What should be done to protect against cold? in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | ઠંડીથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ?

Featured Books
Categories
Share

ઠંડીથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ?

નમસ્તે વ્હાલાં બાળકો,


અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. શિયાળાની ઋતુ તેની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. વધુ ઠંડીને કારણે બાળકોને શરદી- સળેખમ ઉધરસ અને તાવ આખો શિયાળો રહેતુ હોય છે જેની અભ્યાસ ઊપર ખૂબ જ અસર થાય છે. સાથે સાથે ; હમણાંનું બાળકોમાં ઠંડીને કારણે લોહી ગંઠાઈ જવાને કારણે બ્રેઈન એટેકનું પ્રમાણ પણ વધી રહ્યું છે, તો શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ તે અંગે આજે જાણીશું.


ગરમ કપડાં પહેરવા:


હા, બાળકો આ સામાન્ય લાગતી વાત ખૂબ જ અગત્યની છે. શરીરને ઠંડીથી રક્ષણ આપવા માટે શિયાળાની શરૂઆતથી જ ગરમ કપડાં પહેરવા જોઈએ. ખુલ્લા પગે જમીન પર ન ચાલતાં મોજાં પહેરીને ફરવું જોઈએ. ઠંડો પવન માથામાં અને કાનમાં ન જાય તે માટે ટોપી કે મફલર અવશ્ય પહેરવું જોઈએ. ઠંડો પવન લાગવાથી શરદી સળેખમ ઉધરસ અને તાવ આખો શિયાળો રહે છે. તે માટે ખાસ ઘ્યાન રાખવું.


ગરમી અને શક્તિ વર્ધક ખોરાક :


શિયાળામાં ભોજન પણ મહત્વનું છે.

શિયાળાની ઋતુમાં ભોજનનું સારી રીતે ધ્યાન રાખવાથી સ્વાસ્થ્ય જાળવી શકાય છે. શિયાળામાં અડદિયાપાક, ચ્યવનપ્રાશ, કચ્ચરિયું, તલ, ગોળ અને કોપરા ખાવા જોઈએ જેથી કરીને શરીરમાં ઠંડી સામે રક્ષણ મેળવવા વધારાની ગરમી અને શક્તિ મળે. શિયાળામાં ભૂલથી પણ ઠંડી વસ્તુઓ ન ખાવી જોઈએ, તેમ કરવાથી શરદીની અસર થઈ શકે છે. આ સાથે ઠંડી વસ્તુ સાથે વાસી ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ. મહત્વનું છે કે, શિયાળામાં સીઝનલ શાકભાજી અને ફળો ખાવા જોઈએ.



સૂર્યપ્રકાશમાં બેસવું :


સૂર્યપ્રકાશથી મળે છે વિટામિન-ડી મળે છે. આપણાં ઘરમાં બહાર કે અગાસીમાં થોડીવાર સૂર્યપ્રકાશમાં બેસો.

તો ઠંડીથી રક્ષણ મેળવવા થોડા સમય માટે ગરમ કપડા પહેરીને તડકામાં બેસવાનું રાખો. જેનો ફાયદો એ થશે કે, તમને તાજી હવા અને વિટામિન-ડી બંને મળશે. આ સાથે હંમેશાં સારી ગુણવત્તાવાળા સ્વેટર પહેરવું જોઈએ. કારણ કે ઉનથી ક્યારેક ત્વચાની એલર્જિક થાય છે.



શરીરે તેલ માલિશ:


શિયાળામાં ચામડી સૂકી બને છે. અત્યારે તો બજારમાં મળતા સારી ગુણવત્તા વાળા લોશન કે વેસેલીન મળે છે પરંતુ દસેક દિવસે એકવાર આખા શરીરે તલ કે કોપરેલથી તેલ માલિશ કરવાથી શરીરમાં જોઈતા પ્રમાણમાં તેલ જળવાઈ રહે છે. ચામડી સૂકી બનતી નથી. સાથે સાથે તેલ માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને ઠંડીથી રક્ષણ મળે છે. તેલ માલિશ કર્યા બાદ સાબુથી સ્નાન ન કરતાં બેસન અને હળદરથી સ્નાન કરવું જોઈએ.


હળદરવાળું દૂધ :


હળદરવાળું દૂધ પણ અસરકારક છે. શિયાળાની ઋતુમાં બની શકે તો દૂધમાં હળદર મિક્સ કરીને પણ પીવું જોઈએ. હળદર વાળું દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં ગરમી પ્રાપ્ત થાય છે. સાથેસાથે રૂમનું વાતાવરણ હૂંફાળું હોય એ વાતનું ધ્યાન રાખો. એકદમ નાના બાળકોને શિયાળામાં ઠંડીથી બચાવવા માટે હીટર અને બ્લોઅરથી ગરમ કરેલા રૂમમાં રાખવામાં આવે છે. નાનું બાળક જો વધુ ગરમ વાતાવરણથી જ સામાન્ય તાપમાનમાં આવી જાય છે તો તેમને તરત જ ઠંડી અસર કરે છે.


પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ :


શિયાળાની ઋતુમાં બાળકોને શરદી, ઉઘરસ, નાક બંઘ થવુ, ગળામાં ખારાશ, ખાંસી અને થાક જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. આ કારણે બાળકોના શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. આ સમસ્યામાં બાળકોએ ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. બાળકો આ સમયે પાણી પીતા નથી તો થોડા-થોડા સમયે પાણી યાદ કરીને પીવાની આદત પાડો. આમ કરવાથી બાળકના શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને દાખલ કરવાની જરૂરિયાત પણ પડશે નહીં. કેટલીક વખત સામાન્ય પાણી પણ પી શકાતું નથી તો તેવે સમયે થોડું ગરમ નવશેકું પાણી પીઓ.


જોયું ને બાળકો, ઠંડીથી રક્ષણ મેળવવા માટે આપણે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો આપણે આ બધી બાબતોનું ધ્યાન ન રાખીએ તો બિમાર પડાય છે. માટે જ હંમેશાં સ્વસ્થ રહેવા માટે આપણે સાચવવું પડે છે. તો છો ને તૈયાર ? હંમેશાં સ્વસ્થ રહો, મસ્ત રહો.