15
આરસી સ્મશાનમાં લાકડાં ગોઠવીને, એની પર મંજરીની ખવાઈ ગયેલી લાશ મૂકવા જતી હતી, ત્યાં જ તેને પોતાની પીઠ પાછળથી કોઈકના પગલાંનો અવાજ સંભળાયો. તેનો જીવ ગળે આવી જવાની સાથે જ તેણે ફુદરડીની જેમ પાછળ ફરીને જોયું, કોઈ નહોતું. ફકત સન્નાટો હતો.
આરસી મંજરીના પ્રેતને જોઈ ચુકી હતી અને અત્યારે તે મંજરીની લાશનો અંતિમસંસ્કાર કરવા આવી હતી, ત્યારે તેણે મનમાં હિંમત ભરી રાખી હતી એટલે, બાકી બીજું કોઈ હોત ને આટલી રાતના એને સ્મશાનમાં આ રીતના પગલાંનો અવાજ સંભળાયો હોત ને પછી કોઈ દેખાયું ન હોત તો એણે પાછું વળીને જોવા રોકાયા વિના ઘર ભણી દોટ જ મુકી હોત !
પણ આરસીએ જેમની તેમ ઊભી રહેતાં હિંમતનો વધુ એક શ્વાસ લીધો. ‘કદાચ તેને કોઈકના પગલાં સંભળાયાનો ભ્રમ થયો હશે !’ એવા વિચાર સાથે તે પાછી નજીકમાં જ પડેલી મંજરીની લાશ તરફ વળી. તે મંજરીની લાશ ઊઠાવવા માટે વાંકી વળી, ત્યાં જ તેના કાનના પડદા સાથે વૅનના હોર્નનો અવાજ અફળાયો. તેણે પાછી સીધી થઈને સ્મશાનની બહાર પડેલી માયાની વૅન તરફ નજર દોડાવી. ‘કદાચ માયા આન્ટી ઘેનમાંથી બહાર આવી ગયાં લાગે છે.’ મન સાથે વાત કરતાં આરસીએ વૅનની આગળની સીટ તરફ જોઈ રહેતાં બૂમ પાડી : ‘માયા આન્ટી ! હું અહીં છું ! તમે અહીં આવો તો.’
પણ જવાબમાં માયાનો અવાજ સંભળાયો નહિ, પણ ફરી પાછો વૅનના હોર્નનો અવાજ સંભળાયો.
‘શું છે, આન્ટી ? !’ તેણે ફરી પૂછયું.
જવાબમાં ફરી વૅનના હોર્નનો એકધારો અવાજ સંભળાવા માંડયોે, એટલે ‘આ માયા આન્ટીને શું થયું છે ? એ જવાબ આપવાને બદલે આમ હોર્ન કેમ વગાડી રહ્યાં છે ?’ બબડતાં આરસી વૅન તરફ ઝડપી પગલે આગળ વધી. તે અધવચ્ચે પહોંચી, ત્યાં જ હોર્ન વાગવાનો બંધ થઈ ગયો. તે સાતમી પળે વૅનની નજીક પહોંચી અને અંદર નજર નાંખી. તેનેે આશ્ચર્યનો આંચકો લાગ્યો.
વૅનમાં માયા નહોતી.
તેના મનમાં ગભરાટ જાગ્યો. ‘આ માયા આન્ટી આમ હોર્ન વગાડીને કયાં ચાલી ગઈ ?’ અને આરસીએ ‘માયા આન્ટી ! તમે કયાં છો, માયા આન્ટી !’ની બૂમો પાડતાં વૅનનું ચકકર માર્યું અને આસપાસમાં નજર દોડાવી, પણ ન તો માયા નજરે ચઢી કે ન તો માયા તરફથી વળતો જવાબ સંભળાયો.
તે ‘‘શું કરવું ? !’’ની મુંઝવણ સાથે ત્યાં જ ઊભી રહી, ત્યારે તેની જમણી બાજુ, તેનાથી થોડાંક પગલાં દૂર આવેલી ઝાડીઓ પાછળ જમીન પર માયા પડી હતી ! એ બેહોશ હતી અને એની નજીકમાં જ કાળા લાંબા કોટ અને કાળી કૅપવાળો માણસ ઊભો હતો !
એ માણસ ઝાડીઓ વચ્ચેની ઝીણી જગ્યામાંથી આરસી તરફ જોઈ રહ્યો હતો.
‘‘તો માયા આન્ટી આમ વૅનનું હોર્ન વગાડીને કયાં ગૂમ થઈ ગયા ? ! અને હવે શું કરવું ?’’ની મુંઝવણમાં ઊભેલી આરસીની નજર થોડેક દૂરથી આવી રહેલા વાહનની હૅડલાઈટ તરફ ખેંચાઈ. તે એ વાહન તરફ જોઈ રહી.
ચોથી પળે જ બ્રેકની એક ચીચીયારી સાથે એ વાહન તેની નજીક આવીને ઉભું રહ્યું, એટલે આરસીના ચહેરા પર રાહત આવી ગઈ. એ તેના પપ્પા અમોલની કાર હતી. તે કારની ડ્રાઈવિંગ સીટ તરફ ધસી ગઈ.
‘શું કહેતી હતી તું, આરસી ?’ કારની ડ્રાઈવિંગ સીટની બહાર નીકળતાં અમોલે પુછયું, એટલે આરસી અમોલને વળગી પડી. ‘સારું થયું, પપ્પા ! તમે આવી ગયા.’ અને તે અમોલથી અળગી થઈ : ‘મને... મને તમારી મદદની જરૂર છે.’
‘શાંત થા, આરસી !’ અમોલ બોલ્યો : ‘મને શાંતિથી કહે, શું થયું ? ! તું અહીં આટલી મોડી રાતના સ્મશાનમાં શું કરી રહી છે ? !’
‘પપ્પા...,’ આરસી બોલી : ‘....પચીસ વરસ પહેલાં ગુમ થયેલી અમારી કૉલેજની સ્ટુડન્ટ્સ મંજરીની લાશ મળી ગઈ છે !’
‘એમ ? !’ અમોલે પૂછયું : ‘કયાં છે, એ લાશ ? !’
‘ચાલો, બતાવું !’ કહેતાં આરસી સ્મશાનની અંદરની તરફ આગળ વધી ગઈ. અમોલ આવી પહોંચ્યો હતો એની રાહતમાં, માયા ગૂમ હતી એ વાત આરસીના ધ્યાન બહાર ચાલી ગઈ હતી.
‘આ રહી, મંજરીની લાશ !’ આરસીએ પોતે તૈયાર કરેલી ચિતાની બાજુમાં પડેલી મંજરીની ખવાઈ ગયેલી લાશ તરફ આંગળી ચીંધી.
અમોલે મંજરીની લાશ તરફ જોતાં પુછયું : ‘આ..., આ પેલી મંજરીની લાશ છે ?’
‘હા !’ આરસી બોલી : ‘મને આ લાશ અમારી કૉલેજના ભોંયરામાં પડેલા પટારામાંથી મળી. એ વખતે મંજરી સાથે પોતાના બોયફ્રેન્ડની બૂરી દાનતનો ભોગ બનેલી મંજરીની બેનપણી માયાનું કહેવું છે કે, મંજરી..., મંજરીનું પ્રેત એવું ઈચ્છે છે કે એની આ લાશનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.’
‘મંજરીની બેનપણી માયા...?’ અને અમોલે આસપાસ જોયું : ‘કયાં છે એ ? !’
‘હમણાં થોડીક વાર પહેલાં સુધી એ વૅનમાં બેઠી હતી, પણ શી ખબર એ કયાં ચાલી ગઈ !’
‘મને લાગે છે કે, આ માયા પોતાના કોઈ સ્વાર્થ ખાતર તને આવી ભયાનક વાતો અને ચકકરમાં સપડાવી રહી છે.’ અમોલ મંજરીની લાશ પાસે ઘૂંટણિયે બેઠો. તે મંજરીની લાશ તરફ જોઈ રહ્યો અને પછી બોલ્યો : ‘મારું માનવું છે કે, આપણે પોલીસને આની જાણ કરવી જોઈએ.’
‘ના, પપ્પા !’ આરસી બોલી : ‘માયાએ મારી પાસે વાયદો લીધો હતો કે, જેવી મંજરીની લાશ મારા હાથમાં આવે કે, તુરત જ એનો અંતિમસંસ્કાર કરી નાખવામાં આવે.’
‘તું મારું માન. તું ચિંતા ન કર. બધું મારી પર છોડી દે.’ અમોલે કહ્યું : ‘તું ઘરે જા, હું પોલીસને....’
‘ના, પપ્પા !’ આરસી મકકમ અવાજે બોલી : ‘વિરાજ, મોહિત, રોમા અને રૉકીના મોત પાછળ મંજરીના પ્રેતનો હાથ છે. મંજરીની લાશનો અંતિમસંસ્કાર થશે, એટલે મંજરીનો આત્મા શાંત થઈ જશે.’ અને આરસી મંજરીની લાશ પાસે વાંકી વળી : ‘એટલે તાત્કાલિક મંજરીની લાશનો અંતિમસંસ્કાર કરી દેવો જરૂરી છે. હું મંજરીની લાશ ચિતા પર...’
‘એક મિનિટ ઊભી રહે.’ અમોલ મંજરીની લાશ પાસેથી ઊભો થયો : ‘મને તારી આ બધી વાતો ગળે ઊતરતી નથી, પણ તું કહે છે તો હું આ લાશનો અંતિમ-સંસ્કાર કરી દઉં છું.’ અને અમોલે ચિતા તરફ જોયુું : ‘મને લાગે છે કે, આમાં હજુ બીજા થોડાંક લાકડાં મૂકવા પડશે.’ ને અમોલે બાજુમાં પડેલા લાકડાના ઢગલામાંથી લાકડા લઈને આરસીએ તૈયાર કરેલી ચિતા પર મૂકવા માંડયા.
આરસી જોઈ રહી, ત્યાં જ તેને પોતાની પીઠ પાછળથી કંઈક અવાજ સંભળાયો. તેના ચહેરા પર ભય આવી જવાની સાથે જ તેણે પાછળ ફરીને જોયું. પાછળ કોઈ નહોતું. ‘પપ્પા !’ આરસીએ સ્મશાનમાં ફેલાયેલા સન્નાટાને તાકી રહેતાં કહ્યું : ‘તમે, તમે સાંભળ્યો અવાજ...’
‘....નહિ તો...!’ અમોલે આસપાસમાં જોતાં કહ્યું.
‘મને..,’ આરસી બોલી : ‘...મને લાગે છે કે, અમારી કૉલેજની ફૂટબોલ ટીમનો કોચ ટાઈગર આવી પહોંચ્યો છે !’
‘...કોચ ટાઈગર !’ અમોલે પુછયું : ‘અત્યારે એ અહીં શું કરવા આવશે ? !’
‘મંજરી અને માયા સાથે બનેલી એ ઘટનામાં કોચ ટાઈગરનો પણ હાથ હતો.’ આરસી બોલી : ‘હું થોડીકવાર પહેલાં કૉલેજમાંથી મંજરીની લાશ લઈને નીકળતી હતી, ત્યારે કોચ ટાઈગરે મને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, એ વખતે હું એનો ચહેરો જોઈ શકી નહોતી, પણ એણે પહેરેલા લાંબા કાળા કોટ અને માથે પહેરેલી કાળી કેપ પરથી હું કળી ગઈ કે એ માણસ કોચ ટાઈગર જ હશે.’ આરસીએ ફરી ચારે બાજુ એક ઝડપી નજર ફેરવતાં કહ્યું : ‘મને લાગે છે કે એ મારો પીછો કરતાં અહીં આવી પહોંચ્યો છે.’
‘તું ચિંતા ન કર.’ અમોલ બોલ્યો : ‘હું એને સંભાળી લઈશ.’ અમોલે લાકડાના ઢગલામાંથી એક મોટું લાકડું ઊઠાવતાં પૂછયું : ‘તું મને એ કહે, મંજરીની આ લાશ વિશે તારા સિવાય બીજું કોઈ જાણે છે, ખરું ? !’
‘હા.’ આરસી બોલી : ‘નીલને મેં ફોન પર વાત કરી હતી અને એને અહીં આવી જવા કહ્યું હતું પણ શી ખબર કેમ એ હજુ સુધી આવ્યો નથી.’
‘..અને તારી મમ્મીને..? !’ અમોલે પૂછયું : ‘તારી મમ્મીને તેં આ લાશ વિશે કોઈ વાત કરી છે ? !’
‘ના.’ કહેતાં આરસીએ પોતાની નજર ચારે તરફ ફેરવવા માંડી. તેને લાગી રહ્યું હતું કે પેલો કાળા લાંબા કોટ અને કાળી કૅપવાળો માણસ-કૉચ ટાઈગર આટલામાં જ હતો અને તેમને જોઈ રહ્યો હતો.
ચારે તરફ ફરતી આરસીની નજર પાછી અમોલ પર પડી, અને તેં ચોંકી ઊઠી.
અમોલ માથે કાળી કૅપ પહેરીને ઊભો હતો. એણે એ રીતના કાળી કૅપ પહેરી હતી કે એનો ચહેરો જોઈ શકાતો નહોતો.
‘પપ્પા ! આ....આ તમારી કૅપ...!’ આરસી કંપતાં અવાજે બોલી : ‘....હમણાં થોડીક વાર પહેલાં કૉલેજ પાસે મારી પર હુમલો કરનાર પેલા માણસે પણ આવી જ કૅપ પહેરી...’ અને હજુ તો આરસી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ અમોલે પોતાના હાથમાં પકડાયેલું લાકડું આરસીના ચહેરા પર ફટકાર્યું.
પીડાભરી ચીસ પાડતાં આરસી જમીન પર પટકાઈ.
‘એ માણસ કોચ ટાઈગર નહિ, પણ હુંં જ હતો, આરસી !’ અમોલ હસ્યો : ‘કાળી કૅપ મારા માથે છે અને કાળો કોટ મારી કારમાં !’ કહેતાં અમોલે આરસીના પગ પર લાકડું ફટકાર્યુ.
આરસી વધુ મોટેથી પીડાભરી ચીસ પાડી ઊઠી.
‘તને એવું થતું હશે કે, મંજરીના આ કિસ્સામાં વળી હું શું કરી રહ્યો છું ? તો જવાબ સીધો જ છે.’ અને અમોલ હસ્યો : ‘મંજરીનો આ આખોય કિસ્સો જ તો મારા કારણે જાગ્યો છે ?’
‘ત...તમારા કારણે !’ આરસીથી પુછાઈ ગયું.
‘લે, તું આટલી બધી ઈન્ટેલિજન્ટ હોવા છતાંય હજુ પણ ન સમજી ? !’ અમોલ બોલ્યો : ‘મંજરી મારા હાથે જ મરણ પામી હતી, અને મેં જ એને કૉલેજના ભોંયરામાં પડેલા એ પટારામાં પુરી હતી. મારું અસલ નામ તો અમોલ જ છે, પણ કોઈ રાજાના કુંવર જેવી મારી સ્ટાઈલોને કારણે એ વખતે કૉલેજમાં બધાં મને પ્રિન્સ કહીને બોલાવતા હતાં.’
આરસી અમોલ સામે જોઈ રહી. તેના માટે આ હકીકત કંપાવનારી હતી.
‘મંજરીના મોતને બધાં ભુલી ગયાં હતાં, પણ તેં અને નીલે ફરી એ વાતને તાજી કરી. અને વિરાજ, મોહિત, રોમા અને રૉકીના ખૂન થયા એટલે હું સાવચેત થઈ ગયો.’ અમોલે કહ્યું : ‘એ વખતે એ ઘટનામાં મારી સાથે રણજીત, શેખર, શીલા અને ટાઈગર પણ સામેલ હતા. રણજીતના દીકરા વિરાજ, શેખરના દીકરા મોહિત, શીલાની દીકરી રોમા અને ટાઈગરના દીકરા રૉકીનું ખૂન થયું એટલે હું સાવચેત થઈ ગયો. મંજરી અને એની બેનપણીઓ સાથેની એ ઘટનામાં મારી સાથે સામેલ આ ચારેય જણાંના તો બાળકો હતાં અને એ બાળકોનાં મોત થયાં, પણ મારે તો બાળકો નહોતાં. તમે બન્ને તો મારા સાવકા બાળકો રહ્યા, એટલે ખૂની સીધો જ મારી પર હુમલો કરશે કે શું ? !’ એવું વિચારીને હું વધુ સાવચેત થઈ ગયો.’ અમોલે સહેજ અટકીને આગળ કહ્યું : ‘તને તેમ જ તારી બેનપણીઓ પાયલ અને વૈભવીને રૉકી તેમ જ એમના દોસ્તો ઊઠાવી ગયા, એ પછી આ ઘટનાઓની શરૂઆત થઈ હતી, એટલે મેં તારી અને નીલ પર નજર રાખી હતી. તમે મારા નામ અને જિંદગી માટે જોખમ ઊભું ન કરો, ત્યાં સુધી મેં તમને કંઈપણ કહેવા કરવાનું ટાળ્યું, પણ થોડીક વાર પહેલાં નીલને કૉલેજના એ વખતના મારા ફોટા અને એની સાથે લખાયેલા લખાણ પરથી ખ્યાલ આવી ગયો કે, હું જ પ્રિન્સ છું. એ તને આની જાણ કરવા માટે ઘરે આવ્યો, પણ તું ઘરે નહોતી, ને એ જ વખતે બહારથી તારો ફોન આવ્યો. ફોનમાં તને એવું લાગે કે તું નીલ સાથે જ વાત કરી રહી છે, એટલે મેં ‘હં-હા’ કર્યું, અને તેં સામે છેડે નીલ જ છે એમ માનીને ‘‘મંજરીની લાશ આપણી કૉલેજમાં જ છે, હું ત્યાં પહોંચું છું, તું પણ વહેલી તકે આપણી કૉલેજમાં પહોંચ.’’ એમ જણાવી દીધું. મને ખબર પડી ગઈ કે તું કૉલેજ જઈ રહી છે. મેેં ઘરેથી કૉલેજ પર તારી પાસે પહોંચતાં પહેલાં નીલને મારી નાંખ્યો.’
‘શું ? !’ આરસી ચીસ પાડી ઊઠી, તે ખળભળી ઊઠી : ‘તમે.. તમે નીલને મારી નાંખ્યો ? !’
‘હા. નીલને મારી નાંખ્યા વિના મારા માટે કોઈ છુટકો જ નહોતો.’ અમોલ હોઠ પર કાતિલ મુસ્કુરાહટ રમાડતાં બોલ્યો : ‘એ જીવતો રહેત તો દુનિયા સામે મારી અસલિયત જાહેર કરી દેત. હું એક ભલા અને શરીફ માણસમાંથી ખતરનાક ખૂની જાહેર થઈ જાત અને જેલના સળિયા પાછળ ધકેલાઈ જાત.’
આરસીની આંખોમાંથી આંસુઓ સરવા માંડયા. તેના સાવકા પિતા અમોલે નીલને મારી નાંખ્યો હતો, એ હકીકત તેને પચે એમ નહોતી.
‘આરસી !’ અમોલે આગળ કહ્યું : ‘હું આટલા વરસોથી કૉલેજના ભોંયરામાં પડેલી મંજરીની લાશ બહાર કાઢી લાવીને એનો અંતિમસંસ્કાર કરી દેવાની હિંમત કરી શકતો નહોતો અને એટલે જ્યારે પણ મને મંજરી યાદ આવી જતી, ત્યારે હું બેચેન બની જતો. મને એ ભય સતાવતો રહેતો હતો કે, આટલા વરસો સુધી મારા સારા નસીબે કોઈના હાથે નહિ ચઢેલી મંજરીની લાશ કયારેક કોઈની નજરે ચઢી જશે તો ! એ કેસની ફાઈલ ફરી ખુલશે તો ! પણ મારી આ પરેશાની તેં દૂર કરી દીધી. તું મંજરીની લાશ કૉલેજના ભોંયરામાંથી કાઢીને અહીં સ્મશાનમાં લઈ આવી. હવે હું મંજરીનો અંતિમસંસ્કાર કરીશ અને...’ અને અમોલ હસ્યો : ‘...અને સાથે તારો પણ અંતિમસંસ્કાર કરી દઈશ.’ અને આટલું કહેતાં જ અમોલ હાથમાંના લાકડા સાથે આરસી તરફ આગળ વધ્યો.
આરસી ઊભી થઈ ગઈ. તે ‘બચાવ....!’ની બૂમ પાડતાં લંગડાતી ચાલે સ્મશાનની બહારની તરફ દોડવા ગઈ તો અમોલ લાંબી છલાંગો ભરતાં તેની આગળ પહોંચીને ઊભો રહી ગયો.
‘તું અહીંથી જીવતી બહાર નહિ જઈ શકે.’ અમોલે હાથમાંનું મોટું લાકડું અધ્ધર કરીને આરસીને બતાવતાં ધારદાર અવાજે કહ્યું : ‘મારા હાથે આજે તારું મોત નકકી જ છે.’ અને તે આરસી તરફ આગળ વધ્યો.
આરસી સ્મશાનની અંદરની તરફ વળી અને દોડી. થોડાંક પગલાં દોડીને તેણે પાછળ વળીને જોયું તો અમોલ હાથમાં લાકડા સાથે ઝડપી પગલે તેની પાછળ આવી રહ્યો હતો.
આરસીએ દોડવામાં ઝડપ વધારી. તે એક ઝાડ પાસેથી પસાર થઈ, ત્યાં જ એ ઝાડના થડ પાછળથી એક મજબૂત હાથ બહાર આવ્યો અને તેને પકડીને પોતાની તરફ ખેંચી............
(ક્રમશઃ)