બાળકોએ શું નિયમિત કરવું જોઈએ?
વ્હાલાં બાળકો.
આજે હું તમને એક બાળક રોજ શું કરે અને એણે કેવાં કેવાં કામ નિયમિત કરવાં જોઈએ એ અંગે વાત કરીશ તમે સૌ ધ્યાનથી વાંચજો અને વિચારજો. અહીં લખેલ પૈકી તમે શું શું કરો છો અને શું નથી થઈ શકતું તે સ્પષ્ટ થશે. આ વાંચીને જાતે જ મનોમન નક્કી કરી લેજો. તે અંગે મનોમન તમારી જાતને ચકાસજો. તો આ વિગત વાંચવી શરૂ કરો. તૈયાર છોને આ માટે. આજનો વિષય છે. બાળકે રોજ શું શું કરવું જોઈએ?
વહેલા જાગવું:
રાત્રે વહેલાં જે સુએ વહેલાં ઉઠે વીર,
બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર.
વહેલાં જાગવાથી કેટલો બધો ફાયદો થાય છે? ઉપર આપેલી એક જ પંક્તિમાં ઘણું બધું સમજાઈ જાય છે.
હળવી કસરત:
હળવી કસરત કરવાથી શરીરના દરેક અંગોમાં પૂરતો ઑક્સિજન પહોંચીને કોષોને તંદુરસ્ત રાખે છે. મગજને એક્ટિવ બને છે. યાદ શક્તિ વધે છે અને આળસ દૂર થાય છે. ચહેરા પરનું તેજ વધે છે.
ધ્યાન અને પ્રાર્થના:
નિયમિત ધ્યાન અને પ્રાર્થના માટે સવારે થોડો સમય કાઢવો જોઈએ. શરૂઆત બે મિનિટથી કરો અને જૂવો તમારી અંદર કેટલો આત્મવિશ્વાસ વધી ગયો છે ! થોડું પણ નિયમિત કરો.
શાળાએ જવું:
નિયમિત શાળાએ જવું એ પણ એક સારી ટેવ છે. કેટલાક બાળકોને કોઈપણ કારણ વગર કે નજીવા કારણસર શાળામાં રજા પાડવાની ટેવ હોય છે. મમ્મીને બજારમાં ખરીદી માટે જવાનું હોય તો પણ જીદ કરીને મમ્મી જોડે જાય અને શાળાએ રજા પડે. આવા નિરર્થક કારણોસર શાળાએ રજા પાડવાથી આપણો અભ્યાસ બગડે છે સાથોસાથ આપણી નિયમિતતા ભંગ થાય છે.
વ્યક્તિગત શોખ માટે સમય:
જી હા બાળકો, આપણાં જીવનમાં કોઈ એક શોખ એવો પણ હોવો જોઈએ જેમાં આપણને ખૂબ આનંદ થતો હોય. ઉદાહરણરૂપે જોઈએ તો, ચિત્ર દોરવા, વાર્તા લખવી, સારા પુસ્તકો વાંચવા, સંગીત અને નૃત્ય. જે કંઈપણ ગમે તે નિયમિત કરવું જોઈએ.
નાનાં ને શીખવવું:
' જ્ઞાન દાનં મહા દાનં.' કેટલાક બાળકોને મનમાં એવું હોય છે કે, હું જો મને સારી આવડતી વસ્તુને બીજાને શીખવીશ તો બધાં મારાથી આગળ નીકળી જશે અથવા બધાંને આવડ્યા પછી મારી કોઈ કિંમત નહીં રહે. આવું કદી વિચારાય નહીં. આપણને જે આવડે છે તે બધાંને જ શીખવવું જોઈએ. આપણાથી નાના હોય તેમને પણ શીખવવું જોઈએ. તે પછી ગમે તે કામ હોય. ભણવાનું હોય, ઘરકામ, સંગીત, બાગકામ, રસોઈકામ હોય કે જે કંઈ પણ કામ હોય. સૌને શીખવીએ સૌ રાજી રહીએ.
સભ્યો સાથે ચર્ચા:
આખા દિવસ દરમ્યાન શાળામાં કે મિત્રો સાથે જે કંઈ પણ બન્યું હોય નવીન કંઇક જાણ્યું હોય, નવું નવું શીખ્યા હોય તે બધું જ ઘરનાં સભ્યો સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. તેનાથી એકબીજાની વાતો જાણવાની મઝા આવે અને આપણને કંઈક નવું શીખવા મળે.
સ્વ કાર્ય:
પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખવો. પોતાનાં કપડાં, કબાટ, બુટ - ચંપલ, પુસ્તકો અને નોટબુકો વ્યવસ્થિત રાખવાં. જમ્યા પછી પોતાની થાળી જાતે જ બહાર મૂકવી. હોમવર્ક જાતે જ લખવું, ભાઈ - બહેન કે મમ્મી પાસે લખાવવું નહીં.
રાત્રી પ્રાર્થના:
આખો દિવસ સુખરૂપે પસાર થયા બાદ ભગવાનને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. રાત્રે સૂતાં પહેલાં પથારીમાં બેસીને આખા દિવસમાં બનેલી તમામ ઘટનાઓને યાદ કરીને, જ્યાં જ્યાં આપણી ભૂલ થઈ હોય કે આપણાથી કોઈને દુઃખ થયું હોય તે સર્વે બાબતોની ભગવાન આગળ માફી માંગી લઈ ફરી આવી ભૂલ ન થાય તે માટે શક્તિ માંગીને સૂઈ જવું.
આ બાબતો પૈકી કેટલી બાબતો તમારામાં છે. બધામાં બધું હોય પણ નહીં. પણ જીવાતા જીવનમાં આટલું તો નિયમિત કરવું જ જોઈએ. પોતાના માટે અને બીજાં માટે બાળપણમાં કેટલુંક કરવાથી એની અસર ભવિષ્યમાં થાય છે. જો આ બધી જ બાબતો તમારામાં હોય તો ઉત્તમ પણ જો કેટલીક બાબતો ન હોય તો એને કેળવવા પ્રયત્ન કરશો એવી આશા રાખું છું.
જાગૃતિ પંડ્યા
(આણંદ)