"બસ તું કહીશ એ કરીશ"
(ભાગ-૧)
- આ ધારાવાહિક લખવાનો હેતુ હાસ્યરસ માણવા માટેનો છે.સામાજિક જીવનમાં બનતી ઘટમાળ પરની હાસ્ય વ્યંગ્ય વાર્તા છે.
વાર્તાના મુખ્ય બે પાત્રો"પ્રભા" અને'પ્રભા' છે.
એટલે કે પતિ અને પત્ની છે. વાસ્તવમાં "પ્રભા" નું નામ એમના ફોઈએ 'પ્રભાવ' રાખ્યું હતું.પણ જેમ આપણે ટુંકાક્ષરીથી બોલાવીએ છીએ એ રીતે 'પ્રભાવ' નું નામ"પ્રભા" પડી ગયું હતું.
વાર્તાનું બીજું પાત્ર સ્રી પાત્ર'પ્રભા' છે. વાસ્તવમાં એમના ફોઈએ પણ નામ 'પ્રભાવિકા' પાડ્યું હતું. સમય જતાં તેમને'પ્રભા' ના નામે બોલાવતા હતા.
તો ચાલો પતિ અને પત્નીના જીવનમાં બનતી ખાટીમીઠી વાતોને માણીએ.
-------------
"આ જિંદગી પણ કેવી કેવી થઈ રહી છે? દુઃખી દુઃખી કરી નાખ્યો કોરોનાએ." પ્રભાવ ધીમેથી બબડ્યો.
રસોડામાંથી પ્રભાવિકાએ કાન સરવા કરીને કંઈક સાંભળ્યું.
એ બબડી,'આ એકલા એકલા શું બબડ્યા કરે છે એ ખબર જ નથી પડતી.જ્યારથી કોરોના થયો હતો ત્યારથી આવું જ કર્યા કરે છે.મારા લાલુને ઘણીવખત કહું છું કે તારા પપ્પાને કોઈ સારા ડોક્ટર ને બતાવ.પણ એને સમય જ નથી.'
રસોડામાંથી પ્રભાવિકાએ મોટી બૂમ પાડી.
" એકલા એકલા શું બબડો છો? મારી બુરાઈ કરો છો!"
શ્રીમતીજીનો અવાજ સાંભળીને પ્રભાવ સતર્ક થઈ ગયા.
બોલ્યા:-"હેં... મને કંઈ કહ્યું? રસોડામાં મારું શું કામ? તું તારે જે બનાવીશ એ ખાઈ નાંખીશ."
"અરે.. તમે શું બોલી ગયા એ મને સંભળાતું નથી. અહીં આવીને કહો."
"અરર.. શું જમાનો આવ્યો છે! હવે શ્રીમતીને કહેવા માટે રસોડામાં આંટો મારવાનો! પહેલાં કેવા સરસ દિવસો હતા. હું અને પ્રભા. પ્રભા અને હું....બસ વાતો વાતો.. વાતો.. હું સ્વગત: બબડ્યો તો પણ શ્રીમતીને ખબર પડી જાય છે,પણ મનની વાતો સમજી શકતી નથી. સારું છે કે મોદીસાહેબ દર મહિને પોતાના મનની વાતો કહી શકે છે. હું મનમાં પણ કહી શકતો નથી. હે પ્રભુ, તેં શું માણસો ઘડ્યા છે? તારી લીલા અપરંપાર છે.અરે..આ હું મનમાં શું બબડી ગયો.ઉપરના માળે રહેતી લીલાને ખબર પડી જ જવાની છે.એના કાન તો ખતરનાક સાંભળે છે."
" તમે પણ વાતોમાંથી ઉંચા આવતા નથી. વાતો.. વાતો.. બોલો છો પણ આગળ શું મને સંભળાતું નથી." પ્રભાવિકાએ એનો પ્રભાવ દેખાડવાનો શરૂ કર્યો.
આ સાંભળીને પ્રભાવ સોફા પરથી ઉભા થતા રસોડા તરફ દોડ્યા.
બોલ્યા:-"એ..આવી ગયો.આવી ગયો પ્રભા. તું શું કહેતી હતી? રસોઈ બનાવવા મદદ કરું?"
પ્રભાવિકા:-" ધૂળ મદદ કરું. કંઈ આવડતું નથી ને મદદ કરવા આવ્યા."
પ્રભાવ:-"સારું.. સારું.. શ્રીમતીજી આપણે કયો નાસ્તો બનાવવાના છો?"
પ્રભાવિકા:-"આપણે! નાસ્તો હું બનાવું ને ક્રેડિટ તમે લો છો!"
પ્રભાવ:-"એમ નહીં.મારો કહેવાનો મતલબ સમજી નહીં.આમેય તું મને ક્યાં સમજી શકી છે."
પ્રભાવિકા:-"તમને તો સમજવા પણ અઘરા છે.તમે પોતાને સમજી શકો છો? હું બટાટા પૌંઆ બનાવું છું."
પ્રભાવ:-"અરે..વાહ..મારો ફેવરીટ નાસ્તો છે.પણ કેવા બનાવીશ? પીળા કે પછી લાલ.હા પણ મરચાં ઓછા નાંખજે.સેવ વગર તો મજા જ નથી આવતી. ઘરમાં સેવ છે ને!"
પ્રભાવિકા:-"તમારે બટાટા પૌંઆ ખાવાં છે કે સેવ પૌંઆ?"
પ્રભાવ:-"તું જે બનાવીશ એ. સાલું બજારમાં બટાટા પૌંઆ ખાવાં જઇએ તો બટાટા જ ના દેખાય. ને કોઈક તો સેવ એટલી બધી નાંખી દે છે કે પૌંઆ શોધવા પડે છે.એના કરતા પેલી સરલાબેનના પૌંઆ સારા હોય છે.એના કરતા હાંડવો જ બનાવ.એ મને બહુ ભાવે છે."
પ્રભાવિકા:-"એટલે તમને સરલાબેનના પૌંઆ ભાવે છે.ક્યારે ગયા હતા પાંચમા માળે? ને અત્યારે હાંડવો? ગાંડા થયા છો? ભાવશે પણ નહીં."
પ્રભાવ:-" સોરી.. સોરી.. પૌંઆ તો ગજાનંદના ખાધા હતા. શું મસ્ત હતા.તારા માટે પણ લાવ્યો હતો. સરલાબેનના તો લાઈવ ઢોકળા ખાધા હતા. હું આજ સુધી પાંચમા માળે ગયો જ નથી. સારું થયું તે કીધું.કોક દિવસ આપણે પૌંઆ ટેસ્ટ કરવા જાશું. હાંડવો તો ભાવે છે.હા.. હાંડવાનો લોટ નહીં હોય એટલે! તારે બધું તૈયાર રાખવું જોઈએ.કોઈ મહેમાન આવે એટલે તું મને જ દોડાવે છે."
પ્રભાવિકા:-" અરે જવાનું નામ ના દો.મારે ને એને બારમો ચંદ્રમા છે. હવે બટાટા પૌંઆ થાય ત્યારે બોલાવીશ.તમે બોલ બોલ કરો છો એટલે મારે મીઠું મરચું નાખવાની ભૂલ પડે છે. હવે તમે સોફા પર લંબાવો ને વ્યાજ શેમાંથી વધારે મળે છે જુઓ.બહુ બોલ બોલ કરવાનું બંધ કરો.બહાર તમારી ઈજ્જત નહીં રહે. કાલે પેલી શ્વેતા કહેતી હતી કે કાકા બહુ બબડ બબડ કરે છે.તમારો અવાજ બાજુમાં સંભળાય છે."
પ્રભાવ:-"આતો તેં બોલાવી એટલે આવ્યો. બસ તું કહીશ એ જ કરીશ.હે ભગવાન મારા લીધે જ મીઠું મરચાંમાં ભૂલ પડે છે.મને પણ મીઠું મરચું ઉમેરી ને બોલવાની ટેવ છે. આ બત્રીસ વર્ષ જોબ કરી હતી એટલે ટેવ પડી ગઈ હતી. ઓફિસમાં બોસની ખુશામત કરતો અને ઘરમાં મોટા બોસની. સારું સારું. હું નિરાંતે આરામ કરું. બોલી બોલીને થાકી ગયો."
આટલું બોલતા બોલતા પ્રભાવ બેઠકરૂમમાં સોફા પર બેઠો.
પ્રભાવ મનમાં બબડ્યો.
હે ભગવાન, કોઈ ચમત્કાર કર.મારા દિવસો સુધરી જાય.આ કોરોના કાળમાં બહુ ખર્ચો થયો.ધનકુબેરનો ખજાનો આપી દો. આ પ્રભા..પ્રભા..મારા વિચારોની હત્યા કરે છે! મનની વાતો કેવીરીતે ખબર પડતી હશે! હું તો મનમાં ધારી પણ શકતો નથી.પછી વિચારો તો..તો..
રસોડામાંથી પ્રભાવિકાએ હસતા હસતા મોટેથી બોલી.
'ભગવાન ચમત્કાર ના કરે. હું તમને બરાબર ઓળખું છું.દર વખતે ચમત્કારની આશામાં જ બેસી રહેજો.આ આપણો દિકરો જુવાન થયો છે.સવારથી જોબ પર જાય છે.કેટલી તનતોડ મહેનત કરે છે.તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો યાદ કરજો.કે પછી આપણી જ્ઞાતિની માહિતી પુસ્તિકા જોવાનું કેટલા બધા દિવસથી કહ્યું છે.પણ...જવા દો.. તમને કહેવું એટલે માથાપચ્ચી.'
પ્રભાવ:-" સારું સારું.. હું યાદ કરું..જ્ઞાતિની ચોપડી શોધવી પડશે.મને થોડો સમય આપ."
પ્રભાવ મનમાં બબડ્યો.
અરે આના કાન છે કે શું! હવે બોલાય જ નહીં.ચાલો હવે મોબાઇલમાં રૂપિયા કમાવાની રીત જોવું.
એટલામાં પ્રભાવનો મોબાઈલ રણક્યો.
અરે.. કોઈ અજાણ્યું ભૂલું પડ્યું લાગે છે. જોઉં કોણ છે?
પ્રભાવે મોબાઈલ ઉપાડ્યો..
" હેલ્લો.. હેલ્લો.. અરે.. મારું સાંભળતો નથી.પોતે જ બોલ્યા કરે છે.. સારું સારું.. હોં.. હમણાં નથી લેવી."
રસોડામાંથી પ્રભાવિકા બોલી.
"કોનો ફોન છે?"
"તને સંભળાયું ગયું! આ તો કોઈ મુથ્થુસ્વામી લાગતો હતો.એ પોતેજ બોલ બોલ કરતો હતો. મારી વાત તો સાંભળતો જ નહોતો."
"પણ એ શું કહેતો હતો?"
"એ શું કહેતો હતો એ ખબર ના પડી. એ અંગ્રેજીમાં બોલતો હતો.પણ મને સમજાયું ત્યાં સુધી એ કોઈ ગોલ્ડ લોનની વાતો કરતો હતો."
" તમને ખબર જ નથી પડતી.આ કોઈ કંપનીનો ફોન હશે.એને બ્લોક કરો.આપણે લેવી નથી. તમારું માથું ખાશે."
" આમાં પણ બ્લોક હોય? મને તો ગતાગમ જ નથી પડતી. મને લાગે છે કે આપણે વડોદરા રહેતા હતા ત્યારે આપણા પાડોશી મુથ્થુસ્વામી રહેતા હતા એ જ હશે..જોબ બદલી હશે.કોણ જાણે લોકોને મારો નંબર ક્યાંથી મળી જાય છે.મને તો વી.આઈ.પી. હોઉં એવું ફીલ થયા કરે છે.પણ મેં કહી દીધું હમણાં લેવી નથી.જ્યારે લેવી હશે ત્યારે તારા નંબર પર ફોન કરીશ.પણ સાંભળે તો ને.મને લાગે છે કે એનો મોબાઈલ વનવે હશે."
પ્રભાવિકા મોટેથી બોલી.
" હવે આવા ફોન બ્લોક કરજો.જોજો ચાકામાં ના આવતા. હવે શાંતિથી બેસો. પૌંઆ તૈયાર જ કરું છું.તમે ત્યાં સુધી જીવનનું રહસ્ય શોધી કાઢો.સમુદ્રમંથન કરો કે આપણા જીવનમાં શું શું બન્યું હતું?"
પ્રભાવ:-" ઓકે. બસ તું કહીશ એ કરીશ. સમુદ્ર મંથન."
પ્રભાવ મનમાં...
આ સમુદ્ર મંથન ક્યાંથી શરૂ કરું.મને તરતા આવડતું નથી..યાદ...યાદ..યાદ...
હાં.. સમુદ્ર મંથનમાંથી અમૃત અને ઝેર પણ મળે. અમૃત હું પીશ..ઝેર માટે મહાદેવ શોધવા પડશે.આપણાથી નહીં પીવાય.
એટલામાં પ્રભાવનો BSNLની લેન્ડલાઇન રણકી.
આવું છું.. આવું છું.. કહેતો પ્રભાવ ઉભો થયો.
ફોન ઉપાડ્યો.
હેલ્લો.. કોનું કામ છે?
....
શું કહ્યું?
...........
તમારું શુભનામ.
હેલ્લો હેલ્લો...
'આ બીએસએનએલ ફોન પણ ડબ્બો જ છે.હજુ વાતચીત શરૂ થઈ નથી ને ફોન કપાઈ ગયો.આ ડબ્બાનુ રહસ્ય કોણ શોધશે?'
રસોડામાંથી પ્રભાવિકાનો અવાજ આવ્યો.
" કોનો ફોન હતો?"
પ્રભાવ:-"બરાબર ખબર પડી નથી.પણ કોઈ રેખા નામ બોલી.ભાવિક નામના છોકરાનું કામ હતું.મને લાગે છે કે રોન્ગ નંબર છે.વધુ પુંછું એ પહેલાં કપાઈ ગયો. તું કોઈ રેખાને ઓળખે છે? એ ઈ...શિતા..ઈ..શિતા..બોલતી હતી."
( બીજા ભાગમાં રેખા કોણ છે? ઈશિતા અને ભાવિક કોણ છે?
પ્રભાવ અને પ્રભાવિકાની ખટ્ટીમીઠી રકઝક.પ્રભાવિકા ઈશિતા કે રેખાને ઓળખે છે? શું ફરીથી ફોન આવશે? હાસ્ય રસ માણતા રહો.)
- કૌશિક દવે