ફ્રેન્ડ્સ સ્ટંટ સીન્સ અને તેના શૂટિંગ વિશેની જાણી અજાણી વાતો કરતા કરતા આપણી વાતોની વણઝાર અત્યારે તો પહોંચી ગઈ છે રાજસ્થાનના રણમાં.હું વાત કરી રહી છું ફિલ્મ "રઝીયા સુલતાના"ના આઉટડોર શૂટિંગની.એક ખતરનાક શૂટિંગ અનુભવની કે જે ડ્રીમગર્લ હેમામાલીની આજે ય યાદ કરતા ધ્રુજી ઉઠે છે રાજસ્થાનનાં રણ વિસ્તારમાં વંટોળિયાનું દ્રશ્ય ફિલ્માવવાનું હતું. કુદરતી વંટોળિયો ફૂંકાય તેવા કોઈ ચિહ્નો હતા નહીં તેથી કૃત્રિમ રીતે વંટોળિયો ઉભો કરવાનો હતો. રાજસ્થાનના ડુંગરગઢના લોકેશન પર મુંબઈથી મોટા મોટા પંખાઓ લાવવામાં આવ્યા હતા.હેમામાલીની ને એક ઊંટ પર બેસાડવામાં આવ્યા. સૈન્યનું પાયદળ બનેલા જુનિયર આર્ટિસ્ટ મોટી સંખ્યામાં હતા સાથે ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં હતા. સીન કચકડે કંડારવાની તમામ તૈયારી થઈ ગઈ એટલે બધા પંખા એક સાથે ચાલુ કરવામાં આવ્યા.રણની રેતી ડમરીઓમાં ફેરવાઈ ગઈ પણ કુદરતનું કરવું કે નકલી સાથે અસલી વાવાઝોડું પણ શરૂ થયુ જોતજોતાં માં તો યુનિટના તમામ સભ્યો રેતીના ગોટેગોટામાં ફસાઈ ગયા. બચવા માટે જુનિયર આર્ટિસ્ટ, ઊંટ,ઘોડા,બધા આમથી તેમ દોડવા લાગ્યા.વાવાઝોડું એટલું જોરદાર હતું કે શૂટિંગનો સામાન અને ભારેખમ રિફ્લેક્ટર્સ હવામાં કાગળની જેમ ઉડવા લાગ્યા. હેમામાલીની જે ઊંટ પર બેઠા હતા તે ઊંટ બીજા કેટલાક ઊંટ સાથે સરહદ તરફ દોડવા માંડ્યુ. હેમાજી ભય થી ચીસો પાડતા હતા તેથી તો ઊંટ વધુ ભડક્યું અને એટલું જોરથી દોડવા માંડ્યું કે જો ઊંટ ને રોકવામાં નહીં આવે તો થોડી જ વારમાં તે પડોશી દેશની સરહદમાં પ્રવેશી જાય તેમ હતું. હેમાજી અર્ધ બેભાન જેવા થઈ ગયા. તે જ વખતે સરહદ પર તૈનાત જવાનોનું ધ્યાન આ ધમાચકડી પર પડ્યુ. તાત્કાલિક એક્શન લેવાયા અને બધા ઊંટ ને કાબુમાં લઈ લેવાયા.હેમાજીને લશ્કરની જીપ માં યુનિટના માણસો પાસે સહી સલામત પહોંચાડાયા.જો થોડું મોડું થયું હોત અને ઊંટ સરહદ પાર ચાલી ગયું હોત તો પડોશી દેશના સૈનિકો તો દુશ્મન ઊંટ પર સવાર થઈ,દેશમાં ઘૂસી રહ્યો છે તેમ માની હેમાજીને વીંધી જ નાખત. હવે તમે જ કહો હેમાજી આ ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી જ જાય ને? હેમાજી તો વાવાઝોડામાં ફસાયા પણ તમે વિચારોના વાવાઝોડામાં ફસાઈ જાવ ને તે પહેલાં મારે કોઈ એક્શન લેવું પડશે નહીં તો .... ડ્રીમ ગર્લ હેમામાલીની ની વાત કરીએ પછી ધરમ પાજી ની વાત તો કરવી જ પડે ને? ધરમજી ઘણા ખરા સ્ટંટ સીન્સ જાતે જ ભજવવાનો આગ્રહ રાખતા અને એવા સીન્સ કરતા તમને કેટલીક વાર ઈજાઓ પણ થઈ છે.જો કે અત્યારે તો ફિલ્મ"બગાવત" ના શૂટિંગ વખતની વાત યાદ કરીએ. ફિલ્મ"બગાવત" માટે એક મેળાનો સેટ તૈયાર કરાયો. જ્યાં એક એક્શન સીન ફિલ્માવવાનો હતો. દ્રશ્ય મુજબ ધર્મેન્દ્ર એક ઘોડા પર સવાર થયા.ઘોડાને દોડાવ્યો.આજુબાજુ બીજા ઘોડા ઉપર સૈનિકોના વેશમાં જુનિયર કલાકારો હતા.સૈનિકો સાથે લડતા લડતા ધરમજીએ એક દુકાનમાંથી પસાર થઈ બીજી તરફ નીકળવાનું હતું. જ્યારે ઘોડો દુકાનની અંદરથી બહાર નીકળતો હતો ત્યારે ધર્મેન્દ્રનું માથું દુકાન ના એક વાંસ સાથે અથડાયું.ધરમજીએ કાબુ ન રાખ્યો હોત તો એમને માથામાં ગંભીર ઈજા થઈ હોત પણ તેમણે સમયસર સંભાળી લીધું અને મોટો અકસ્માત થતા અટક્યો.જો કે અત્યારે મારી કલમ અટકવાની નથી કારણકે મારે તમારી સાથે યાદ કરવો છે સ્ટંટમેન દમદાર દિલાવરને.વાત એ સમયની છે કે જ્યારે ફિલ્મ"હમરાહી"નો એક ખતરનાક સ્ટંટ શૂટ થઈ રહ્યો હતો એક નદી પર. દ્રશ્ય એવું હતું કે નદી પરનો પુલ તૂટી ગયો છે અને મોટર સાયકલ પર સવાર હીરો હવામાં બાઇક સાથે છલાંગ લગાવી પુલની પેલે પાર પહોંચે છે.હવે આટલો જોખમી સીન હોય એટલે ડુપ્લીકેટ પર જ તે ફિલ્મમાંવો પડે ખરુંને? તેથી દિલાવરને સ્ટંટ ભજવવા બોલાવાયો.મોટર બાઈક સાથે દિલાવર તૈયાર થઈ પુલના એક છેડે ઊભો હતો. "એક્શન"ડાયરેક્ટરનો આદેશ થતાં જ તેણે બાઈક દોડાવી,ઝડપ વધારી,હવામાં ઊંચે ઉછાળી અને જેવો તે અધ્ધર ઉછળ્યો કે બાઈકનું એન્જિન ફેલ થઈ ગયું તે સાથે જ યુનિટના તમામ સભ્યોનો જીવ અધ્ધર થઈ ગયો. જ્યોત જોતા માં બધાની નજર સામે દિલાવર પુલના બીજા છેડે પહોંચવા ને બદલે નદીની વચ્ચોવચ બાઇક સાથે પડ્યો.નદીમાં પાણી ઓછું હતું અને મોટા મોટા પથ્થરો હતા તેથી દિલાવર પડતા વેંત બેહોશ થઈ ગયો.હાથ પગના હાડકા ભાંગી ગયા. તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડાયો સમયસર સારવાર મળતા તે બચી તો ગયો પણ હાથે અને પગે સ્ટીલની પ્લેટો સાથે આજે તે અપંગ અવસ્થામાં જીવી રહ્યો છે. આવા દિલેર ,જાંબાઝ , ખતરો કે ખિલાડી સાચા અર્થમાં સિનેમાના સ્ટાર્સ છે તમે પણ તે વાત માનો છો ને ? સીનેજગતના આવા તમામ સ્ટંટ વીરો કે પ્રાણીઓ જેમણે દર્શકો માટે ફિલ્મના દ્રશ્યો જીવંત બનાવવા જાનની બાજી લગાવી તેમને લાખો સલામી.
તો ફરી મળીશું માતૃ ભારતી ના પ્લેટફોર્મ પર રેટ્રોની મેટ્રોમાં એક નવી વાત સાથે.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.