વસુધાએ માંની વાત સાંભળી એ એમની સામે જોયાં કરતી હતી. એણે કહ્યું “માં મને ખબર છે તને ખરાબ લાગ્યું છે.. મને પણ આ વખતે સહન નથી થયું વારંવાર મારી સાસુ મારાં માટે બોલી જાય એનો અર્થ હું શું કાઢું ? એમને અંદરથી મારાં પર વિશ્વાસ નહીં હોય ? સન્માન નહીં હોય ? એમને એટલી ખબર નથી પડતી કે એમનેય દીકરી છે.”
“સાચું કહું માં સરલાબેનનો એમાં શું વાંક ? એતો કાયમ મનેજ સાથ આપે છે મારે એમની લાગણીનો વિચાર કરવાનો હતો એટલેજ હું દવાખાને એમની સાથે ગઇ.. છેવટે મારું ઘર તો એજ છે ને ? દિકરી તો પારકી થાપણ..” એમ કહી એની માં ના ખોળામાં માથું મૂકી માં માં કહીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી...
વસુધાને થોડીવાર રડવા દીધી.. પુરષોત્તમભાઇની આંખમાં આંસુ આવી ગયા.. એમણે કહ્યું “વસુધા મારી દીકરી તું લાખોમાં એક છે... નસીબમાં જે હતું એ સામે આવી ગયું તને પરણાવી ત્યારે ભર્યુ ભર્યુ ઘર સારો છોકરો સારાં માણસો જોયાં હતાં તારુ જીવન આગળ જતાં સારું સુખમય જાય એવું વિચારીનેજ સંબંધ કરેલો.”
પાર્વતીબેને આંખમાં આંસુ સાથે કહ્યું “ભાનુબહેને આવું ના બોલવું જોઇએ... કદર વિનાની લાગણી શા કામની ? કંઇ નહીં. હમણાં તો તું અમારી સાથેજ રહેજે ડેરીનું કામ વેવાઇ અને ગામની છોકરીઓ જોશે પેલો જમાઇનો ભાઇબંધ છે બધાં જોવાવાળાં છે તે ઉભુ કરી બધું ગોઠવ્યું છે થોડો સમય એ લોકોનેજ કરવા દે..”
વસુધા કંઇ બોલી નહીં માંનાં ખોળામાં માથું મૂકીને આંસુ સારી રહી હતી. વાતોમાં અને દુખડા કહેવા સાંભળવામાં ઘર આવી ગયું... આકુ ઉઠી ગઇ...
***************
વસુધા અને આકુનાં ગયાં પછી ઘર જાણે સાવ ખાલી ખાલી થઇ ગયું હતું દિવાળી ફોઇની આંખમાં આંસુ આવી ગયાં એમણે કહ્યું “ભાનુ તારે વસુધા દીકરીને આવી રીતે ટોકવાની નહોતી.. પણ તું ક્યાં નાની છે તને સમજાયું એ તું બોલી... મારું મન પણ ખાટુ થઇ ગયું છે.” ત્યાં દવાખાનેથી ફોન આવ્યો...
ગુણવતંભાઇએ ફોનમાં કહ્યું “હાં અમે બધું લઇને આવીએ છીએ.” અને ઉદાસ ચહેરે ફોન મૂક્યો.
-------------
અવંતિકા ઉદાસ અને સાવ મૌન થઇ ગઇ હતી. વસુધા નલવકથાનાં ચોપડીનાં પાનાં એનાં આંસુથી ભીંજાઇ ગયાં હતાં. મોક્ષની નજર પડતાં પૂછ્યું "અવું શું થયું ? કેમ આટલી ઉદાસ ? એવું શું આવ્યું છે નવલકથામાં ? વસુધા ઉપર પાછી કઇ મુશ્કેલી આવી ?”
અવંતિકા એ કહ્યું “મોક્ષ વસુધા બધું સહનજ કરી રહી છે ગામનાં કાળામુખા કાળીયાએ એનાં ઉપર બળાત્કાર કરવા પ્રયત્ન કર્યો છે. બચી ગઇ.. પણ એને બરાબરનો પાઠ પણ ભણાવ્યો...”
“મોક્ષ દુઃખની વાત એ છે કે આટલુ આટલું કરી રહેલી વસુધાને એની સાસુએ ખરાબ વેણ સંભળાવ્યાં વસુધા એની માં સાથે એનાં પિયરીયા ગામ જતી રહી. ખબર નહી.. મને એ નથી સમજાતું કે એક સ્ત્રી બીજી સ્ત્રીની વેદનાં સમજી ના શકે એને સંવેદના સાથે ટેકો આપી હિંમત આપવી જોઇએ સાથ આપવો જોઇએ એની જગ્યાએ એને ટોણાં મારી પોતાની જુનવાણી અને ખોટી બુધ્ધિ વાપરીને ઘરનો માહોલ બગાડી દીધો.”
“સ્ત્રી જ્યારે વિવશ થાય એને કોઇનો આશરો ના મળે ઉપરથી વાતો સાંભળવાની આવે એ શું કરે ? કેટલું સહે ? વસુધાએ દાખલો બેસાડ્યો છે સમાજમાં આવા નીચ નજરવાળા પિશાઓને માર મારી એનો બદલો લીધો. બીજી છોકરીઓને પણ હિંમત આવે.”
મોક્ષે કહ્યું “અવંતિકા આપણાં સમાજનો ઢાંચોજ એવો છે એમાં સ્ત્રીને માત્ર સહન કરવાનું આવે છે છતાં હિંમત હાર્યા વિના એ લક્ષ્ય પાર પાડે છે. આગળ જતાં જે એમણે વિસ્તાર કર્યો છે. એ જોતાં બધી પરિસ્થિતિ પચાવીને કંઇક નવોજ સંદેશ લાવશે એવો મને વિશ્વાસ છે.”
અવંતિકા કહે “આવી સ્ત્રીઓને બધી રીતે મદદ મળવી જોઇએ. સુરક્ષા સાથે આગળ વધવાની પ્રેરણા મળવીજ જોઇએ. એ મોક્ષનાં ખોળામાં માથું મૂકી બોલી બધાને ક્યાં આવું સુખ મળે છે ?” આવું બોલી એની આંખો પણ વરસવા લાગી....
************
ગુણવંતભાઇ, ભાનુબેન અને દિવાળીફોઇ બધાં ગાડીમાં શહેરનાં દવાખાને જવા નીકળ્યાં સાથે બધી મંગાવેલી વસ્તુઓની થેલીઓ ભરેલી લીધી હતી. સરલાનાં કપડાં, દવાઓ, છોકરા માટે સુતરાઉ કાપડનાં કટકાં. રમકડાં, ઘુંધરો બધું યાદ કરીને લીધું હતું.. ગુણવંતભાઇનો ચહેરો ઉદાસ હતો.. ત્યાં પહોચીને સરલાનાં પ્રશ્નોનો સામનો કરવાનો હતો..
દવાખાનું આવ્યું ગુણવંતભાઇએ ગાડી પાર્કીંગમાં મૂકાવી બકુલને કહ્યું “ચાલ આપણે આ થેલો લઇને જઇએ.” ભાનુબહેન અને દિવાળીફોઇ પણ ઉતર્યા.
સરલાને રાખી હતી એ રૂમમાં પહોચ્યાં ભાનુબહેન ઉતાવળે સરલા પાસે જઇને બોલ્યાં “કેમ છે દીકરા તને ? વાહ મારો કાનુડો ઊંધે છે એનાં માટે કપડાં, બાળોતીયા બધુ લાવી છું.” એમ કહી પારણાંમાં રહેલાં બાબાને પોતાનાં હાથમાં લીધો બોલ્યાં “અસ્સલ તારાં જેવો ચહેરો છે વાહ મારાં કુટુબમાં દિકરાએ જન્મ લીધો.”
સરલાએ કહ્યું “માં વસુધા ના આવી ? તમે લોકો એકલા કેમ આવ્યાં ?” દિવાળીફોઇએ ભાનુબહેન સામે જોયુ અને બોલ્યાં “એ ખૂબ થાકી ગઇ છે એટલે એ ઘરે આરામ કરીને. ક્યાં સુધી એને દોડધામ કરાવવી ? આવશે પછી.. “
સરલાએ ગુણવંતભાઇ સામે જોયું એમણે એણનો ચહેરો નીચે કરી દીધો સરલા પરથી નજર હટાવી દીધી સરલા સમજી ગઇ હોય એમ બોલી “માં સાચી વાત શું છે ? વસુધા ઘરે આરામ કરવા રહે એવી છેજ નહી.. હું એને ઓળખું છું એવું કોઇ ઓળખતું નથી”.
ગુણવતંભાઇએ કહ્યું “બેટા તારી માં એ એને જે વેણ કીઘાં એનાંતી વેવાઇ-વેવાણ-વસુધાને બધાને ખરાબ લાગ્યું છે એ રીસાઇને એનાં માવતર સાથે એં ગામ જતી રહી છે થોડાં દિવસ પછી આવશે એવું કીધું છે”.
સરલા અને ભાવેશ બંન્ને એકબીજા સામે જોવા લાગ્યા. સરલાએ કહ્યું “માં શું છે આ બધુ ? વસુધા આટઆટલું કરે છે તમને કદર નથી ? એ છોકરી જુદીજ માટીની છે તમે સામે ચઢીને તમારુ નસીબ ખરાબ કરી રહ્યાં છો”. એણે ભાવેશ સામે જોઇને કહ્યું “ભાવેશ..”.
વધુ આવતા અંકે - પ્રકરણ-107