વરદાન કે અભિશાપ (ભાગ-૨)
(વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો હતા. તેમાંથી ધનરાજ અને દેવરાજ નામે બે ભાઇઓ અને ચંદ્રિકા નામે એક દીકરી હતી. વિશ્વરાજે તેમના રૂઆબ પ્રમાણે બંને દીકરાઓના લગ્ન ધામધૂમથી કર્યા. બંને દીકરાઓની પત્નીઓ પણ સંદર, સુશીલ અને સંસ્કારોથી સુસજજ હતી. મોટી વહુ એ જમાના ભણેલી વધારે હતી એટલે તેને નોકરી કરવાની ઇચ્છા હતી. પણ એ જમાનામાં ઘરની વહુ નોકરીએ જતી નહિ. વિશ્વરાજે જણાવ્યું કે, મારે મારી વહુને નોકરી નથી કરાવવી પણ હા મારે પેઢીનો કારોભાર ચાલે છે. તો મારા પેઢીના કામકાજનો તેઓ હિસાબ રાખશે તો મારા માટે ઘણું છે. મોટી વહુએ એ વાત સ્વીકારી લીધી. ઘરની બંને વહુઓ કામમાં વ્યસ્ત થઇ જાય છે. બંને દીકરા અને તેમની વહુઓ તેમજ તેમનો વારસો બધા જ સંપીને એક છત નીચે રહેતા હતા. આ જોઇને વિશ્વરાજના મનને પરમ શાંતિ હોય છે. અચાનક જ મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. તેને શહેરમાં સારી એવી નોકરી મળી ગઇ હતી. વિશ્વરાજે તેને શહરેમાં જવાની પરવાનગી તો આપી પણ સાથે-સાથે એક વચનમાં બંધાવાની વાત કરી. હવે આગળ............................)
(ધનરાજે તેના પિતાને મળવા જાય છે.)
વિશ્વરાજ : (નિસાસો નાખતાં) સારું. તો તું શહેરમાં જવા માટે તૈયારી કરી લે. પણ હા તારે મને એક વચન આપવું પડશે.
ધનરાજ : હા પિતાજી. તમે જે કહેશો એ વચન આપવા હું તૈયાર છું.
(તે પછી વિશ્વરાજ દેવરાજને પણ બોલાવે છે.)
વિશ્વરાજ : તમે બંને ભાઇઓએ મારી દેવશક્તિની ગાદી અને વારસો સંભાળવો પડશે. જયાં સુધી મારી હયાતી છે ત્યાં સુધી હું ગાદીપતિ રહીશ. મારી હયાતી ના હોય તે દિવસે તમારા બંનેમાંથી કોઇ એકે આ વારસો સંભાળવો પડશે.
દેવરાજ : હા પિતાજી, તમારી વાત મને માન્ય છે.
ધનરાજ : મને પણ મંજૂર છે.
વિશ્વરાજ : મારી વાત પૂરી નથી થઇ. ગાદીપતિ સંભાળ્યા પછી તમારે દેવીશક્તિની પૂજા સાથે બેસીને જ કરવી પડશે. તમારે બંનેએ સંપીને જ રહેવું પડશે.
ધનરાજ : મંજૂર છે મને. હું અને દેવરાજ બંને સંપીને દેવીશક્તિની પૂજા-પાઠ કરીશું. હું તમને વચન આપું છું.
દેવરાજ : હું પણ વચન આપું છું. અમે સાથે રહીશું.
વિશ્વરાજ : તો સારું. તું તારું આ વચન આખી જીંદગી યાદ રાખજે. જોજે ભૂલી ના થાય.
ધનરાજ : હા પિતાજી, ભૂલ બિલકુલ નહિ થાય.
વિશ્વરાજ : જા...તારે સવારે વહેલા નીકળવાનું છે તો સામાન તૈયાર કરી લે બધાનો. ઉજાગરો ના કરીશ.
ધનરાજ : હા પિતાજી.
(દેવરાજ પણ મોટા ભાઇ ધનરાજની વાતમાં હામી પૂરે છે. એ પછી ધનરાજ માતા-પિતાના આશીર્વાદ લઇને રૂમની બહાર જાય છે.)
વિશ્વરાજ વિચારતા હોય છે કે, બંને છોકરાઓને સમજાવી દીધા છે. પછી આગળ માતાજીની ઇચ્છા. સવારે વહેલા ધનરાજ તેના પરિવાર સાથે માતા-પિતાના આર્શીવાદ લઇને શહેરમાં જવા નીકળે છે. તેમના માતા કેસરબેન બહુ જ ભાવુક થઇ જાય છે. પહેલી વાર તેઓ તેમના પુત્રથી અલગ થવાના હતા. વિશ્વનાથ કેસરબેનને સંભાળી લે છે અને કહે છે કે,‘‘આપણે તો દીકરા-વહુને અને બાળકોને રાજીખુશીથી વિદાય કરવા જોઇએ અને તેમને સારા આશીર્વાદ આપવા જોઇએ કે તેઓ સુખ-શાંતિથી તેમનું જીવન પસાર કરે અને આપણે તેમને શહેર મળવા જઇશું. તું ચિંતા ના કર. ’’ કેસરબેન થોડા શાંત પડે છે. ધનરાજની પત્ની મણીબા પણ થોડા ભાવુક થઇ જાય છે. તે પછી ધનરાજ તેના પરિવાર સાથે શહેર જવા રવાના થાય છે. વિશ્વરાજ તેમને જતા જોઇ જ રહે છે. વિચારે છે કે મારા ગયા પછી આગળ શું થશે.
શહેરમાં ધનરાજ તેના પરિવાર સાથે સ્થાયી થઇ શકશે ? કે પછી તે તેના પિતા પાસે પાછો આવી જશે?
- પાયલ ચાવડા પાલોદરા
(payal.chavda.palodara@gmail.com)