એ ચાર કલાકથી ટ્રેનમાં હતો. એ મુસાફરી એના માટે કંટાળા જનક ન હતી કેમકે એણે જીવનનો મોટાભાગનો સમય આવી મુસાફરી અને દોડધામમાં જ વિતાવતો હતો. પણ આજે એના ચહેરા પર જરાક અલગ ભાવ હતા. કદાચ એ કંટાળા કે ઉતાવળના ભાવ હતા. એનો ચહેરો આઈ એમ ઇન હરી એટીટ્યુડ બતાવતો હતો.
જમ્મુમાં એક ખાસ મિશન પર ગયેલા એજન્ટ મલિકને તાત્કાલિક ચંડીગઢ બોલાવવામાં આવ્યો હતો. કદાચ સામાન્ય સંજોગોમાં એને એમ તાત્કાલિક બોલાવવામાં આવ્યો હોત તો એને નવાઈ ન લાગી હોત પણ એ સમયે સંજોગો જરા અલગ હતા. છેલ્લા એક વરસથી એ જમ્મુની સેન્ટ્રલ જેલમાં ઈલીયાસ બની કેદ હતો. એ ત્યાં કેદ ઝફર પર નજર રાખવા માટે કેદીનો વેશપલટો કરીને જેલમાં સજા ગાળતો હતો.
એનું કામ ઝફરને વિશ્વાસમાં લઇ એની દોસ્તી કરવાનું હતું અને એમાં એ પચાસ ટકા કરતા વધુ સફળ રહ્યો હતો પણ એકાએક એ જ જેલમાં બીજો એજન્ટ કેદી બનીને આવ્યો અને મલિકને હરિયાણાના હોમ મીનીસ્ટરને તાત્કાલિક મળવા જવાનો કોડ મેસેજ આપ્યો.
મલિક માટે એ જેલમાંથી નાસી જવું કોઈ મુશ્કેલ કામ નહોતું. એ પહેલા પણ એવી કેટલીયે જેલ તોડી નીકળ્યો હતો. પાકિસ્તાનમાં પ્રિઝન બ્રેક સુધીનો અનુભવ એણે પચીસ છવ્વીસની યુવાન વયે જ લઈ લીધો હતો. બસ એને પોતાના એક મિશનને સફળતા સુધી આવ્યા બાદ છોડીને જવું પસંદ નહી આવ્યું હોય એટલે જ જતાં પહેલા એને સમાચાર આપવા આવનાર એજન્ટના ચહેરાને અને જેલરના એક હાથને એ મહિનાઓ સુધી મલિકને ભૂલી ન શકે એ હાલ સાથે છોડીને જેલ બહાર નીકળ્યો હતો.
ટ્રેન ચંડીગઢ સ્ટેશને ઉભી રહી. લગભગ સવારના આઠ નવનો સમય હતો. વાતાવરણમાં એકદમ ઠંડીનો પ્રભાવ હતો પણ એજન્ટ મલિક માટે એ વાતાવરણ ઠંડુ નહોતું. એ જમ્મુ અને કાશ્મીરની ઠંડીમાં રહેવા ટેવાયેલો હતો. છેલ્લા એક વર્ષથી એ જમ્મુની જેલમાં ઈલીયાસ બનવા માટે એક કેદીના કપડાંમાં ઠંડી સહી ચુક્યો હતો માટે ચંદીગઢનું ઠંડુ વાતાવરણ એના માટે સામાન્ય હતું.
ટ્રેનના પૈડાઓની ગતિ ધીમી પડી. એ પૈડાના સંગીતનો અવાજ બદલાયો અને થોડીક વારે ટ્રેન એક ટ્રેક પર ઉભી રહી.
એજન્ટ મલિકે પોતાનું જેકેટ સરખું કર્યું. ઉતારીને બાજુમાં મુકેલ બ્લેક સપોર્ટ સૂઝ પગમાં ચડાવ્યાં અને પ્લેટફોર્મ પર પગ મુક્યો.
એણે ટ્રેનમાં બેસતા પહેલા જમ્મુના ઝરીના માર્કેટમાં એક વરસથી પોતાની વધી ગયેલી દાઢીને ટ્રીમ કરાવી લીધી હતી અને વાળને પણ જરાક સરખા કરાવી લીધા હતા કેમકે હવે એ કોઈ ઈલીયાસ નામનો કેદી નહિ ફરી એકવાર એજન્ટ મલિક હતો. પણ એનું એ નામ કેટલા સમય પુરતું હતું?
વધુમાં વધુ એ મુસાફરી પુરતું.
એ જાણતો હતો કે હરિયાણાના હોમ મીનીસ્ટરે એને મળવા તો નહિ જ બોલાવ્યો હોય. એને ફરી કોઈ નવા મિશન પર મુકવાનો હશે જ્યાં ફરી કોઈ નવું નામ અને નવો અભિનય એની રાહ જોતો હશે.
પણ એને એના એ નવા નામ કે નવા અભિનય કરતા પણ એ મિશન શું હશે એ જાણવાની ઉતાવળ હતી.
પ્લેટફોર્મ છોડી આગળ વધતા પહેલા એની બાજ નજર એની પર નજર રાખતા બે અજાણ્યા માણસોને નોધી ચુકી હતી. એને પડછાયા પસંદ નહોતા અને એ બંનેએ છેક જમ્મુથી એનો પીછો કરી એને ગુસ્સો અપાવી દીધો હતો. એ પોતાની જાત સામે જ હસ્યો અને એસ્કેલેટર તરફ ચાલવા લાગ્યો.
જયારે એ એસ્કેલેટર ઉતરી એક્ઝીટ પર પહોચ્યો એને અંદરના ભાગે સ્ટોપિંગ બેલ અને કેટલોક બીજો કોલાહલ સંભળાયો.
એક્ઝીટ આસપાસ રહેલા લોકો એ કોલાહલ તરફ જવા લાગ્યા. લોકો જાણવા માંગતા હતા કે ત્યાં શું થયું છે અને શેનો કોલાહલ છે પણ એજન્ટ મલિક એક્ઝીટના પાટિયા હેઠળથી પસાર થઈ સ્ટેશન બહાર નીકળી ગયો કેમકે એ જાણતો હતો કે ત્યાં શેનો કોલાહલ હતો.
ત્યાં રેલ્વે ઓથોરીટીને બે અજાણ્યા માણસોની લાશો મળી હશે જેમના માથામાં ગોળી મારેલી હશે. એ બે વ્યક્તિઓને મારનાર વ્યક્તિ કોણ હશે એ જાણવા રેલ્વે ઓથોરીટીએ હાલ્ટની બેલ વગાડી હશે પણ એજન્ટને એ જાણવાની કોઈ જરૂર નહોતી કેમકે એ બંનેના માથામાં જે બુલેટ હતી એ એના જેકેટના પોકેટમાં આરામ કરતી નાનકડી લીલીપુટ પિસ્તોલમાંથી નીકળી હતી એ બાબત એ જાણતો હતો માટે એક્ઝીટ બંધ થાય એ પહેલા એ સ્ટેશન છોડી નીકળી ગયો.
જયારે એક્ઝીટ ડોર કમ્પ્લીટ લોક થયો એ સમયે એજન્ટ પીળા પટ્ટાવાળી ટેક્સીની બેક સીટ પર પોતાની પીઠ ટેકવી આરામ કરતો હતો અને ટેક્સી પુર ઝડપે હરિયાણા હોમ મીનીસ્ટરના પ્રાયવેટ પ્લેસ તરફ દોડતી હતી.
*
હોમ મીનીસ્ટરના ખુફિયા પ્લેસના એક વિશાળ હોલમાં એકદમ નિરવ શાંતિ ફેલાયેલી રહી હતી. બધા એકબીજા તરફ જોતા હતા પણ કોઈ એજન્ટ મલિકના આવ્યા પહેલા ચર્ચાનો દોર શરુ કરવા ઇચ્છતા નહોતા. બધા ચુપચાપ એક-મેકને જોતા હતા.
કદાચ દરેકના મનમાં એક જ સવાલ હતો કે શું એજન્ટ મલિક જેલ તોડી શકશે કેમકે એને જેલ બહાર બીજી કોઈ રીતે લાવી શકાય એમ નહોતો. જો એને સીધો જ જેલમાંથી મુકત કરી દેવામાં આવે તો ઝફરને એના સરકારી માણસ હોવા પર શક થઈ જાય એમ હતી જયારે સરકાર ઇચ્છતી હતી કે હરિયાણા મીનીસ્ટરે સોપેલું કામ પટાવી એ ફરી પકડાઈ જાય અને એને ઇલીયાસ બનાવી એ જેલમાં એની ઝફર સાથેની દોસ્તી આગળ વધારવા મૂકી શકાય. શું એ જેલ તોડવામાં કરવામાં સફળ રહ્યો હશે કે નહિ એ સવાલ મિટિંગ ટેબલ પર રાહ જોતા દરેકની આંખોમાં દેખાતો હતો.
બધાની નજર એ ખુફિયા સ્થળના બહારના ભાગનું દ્રશ્ય બતાવતા કેમેરાના મોનીટર તરફ હતી. મોનીટરમાં દરવાજા આગળ એક ટેક્સી ઉભી રહેતી દેખાઈ. ટેકસીમાંથી પચ્ચીસ છવ્વીસ વર્ષનો પાતળા બાંધાનો એક યુવક ઉતર્યો જેને જોતા કોઈ કહી શકે એમ નહોતું કે એ યુવક એજન્ટ મલિક છે જે પોતાના કરતા પચાસ પાઉન્ડ વધારે વજનવાળા ઘાતકી ગુનેગારોને માત કરવામાં એકાદ મિનીટ કરતા વધુ સમય ક્યારેય લેતો નહોતો. કદાચ તેનો પાતળો બાંધો એની કમાન્ડો તાલીમનું પરિણામ હતું.
એ ટેક્સી ડ્રાઇવરને ભાડું ચૂકવી કોઈ બેફીકર કોલેજીયન યુવકની અદાથી પેવમેન્ટ તરફ આગળ વધ્યો.
મોનીટર પર એને જોતા લોકોમાંથી જે એક બે એના વિષે ખાસ જાણતા નહોતા એ વિચારતા હતા કે શું એટલા મહત્વના મિશનને એના પર છોડી શકાય? પણ જે મલિક વિષે જાણતા હતા એમના મનમાં એવો કોઈ સવાલ નહોતો કેમકે એમને મલિકના આગળના મિશન અને એની સફળતાની ખબર હતી. એમને ખબર હતી કે એ મિશન માટે પણ મલિક સૌથી શ્રેષ્ઠ એજન્ટ હતો.
મલિક હોલમાં દાખલ થયો. એ એક ચિંતાતુર ચહેરા સાથે પોતના વાળને પોનીટેલમાં બાંધી લાકડાની ખુરશી પર ટેકો લઈ બેઠેલી ચાલીસેક વર્ષની મહિલા સામે ખુરશીમાં ગોઠવાયો.
“ગૂડ મોર્નિંગ, મિસ. લલિતા.”
“ગૂડ મોર્નિંગ એજન્ટ..” એ ફિક્કા અવાજે બોલી.
એજન્ટે હોલમાં એક નજર ફેરવી. એ મહિલાની બાજુની ચેરમાં એક આધેડ વયનો વય્ક્તિ બેઠો હતો જેના મોટા ભાગના વાળ સફેદ હતા અને એ ખાખી સફારીમાં હતો. એની ડાબી તરફ એક ટાલિયો માણસ હતો જે કોઈ સુરક્ષા અધિકારી હશે એ એક જ નજરે ખ્યાલ આવી જતો હતો.
“એજન્ટ મલિક તમે મિશનની જવાદારી સ્વીકારવા તૈયાર છો?” એ ટાલીયાએ એની ખાસ્સી એવી વધી ગયેલી દાઢી પર હાથ ફેરવ્યો.
“મિશન વિષે જાણકારી લીધા પહેલા હું એ કઈ રીતે સ્વીકારી શકું?” એજન્ટનો અવાજ એના વ્યક્તીત્વ જેવો જ પ્રભાવશાળી હતો. જોકે હજુ એ અવાજમાં યુવાનીની છાંટ હતી.
“મિશન એટલું ગુપ્ત છે કે જે વ્યક્તિ એની જવાબદારી લેવા તૈયાર ન હોય એની સાથે માહિતી વહેચી શકાય એમ નથી.” ટાલીયાની બાજુમાં બેઠા પરફેક્ટ ટેઈલર્ડ પીન સ્ટાઈપ સુટ અને બ્લુ સિલ્ક શર્ટવાળા માણસે કહ્યું. એના શર્ટમાં ક્રવેટ ફોલ્ડ કરેલ હતી.
“એમ હોય તો હું એ જવાબદારી લેવા તૈયાર છું.” એજન્ટના ચહેરા પર સ્મિત હતું કેમકે એ એવા જ કોઈ જોખમી મિશનની રાહ છેલ્લા એક વર્ષથી જોતો હતો. એ એક વર્ષથી જેલની એક જ કોટડીમાં રહીને કંટાળી ગયો હતો.
“આ મિશન ઓફીશીયલ નથી.” ફિક્કા ચહેરા સાથે જે મહિલા એજન્ટ સામે બેઠી હતી એ પોતાની રિસ્ટ વોચમાં જોતા બોલી.
એજન્ટે નોધ્યું કે એના હાથમાં એક્સ્પેન્સીવ વોચ કમ-સે-કમ એકાદ લાખ ઉપરની કિમતની હતી.
“નોટ ઓફીશીયલ મીન્સ?”
“મિશન અન-ઓફીશીયલ છે એજન્ટ. છેલ્લા કેટલાક સમય દરમિયાન ચંડીગઢ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવતીઓ ગુમ થઇ છે. એમ લાગે છે કે હ્યુમન ટ્રેફીકિંગ અને ઓર્ગન ટ્રેફિકિંગ બીઝનેસમાં જોડાયેલ લોકોનું કામ છે.”
“તો મિશન અન-ઓફીશીયલ કઈ રીતે થયું?”
“મિશન અન-ઓફીશીયલ છે કેમકે એમાં મોટા નેતાઓ સંડોવાયેલા હોય એમ લાગે છે. જો કોઈ ચૂક થાય તો હરિયાણા સરકાર એ માટે જવાબદારી લઈ શકે એમ નથી.”
“મીન્સ નો હેલ્પ ફ્રોમ પોલીસ ડ્યુરીંગ મિશન?” એજન્ટે સવાલ કર્યો.
“ઓફિશિયલી નોટ બટ,” એક આર્મી ઓફિસર જેવા દેખાતા શીખે પોતાનું વાક્ય અધૂરું જ છોડી દીધું.
“આઈ કેન અન્ડરસ્ટેન્ડ.” તેની સામેના વિશાળ ખભા અને શીખની પાધડીમાં શોભતા ઓફિસરને એજન્ટે હસીને જવાબ આપ્યો. કદાચ એનું એ સ્મિત ફોર્માલીટી માટે નહોતું કેમકે એ અંદરથી ઈચ્છતો હતો કે પોલીસ એના કામમાં કોઈ ટાંગ ન લડાવે એટલે જ એણે એ સવાલ ફેરવીને પૂછ્યો હતો. કમાન્ડો ટ્રેનીંગ સેશનથી દરેકને જાણ હતી કે મલિક હંમેશા એકલો કામ કરવાનું પસંદ કરતો.
“મિશન વિષે કંઈ જાણવા મળશે કે પછી..?” એજન્ટે હસતા ચહેરે પૂછ્યું અને શીખ જેમ જ વાક્ય અધૂરું છોડી દીધું.
હવે હોમ મીનીસ્ટરની વારી હોય એમ બધાએ એમની તરફ જોયું.
“આ બધા પાછળ વિક્ટર નામની કોઈ વ્યક્તિ છે. આ રેકેટમાં એની સાથે ગોવા, મુંબઈ અને ગુજરાતના માફિયા પણ ભળેલા છે. વિક્ટર કોણ છે એ કોઈને જાણ નથી. લોકોમાં અને અન્ડરવર્લ્ડમાં પણ એનો એટલો ડર છે કે લોકલ ગુંડાઓ એમ મને છે કે વિક્ટરને જોનારી આંખો સાંજ પડતાં પહેલાં કાયમ માટે બંધ થઇ જાય છે. કોઈ કાન જે નામ સાંભળવા માંગતા નથી એ વિકટરના નામ સિવાય કોઈ માહિતી આપણી પાસે નથી. એ કયાં છે? એના સાથીઓ કોણ છે? એની સાથે કયા નેતાઓ કનેકટ છે એ બધું એક રહસ્ય જ છે?”
હોમ મીનીસ્ટર વિકટરની તારીફ કરતા હતા કે બુરાઈ એ નક્કી કરવું મુશ્કેલ હતું કેમકે વિક્ટર જેવા માણસ માટે એની વિષે થતી ખરાબ ટીપ્પણીઓ જ નક્કી કરે છે કે એ કેટલી હદ સુધી ખતરનાક છે. એ ખુફિયા સ્થળે થતી મીટીંગમાં હાજર હાઈ ક્લાસ લોકોને જોતા વિક્ટરનું નામ કોઈ કેમ સાંભળવા નહિ માંગતું હોય એ સમજાય એમ હતું.
“વિક્ટરની ફાઈલ ત્રણ મહિનામાં તમારા ટેબલ પર હશે.” એજન્ટ પોતાની ખુરશી પરથી ઉભો થયો.
એ જાણતો હતો કે વિક્ટરની કોઈ તસવીર નહિ હોય એટલે એ માટે પુછતાછ કરવાનો કોઈ અર્થ નહોતો.
એ ખુફિયા મીટીંગ પુરી થઈ ગઈ હતી. માત્ર કેટલાક શબ્દોની એ મીટીંગ પતાવી મલિક બહાર નીકળ્યો.
એને બહાર ફરી કોઈ ટેક્સીની રાહ ન જોવી પડી કેમકે એની પાછળ જ બહાર નીકળેલા હોમ મીનીસ્ટરની લેમ્બોરગિનીમાં એને લીફ્ટ મળી ગઈ હતી. જયારે લેમ્બોરગીની મની માજરા ઉભી રહી અને એજન્ટ મલિક એમાંથી ઉતરી ત્યાંની ભીડમાં અદશ્ય થયો ત્યારે એ રસ્તામાં હોમ મીનીસ્ટરે કહેલા શબ્દો પર વિચાર કરતો હતો. હોમ મીનીસ્ટરે એને અન-ઓફિશિઅલી વિક્ટરને જીવતો પકડવાને બદલે ખતમ કરવાનું કહ્યું હતું અને બદલામાં ખંડાલામાં ત્રણ કરોડની કીમતનો ફ્લેટ આપવાની ઓફર કરી હતી.
ત્રણ કરોડની કિમતના ફ્લેટ માટે કોઈની હત્યા કરે એમાંનો વ્યક્તિ એજન્ટ મલિક નહોતો પણ વિક્ટર જેવા માણસોને જીવતા પકડવા આમ પણ એને પસંદ નહોતું. એ વિક્ટરને પકડવાને બદલે એમ પણ મારી જ નાખવાનો હતો. હોમ મીનીસ્ટરની ત્રણ કરોડના બંગલાની ઓફર તો એના માટે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ હતી.
ક્રમશ: