Khauf - 16 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | ખોફ - 16

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

ખોફ - 16

16

પોતાના સાવકા પિતા અમોલના હાથમાંથી બચવા માટે દોડેલી આરસીને ઝાડ પાછળથી કોઈ મજબૂત હાથે પકડીને પોતાની તરફ ખેંચી એટલે આરસીના મોઢેથી ચીસ નીકળી ગઈ. તેને પકડી લેનાર એ મજબૂત હાથે તેને પોતાના તરફ ફેરવીને તેના મોઢા પર એવો ઝન્નાટેદાર તમાચો ઝીંકયો કે તે દૂર ધકેલાઈને જમીન પર પટકાઈ. તેના મોઢેથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તેણે એ મજબૂત હાથવાળા માણસ તરફ જોયું.

-એ માણસે કાળો લાંબો કોટ અને માથે કાળી કૅપ પહેરી હતી. એેણે કૅપ એવી રીતના પહેરી હતી કે એનો ચહેરો દેખાતો નહોતો.

આરસીએ એ માણસ પરથી નજર હટાવીને ડાબી બાજુ, એ માણસની બાજુમાં આવીને ઊભેલા અમોલ તરફ જોયું.

અમોલ મલકયો : ‘દોસ્ત !’ અમોલે એ માણસને કહ્યું : ‘આરસીને તારા ચહેરાના દર્શન તો કરાવ !’

એ માણસે કૅપ અધ્ધર કરી.

હવે આરસી એ માણસનો ચહેરો બરાબર જોઈ શકી. એ ટાઈગર હતો ! તેમની કૉલેજની ફૂટબોલ ટીમનો કૉચ ટાઈગર ! ! રૉકીનો પિતા ટાઈગર ! !

‘આરસી ! અત્યારે ટાઈગર આ રીતના અહીં મારી સાથે છે એની પાછળનું કારણ છે. પચીસ વરસ પહેલાં બનેલી મંજરી તેમ જ એની બેનપણી સુરભિ અને માયાવાળી એ ઘટનામાં ટાઈગર પણ મારી સાથે હતો. એ વખતે ટાઈગર માયા સાથે હતો.’ અમોલ બોલ્યો : ‘અને અત્યારે એણે જ તારી વૅનમાંથી માયાને ગૂમ કરી. તું કૉલેજમાંથી મંજરીની લાશ લઈને નીકળી એટલે મેં ટાઈગરને મોબાઈલ કરી દીધો હતોે.’

‘...અમોલે મોબાઈલ કર્યો ને હું અહીં આવ્યો ત્યારે તું મંજરીના અંતિમ સંસ્કાર માટે ચિતા તૈયાર કરી રહી હતી, ને માયા વૅનમાં ઘેનમાં ઘોરી રહી હતી.’ ટાઈગરે અમોલની વાતનો છેડો આગળ વધાર્યો : ‘મેં માયાને બેહોશ કરીને એને ઝાડ પાછળ છુપાવી દીધી. તું મંજરીની લાશનો અંતિમ સંસ્કાર કરવા જતી હતી, ને મારે તને અમોલ આવે ત્યાં સુધી રોકવી હતી, એટલે મેં વૅનનું હોર્ન વગાડયું અને તારું ધ્યાન વૅન તરફ ખેંચ્યું. તું વૅન પાસે પહોંચે એ પહેલાં જ હું ઝાડ પાછળ સરકી ગયો. તું માયાને ગાયબ જોઈને વિચારમાં પડી, એટલી વારમાં તો અમોલ આવી પહોંચ્યો.’

‘હું મંજરીની લાશ સાથે તારો પણ અંતિમ સંસ્કાર કરવા માંગતો હતો.’ અમોલ બોલ્યો.

‘મને...,’ આરસી બોલી : ‘મને જવા દો. મેં...મેં કયાં તમારું કંઈ બગાડયું છે ? !’

‘બગાડયું કેમ નથી, આરસી ? !’ ટાઈગરના અવાજમાં ગુસ્સો આવી ગયો : ‘તેં અને નીલે મળીને જ તો મારા દીકરા રૉકી તેમ જ એના દોસ્તો વિરાજ, મોહિત અને રોમાને ખતમ કર્યા છે.’

‘અમે...અમે એમને નથી માર્યા.’ આરસી બેઠી થતાં બોલી : ‘એમને તો મંજરીના પ્રેતે ખતમ કર્યા છે.’

‘શું તું અમને મૂરખ સમજે છે ?’ ટાઈગર રોષભેર બોલ્યો : ‘મંજરીનું કોઈ ભૂત-પ્રેત આવતું નથી. તેેં અને નીલે અમારા બાળકોને મોતને ઘાટ ઊતાર્યા. નીલ તો અમોલના હાથે મોતને ઘાટ ઊતરી ગયો, હવે મારા હાથે મરવાનો તારો વારો છે.’ અને ટાઈગરે અમોલ તરફ જોયું : ‘અમોલ ! તું મંજરીની લાશ ચિતા પર મૂક, હું આને લઈ આવું છું.’

‘ઓ. કે.’ જીતભર્યું મલકતાં અમોલ મંજરીની લાશ તરફ વળ્યો અને એ તરફ આગળ વધી ગયો.

ટાઈગર આરસી તરફ આગળ વધ્યો.

‘પ્લીઝ !’ આરસી ઊભી થઈ ગઈ : ‘મને.., મને જવા દો..!’

પણ ટાઈગર રોકાયો નહિ.

આરસી સ્મશાનની અંદરની તરફ વળી ને લંગડાતા પગે દોડી.

ટાઈગર આરસીને પકડી લેવા માટે દોડયો, એ આરસીથી માંડ એકાદ પગલું દૂર રહ્યો, ત્યાં જ અચાનક જ એક તરફથી માયા ધસી આવી અને તે વીફરેલી વાઘણની જેમ ટાઈગર પર કૂદી પડી. અચાનક થયેલા આ હુમલાથી ટાઈગર પોતાનું સમતોલન જાળવી શકયો નહિ. તે જમીન પર પટકાયો. માયા તેની પર સવાર થઈ ગઈ અને તેના માથાના વાળ પકડી લીધાં.

‘અમોલ ! આ માયાની બચ્ચી આવી ગઈ !’ ટાઈગર વાળ ખેંચાવાની પીડા દબાવતાં, પોતાની છાતી પરથી માયાને દૂર હડસેલવાનો પ્રયત્ન કરતાં ચિલ્લાયો : ‘આરસીને પકડ, નહિતર એ આપણાં હાથમાંથી છટકી જશે.’

આટલી વારમાં અમોલનું ધ્યાન આ તરફ પડી ચુકયું હતું અને આ તરફ વળી પણ ચુકયો હતો.

અમોલે ટાઈગર અને માયાને ઝપાઝપી કરતાં જોઈને આરસી તરફ જોયું તો સ્મશાનના અંદરના ભાગ તરફ, થોડાંક પગલાં દૂર સુધી પહોંચી ગયેલી આરસી ડાબી બાજુ આવેલા ઝાડના થડ પાછળ વળીને દેખાતી બંધ થઈ ગઈ.

એક ગંદી ગાળ બકતાં અમોલ હાથમાં પકડાયેલા મોટા લાકડા સાથે આરસી જે ઝાડ પાછળ અદૃશ્ય થઈ હતી એ તરફ દોડયો.

તે લાંબી ફર્લાંગો ભરતાં એ ઝાડ પાસે પહોંચ્યો અને ડાબી બાજુ વળીને જોયું.

આરસી દેખાઈ નહિ.

સામે ડાબી-જમણી બાજુ ઝાડ આવેલા હતા.

અમોલ દબાતા પગલે બન્ને બાજુ જોતો આગળ વધ્યો. તેના ચહેરા પર આરસી દેખાય કે તુરત જ આરસીના માથા પર હાથમાંનું લાકડું ફટકારીને એની લાશ ઢાળી દેવાનું ઝનૂન ઊછાળા મારવા માડયું હતું.

તો જમણી બાજુના આઠમા ઝાડ પાછળ આરસી ઊભી હતી. અમોલને પોતાના શ્વાસનો અવાજ સંભળાઈ ન જાય એટલા માટે આરસી જાણે શ્વાસ રોકીને ઊભી હતી. તેના ચહેરા પર ભય હતો. તેને ખ્યાલ આવી ગયો હતો. તે હવે અમોલના હાથમાં ચઢે તો જીવતી બચી શકવાની નહોતી.

તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા માંડી.

ત્યારે તેનાથી થોડેક દૂર, ટાઈગર અને માયાની ઝપાઝપી હજુ પણ ચાલુ હતી. માયાએ ટાઈગરના વાળ પકડી રાખ્યા હતા અને તે ટાઈગરને ચામાચિડીયાની જેમ વળગેલી હતી. માયાને ખ્યાલ હતો કે, તે ટાઈગરને પોતાની પકડમાંથી છોડી દે તો પછી ટાઈગર માટે તેને ખતમ કરવી સાવ આસાન કામ હતું. ટાઈગરને કોઈ ઈજા પમાડીને, એની તાકાત ઢીલી કરીને જ તે ટાઈગરના હાથમાંથી છટકી શકે એમ હતી. અને તેને અત્યારે એક વિચાર આવ્યો, પણ એ જ પળે ટાઈગરે તેના વાળ પકડી લીધા અને ખેંચ્યા. માયા ટાઈગરના ચહેરા તરફ ખેંચાઈ ગઈ અને ટાઈગર કંઈ સમજે એ પહેલાં તેણે ટાઈગરના જમણા કાનની બૂટ પર  જોરથી બચકું ભરી લીધું.

ટાઈગર પીડાથી ચીસ પાડી ઊઠયો. ટાઈગરના કાનની બૂટમાંથી લોહી નીકળવાની સાથે જ એની આંખે અંધારા છવાઈ ગયાં.

ટાઈગરની આંખ સામેથી અંધારા દૂર થયાં, એ જ પળે માયા એના શરીર પરથી સ્પ્રિંગની જેમ ઊછળીને ઊભી થઈ ગઈ. એ માયાનો પગ પકડી લેવા ગયો, પણ માયા દૂર દોડી ગઈ.

ટાઈગર કાનની બૂટ દબાવતાં ઊભો ગયો, એટલી વારમાં તો માયા આઠ દસ પગલાં દૂર દોડી ચુકી હતી.

ટાઈગરની આંખોમાં લોહી ધસી આવ્યું. એ માયાને પકડી લેવા માટે માયાની પાછળ દોડયો.

ત્યારે થોડેક દૂર, આરસી હજુ પણ એ ઝાડ પાછળ છુપાયેલી હતી.

અમોલ એ ઝાડની નજીક પહોંચી ચુકયો હતો. જો આરસી જરા પણ હાલે-ચાલે તો પણ અમોલનું ધ્યાન આરસી તરફ ખેંચાઈ જાય એમ હતું.

ઉંઉંઉંઉંઉંઊં.......! અચાનક જ અડધી રાતના આ સન્નાટામાં કોઈ કૂતરાના ગુંજી ઊઠેલા અવાજે આરસીનો ભય બેવડાવી દીધો.

તો ઝાડના થડની પેલી તરફ, બે પગલાં દૂર ઊભેલા અને કાન સરવા કરીને આરસીને શોધી કાઢવાનો પ્રયત્ન કરી રહેલા અમોલના કાને કૂતરાના રડવાનો આ અવાજ અફળાયો અને એનું હૃદય પણ એક ધબકાર ચુકી ગયું. ફરી હૃદયના ધબકાર બરાબર થયા અને અમોલ જમણી બાજુ, જે ઝાડના થડ પાછળ આરસી છુપાયેલી હતી એ તરફ જોવા ગયો, ત્યાં જ તેના કાને ડાબી બાજુના ઝાડ પાછળથી કોઈના પગલાંનો અવાજ સંભળાયો.

અમોલ ડાબી બાજુ વળીને બે લાંબી ફર્લાંગો ભરીને એ ઝાડ પાછળ પહોંચ્યો અને જોયું તો થોડાંક પગલાં દૂર કોઈ દોડીને ઝાડીઓ પાછળ ચાલ્યું ગયું હોય એવું લાગ્યું.

‘તું મારા હાથમાંથી નહિ બચી શકે, આરસી !’ મનોમન ધુંધવાટભેર બબડતાં અમોલ એ તરફ આગળ વધી ગયો.

તો અહીંથી થોડેક દૂર, ટાઈગર ધૂંધવાટભેર ઊભો હતો.

તેની કાનની બૂટ કરડીને માયા દોડી ગઈ, એટલે તેણે માયાનો પીછો શરૂ કર્યો હતો, પણ તે પાંચેક પગલાં દોડયો હશે, ત્યાં જ તેને ઠોકર વાગી હતી અને તે જમીન પર પટકાયો હતો. તે પાછો ઊભો થયો હતો એટલી વારમાં તો માયા તેની નજર સામેથી ઓઝલ થઈ ચુકી હતી.

‘માયા !’ અત્યારે હવે ટાઈગર ધીમા પગલાં ભરતો આગળ વધ્યો : ‘મારાથી ડર નહિ. તું બહાર આવી જા, માયા !’

સન્નાટો છવાયેલો રહ્યો.

‘માયા !’ એ જ રીતે આગળ વધતાં ટાઈગર બોલ્યો : ‘તું નાહકની મારી સાથે આમ બાથડી રહી છે. હું તને મારવા માંગતો નથી. મારે તને મારી નાંખવી હોત તો તું વૅનમાં ઊંઘતી હતી ત્યારે જ હું તને મારી નાંખત. તને કંઈ બેહોશ થોડી કરત.’

સન્નાટો ! માયા તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.

‘માયા !’ ટાઈગર બોલ્યો : ‘એ વખતે અમોલના હાથે મંજરીનું ખૂન થઈ ગયું, એમાં હું એટલો બધો ડરી ગયો હતો કે હું તને ફરી મળવાની હિંમત કરી શકયો નહોતો.’ ટાઈગર બોલ્યો : ‘બાકી આજે પણ તારા માટે મારા દિલમાં એટલો જ પ્રેમ છે.’

‘સાચ્ચે જ !’ આ વખતે માયાનો અવાજ સંભળાયો.

ટાઈગરના મનમાં રાહત આવી ગઈ. ‘માયા મારી વાતોમાં ભરમાઈ રહી છે. એ મારી વાતોમાં આવીને બહાર આવી જાય એટલે પછી એનું મોત નકકી જ છે.’ મન સાથે વાત કરીને ટાઈગરે માયા સાથે વાત કરી : ‘હા,માયા ! હું સાચું કહું છું. તારા સોગંધ ખાઈને કહું છું. હું આજે પણ તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’

‘તું ખરેખર મારી સાથે લગ્ન કરીશ ? !’ માયાનો અવાજ સંભળાયો.

‘હા !’ ટાઈગર બોલ્યો : ‘તું મારી સામે તો આવ.’

આ વખતે ફરી પાછો માયા તરફથી સન્નાટો છવાઈ ગયો.

ટાઈગર જોઈ રહ્યો.

‘માયા, બહાર આવ !’ ટાઈગર બોલવા ગયો, ત્યાં જ થોડાંક પગલાં દૂર આવેલા ઝાડ પાછળથી સળવળાટ સંભળાયો. તે એ તરફ જોઈ રહ્યો અને તેની આંખો ચમકી ઊઠી.

એ ઝાડ પાછળથી માયા બહાર આવીને ઊભી હતી.

‘આવ, માયા !’ ટાઈગરે પોતાના બન્ને હાથ ફેલાવ્યા : ‘મારી પાસે આવ !’

માયા તેની તરફ આવવા માંડી.

ટાઈગર મનોમન ઝૂમી ઊઠયો. ‘ફરી એકવાર માયા તેના હાથે મૂરખ બની ગઈ. પચીસ વરસ પહેલાં માયાએ તેની પાસે પોતાની ઈજ્જતથી હાથ ધોયા હતા અને આજે તેની પાસે માયા પોતાની જિંદગીથી હાથ ધોશે.’

માયા ટાઈગરથી બે પગલાં દૂર ઊભી રહી ગઈ.

ટાઈગર માયા સામે પ્રેમભીનું મુસ્કુરાયો. ‘માયાની ગરદન મારા મજબૂત હાથોમાં ભીંસીને એનો જીવ કાઢી નાંખીશ.’ મન સાથે વાત કરતાં ટાઈગર બે પગલાં ચાલીને માયાની બિલકુલ નજીક પહોંચીને ઊભો રહ્યો.

માયા તેની તરફ તાકી રહી.

તેણે માયાનો ચહેરો પોતાના બન્ને હાથોમાં લીધો. ‘આજે પણ તું પચીસ વરસ પહેલાં જેટલી જ ખુબસુરત લાગી રહી છે.’ ટાઈગર બોલ્યો અને તેણે માયાની ગરદન પર પોતાના બન્ને હાથ મુકયા.

માયા મલકી ને એ જ વખતે ટાઈગરે માયાની ગરદન ભીંસી.

માયા એમ જ ઊભી રહી.

ટાઈગરે માયાની ગરદન પરની ભીંસ ઓર વધારી.

માયા એમ જ ઊભી રહી.

ટાઈગર મુંઝાયો. ‘આ માયાની ગરદન કેમ ભીંસાતી નથી ? ! એનો શ્વાસ કેમ રૂંધાતો નથી ! એને...એને કંઈ પણ થતું ન હોય એમ માયા ઊભી કેમ છે ? !’ ટાઈગરે માયાની ગરદન પરની હાથની ભીંસ ઓર વધારી.

માયા એ જ રીતના ઊભી રહી ને ગમગીનીભર્યું હસી અને એ સાથે જ પલકવારમાં જ માયાનો ચહેરો પલટાયો, અને માયાનો પલટાયેલો એ ચહેરો જોતાં જ ટાઈગરની આંખો ફાટી ગઈ. તેના મોઢેથી જોરદાર ચીસ નીકળી ગઈ.

આ ચીસ થોડેક આગળના ઝાડ પાછળ સંતાયેલી માયાના કાને પડી. માયાએ ડોકિયું કરીને જોયું તો તેને થોડેક દૂર ટાઈગર જમીન પર ઢળી પડતો દેખાયો. ‘આ ટાઈગરે ચીસ કેમ પાડી ? ! એને આ શું થયું ?’ માયાએ વિચાર્યું,

ત્યારે અહીંથી થોડેક દૂર, ઝાડ પાછળ સંતાયેલી આરસીએ વિચાર્યું : ‘...એ ચીસ ટાઈગરની જ લાગતી હતી. માયાએ એનો બરાબરનો સામનો કર્યો લાગે છે. અમોલ આવી પહોંચે એ પહેલાં જો માયા મને બચાવવા....’ અને હજુ તો આરસીનો આ વિચાર પુરો થાય એ પહેલાં જ તેને પીઠ પાછળથી સળવળાટ સંભળાયો. તેણે તુરત જ પાછું વળીને જોયું. નજીકમાં જ ઊભેલો અમોલ તેના માથા પર લાકડાનો વાર કરતો દેખાયો. ચીસ પાડતાં તેણે અમોલનો વાર ચુકવી દેવા માટે ચહેરો ખસેડયો પણ તે મોડી પડી. તેના માથાની જમણી કિનાર પર લાકડું વાગી ગયું. તેની આંખે અંધારાં છવાઈ ગયાં. તેને બધું દેખાવાનું બંધ થઈ ગયું.

થોડીક પળો પછી તેને પળમાં દૃશ્ય દેખાવા અને પળમાં અંધારું દેખાવા માંડયું.

આવું પાંચ-સાત વખત થયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, તે અમોલના બન્ને હાથોમાં ઊંચકાયેલી છે અને અમોલ તેને લઈને ચાલી રહ્યો છે.

‘મને છોડી દો !’ આરસીના મનમાં આ શબ્દો ગુંજ્યા પણ તે બોલી શકી નહિ. એટલામાં જ તેને અમોલે કોઈક વસ્તુ પર લેટાવી.

હવે આરસીને પળ માટે દૃશ્ય દેખાયા પછી પળ માટે અંધારું દેખાવાનું બંધ થયું. હવે તેને બધું સતત દેખાવા માંડયું. તેણે જોયું તો તે ચિતા પર લેટેલી હતી.

‘આરસી ! હવે મંજરીની લાશનો અંતિમ સંસ્કાર પછી કરું છું, પહેલાં તને સ્વર્ગમાં પહોંચાડી દઉં.’ બોલતાં અમોલે એક લાકડું સળગાવ્યું.

આરસી ચિતા પરથી ઉતરીને દોડી જવા માંગતી હતી, પણ તેના માથા પર વાગેલા લાકડાના ફટકાએ જાણે તેના શરીરની શકિત નિચોવી નાંખી હતી.

તે ભયભરી આંખે અમોલ તરફ જોઈ રહી.

અમોલે સળગાવી લીધેલું લાકડું આરસી લેટેલી પડી હતી એ ચિતા તરફ આગળ વધાર્યું............

(ક્રમશઃ)