Khauf - 5 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | ખોફ - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ખોફ - 5

5

રોમાના ડાબા ગાલમાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવા માંડયા, એટલે પીડાભરી ચીસ પાડતી, રડતી-કકળતી રોમા બાથરૂમમાંથી બહાર નીકળી અને બેડરૂમના દરવાજા તરફ દોડી, ત્યાં જ તેનો પગ પલંગની ધાર સાથે અફળાયો, તેણે ગડથોલિયું ખાધું. ફટ્‌ કરતાં તેનું માથું બાજુની દીવાલ પાસે પડેલા ડ્રેસિંગ ટેબલના અરીસા સાથે અફળાયું. ખનનનનન્‌....કરતાં અરીસો ફૂટયો અને એના કાચ રોમાના કપાળમાં ખૂંપી ગયાં. રોમાની પીડાભરી ચીસોથી દીવાલો ધ્રૂજી ઊઠી. તે જમીન પર પટકાઈ. તેના કપાળમાંથી લોહી વહેવા માંડયું. તો હજુ પણ રોમાના ડાબા ગાલ પરના ઘામાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવાના તો ચાલુ જ હતા. અત્યાર સુધીમાં સો-દોઢસો કરોળિયા નીકળીને રોમાના શરીર પર ફરવા માંડયા હતા.

રોમા કપાળમાં ખૂંપેલા કાચની પીડા તેમ જ ગાલમાંના ઘામાંથી એક પછી એક નીકળી રહેલા કરોળિયાની પીડા અને અરેરાટીથી ચીસો પાડતી જમીન પર આળોટવા માંડી,

ત્યારે બાજુના મકાનમાંના પોતાના બેડરૂમના પાછળના દરવાજા પાસેની લૉનમાં-ગાર્ડનમાં મુકાયેલા બાંકડા પર બેઠી-બેઠી પોતાનું કૉલેજનું હોમવર્ક કરી રહેલી આરસીના કાને રોમાની આ ચીસો પડી. હાથમાંની નોટબુક બાજુ પર મૂકી દેતાં, તે પોતાના કાન સરવા કરતાં ઉતાવળા પગલે રોમાના ઘર તરફ ચાલી. ‘શું તેને ખરેખર રોમાના ઘરમાંથી ચીસાચીસ સંભળાઈ રહી છે ? !’ આવા સવાલ સાથે આરસી રોમાના ઘરની નજીક પહોંચી, તો ચીસોનો અવાજ વધુ ચોખ્ખો ને મોટો થયો.  ‘હા ! આ રોમાની જ ચીસો હતી.’

હવે આરસી રોમાના ઘરના મુખ્ય દરવાજા તરફ દોડી. ‘રોમા...!’ લાકડાના મુખ્ય દરવાજાને ધક્કો મારતાં આરસીએ બૂમ પાડી. અંદરથી દરવાજો બંધ હતો. ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! એકસાથે ચાર-પાંચ વખત ડોરબેલ વગાડી દેતાં આરસીએ બૂમ  પાડી : ‘રોમા...! દરવાજો ખોલ.., રોમા ! ! શું થયું, રોમા...! ! !’ પણ જવાબમાં આરસીને એ જ રોમાની ચીસોનો અવાજ સંભળાવાનો ચાલુ જ રહ્યો.

તે રોમાના રૂમની બારી તરફ દોડી. રોમાના રૂમની કાચવાળી બારીઓ બંધ હતી. દૂધિયા કાચવાળી બારીમાંથી અંદરનું દૃશ્ય દેખાતું નહોતું. જોકે, રોમાની ચીસો અને રોકકળ ચાલુ હતી ! ! ! ‘રોમા...! શું થયું, રોમા ? !’ મોટેથી બૂમ પાડતાં આરસીએ બારીઓ ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ અંદરથી બારીઓની સ્ટોપર લાગેલી હતી. રોમા તેની વાતનો જવાબ આપતી નહોતી-રોમા પીડાભરી ચીસો પાડતી હતી, આખરે રોમાને શું તકલીફ થઈ રહી હતી ? ! આરસીએ ગભરાટભર્યા ચહેરે આસપાસમાં જોયું. કોઈ દેખાયું નહિ. ‘શું કરવું ? !’ અને આરસીની નજર બાજુના ડ્રોઈંગરૂમની બારી તરફ પડી. તે એ તરફ દોડી. ડ્રોઈંગરૂમની બારી ઓડકાવેલી હતી. તેણે બારી ખેંચી. બારીની અંદરથી સ્ટોપર લાગેેલી નહોતી. બારી ખુલી ગઈ. તે એ બારી પર ચઢી ત્યારે તેને લાગ્યું કે, રોમાની પીડાભરી ચીસો ધીમી પડી હતી. તે બારીમાંથી ડ્રોઈંગરૂમમાં આવી. ‘રોમા ! હું આવી રહી છું, તારી પાસે...’ બોલતાં તે રોમાના બેડરૂમના દરવાજા તરફ દોડી ત્યાર સુધીમાં રોમાની ચીસો બંધ થઈ ચૂકી હતી.

બેડરૂમનો દરવાજો ખુલ્લો જ હતો. તે બેડરૂમમાં દાખલ થઈ અને રૂમમાંનું દૃશ્ય જોતાં જ તે એક જોરદાર ચીસ પાડી ઊઠી. તે ભયથી થરથર કાંપવા માંડી.

રૂમમાં-રૂમના પાછળના બંધ દરવાજા પાસે રોમા પડી હતી. તેના કપાળમાં ખૂંપેલા કાચના ઘામાંથી લોહી વહી રહ્યું હતું અને રોમાને તેમજ એની આસપાસની જમીનને લોહીયાળ બનાવી રહ્યું હતું. તેની આંખો ફાટેલી હતી. એ ફાટેલી સ્થિર આંખો જાણે તેનામાં જીવ ન રહ્યો હોય એની સાબિતી પૂરી રહી હતી.

અને..., અને આવી હાલતમાં પડેલી રોમાના શરીર પર તેમ જ તેની આસપાસમાં અસંખ્ય કાળા કરોળિયા ભાગદોડ કરી રહ્યા હતા.

આરસીના મોઢેથી ચીસ નીકળી અને એ જ પળે આરસીની નજર રોમાના ડાબા ગાલ પર પડી. એ ડાબા ગાલના ઘામાંથી નીકળી રહેલા એક પછી એક કરોળિયાને જોતાં જ તે ફરી ભયભરી ચીસ પાડી ઊઠી. સાથે જ તે થર-થર કાંપવા માંડી.

તેને લાગ્યું કે, તે હમણાં બેહોશ થઈને જમીન પર ઢળી પડશે. કેટલું ભયાનક હતું રોમાના મોતનું આ દૃશ્ય !

તેણે પરાણે પોતાની જાતને સાચવી ને ફરી રોમાના ડાબા ગાલ તરફ જોયું.

હવે રોમાના ડાબા ગાલમાંથી કાળા કરોળિયા નીકળવાના બંધ થઈ ચૂકયા હતા અને આસપાસમાં જે કરોળિયા દોડાદોડ કરી રહ્યા હતા, એ પણ હવે જાણે વિખરાવા માંડયા હતા.

આરસી ડઘાયેલી હાલતમાં-પરાણે હિંમત ટકાવી રાખીને ઊભી રહી-જોઈ રહી.

થોડીક પળોમાં જ એ અસંખ્ય કાળા કરોળિયા ઝડપભેર આસપાસના દરવાજાની નીચેની ધારોમાંથી નીકળીને દેખાતા બંધ થઈ ગયા.

આરસી થોડીક વાર સુધી ત્યાં જ ડઘાયેલી હાલતમાં, જેમની તેમ ઊભેલી રહી. થોડીક પળો પછી તેણે ધ્રુજતા હાથે નીલને મોબાઈલ ફોન લગાવ્યો.

‘બોલ, આરસી !’ મોબાઈલ ફોનમાં સામેથી નીલનો અવાજ આવ્યો, એટલે આરસીએ તાળવે ચોંટી ગયેલી જીભને પરાણે છૂટી પાડીને, કંપતા અવાજે નીલને પૂછયું : ‘નીલ..! તું કયાં છે ? ’

‘...જિમમાં જ છું.’ સામેથી નીલના જવાબની સાથે જ સવાલ પણ સંભળાયો : ‘કેમ ? !’

‘જલદી..!’ આરસી બોલી : ‘...તું રોમાના ઘરે આવી જા.’

‘રોમાના ઘરે...? !’ નીલનો સવાલ સંભળાયો : ‘રોમાના ઘરે શું...?’

‘...બસ તું જલદી આવી જા, નીલ...!’ કહેતાં આરસીએ મોબાઈલ કટ્‌ કર્યો. ઘડીભર તે એમ જ ઊભી રહી અને પછી તે કંપતા હાથે પોલીસ ચોકીનો નંબર લગાવવા માંડી.

૦ ૦ ૦

સવારના સાડા આઠ વાગ્યા હતા. રોમાના ઘરમાં પોલીસ આવી ચૂકી હતી. પોલીસે પોતાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસ ફોટોગ્રાફર રોમાની લાશના ફોટા પાડી રહ્યો હતો. ફોરેન્સિક વિભાગના અધિકારીઓ-ફિંગરપ્રિન્ટ એકસપર્ટ પણ પોતાની કામગીરી બજાવી રહ્યા હતા.

જ્યારે સબ ઈન્સ્પેકટર કાટેકર રોમાની લાશને ઝીણવટથી નીરખી રહ્યો હતો.

તે આ મકાનની પાડોશમાં જ રહેતી આરસીના મોબાઈલ ફોનને કારણે અહીં આવ્યો હતો.

અહીં આવતાં જ તેણે આરસીને ઘટના વિશે પૂછપરછ કરી રહી હતી. તેને જાણવા મળ્યું હતું કે, આરસીને રોમાની પીડાભરી ચીસો અને રોકકળ સંભળાઈ હતી. આરસી ડ્રોઈંગરૂમની બારીમાં થઈને રોમાના બેડરૂમમાં પહોંચી હતી, ત્યારે આરસીને રોમાની લાશ આ રીતના પડેલી જોવા મળી હતી.

આરસીએ કોઈને પણ રોમા પર હુમલો કરતાં જોયો નહોતો. કે કોઈને અંદર દાખલ થતાં કે પછી બહાર સરકી જતાં જોયો નહોતો.

અને એટલે સબ ઈન્સ્પેકટર કાટેકર માટે રોમાનું મોત કેવી રીતના થયું ? એ એક રહસ્ય હતું.

રોમાના ગાલ પર ઘા હતો-તેના કપાળે કાચ વાગેલા હતા. આ મામલો ખૂનનો હતો કે અકસ્માતનો એ કંઈ સમજાતું નહોતું ! ! !

અને સબ ઈન્સ્પેકટર કાટેકરે એ સમજવાનું હતું.

જો કે, ત્યારે સબ ઈન્સ્પેકટર કાટેકરને એ ખબર નહોતી કે આરસીએ તેનાથી ‘રોમાના ગાલમાંથી કાળા કરોળિયા નીકળવાની અને પછી અદૃશ્ય થઈ જવાની’ ભયાનક હકીકતને છુપાવી હતી.

આરસી અત્યારે રોમાના ઘરની બહાર, બાંકડા પર બેઠી હતી. તેની આંખો રડી-રડીને લાલ થઈ ગયેલી હતી. તેની આંખોમાં હજુ પણ આંસુ તરવરી રહ્યા હતા.

અને હજુ હમણાં જ તેની પાસે ધસી આવેલો નીલ તેને પૂછી રહ્યો હતો : ‘આરસી ! આ.... આ...પોલીસ...? ! ? આ બધું શું છે, આરસી ? !’

‘નીલ !’ આરસી ડુમાયેલા અવાજે બોલી : ‘રોમા મરી ગઈ.’

‘હેં ! ? ! રોમા મરી ગઈ ?’ નીલ બોલ્યો : ‘પણ...પણ કેવી રીતના ?’

અને આરસીએ જે કંઈ જોયું હતું એ કંપતાં અવાજે કહી સંભળાવ્યું.

‘એટલે..., એટલે...? !’ નીલે નવાઈભર્યા અવાજે પૂછયું : ‘...તારું એમ કહેવું છે કે, તેંં રોમાના ડાબા ગાલમાંથી કાળા કરોળિયા નીકળતાં જોયા ? !’

‘હા....!’

નીલે જાણે એના માનવામાં આ વાત આવતી ન હોય એમ નકારમાં ગરદન હલાવી, અને પછી તેણે આરસીને પૂછયું : ‘આરસી ! શું તેં પોલીસને આ કાળા કરોળિયાવાળી વાત કહી ?’

‘ના.’ આરસીએ કહ્યું : ‘શું પોલીસ મારી આ વાત માને  ખરી ? !’

નીલ આરસી તરફ જોઈ રહ્યો.

‘..શું તને આ વાત માનવામાં આવે છે ખરી, નીલ ?’

‘ના.’ નીલ બોલ્યો.

‘...એ.., એ મારી નજર સામે જ બન્યું. રોમાના ગાલમાંથી ઘણાં-બધાં કાળા કરોળિયા નીકળ્યા અને એ બધાં જ પાછા ગણતરીની પળોમાં જ અદૃશ્ય થઈ ગયાં.’ આરસી બોલી અને ફરી રડી પડી : ‘નીલ ! મને કંઈ સમજ પડતી નથી. રોમાનું મોત ખરેખર ખૂબ જ ભયાનક અને ભેદી છે !’

નીલ કંઈ બોલ્યો નહિ. તે આરસી સામે જોઈ રહ્યો.

૦ ૦ ૦

ખ્રિસ્તી કબ્રસ્તાનમાં રોમાના અંતિમ સંસ્કારમાં આરસી અને નીલ પહોંચ્યા, ત્યારે ત્યાં રૉકી અને મોહિત હાજર જ હતા.

રૉકી અને મોહિત બન્નેના ચહેરા પર ગમગીની છવાયેલી હતી, પણ આરસી અને નીલને જોતાં જ રૉકી અને મોહિતના ચહેરા પર રોષ આવી ગયો. એ બન્ને જણાં આરસી અને નીલ તરફ શંકાભરી નજરે જોઈ રહ્યા. બન્નેના મોં બંધ હતા, પણ તેમની આરસી અને નીલના ચહેરા પર તકાયેલી આંખો જાણે ગુસ્સાભેર કહી રહી હતી : ‘...અમને ખબર છે. તમે બન્ને ભાઈ-બહેને મળીને જ પહેલાં વિરાજને મારી નાંખ્યો અને હવે રોમાને ખતમ કરી નાખી છે.’

અને તેમની આંખોમાંના આ ભાવ વાંચી-સમજી ગયેલી આરસી, રૉકી અને વિરાજ અહીં કોઈ ધાંધલ-ધમાલ ઊભી ન કરે એટલા માટે રોમાનો અંતિમસંસ્કાર પત્યો કે તુરત જ નીલને લઈને ત્યાંથી ઝડપભેર રવાના થઈ ગઈ.

૦ ૦ ૦

નીલે આરસી સાથે કૉલેજના કમ્પાઉન્ડના ઝાંપા પાસે કાર લાવી, ત્યારે ત્યાં ઊભેલા બે નવા સિકયુરીટી ગાર્ડમાંથી એક જણાંએ તેમના આઈ કાર્ડ જોયા અને પછી અંદર જવાની પરવાનગી આપી.

આ કૉલેજમાં ભણતા બે સ્ટુડન્ટસ્‌ વિરાજ અને રોમાના ભેદી રીતના મોત થયા હતા એટલા માટે જ આ સિકયુરીટી ગોઠવવામાં આવી હતી.

નીલે પાર્કિંગમાં કાર પાર્ક કરી અને આરસી સાથે કૉલેજના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો.

મુખ્ય દરવાજા પાસે પણ સિકયુરીટી ગાર્ડ ઊભા હતા.

નીલ આરસી સાથે કૉલેજના મુખ્ય દરવાજામાં દાખલ થયો અને ‘....છૂટીને મળીએ છીએ’, કહેતાં એ પોતાના કલાસ તરફ આગળ વધી ગયો.

આરસી પોતાના કલાસ તરફ વળી અને આગળ વધવા ગઈ, ત્યાં જ તેના કાને એક યુવતીની ચીસ સંભળાઈ. ચોંકી ઊઠતાં તેણે આસપાસમાં જોયું. આસપાસમાં કોઈ યુવતી નહોતી. મુખ્ય દરવાજા પરના સિકયુરીટી ગાર્ડ બહારની તરફ જોતા ઊભા હતા. મતલબ કે એમને કોઈ યુવતીની ચીસ સંભળાઈ નહોતી.

તે પોતાના કલાસ તરફ આગળ વધવા ગઈ, ત્યાં જ તેના કાને કોઈ યુવતીનો ધીમો અને અસ્પષ્ટ અવાજ સંભળાયો, અને આ વખતે આરસીને ખ્યાલ આવ્યો કે, એ અવાજ નજીકમાં જ આવેલી ભોંયરાની સીડીના નીચેના ભાગમાંથી-ભોંયરા તરફથી આવી રહ્યો હતો.

અને આ ખ્યાલ આવતાં જ આરસી ફફડાટ અનુભવતા ઉતાવળે પગલે પોતાના કલાસ તરફ આગળ વધી ગઈ.

તે કલાસમાં પહોંચી. મનમાંના ફફડાટને દબાવતાં તે પોતાની બેનપણીઓ વૈભવી અને પાયલની બાજુમાં બૅન્ચ પર બેસવા ગઈ ત્યાં જ એ બન્ને જણીઓ એકદમથી જ ઊભી થઈ ગઈ અને બીજી બાજુથી નીકળીને તેેની પાછળની ખાલી સીટ પર બેસી ગઈ.

આરસી નિશ્વાસ નાખતાં બેસી ગઈ. તે સમજી ગઈ. રૉકી અને મોહિતની જેમ હવે તેની આ ખાસ બેનપણીઓ વૈભવી અને પાયલ પણ એવું માનવા લાગી હતી કે, ‘રૉકી-મોહિત, વિરાજ અને રોમાએ મળીને એ રાતના એમને ઊઠાવી જઈને-ભુતિયા મકાનમાં મૂકી આવવાનું જે કારસ્તાન કર્યું હતું એના વેર તરીકે તેણે જ આ ચારમાંથી વિરાજ અને રોમાનું આ રીતના ખૂન કર્યું છે.’

આરસીના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ તેના કાને પ્રોફેસરનો અવાજ સંભળાયોઃ ‘તમે બધાંએ અહીં કલાસ સુધી પહોંચતાં એ જોઈ લીધું હશે કે કૉલેજમાં સિકયુરીટી ગાર્ડ ગોઠવવામાં આવ્યા છે. અમારો એવો પ્રયત્ન છે કે, કોઈપણ સ્ટુડન્ટસને કંઈપણ નુકસાન ન થાય.’ અને હજુ તો પ્રોફેસરની આ વાત પૂરી થઈ ત્યાં જ આરસીને પીઠ પાછળથી કોઈ યુવતીની પીડાભરી ચીસ સંભળાઈ. આંચકા સાથે તેણે પાછળ ફરીને જોયું તો વચ્ચેની-રૉકીની અને મોહિતની પાછળની બૅન્ચ પર એક યુવતીની-મંજરીની લાશ બેઠી હતી. એના કપાળમાંથી લોહી નીકળીને વહી રહ્યું હતું. એની આંખો ફાટેલી હતી, અને એની એ ફાટેલી આંખોમાંની કીકીઓ તેની પર જ તકાયેલી હતી !

‘આ...આ યુવતીની લાશ જ તેને એ રાતના કબાટના અરીસામાં દેખાઈ હતી !’ આરસીએ ભયથી આંખો મીંચી દેતાં પોતાનો ચહેરો આગળની તરફ ફેરવ્યો અને થર-થર કાંપતાં મનોમન ભગવાનના નામનું રટણ કરવા માંડી.

‘આરસી...!’ તેના કાને પ્રોફેસરનો અવાજ અફળાયો : ‘શું થયું, આરસી ? !’

અને આરસીએ આંખો ખોલીને પ્રોફેસર સામે જોયું.

‘...શું થયું, આરસી ? !’ પ્રોફેસરે સવાલ દોહરાવ્યો.

આરસી કોઈ જવાબ આપી શકી નહિ. તેણે કંપતા હૃદયે ફરી પાછળની બાજુએ જોયું.

રૉકી અને મોહિતની પાછળની બૅન્ચ ખાલી હતી. થોડીક પળો પહેલાં તેને દેખાયેલી, આંખો ફાટેલી-કપાળમાંથી લોહી નીકળતી યુવતીની લાશ અત્યારે ત્યાં નહોતી !

‘આરસી !’ પ્રોફેસરનો અવાજ સંભળાયો એટલે તેણે ફરી પ્રોફેસર સામે જોયું.

‘કંઈ થયું, આરસી ? ! તારી તબિયત તો ખરાબ....!’

‘ના, સર !’ આરસી બોલી : ‘કંઈ નહિ, સર !’ આરસીએ કહ્યું, એટલે પ્રોફેસરે પોતાની વાત આગળ વધારી : ‘હા, તો હું શું કહેતો હતો...? !’

તો આરસીએ પોતાની આસપાસના સાથી સ્ટુડન્ટસ તરફ નજર ફેરવી, તો એ બધાંના ચહેરા પર મૂંઝવણ હતી. એ બધાંએ પોતાનું ધ્યાન પાછું આગળ-પ્રોફેસર તરફ કર્યું, તો આરસીએ પાછળ બેઠેલા રૉકી અને મોહિત તરફ જોયું.

રૉકી અને મોહિત બન્ને જણાં તેની તરફ જ જોઈ રહ્યાં હતાં.

એ બન્નેની આંખોમાં હજુ પણ તેણે જ એમના ફ્રેન્ડસ વિરાજ અને રોમાના ખૂન કર્યા હોવાની શંકાના સાપોલિયા સળવળી રહ્યા હતાં !

૦ ૦ ૦

રાતના સાડા આઠ વાગ્યા હતા. ડાઈનિંગ ટેબલ પર આરસી હાથમાં ચમચી રમાડતી વિચારોમાં બેઠી હતી. તેની સામેની ખુરશી પર નીલ બેઠો હતો. અને બાજુની ખુરશી પર અમોલ બેઠો હતો.

‘શોભના, કેટલીવાર છે ? !’ અમોલે કહ્યું, એટલે ‘આ લાવી.’ કહેતાં હાથમાં ગરમા-ગરમ રોટલીઓની પ્લેટ લઈને શોભના રસોડામાંથી બહાર આવી. રોટલીની પ્લેટ ટેબલ પર મૂકતાં તે આરસીની બાજુની સીટ પર બેઠી. અમોલ અને નીલે એક-એક રોટલી લઈને જમવાનું શરૂ કર્યું.

પણ આરસી હજુ પણ વિચારોમાં જ, હાથમાં ચમચી રમાડી રહી હતી.

શોભનાનું ધ્યાન આરસી તરફ ખેંચાયું. ‘તો..., આરસી...,’ શોભનાએ આરસીને વિચારોમાંથી બહાર લાવવા માટે કહ્યું : ‘...કૉલેજનો આજનો દિવસ કેવો રહ્યો ? !’

‘મને...!’ આરસીએ ધીરેથી કહ્યું : ‘...મને પહેલા પિરીયડમાં, છેલ્લી બૅન્ચ પર એક યુવતીનું પ્રેત બેઠેલું દેખાયું !’

અમોલનો મોઢા સુધી પહોંચી ગયેલો કોળિયો રોકાઈ ગયો. તેણે આરસી સામે જોઈને પોતાની પત્ની શોભના સામે જોયું. શોભનાના ચહેરા પર પણ આશ્ચર્ય હતું, તો નીલ પણ આરસી સામે તાકી રહ્યો.

અમોલ, શોભના અને નીલને ત્રણેયને આરસીએ કહેલી આ વાતના જવાબમાં શું કહેવું ? એ કંઈ સૂઝયું-સમજાયું નહિ.

તો આરસી ફરી પાછી હાથમાંની ચમચી આમતેમ ફેરવતાં એ યુવતીના પ્રેતના વિચારમાં સરવા ગઈ, ત્યાં જ આરસીની નજર તેના પગ પર પડી. અને તે ચોંકી ઊઠી-થરથરી ઊઠી. ખળભળી ઊઠી.

-તેના જમણા પગની ચામડી જાણે કીડા-મકોડા જેવા કોઈ જીવ-જંતુઓ ખાઈ ગયા હોય એમ ઊતરડાઈ ગઈ હતી !

(ક્રમશઃ)