Behind the hostel... in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | હોસ્ટેલની પાછળ...

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

હોસ્ટેલની પાછળ...

“ અરે યાર તારે આવવું હોય તો ચાલ નહિતર હું એકલી જ જાઉં છું."

“ ના, હું નથી આવવાની મને રાત્રે બહાર નીકળતા ડર લાગે છે. અને તું જે જગ્યાએ કહે છે ત્યાં તો.... રામા રામા..! ત્યાંથી કદાચ જીવતાં બચી જઈએ અને ટેકરને ખબર પડી જાય તો ટેકર (ગૃહમાતા) આપણને જીવતાં જ ન રહેવા દે."

“ બહાના ના બનાવ, તું રહેવા જ દે ડરપોક, આમ બી બીકણ સસલીનું ત્યાં કોઈ કામ નથી. કુંભકર્ણ તું ઊંઘી જા. ગુડ નાઈટ."

“ પાગલ છોકરી..! તું આટલી જિદ્દી કેમ છે...!? સાચે ત્યાં ભૂત હશે તો? "

“ એ બેન એ બધી અફવાઓ છે. રીયલ લાઈફમાં ભૂત બૂત કશું જ નથી હોતું સમજી."

“ અફવાઓ નથી હકીકત છે. અને કાલે તે જ ચારણ સરના લેકચરમાં બધાંની વચ્ચે કહ્યું હતું. "

“ હા એતો સર એ પ્રશ્ન જ એવો પૂછ્યો હતો કે જવાબ આપવો જરૂરી હતો."

“ હા તો સાચું તો કહ્યું હતું તે કે જ્યાં પવિત્ર આત્માઓ હોય ત્યાં અપવિત્ર આત્માઓ પણ હોવાની જ."

“ અચ્છા..! તો તું જ જણાવ કે તે ક્યારેય જોઈ છે એ અન્નાની આત્મા?"

“ મેં નથી જોઈ કિંતુ આપણા હોસ્ટેલની રેશ્મા એ જોઈ હતી અને એ પછી રેશ્માએ હંમેશા માટે હોસ્ટેલને છોડી દીધી."

“ હોઈ શકે ને કે રેશ્માએ ઘરે રહેવા માટે જ આ જૂઠ બોલી હોય..!"

“ ખરેખર, તને કંઈ કહેવું જ બેકાર છે."

“ અરે...! સાવ આવું! કંઈ નહિ હું જવ છું."

“ ચીકુ ઉભી રે હું પણ આવું છું." ચીકુને એકલી જતી જોઈને ગટ્ટુ પણ ના છૂટકે તેની પાછળ પાછળ આવવા લાગી.

રાતના બરાબર બારના ટકોરે આ બંને મિત્રો તેમની હોસ્ટેલની પાછળ આવેલ સ્મશાનમાં જવા માટે નીકળી પડી.

હોસ્ટેલમાં ઘણાં બધાં નિયમો હતાં જેમાંથી એક નિયમ એવો પણ હતો કે રાતના આઠ વાગ્યા પછી ના તો કોઈને હોસ્ટેલની બહાર જવાનું કે નાહી કોઈને અંદર આવવા દેવાનું. હોસ્ટેલના ટેકર ખૂબ જ કડક હતા.

હોસ્ટેલની ઘણી બધી છોકરીઓ પાસેથી સાંભળ્યું હતું કે હોસ્ટેલની પાછળ જે સ્મશાન છે ત્યાં આત્માઓ ભટકે છે. રાત્રે ઘણી વાર સ્મશાનમાંથી એવા એવાં અવાજો આવતા કે બધી છોકરીઓ પોત પોતાના રૂમની બારીઓ તેમજ દરવાજા બંદ કરીને જ સૂતી. (ફકત આ બંનેના રૂમની જ બારી ખુલ્લી રહેતી.) અને એક અન્ના નામની આત્મા તો ફેમસ જ થઈ ગઈ. મતલબ હોસ્ટેલમાં એવું કોઈ નહિ હોય જે અન્નાને ના ઓળખતું હોય. હા, ચીકુ સિવાય..!

યાની કી એક ચીકુ જ રહી ગઈ અન્નાની મુહદેખાઈ દેખ્યા વિના, સાચે બધાએ અન્નાને પ્રત્યક્ષ જોયો હશે? આજ પ્રશ્ન મનમાં થયા કરતો. ચલો કોઈ નહિ આજે તો અન્નાની મુહદેખાઈ પાક્કી જ અને હા જો અન્ના નજરે આવે તો એક સેલ્ફી તો બને જ એટલાં માટે ફોન પણ સાથે લઈ લીધો.

“ યાર ચીકુ પાક્કું તું કોઈ દિવસ યમરાજને આમંત્રણ મોકલાવી જ દઈશ."

“ ચૂપ કર ડરપોક અને થોડી ધીમી ચાલ. તારા પગ કેટલાં અવાજ કરે છે."

રાતના બાર વાગ્યે હોસ્ટેલ એકદમ સૂનસાન લાગી રહી હતી. દરેક રૂમ બહારના બલ્બ પણ બંધ હતા. આમ તો રોજે બાર વાગ્યા સુધી બધી છોકરીઓ વાંચતી હોય એટલે રૂમ બહારના અને અંદરના બન્ને બલ્બ ચાલુ હોય કિંતુ આજે રવિવાર હતો. સમજોને કે રવિવાર એટલે મોજવાર..! આજે હોસ્ટેલના દરેક નિયમોમાંથી છુટ્ટી એટલે મોજ તો હોય જ ને..!

હોસ્ટેલના ઉપરના માળેથી નીચે ઉતરવા માટે જે પગથિયાં હતાં ત્યાં એક બલ્બ ચાલુ હતો. ચીકુ અને ગટ્ટુ ધીમે ધીમે પગથિયાં ઉતરવા લાગી.

“ અરે બાપરે..! મરી ગયા."

“ શું ભૂત જોઈ લીધું?" ગટ્ટુ એ ડરતા ડરતા પૂછી લીધું.

“ અરે નહિ ડરપોક, સામે જો. મેઇન ગેટ તો બંદ છે. અને ગાર્ડ કાકા પણ ત્યાં હાજર હશે."

“ મારી પાસે એક બેસ્ટ આઈડિયા છે." ગટ્ટુ એ ઉતાવળ દાખવતાં કહ્યું.

“હા તો જલ્દી જણાવને.."

“ આપણે પાછા આપણા રૂમમાં જતાં રહીએ અને નિરાંતે ઊંઘી જઈએ."ગટ્ટુ એ મનમાં હતું એ મોઢા પર લાવી દીધું.

“ સાચે લી તું મારા હાથની ક્યારેક માર જરૂરથી ખાઈશ." ચીકુ એ ગટ્ટુના આઈડિયા ઉપર ગુસ્સો આવતાં કહ્યું.

“ હા યાદ આવ્યું પાછળની તરફ જે નાનો દરવાજો છે ત્યાંથી નીકળી જઈએ." ચીકુને યાદ આવતાં કહ્યું.

“ ગમે તે થઈ જાય જવું એ જવું હેને..!" ગટ્ટુ એ નારાજગી દાખવતાં કહ્યું.

“ હા તો મહામહેનતે નીચે સુધી આવ્યાં છીએ અને પાછા જતાં રહીએ તો મજા ના આવે ને. નીચે સુધી દબાતા પગલે આવ્યા એ પણ વ્યર્થ જાય."

“ હજુ કહું છું પાછા જતાં રહીએ ખામખા કંઈ થઈ ગયું તો? આપણે અહીં સ્ટડી કરવા આવ્યા છીએ નહિ કે ભૂતને શોધવા સો આપણે પાછા આપણા રૂમમાં..." ગટ્ટુ હજુ તેનું વાક્ય પૂરું કરે એ પેલા ચીકુ વચ્ચે બોલી પડી,

“ જો તારે આવવું હોય તો આવ બાકી હું તને ફોર્સ નથી કરતી. અને હા સાચી મિત્ર એજ હોય જે મુસીબતમાં હંમેશા સાથ આપે. અને મોટા હોવાના નાતે નાનાની જવાબદારી અને સલામતી રાખવી એ મોટાની જવાબદારી હોય છે." ચીકુ એ જતાં જતાં ગટ્ટુને એવા લાગણી ભર્યા શબ્દો કહ્યા કે...“ અરે યાર, ફરી તું મારી લાગણીઓને ઢંઢોળી ગઈ." ગટ્ટુ ચીકુની પાછળ આવતાં કહ્યું.

“ હાશ..! જો આખરે આંખોની સામે જ સ્વર્ગનું દ્વાર મળી ગયું."

“ એ સ્વર્ગનું નહીં નર્કનું દ્વાર છે. આપણે કોઈ બગીચામાં યા કેફેમાં ટાઈમ પસાર કરવા નથી જતાં સ્મશાનની યાત્રા કરવા જઈએ છીએ."ગટ્ટુ એ ચીકુના માથામાં ટપલી મારતાં કહ્યું.

“ ઓહ હા..! હું તો ખુશીમાં ને ખુશીમાં ભૂલી ગઈ." ચીકુએ માથામાં ખંજવાળતા કહ્યું.

“ ખુશી? તું પાગલ છે!?"

“ હા !"

“ સાચે છોકરી તું પાગલ છે."

“અરે ના હું પાગલ નથી હા નો તાત્પર્ય એ હતો કે હા ખુશી..! નહિ કે હા હું પાગલ છું."

“ તું કેટલું બોલે છે મોઢું નથી દુઃખતું?"

“ ના રે.. !" ચીકુ એ હાસ્ય સાથે જવાબ આપ્યો કારણ કે તે જાણતી હતી કે ગટ્ટુ તેને ગુસ્સો પ્રગટાવવા માટે જ આ બધું કહી રહી હતી. ક્યાંક ગુસ્સો આવેને ભૂતની પાસે જવાનું માંડીવાળે તો, પણ આ જિદ્દી એમ થોડી પોતાની જિદ્દ છોડે.

“ તારું મોઢું દુઃખે કે ના દુઃખે પણ મને માથું જરૂર દુઃખવા લાવે છે."

“ હા તો વાંધો નહીં, હું માલિશ કરી આપીશ બસ. ચાલ હવે અહીં રાત્રિ રોકાણ નથી કરવાનું."

ચીકુ અને ગટ્ટુ હોસ્ટેલની પાછળ જે નાનો દરવાજો હતો ત્યાં પહોચી અને ધીમેથી દરવાજો ખૂલ્યો. સૂનસાન રાત હતી જેથી દરવાજાએ થોડો અવાજ કર્યો જે શાંત વાતાવરણના કારણે સંભળાઈ રહ્યો હતો.

હાશ...!આખરે ચીકુ અને ગટ્ટુ હોસ્ટેલ બહાર કોઈની નજરમાં આવ્યાં વિના જ નીકળી ગયા. એક મુશ્કેલી પાર પડી પરંતુ હજુ આગળ શું થશે તેનું કંઈ નક્કી નહોતું.

આ હોસ્ટેલની પાછળનો દરવાજો સીધો સ્મશાનમાં જ ખૂલતો જેથી વધુ આગળ ચાલવાની જરૂરત ન હતી. બંને મિત્રો આખરે આવી પહોંચ્યા હતા.

ચોમાસાનો સમય હતો એટલે કાળાડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું જેથી રાત વધુ કાળી લાગી રહી હતી. વાતાવરણ એકદમ શાંત હતું. મુસીબત પહેલાની જે શાંતિ હોય એવી જ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. એકાએક એક પક્ષીનો જોરથી જોરથી અવાજ સંભળાઈ આવ્યો.

“ યાર ચીકુ સાચે આ પક્ષી જ અન્ના બનીને આવ્યું હશે નહિતર આટલી રાત્રે આકાશમાં કેવી રીતે જોઈ શકે. પક્ષીઓ તો અંધારામાં આંધળા હોય!"

“ ઉલ્લું..." ચીકુએ જોરથી ચિલ્લાઈને કહ્યું.

“ તું મને ઉલ્લું કહે છે?" ગટ્ટુએ નાક ચડાવતાં કહ્યું.

“ અરે બાપા..! એ ઉલ્લું મતલબ કી ઘુવડ છે."

“ ઓહ! તો પેલા સ્પષ્ટતા કરવી જોઈએને.."

“ દરેક બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી હોય! અને મેં સાચું તો કહ્યું હતું ઉલ્લુ...!" ચીકુ એ મનમાં હસતાં હસતાં કહ્યું.

ગટ્ટુ હજુ ઉલ્લુની બાબતે વિચારી રહી હતી કે આખરે ચીકુ એ ઉલ્લુ કોને કહ્યું ત્યાં ચીકુ બોલી,

“ દેવી! તમારા વિચારોને અહીં ત્યજી દઈને આપ આગળ વધવાનું કષ્ટ કરશો ખરાં!?"

” જી બાલિકે આપ કદમ બઢાયે જાઓ હમ તુમ્હારે સાથ હૈ. ડર તે હૈ તો ક્યાં હુઆ ડર કે આગે જીત હૈ." ગટ્ટુ
એ કહ્યું.

“ હા એમજ ડરતી જા પર કરતી જા." ચીકુ એ વધુમાં ઉમેર્યું.

હવે બંને મિત્રો સ્મશાનની વચોવચ આવી પહોંચ્યા હતા. જ્યાં એક લોખંડનો ખાટલો પડ્યો હતો તેમજ તેની આજુબાજુ કાપડના ટુકડા બાંધેલા હતા. ખાટલાની બાજુમાં એક ઘટાદાર વૃક્ષ ઉભુ હતું. જે વૃક્ષ પરથી ચામાચીડિયાંનો અવાજ આવતો હતો.

“ અન્ના, અન્ના ક્યાં છો આપ?"

“ એય ચીકુ શું કરે છે તું, તું તો મોતને સામેથી આમંત્રણ આપે છે લી.. તને તારી ચિંતા ના હોય તો કંઈ નહિ મારી તો ચિંતા કર. હું આટલી નાની ઉંમરમાં મરવા નથી માંગતી."

“ ચૂપ! એકદમ ચૂપ..." ચીકુ એ મોટેથી કહ્યું.

અવાજ થતાની સાથે વૃક્ષ પર રહેલાં ચામાચીડિયાં ગભરાઈને એકસામટા ઉડવા લાગ્યા. વૃક્ષના પાંદડા અવાજ કરવા લાગ્યા. તેમજ વાદળોથી ઘેરાયેલું આકાશ વાદળ અથડાવાથી ગાજવા લાગ્યું. શાંત વાતાવરણ અચાનક ડોહળાઈ ગયું. નિત્યક્રમ મુજબ પવન અદ્રશ્ય રીતે વહી રહ્યો હતો ફક્ત સૂસવાટા અને ઠંડક અનુભવી શકાતી હતી. સ્મશાનમાં રહેલી રાખ વાયુના કારણે ધરતી પરથી આકાશ તરફ ઝોલા ખાઈ રહી હતી.

ખરેખર આ દ્રશ્ય ભોજા જેવા ભડ આદમીને પણ ડરાવી દે એવું હતું. તો પછી આ કોમળ કાળજાની છોકરીનું શું ગજું!?

“ ખરેખર કોઈ ફિલ્મ ડાયરેક્ટરને પોતાની હોરર ફિલ્મ માટે કોઈ જગ્યાનું ગોઠાણ કરવું હોય તો અહીં જ કરવું. જેથી તેમને હોરર સેટઅપ પણ તૈયાર ન કરવો પડે." ફિલ્હાલ ચીકુના શબ્દો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા હતાં.

“ સટાપ..! એક તો તારા કારણે અર્ધી રાત્રે અહીં ભટકીએ છીએ અને ઉપરથી તને ફિલ્મના હોરર સેટઅપ વિશે પડી છે. આ ભૂત જોવાની જિદ્દ પણ તને ત્યાંથી જ પડી છે." અંતે ગટ્ટુના મોંઢામાંથી જવાળામુખી ફાટી ખરી.

“ પણ યાર...." ચીકુ હજુ બોલતી જ હતી ત્યાં,
“ ચીકુ તારી પાછળ જો..." ગટ્ટુ ડર સાથે બોલી.

ચીકુ એ પાછળની તરફ નજર ફેરવી તો તે કંપી ઉઠી. એક કાળી કદાવર બિલાડી ઠીક તેની પાછળ ઉભી હતી. તેની આંખો અંધારામાં પણ ચમકી રહી હતી. તે બિલાડી દૂરથી ઉભી ઉભી બોલી રહી હતી, “મ્યાઉં મ્યાઉં!"

મૈં આઉ મૈં આઉ તેના અવાજમાંથી શબ્દો ઉત્પન્ન થઈ રહ્યા હતા. આ ભ્રમ હતો કે કેમ એ સમજવું ઘણું મુશ્કેલ હતું. હજુ આ બન્ને મિત્રો મુંજવણમાં હતા ત્યાં બિલાડીની પાછળથી દૂરથી કૂતરાઓનો ભસવાનો અવાજ આવ્યો.

ગટ્ટુ અને ચીકુની નજર બિલાડી તરફ મંડાયેલી હતી ત્યાં કૂતરાઓ નજરે ચડ્યાં અને કૂતરાઓની પાછળ જે પડછાયો હતો... ત્યારે એ કોમળ કાળજાઓને ખબર પડી કે ડર કોને કહેવાય!

હનુમાનજીનું નામ લઈને બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને એવી તો ભાગી કે સીધી હોસ્ટેલના ઉપરના માળે જઈને ઉભી રહી ગઈ. હજુ માંડ શ્વાસ લીધો ન લીધો ત્યાં એક અવાજ કાને પડ્યો,

“ આટલી રાત્રે તમે બન્ને રૂમની બહાર શું કરો છો?"

“ હવે તો ગયા જ સમજો.." ગટ્ટુએ કહ્યું.

“ તું ચૂપ રહે ફક્ત હું કહું એમ એમ કરતી જા.." આંખો બંધ કરી દે " ચીકુ એ ગટ્ટુને કહ્યું. ગટ્ટુએ ચૂપચાપ આંખો બંધ કરી દીધી કારણ કે એ જાણતી હતી કે ચીકુ ને કઈક ધાકડ આઈડિયા યાદ આવ્યો હશે.

” ક્યારેક તો મારા પ્રશ્નનો પ્રત્યુતર જલ્દી આપવાનું રાખો."

ઊંઘમાંથી ઉઠેલી એ આંખો લાલ લાલ દેખાઈ રહી હતી. માથા પરના લાંબા વાળ અસ્તવ્યસ્ત રીતે વિખરાયેલા હતા. વ્હાઈટ કલરના નાઇટ ડ્રેસમાં એકદમ ચુડેલ જેવાં દેખાઈ રહેલા ટેકર ( વોર્ડન ) આંખોની સામે ઉભા હતા. સ્મશાનના એ ભૂતથી તો પીછો છૂટ્યો કિંતુ હવે અહીં.. અહીં તો પ્રત્યક્ષ ભેટો થઈ ગયો.

“ પેલીએ કેમ આંખો બંધ કરી છે?" ટેકરે નજીક આવતાં ફરી પ્રશ્ન કર્યો. આ વખતે ચૂપી તોડવી આવશ્યક હતી.

“ અરે મેમ એતો એને સ્લીપવોકિંગની બીમારી છે ને એટલે, આતો હું સમય રહેતાં જાગી ગઈ અને એને રૂમમાં ના જોઈ તો બહાર આવીને જોયું તો આને નીચે ઉતરતાં જોઈ. બૂમ લગાવી પણ સાંભળી નહિ તેથી થયું કે ચોક્કસ આ ઊંઘમાં ચાલતી હશે." ચીકુએ મસમોટું અસત્ય કહી સંભળાવ્યું.

“ સરસ! જા હવે તેને રૂમમાં લઈ જા અને બન્ને જણ સૂઈ જવ કાલે રવિવાર નથી તો રોજના ટાઈમ મુજબ ઉઠવાનું છે. ખબર છે ને?"

“ જી મેમ જાણું છું. શુભ રાત્રી.."

“ શુભ રાત્રી!" ટેકર આટલું કહીને પોતાના રૂમ તરફ જવા લાગ્યાં.

ગટ્ટુ અને ચીકુ પણ પોતાના રૂમમાં જઈને તરત રૂમનો દરવાજો બંદ કરી દીધો.

“ હાશ...! બચી ગયા." ગટ્ટુએ રાહતનો શ્વાસ લેતાં કહ્યું.

“ હા સ્મશાનમાં પણ અને અહીં પણ..." ચીકુએ વધુમાં ઉમેરતાં કહ્યું.

ગટ્ટુ એ ચીકુ સામે ગુસ્સા ભરેલી નજરે જોયું.

“સોરી યાર,જિદ્દ હતી મારી બેકાર...! હવે ક્યારેય ભૂતની શોધ નહીં કરું પ્લીઝ માફ કરી દે." ચીકુએ માસૂમ બાળકના શબ્દોમાં કહ્યું.

ગટ્ટુ થોડીવાર તો એમજ ગુસ્સા ભરેલી આંખે જોઈ રહી પછી ચીકુને ગળે લગાવીને હસવા લાગી.

બન્ને મિત્રો આજે મન ભરીને હસ્યા. આજનો રવિવાર સાચે મોજવાર સાબિત થયો.

બન્ને ખુલીને હસી રહ્યા હતા ત્યાં ખુલ્લી બારીમાંથી, સ્મશાનમાંથી ડરાવી દે એવા અવાજ સંભળાયા. બન્ને મિત્રો તુરંત ચાદર ઓઢીને સૂઈ ગઈ. બારી બંદ કરવા જવાની પણ હિંમત ન કરી શક્યા.

મારા ખ્યાલથી હોસ્ટેલના એ રૂમની બારી કાલથી હંમેશા માટે બંદ જ રહેશે.😂

The End....🧟‍♂️

- Jignya Rajput