઇ રહી હતી.
વ્હાઇટ શર્ટ , નીચે ડાર્ક ગ્રે ટ્રાઉઝર્સ અને લિનનનું કેઝ્યુઅલ લાઈટ ગ્રે બ્લેઝર , પાંચ ફિટ ચાર ઇંચની હાઈટ પર ગુલાબી ચહેરો ખીલેલા ગુલાબ જેવો લાગતો હતો. પહેલીવાર સરખામણી થઇ ગઈ. પૂનામાં હતી ત્યાર કરતાં વજન પાંચ કિલો વધી ગયું હતું પણ એ ઈરાની કાયાને વધુ સુડોળ અને લાલિત્યમય બનાવતું હતું.
ચહેરા પરનો હળવો મેકઅપ અને ગરમીને કારણે ટાઈટ બન લઈને બાંધેલા વાળ એને વધુ ઊંચાઈ બક્ષતા હતા.
છ વાગ્યાનો સમય હતો એટલે ઇરા પોણા છ વાગે વિવાનના ઘરે પહોંચી ગઈ હતી.
પંદર માળનું એપાર્ટમેન્ટ બાંદ્રાની પોશ લોકાલિટીમાં હતું.
ઇરાએ જયારે ડોરબેલ મારી ત્યારે છ વાગવામાં દસ મિનિટની વાર હતી. બારણું ખોલનાર ઉદય હતો, વિવાનનો સેક્રેટરી.
'વેલકમ , મિસ માથુર, પ્લીઝ કમ કહીને બાજુએ ખસીને અંદર આવવાની સંજ્ઞા કરતો ઉભો રહ્યો.
ઇરા અંદર પ્રવેશી. ઉદય તેને હોલ સુધી દોરી લાવ્યો.
પંદરમાં માળે રહેલો ટેરેસ ફ્લેટ ખૂબીપૂર્વક સજાવાયો હતો.
ઈરાને યાદ આવી ગયો પૂનાનો ફ્લેટ, જે નહિવત નાણાં સાથે બંનેએ ભેગા થઈને સજાવ્યો હતો.
ટેરેસમાં રહેલા રંગબેરંગી પોટ્સમાં દેશી વિદેશી ફૂલના છોડ મલકી રહ્યા હતા.
હોલમાં બુદ્ધની મોટી પ્રતિમા શોભતી હતી. હોલમાં એક ચીજ પણ એવી નહોતી જેનાથી પ્રતીત થાય કે આ ઘર કોઈ લેખકનું છે.
ટેરેસને અડીને એક રૂમ આંશિકપણે નજરે ચઢતો હતો. જ્યાં ગોઠવાયા હતા પુસ્તકો. એ વિવાનની લાઈબ્રેરી હોવી જોઈએ. ઇરાને યાદ આવી ગયા એ દિવસો જયારે વિવાન લાઈબ્રેરીમાં જ સુઈ રહેતો હતો.
'મેડમ, વિલ યુ હેવ ટી ઓર કોફી ? ' સેક્રેટરી ઇરાને પૂછી રહ્યો હતો.
'નથીંગ નાઉ , લેટ હિમ કમ ....'
ઈરાને લાગ્યું કે વ્યક્તિઓ થોડાં સફળતાનાં પગથિયાં શું ચઢી લે , પોતાની સારી આદતો વિસરી બેસે છે. બાકી આ જ વિવાન સમયનો કેટલો પાબંદ હતો...
અચાનક ઇન્ટરકોમની બઝર વાગી.
ઉદયે લપકીને ફોન લીધો. સામેથી થઇ રહેલી પૂછપરછ પરથી લાગ્યું કે વિવાન જ હશે.
'મેડમ , સર, પાંચ મિનિટમાં આવી જશે. સમયના ભારે પાબંદ છે ને. '
ઇરાએ જરા ખોંખારો ખાઈ સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો .
વિવાનની ખાસિયત એનો સેક્રેટરી કહેશે, મને? એ પ્રશ્નથી એના હોઠ થોડું મલકી રહ્યા.
ક્રમશ :