માતૃભારતી - એક એવું પ્લેટફોર્મ જ્યાં મનની વાતો લખવાની મંજૂરી મળે છે. આજે હું એક ધારાવાહિક લખવા જઈ રહી છું પહેલી વખત. કંઈ ભૂલ થાય તો માફ કરશો અને મને જરૂરથી જણાવજો. હું કાલ્પનિક નહીં હકીકત લખવા જઈ રહી છું એક સ્ત્રીની. એ પોતે કેવા તબક્કામાંથી પસાર થાય છે. કદાચ દરેક સ્ત્રીને એમાં પોતાની છબી દેખાશે. ચાલો, હું શરુઆત કરું છું ધારાવાહિકની જેનું મુખ્ય પાત્ર છે આશાબેન.
આશાને ધૂંધળું ધૂંધળું યાદ છે એ ખૂબ નાની હતી. એક દિવસ મમ્મીનું પેટ મોટું જોઈને એને નવાઈ લાગી, એણે મમ્મીને પૂછ્યું કેમ આટલું મોટું પેટ છે તો મમ્મીએ એનું ધ્યાન બીજે વાળી દીધું. એ નાની એટલે પછી રમતમાં ભૂલી ગઈ. થોડા દિવસ પછી મમ્મી દવાખાને જાય છે એમ ઘરમાં કહ્યું ને બે દિવસ પછી જ્યારે આવી ત્યારે હાથમાં નાનું બાળક હતું, આશાનો ભાઈ. આશાની મોટીબેન પણ હતી પ્રતિક્ષા. આશાએ મમ્મીને પૂછ્યું તારું પેટ ક્યાં ગયું ? તો ફરીથી એને બીજી વાતોમાં પરોવીને વાત વાળી લીધી. આશાના ઘરમાં એના મમ્મી પપ્પા, મોટી બેન, નાનો ભાઈ, કાકા કાકી, એમના બે સંતાનો દિકરો અને દિકરી, દાદી, એના પપ્પાના કાકા જેને બધા નાના કહેતાં એ અને એક નાની ફુઈ. મોટી ફુઈના લગ્ન થઈ ગયેલાં. બે રુમ એક રસોડાના ઘરમાં બીજા માળે સૌ સાથે રહેતા હતા. આશાના પપ્પા નોકરી કરે. એમનો એક નિયમ. સવારે ઉઠીને નાહી ધોઈને સાયકલ પર અંબાજી મંદિરે જવું. કોઈવાર આશાને ને એની બહેનને પણ લઈ જાય. આવીને નાસ્તો કરીને નોકરી પર જાય. ત્યાંથી બપોરે જમવા આવે, એક બે કલાક આરામ કરે ને પછી નોકરીએ જાય તે રાતે બાર વાગ્યા પછી આવે. એમની નોકરી એક થિયેટરમાં હતી. એટલે રાતે છેલ્લો શૉ પૂરો થાય પછી આવે. આશા એના ભાઈ બહેનો સાથે આખો દિવસ રમ્યા કરે. નાના બજાર જાય તો શાકભાજી લઈ આવે. બધા સાથે શાંતિથી રહેતા હતા. પણ એના કાકા નોકરી ના કરે અને આખો દિવસ શેરીના નાકા પર બેસી રહે. એનો સીધો અર્થ એ હતો કે આખા ઘરની જવાબદારી એના પપ્પા પર હતી. તો પણ બધું સારું જ હતું. એની કાકીનું પિયર શેરીમાં જ હતું એટલે કાકી થોડું ઘણું ઘરનું કામ પતાવીને પિયર ચાલ્યા જાય. બીજા માળે રહે એટલે પાણી નીચે આવે ત્યાંથી ઊંચકીને બીજા માળે જવાનું. બધા સાથે મળીને ભરતાં. એક દાદર એની મમ્મી ઊભી રહે, એક દાદર એના કાકી ને ઉપરથી ફોઈ લઈને જ્યાં ભરવાનું હોય ત્યાં ભરી દે. કોઈ દિવસ કોઈ લડાઈ થતી જ ન હતી. પણ ધીરે ધીરે એની કાકી એમ કહેતા થઈ ગયા કે આટલાં બધાનું પાણી ભરીને થાકી જવાય છે. એટલે કોઈવાર ભરે, કોઈવાર ની પણ ભરવા લાગે કે મને સારું નથી એમ કહી સૂઈ જાય. એટલે આશાની મમ્મીનો તો છૂટકો જ ન હતો. એણે તો કરવું જ પડે. આશાના પપ્પા પણ કંઈ બોલતા નહીં.
આમ જ ચાલ્યા કરતું. એમાં એની ફોઈના લગ્ન નક્કી થયા. એટલે બધા એમાં પરોવાઈ ગયા. આશાને એ લગ્નનું ખાલી એટલું યાદ છે કે ફોઈની વિદાય વખતે બધા રડતા હતા ને એને એની મમ્મીના મોટાકાકા (દાજી) એ લીધેલી હતી. એના દાજી એમ કહેતાં હતા કે તારી મમ્મી તો તને મૂકીને ચાલી જવાની તેમ એ વધારે રડતી. પછી એમણે શાંત કરી કે મમ્મી નહીં તારી ફોઈ જાય છે ત્યારે એને હાશ થઈ. એના પપ્પા દર રવિવારે એમને ફરવા લઈ જતાં.
આશાને યાદ છે આજે પણ કે કાકા કાકી મમ્મીને બહુ હેરાન કરતાં પણ એની મમ્મીએ કોઈ દિવસ એના પપ્પાને ફરિયાદ ની કરેલી. ઉલટાનું રવિવારે ફરવા જતાં તો પણ એ ત્રણ ભાઈ બહેન અને કાકાના દિકરા દિકરી, બધાને સાથે લઈને જતાં. પણ એક દિવસ શું થયું એ નથી ખબર પણ એની કાકી એક રુમમાં સ્ટવ લઈ ગયા અને કહી દીધું અમે અમારું કરી લઈશું. એના દાદીએ પણ કહી દીધું કે એ એનું અને નાનાનું ખાવાનું બનાવી લેશે. એટલે પપ્પા મમ્મી ને અને એમને ત્રણને લઈને આશાના મામાને ત્યાં ચાલ્યા ગયા. આશાના નાના નાની તો હતા નહીં બસ એની મમ્મીના બે કાકા હતા, એક (દાજી) કુંવારા હતા અને બીજા (નાના) એમણે આશાની મમ્મીના લગ્ન પછી આશાની દાદી અને ઘરવાળાઓને પૂછીને બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા અને એમને બે છોકરા હતા જે આશા અને એની બહેનની ઉંમરના હતા પણ તેઓ એમને મામા કહીને જ બોલાવતા. આશાના પપ્પા બધા સાથે ત્યાં ગયા એટલે એમણે પપ્પાને ઘરની પાછળનો ભાગ રહેવા માટે આપ્યો. આશા બહુ નાની પણ આ બધું એને થોડું થોડું યાદ છે એને ક્યારેય ખબર જ ન પડી કે શું થયું હતું કે બધા જુદા થઈ ગયા.
મામાને ત્યાં ગયા પછી એમના પપ્પાએ આશાને ત્યાં નજીકમાં એક બાળમંદિરમાં અને એની બહેનને શાળામાં એડમીશન અપાવ્યું જ્યાં આશાની મોટી ફુઈ નોકરી હતા અને એ શાળા આશાના મામાના ઘરની નજીક હતી. અહીંથી એમની નવી સફર શરુ થઈ. ત્યાં એક દિવસ ખબર આવી કે આશાની કાકીએ દિકરાને જન્મ આપ્યો છે અને એક દિવસ આશા એની મમ્મી સાથે કાકીને જોવા ગઈ હૉસ્પિટલમાં. હૉસ્પિટલમાં નર્સે આશાને અંદર રુમમાં ન જવા દીધી કે નાના છોકરાઓ અંદર ન જઈ શકે. આશા હૉસ્પિટલના દાદર પર બેસી રહી એકલી. એની મમ્મી કાકીના રુમમાં હતી એના ભાઈની સાથે. કંઈ કેટલીયે વાર પછી એક નર્સ આવીને એને કહે કે તું અહીં જ છે તારી મમ્મી તો ક્યારની ગઈ. આશા તો ત્યાં જ રડવા માંડી. એને તો ઘરનું સરનામું પણ ખબર ન હતી. એને એ દિવસે ખબર જ ન પડી કે એની મમ્મીને એની કંઈ પડી હતી કે નહીં ? થોડી વાર પછી એની મમ્મી આવી અને એની સાથે એ ઘરે આવી ગઈ. પછી એક દિવસ એ લોકો પાછા પોતાના ઘરે આવી ગયા જ્યાં આશાની દાદી, કાકા-કાકી વગેરે હતા પણ આ વખતે દાદીનું ખાવાનું જૂદું ન બનતું હતું પણ આશાની મમ્મી બનાવતી હતી. આશા એટલું સમજી ગઈ કે દાદી હવે એ લોકોની સાથે જ ખાવાનું ખાશે અને એના કાકા-કાકી અને એમના સંતાનો અલગ. બે રુમ રસોડા ના ઘરમાં બે રસોડા બની ગયા હતા. એક દિવસ મોટા ફુઈ આવ્યા હતા, આશાની મમ્મી રસોડામાં નાસ્તો બનાવવા ગઈ હતી અને આશાના દાદી એની ફોઈને કહી રહ્યા હતા કે એમની તબિયત બરાબર રહેતી ન હતી, કામ થતું ન હતું ને આશાની કાકી એમને કંઈ કરવા ન લાગતા હતા એટલે એમણે જ આશાના પપ્પાને કહ્યું હતું કે અહીં આવી જાવ મારાથી કામ નથી થતું અને આશાના પપ્પા બધાને સાથે લઈને અહીં પાછા આવી ગયા.
આશા લગભગ એ વખતે ચાર વર્ષની હતી પણ એને થયું કે મારા પપ્પા બહુ સારા છે દાદીની તકલીફ એમણે દૂર કરી દીધી કંઈ પણ કહ્યા વગર. આશાને એ દિવસ બહુ સારો લાગ્યો હતો. આશાના પપ્પાએ એની બહેનનું એડમીશન ઘરની નજીકની શાળામાં કરાવી દીધું. આશાની ઉંમર શાળામાં એડમીશન લેવામાં ઓછી પડતી હતી. એટલે આશાના પપ્પાએ એને પોતાની માસી ના ગામ ભણવા મૂકી. કે બે ત્રણ મહિના પછી અહીં ટ્રાન્સફર કરાવી લઈશું. આમ આશા એના પપ્પાની માસીને ત્યાં રહેવા લાગી. શનિવાર રવિવારની રજામાં એના પપ્પા ત્યાં આવતા અને કોઈવાર એને ઘરે લઈ આવતા. આમ બે ત્રણ મહિના નીકળી ગયા ને એનું એડમીશન ઘર નજીકની શાળામાં લેવાય ગયું. આમ આશા અને એની બહેન એક જ શાળામાં જવા લાગ્યા. આશાના કાકાનો દિકરો આશાથી મોટો અને આશાની બહેન કરતાં નાનો. એ પણ નજીકની શાળામાં જતો હતો. આશાના કાકાની દિકરી આશા કરતાં નાની અને આશાના ભાઈ કરતાં મોટી હતી. આશા નો ભાઈ અને એના કાકાની છોકરી બંને સાથે બાળમંદિર જતા. આશાની મમ્મી બંનેને લેવા મુકવા જતી. બધા વચ્ચે એક વર્ષનો તફાવત હતો એટલે આશાની બહેન માટે જે ચોપડા લેવાતા તે આશાના ભાઈ સુધી બધાને ચાલતા. બાકીના સમયમાં બધા સાથે રમતાં. પણ આશાના પપ્પા રોજ સવારે મંદિરેથી આવીને બધાને ભણવા બેસાડતા પણ આશાના કાકી એમના દિકરા દિકરીને એમની પાસે ભણવા ન મોકલતાં. આમ જ ધીરે ધીરે બધા મોટા થઈ રહ્યા હતા. આશાના કાકા હજી પણ કંઈ કામ કરતાં ન હતા. આશાના કાકી સાડી પર લેસ લગાડવાનું એવું કામ કરતાં. એનાથી થોડો ખર્ચો નીકળતો. કોઈવાર આશાની મમ્મી રસોઈ વધારે બનાવીને એમને જમાડી દેતી. વળી, આ બધા ઉપરાંત એની મમ્મી ઉપર નીચેથી પાણી ભરવાની જવાબદારી વધી ગઈ કારણ કે એના કાકી તો એ લોકો જેટલું જ પાણી લાવીને બેસી જતાં. આશા અને એની બહેન તો નાના હતા છતાં અડધી અડધી ડોલ ભરીને ઉપર લાવી મમ્મીને મદદ કરાવતાં. આશા જોઈ રહી હતી કે કંઈ પણ નોર્મલ ન હતું. એક બાજુ એની મમ્મી આખો દિવસ કામ કર્યા કરતી અને એના પપ્પા અડધી રાત સુધી નોકરી કરતા. આશા જોતી કે એના દાદી આમ તો એના મમ્મી પપ્પા સાથે રહે પણ આખો દિવસ એના કાકીની આગળ પાછળ ફર્યા કરે. એક દિવસ આશાની મમ્મીને દાદીની બહેનને ત્યાં કોઈની ખબર લેવા જવાનું હતું તો એમણે આશાના કાકીને કહ્યું હું આજે પહેલા પાણી ભરી લઉં તું પછી ભરજે. તો ત્યારે એ કંઈ ન બોલ્યા પણ પછી કાકાને ફરિયાદ કરી કે મને પાણી ની ભરવા દીધું એટલે આશા ના કાકા આશાની મમ્મી પર થોડા ગુસ્સે થયા. આશાના દાદી પણ એ સમયે કંઈ ન બોલ્યા કે એને બહાર જવાનું હતું કોઈની ખબર લેવા એટલે. આશાના કાકી તો ક્યાંય જતાં નહીં. થોડા દિવસ પછી આશાના પપ્પા પાણી ભરવા માટે મોટર લઈ આવ્યા. એટલે આશાની મમ્મીને થોડી રાહત થઈ. આશાની મમ્મીએ જ આશાના કાકીને કહ્યું તું પણ આનાથી જ પાણી ભરી દેજે નીચેથી ની લાવતી. એટલે બધાને પાણીની શાંતિ થઈ ગઈ. પણ આશાના દાદીએ આશાના કાકીને એમ કહ્યું કે રોજ તારે મોટર ચાલુ કરીને બધું પાણી ભરી દેવાનું, આશાની મમ્મી ખાલી એ લોકોનું પીવાનું પાણી ભરશે. આમ પણ મોટરના પૈસા આશા ના પપ્પાએ આપ્યા છે અને લાઈટબીલ પણ એ જ ભરે છે તો તારે આટલું કરી લેવાનું. ત્યારે તો કાકીએ હા પાડી પણ પછી રોજ કકળાટ કરતાં કે પાણી ભરવાનું હોય એટલે મારાથી કશે જવાય નહીં, બીજું કંઈ કામ થાય નહીં વગેરે વગેરે. એક દિવસ આશાની મમ્મીએ કહી દીધું કે તું ખાલી તારું પાણી ભરી દેજે મારું હું ભરી દેવા. આમ એના કાકી આ કામમાંથી પણ છટકી ગયા. આશા અને એના ભાઈ બહેનને એના પપ્પાએ ટ્યુશન મુક્યા, સાથે એના કાકાના દિકરા દિકરીને પણ. આશાની મમ્મી કે પપ્પા એ લોકોને પારકા ગણતા જ ન હતા. આમ પાંચ ભાઈ બહેન સાથે ટ્યુશન જતાં અને સાથે આવતાં. આમ છતાં આશાના પપ્પા એ ત્રણ ભાઈ બહેનને તો ભણાવવા બેસાડતા જ હતા. આ જોઈને આશાના કાકી પણ એમના દિકરા દિકરીને મારી મારી ને ભણવા બેસાડતા પણ આશા ના પપ્પા બોલાવે તો એમની પાસે ન મોકલતા. મોટાઓ વચ્ચે જે પણ હોય પણ આશા અને એના ભાઈ બહેનો સૌ સાથે હળી મળીને રહેતા.
આશાના પપ્પાની થિયેટરમાં નોકરી એટલે જે નવા પિક્ચર આવે તે એ લોકો જોવા જતાં. બધા જ કાકા કાકી સિવાય. આશાના પપ્પા દરેક સિઝનમાં જે ફળ મળતા તે લાવતા અને બધાને આપતા. કોઈ દિવસ એમણે કોઈ પણ છોકરાઓમાં ભેદભાવ ન રાખતા હતા. શાળામાં વેકેશન પડે એટલે આશાની મમ્મી સૌને લઈને મામાને ત્યાં જતી રહેવા માટે. એક વખત થયું એવું કે કાકીએ એમના દિકરા દિકરીને ન મોકલ્યા કંઈ બહાનું કાઢીને. પણ આશાની મમ્મીએ કહ્યું કંઈની કામ પતે ત્યારે મૂકી જજે પણ એવું ન થયું. આશાની મમ્મી જ્યારે પાછી ઘરે આવી તો જોયું કે એમના દિયર દેરાણી છોકરાંઓ સાથે બેસીને આરામથી કેરી ખાતા હતા. એમને જોઈને તેઓ એકદમ ડઘાઈ જ ગયા કારણ કે એમની હાજરીમાં કોઈ દિવસ એ લોકો કંઈ લાવતાં જ ન હતા. તેઓ કંઈ બોલી પણ ન શક્યા. આશાની મમ્મીને એ દિવસે બહુ જ ખરાબ લાગેલું. કે અમે તો કોઈ દિવસ એમની પાસે કશુઅં માગતા જ નથી તો પછી એમનાથી છુપાઈને કેમ એ લોકોએ આવું કર્યું ? એમની હાજરીમાં પણ તેઓ લાવીને ખાઈ જ શકતા હતા ને ? તો પછી આમ છુપાઈને કેમ ? તો પણ એમણે કંઈ ન કહ્યું અને કંઈ થયું જ નથી એમ રહેવા લાગ્યા. વેકેશનમાં આશાના મમ્મી પપ્પા એમની બધી માસીઓના ઘરે બધા છોકરાઓને લઈ જતાં જેથી બધા એકબીજાને ઓળખે. એના કાકા કાકી ક્યારેય કોઈને ત્યાં ન જતાં. બધા સામાજિક રિવાજો અને સંબંધો આશાના માતા પિતા નિભાવતા. એટલું જ નહીં પણ વાર તહેવારે એમની બહેનોને બોલાવીને બધાને જમાડીને વહેવાર પણ કરતાં. આ બધું આશા જોયા કરતી હતી કે એના માતા પિતા દાદીની સાથે નાના, ફોઈ ફુઆ, એમના સંતાનો, ભાઈ, ભાઈના સંતાનોનું કેટલું ધ્યાન રાખતા હતા.આમ ધીરે ધીરે આશાના કાકીનો નાનો દિકરો મોટો થવા લાગ્યો. બધા જોઈ રહ્યા હતા કે આશાના દાદીને સૌથી વધારે લાડકો હતો. એ જેમ મોટો થતો ગયો તેમ દાદીનો મોહ પણ એના માટે વધતો ગયો. આશાના પપ્પા કંઈ પણ લઈને આવે તો દાદી તરત એને અપાવી દેતા. સમય જતાં એવું થવા માંડ્યું કે એનો લગભગ બધો જ ખર્ચ આશાના પપ્પા કરતા હતા. આમ છતાં આશાના કાકી કોઈ ને કોઈ બહાને ઘરમાં લડાઈ ઊભી કરતા. એ રોજ છોકરાઓને લઈને એમના પિયર કે જે એ લોકોના ઘરની શેરીના નાકા પર હતું ત્યાં ચાલ્યા જતા. સૂવાના ટાઈમે આવતા ને સૂઈ જતાં. પણ એટલું હતું કે એ ગમે તે કરતાં પણ એમના સંતાનો આશાની મમ્મીને બહુ જ માન આપતા અને એ કહે તે કરતાં. આમ સમય પસાર થતો રહ્યો. આશા લગભગ ત્રીજા ધોરણમાં આવી. એક દિવસ શાળામાં રિશેષ ના સમયે ઘરે આવી અને પાછી શાળાએ જતી હતી ત્યારે એની બહેન, કાકાની છોકરી અને બહેનપણી સાથે શરત લગાવી કે કોણ પહેલું શાળાએ પહોંચે ? પણ રસ્તામાં એનો એક રિક્ષા સાથે અકસ્માત થયો. એના પગ પરથી રિક્ષાનું વ્હીલ ફરી ગયું. જ્યાં અકસ્માત થયો ત્યાં દુકાન બંધાતી હતી. એ દુકાનવાળા કાકાએ આશાને ત્યાંથી ઉંચકીને સાઈડ પર બેસાડી અને એના ઘરવાળાને જાણ કરી.
આશાના મમ્મી પપ્પા આવ્યા ને એને દવાખાને લઈ ગયા. એની બહેન ને બીજા બધાને શાળાએ જવાનું કહ્યું. આશાને પગમાં બહુ જ વાગ્યું હતું. એને ડ્રેસીંગ કરાવીને ઘરે લાવ્યા. સાંજે જ્યારે એની બહેન ને બધા ઘરે આવ્યા તો આશાના પપ્પા આશાની બહેન ને બધાને ખીજવાયા કે શું કામ હતું વહેલા શાળાએ પહોંવાની હરિફાઈ કરવાનું ? બધાએ ચૂપચાપ સાંભળી લીધું. આશાને ખૂબ વાગયું હતું એટલે એ લગભગ એકાદ મહિનો જેટલું શાળાએ ન જઈ શકી. પણ ઘરે બેસીને એ એનું ભણવાનું કર્યા કરતી. એ એક મહિનામાં એના પપ્પાએ એને ભણાવ્યું અને એણે પણ એટલું સરસ ભણ્યું કે આખા વરસનું ભણવાનું એને પાકું થઈ ગયું. કોઈ પણ વિષયમાં ગમે ત્યાંથી પૂછો એને બધું જ આવડે. એના પપ્પા એના ભાઈ બહેનને પણ ભણાવતા પણ થયું એવું કે આશાથી રમવા જવાય નહીં એટલે એણે ભણ્યા જ કર્યું. એના ભાઈ બહેન રમવા જાય એટલે એના જેટલું વાંચી ન શકે. વળી, એના ભાઈ બહેનને ભણવા બેસાડે ત્યારે એનો ભાઈ કંઈ ને કંઈ બહાનું કાઢીને રડ્યા કરે એટલે એની મમ્મી એને ભણતો ઉઠાડીને રમવા મોકલી દે. આશાના પપ્પા બોલે પણ ખરા કે આવી રીતે એ ભણશે નહીં. તો પણ એના મમ્મી માનતા નહીં. આશાને અકસ્માત પછી પગ પર થોડા ડાઘા રહી ગયા. લાંબા સમય સુધી ન ગયા એટલે ચામડીના ડૉક્ટરને બતાવવા લઈ ગયા. ડૉક્ટરે થોડી દવા અને મલમ આપ્યા. આશા જોતી કે પપ્પા મમ્મી બંને એને સમયસર દવા આપતા અને એની મમ્મી આટલા બધા કામમાં વ્યસ્ત હોવા છતાં સમય કાઢીને એને પગના ડાઘા પર મલમ લગાવી આપતા. એક દિવસ એના પપ્પા મમ્મી વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો એના ભાઈને ભણાવવા બાબત અને એના પપ્પાએ કહી દીધું કે સારું હવે હું એને નહીં ભણાવું. અને આશાના ભાઈને રમવા માટે છૂટો દોર મળી ગયો. હવે એ ભણવા બેસવું હોય તો બેસે નહીંતર રમ્યા કરે. આ બનાવ પછી આશાના પપ્પાનું ધ્યાન આશા અને એની બહેન પર વધી ગયું. વળી, એવું થયું કે આશાના પગના ડાઘ જતા ન હતા, ડૉક્ટરે કહ્યું એને માસિક તણાવ ન આવે એનું ધ્યાન રાખજો. આશાને ભણવા કે બીજી કોઈ પણ રીતે ટોકવાની ડૉક્ટરે ના પાડી. આશાને હંમેશા ખુશ રાખવાનું ડૉક્ટરે કહ્યું. આના કારણે થયું એવું કે આશાના પપ્પાનું પૂરું ધ્યાન ફક્ત આશા પર કેન્દ્રિત થઈ ગયું. એના ભાઈને તો એના પપ્પાએ કંઈ પણ કહેવાનું બંધ કરી જ દીધું હતું હવે આશાની બહેન પર પણ ધ્યાન ઓછું થઈ ગયું. હવે આશા પણ શાળાએ જવા માંડી હતી. આશાએ જોયું કે એની બહેન અને એમના ઘરની નીચે રહે તે છોકરી રોજ ચોકલેટ ખાય. એણે એની બહેનને પૂછ્યું કે રોજ આ પૈસા ક્યાંથી લાવે તો એણે કહ્યું કે તું ખાયા કરને ક્યાંથી આવે છે એનું તારે શું કામ ? પછી એક દિવસ એની બહેને કહ્યું પપ્પાના ખિસ્સામાંથી બે રુપિયા લેતી આવ અને કોઈને કહેતી નહી. એણે કહ્યું શેના માટે ? તો કહે ચોકલેટ ખાવા. અને આશાને ખબર પડી ગઈ કે એની બહેન અને નીચેવાળી છોકરી આવી રીતે ઘરમાંથી પૈસાની ચોરી કરતાં હતા. એણે ના પાડી તો એને ધમકી આપી કે કોઈને કહેશે તો અમે તારી સાથે બોલીશું નહીં. અને પછી એ લોકો આશા પાસે રોજ પૈસા મંગાવવા માંડ્યા. એ પૈસામાંથી તેઓ શાળાની સામે એક દુકાન હતી ત્યાંથી ચોકલેટ લેતાં. એક દિવસ એ દુકાનવાળા કાકા ઘરે આવ્યા ને આશાના પિતાને કહ્યું આ છોકરીઓ રોજ ચોકલેટ લેવા પૈસા લઈને આવે છે તમે આપો છો એમને ? ત્યારે આશાના ઘરમાં ખબર પડી કે રોજ ઘરમાંથી પૈસા કેમ ગાયબ થતા હતા. આશાના પિતાએ એકદમ ગુસ્સાથી પૂછ્યું તો આશાએ બધું સાચું કહી દીધું. આશાના પિતા બધાને ખિજવાયા અને પછી સમજાવ્યું પણ ખરું કે આ ખોટું છે. આવી રીતે પૈસાની ચોરી ન કરાય. આશા અને એની બહેને બધાની માફી માગી લીધી. આશાને એનું ભણવાનું બધું આવડતું હતું એ વાત એના વર્ગ શિક્ષકના ધ્યાન પર આવી. એમણે એને થોડું ઘણું પૂછ્યું તો આશાએ બધા જ જવાબ સાચા આપ્યા. એટલે એના શિક્ષકે કહ્યું સારું ચાલ હવે તું આ બધાને લખાવી દે. આમ આ એક સિલસિલો થઈ ગયો. આશાના શિક્ષક દરેક વિષયમાં સમજાવે અને આશાએ પછી સવાલના જવાબ લખાવવાના અને ગણિત હોય તો દાખલા કરાવવાના. આશાથી બ્લેક બૉર્ડ પર પહોંચાય નહીં એટલે એ રોજ શિક્ષકની ખુરશી લઈ એના પર ચઢીને લખાવતી. એક દિવસ એમના ઘરે કંઈ થયું તો આશાના પપ્પા આશાને લેવા શાળામાં આવ્યા. આશાને ખુરશી પર ચઢીને લખાવતાં જોઈ અને ખૂબ ગુસ્સે થયા. એમણે એના શિક્ષકને કહ્યું કે તમે આ રીતે મારી દિકરી પાસે આ કામ ન કરાવી શકો. ડૉક્ટરે એને બિલકુલ તણાવ મુક્ત રાખવા કહ્યું છે. અને આશાના શિક્ષકે એમને કહ્યું હું નથી કહેતી આ તો તમારી દિકરી જ જાતે કરાવવા ઊભી થાય છે. આશા તો એમને જોઈ જ રહી એનાથી કશું જ બોલાયું નહીં. ઘરે આવીને એના પપ્પાએ કહ્યું તારે કોઈથી ગભરાવાનું નહીં કંઈ પણ હોય તો મને આવીને કહી દેવાનું. આમ થોડો સમય વીત્યો. અચાનક આશાની બહેનના હાથમાં ફોડલાં થયા. એનાથી એનું બેગ પણ ન ઉંચકાય. પરીક્ષા નજીક હતી એટલે રજા પણ ન પડાય. આશાએ કહ્યું બેનનું બેગ હું ઉંચકી લઈશ અને આવતા પણ લઈ આવીશ. આશાના માતા પિતા પાસે હા પાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો કારણ કે એમના શાળાએ જવાના સમયે એના પિતાને થિયેટર પર કામ હોય અને એની મમ્મી એના ભાઈને શાળાએ મુકવા જવાનું હોય. આમ આશા એનું અને એની બહેનનું બેગ લઈને જતી અને આવતી વખતે પણ એ લઈ આવતી. એક દિવસ એની બહેનના શિક્ષક ખિજવાયા કે કેમ તું આ ઊંચકે છે તારી બહેનને જ લેવા દે. એણે કહ્યું કે બેનના હાથમાં ફોડલાં થયા છે એનાથી નથી ઊંચકાતું તો એમણે બહેનને મારી દીધું ને એને ગમે તેમ ખીજવાયા. આશાએ ઘરે આવીને રાતે પપ્પાને વાત કરી. એના પિતા બીજા દિવસે શિક્ષકને મળવા ગયા અને એમની વચ્ચે શું વાત થઈ ની ખબર પણ એ વરસ પૂરું થતાં આશાના પિતાએ એની બહેનને બીજી પ્રાઈવેટ શાળામાં ભણવા મૂકી દીધી. એટલે હવે ઘર નજીકની શાળામાં આશા, એના કાકાની છોકરી અને એમના ઘરની નીચે રહે તે છોકરી. આશાની બહેનને મોટી શાળામાં ભણવા મૂકી એટલે એને ટ્યુશન પણ મુકવી પડી. આશાના પિતાનો ખર્ચ થોડો વધી ગયો. એક દિવસ એના ઘરમાં ખૂબ મોટો ઝઘડો થયો કારણ આશાને કંઈ ખબર ન પડી પણ એના મમ્મી ઘર છોડીને જઈ રહ્યા હતા. આશા, એની બહેન એમની પાછળ મમ્મી મમ્મી કરીને દોડતાં રહ્યા પણ એમણે ખીજવાયને એમને ઘરે મોકલી દીધાં. પછી આશાના પપ્પા એમની પાછળ જઈને એમને સમજાવીને લઈ આવ્યા. પણ એના મમ્મી ખૂબ રડતાં હતા અને કહેતા હતા મારે અહીંયા નથી રહેવું જૂદું ઘર લઈ લો અને એના પપ્પા સમજાવતા હતા કે નવું ઘર કેવી રીતે લેવાય આશાની દવાનો ખર્ચ કેટલો છે ન પહોંચી શકાય. અને આશાને એ દિવસે ખૂબ રડવું આવ્યું.
આશાને ખૂબ રડવું આવ્યું એ દિવસે કે એના પપ્પાના પૈસા એની પાછળ ખર્ચાય જાય છે. આ દર્દ આશાને અંદર ને અંદર ખાય રહ્યું હતું. અને એથી એ ભણવામાં વધારે મહેનત કરવા લાગી. આશા જોતી કે આટલી પૈસાની તંગી હોવા છતાં એના પપ્પા એમના બેન બનેવી અને ભાણેજોને વાર તહેવાર ઉપરાંત કેરી સિઝનમાં, પોંક ખાવા, ચંદી પડવા પર ઘારી ખાવા આમંત્રણ આપતા અને પ્રેમથી બધાને જમાડતા. આશાને અને એની બહેનને અંગ્રેજીના વેકેશન ક્લાસ પણ કરાવતા. એનો ભાઈ તો જતો જ નહીં. આશા અને એની બહેન વેકેશનમાં મામાના ઘરેથી પણ ક્લાસમાં આવતા. એટલામાં આશાની મમ્મીના કાકી કોઈ કારણસર ઘર છોડીને જતા રહ્યા. થોડા સમયમાં આશાના મમ્મીના મોટાકાકા (દાજી) નું મૃત્યુ થયું. આશાની મમ્મીના કાકીના ગયા પછી દાજી જ બધા માટે રસોઈ બનાવતા. હવે એમનું પણ મૃત્યુ થવાથી ત્યાં ઘરમાં કોઈ રસોઈ બનાવવા વાળું ન હતું. આશા જેને મામા કહેતી એ બે મામા પણ આશાની અને એની બહેનની ઉંમરના હતા. એટલે આશાની મમ્મી થોડા દિવસ ત્યાં જતી થોડા દિવસ એમના ઘરે રહેતી. પણ એ જ અરસામાં આશાના પપ્પાના કાકાને લકવાની અસર થઈ ગઈ એટલે આશાની મમ્મીએ હવે ઘરે જ રહેવું પડે એમ હતું એટલે આશાના મામાના ઘર માટે ત્યાં ફળિયામાં જ એક ઘરે કહી દીધું મામાના ઘર માટે રસોઈ બનાવવાનું. આમ હવે એની મમ્મીને ઘરે જ રહીને નાનાનું અને ઘરનું કામ કરતી. આશા જોતી કે આશાના કાકી નાનાનું કંઈ પણ કામ કરાવવા લાગતા નહીં. આમ લગભગ છ મહિના સુધી ચાલ્યું. છ મહિના પછી નાનાએ દુનિયા છોડી દીધી. ત્યારે આશાના મમ્મીને થોડી રાહત થઈ. આશાના પપ્પાએ આશાને કહ્યું હતું કે એ છઠ્ઠા ધોરણમાં આવશે ત્યારે એને પણ એની મોટી બહેનની શાળામાં એડમીશન અપાવી દેશે. ત્યાં ફી ભરવાની હતી પણ એના પપ્પાના થિયેટર વાળા શેઠની ઓળખાણના કારણે ફી માફ હતી એની અને એની બહેનની. આશાના પપ્પા એ છઠ્ઠા ધોરણમાં આવી એટલે એની બહેનની શાળામાં લઈ ગયા અને કહ્યું હવે તારે અહીંયા ભણવાનું છે. ઘરેથી નીકળા ત્યારે આશાને ખબર ન હતી કે એ બીજી શાળામાં જઈ રહી છે એટલે એણે તો નોટબુક કે કંપાસ કંઈપણ લીધું ન હતું. ત્યાં જઈને આશા તો એકદમ અવાક થઈ ગઈ. એના પપ્પા તો એને મૂકીને ચાલ્યા ગયા. શાળામાં પિરિયડ બદલાતા હતા, નવા શિક્ષક આવે તે સૂચનાઓ આપતા હતા, ગણિત ના શિક્ષકે તો દાખલા કરાવ્યા પણ આશા પાસે કંઈ હતું જ નહીં એ શું લખે ને કેવી રીતે લખે. આમ કરતાં ચાર પિરિયડ પછી રિશેષ પડી. આશા પાસે તો પૈસા પણ ન હતા કે નાસ્તો પણ નહીં. આશાની બહેન એ જ શાળામાં પણ એ આઠમા ધોરણમાં એટલે બપોરપાળીમાં હતી. હવે તો આશાને ડર લાગવા લાગ્યો કે શાળા છૂટશે ત્યારે એ ઘરે કેવી રીતે જશે ? એણે તો રસ્તો જોયો પણ ન હતો. એની બાજુમાં એક છોકરી હતી એની સાથે વાત કરતાં આશાએ જાણ્યું કે અંબાજી મંદિર નજીકમાં જ છે એ ત્યાં રહેતી હતી તો આશાએ કહ્યું મને જો કોઈ લેવા ની આવે તો તું મને મંદિર પાસે લઈ જશે ? કારણ અંબાજી મંદિરથી એને એનું ઘર મળી જાય. એ છોકરીએ હા પાડી. અને ખરેખર શાળા છૂટી ત્યારે આશાને લેવા કોઈ ન આવ્યું. એ પેલી છોકરી સાથે અંબાજી મંદિર સુધી ગઈ અને પછી ગભરાતી ગભરાતી એકલી ઘર સુધી પહોંચી. ઘરે જઈને એનાથી રડાય જ ગયું. આશાની મમ્મીએ પૂછ્યું તો એણે કહ્યું એ એકલી ગભરાય ગઈ હતી એટલે રડવું આવી ગયું. આશા ખૂબ મહેનત કરતી ભણવામાં જેથી એ મોટી થઈને કંઈ બની શકે અને મમ્મી માટે ઘર લઈ શકે. આશાના ભાઈને પણ એમણે બીજી સારી શાળામાં એડમીશન અપાવ્યું પણ એનું ધ્યાન ભણવામાં હતું જ નહીં. જેમ તેમ કરીને પાસ થઈ રહેતો. શાળાએ ન જવા માટે બહાના બનાવતો. કાયમ બહાના બનાવતો હોવાથી જ્યારે એને ખરેખર પેટમાં દુખ્યુ તો કોઈએ માન્યુ જ નહીં. અને એને શાળામાં લેવા જવું પડ્યું. ડૉક્ટરને ત્યાં લઈ ગયા તો એને એપેન્ડિક્સ હતું. એનું ઓપરેશન થયું. ફરી આશાના પપ્પા પર ખર્ચાનો બોજો પડ્યો. આશા જોતી. જેમ ખર્ચા વધે તેમ એના પપ્પા નોકરી ની સાથે સાઈડ પર બીજું કામ વધારી દેતાં. એટલે હવે એના પપ્પાનો ઘરમાં સમય ઓછો થઈ ગયો. આટલા વ્યસ્ત હોવા છતાં આશાને ચામડીના ડૉક્ટરને ત્યાં લઈ જવાનું ન ભૂલતાં. એ ડૉક્ટરે આશાના ઈલાજ માટે કંઈ કેટલીયે કોન્ફરન્સ બોલાવી. પણ આશાના પગના ડાઘા જતા જ ન હતા. ડૉક્ટરે કહ્યું હતું આશાને ખુશ રાખવાનું એટલે એના પપ્પા એ કહે તે બધું જ કરતાં. પણ એવું થવા લાગ્યું કે આશાના ભાઈ બહેનને કંઈ જોઈતું હોય તો એ લોકો આશાને જ કહેતાં કે તું કહેશે એટલે પપ્પા આપી દેશે. અને આશા પણ એ લોકોને ખુશ જોવા માગતી એટલે એ લોકો જે કહે તે કરતી. બીજી બાજુ આશાના કાકા કંઈ કામ કરતાં નહીં એટલે કાકા કાકી વચ્ચે રોજ ઝઘડા થતાં. પણ આશા એક વાત ક્યારેય ન સમજી શકી કે આખો દિવસ લડતાં કાકા કાકી રાતે બધા સૂઈ જાય મોડે સુધી ખૂબ જ શાંતિથી વાત કરતાં સાથે એમના સંતાનો તો હોય જ. એવામાં એના કાકી એક વખત ખૂબ બિમાર થઈ ગયા. એમનાથી કંઈ પણ કામ ન થાય. એ સમયે આશાની મમ્મીએ બધું જ કામ કર્યું એ લોકોનું. કોઈપણ દિવસ બોલી નથી કે હું શું કામ કરું ? પછી કાકી સારા થયા તો એમણે મમ્મીને કહી દીધું કે હવે હું અમારું કામ કરી લઈશ તમે ની કરતાં. પણ એમણે તો એમની દિકરી પાસે કામ કરાવવા માંડ્યું જે આશા કરતાં નાની હતી. એની પાસે વાસણ સાફ કરાવે, કપડાં ધોવડાવે અને ધીરે ધીરે રસોઈ પણ કરાવવા માંડ્યા. આશાની મમ્મીએ ના પાડી કે એની પાસે ની કરાવ પણ એ ન માન્યા. આશાના પપ્પાએ પણ બે ત્રણ વાર એમને ટોક્યા પણ ન માન્યા અને કહી દીધું તમારે અમારામાં ની બોલવાનું. આમ દિવસો પસાર થતા રહ્યા. આશાની બહેન દસમા ધોરણમાં સારા ટકાએ પાસ થઈ ગઈ. આશાના પપ્પાએ કહ્યું અગિયારમા ધોરણમાં સાયન્સ લેજે. ફોર્મ પણ ભરી આપ્યું પણ એની બહેને ત્યાં જઈને કૉમર્સમાં ફોર્મ ભરી દીધું. એણે ઘરે આવીને કહ્યું તો એના પપ્પા ખૂબ ગુસ્સે થયા. પણ હવે એમાં કંઈ થઈ શકે એવું ન હતું. એ સમયે આશા નવમા ધોરણમાં હતી. એના મામાના ઘરે દર વર્ષે નવરાત્રિમાં ગરબો મુકાય અને આશા ને ઘરવાળા છેલ્લા ત્રણ દિવસ ત્યાં જાય. ત્યાં નવરાત્રિ પણ ખૂબ મોટા પાયા પર ઉજવાય. આશા ગરબા શરુ થાય ત્યારથી રમે તે પતે ત્યાં સુધી. બધા આશાની મમ્મીને કહેતા પણ ખરા કે તારી છોકરી તો જરા થાકતી નથી. ઘણીબધી હરિફાઈ પણ થાય. મોટાભાગની હરિફાઈ એના મોટામામા જ જીતતા. એના મામાનો ગરબો હોય એટલે દર વર્ષે દશેરાના દિવસે માતાજીની આરતી આશા જ કરે. એક વરસ ત્યાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. એ વરસે પણ આશાએ આરતી કરી પછી ગરબા શરુ થયા અને પછી રાસ. દર વર્ષે રાસ પણ રમાય. એ વર્ષે પણ રાસ રમવા માટે બધા જોડીમાં ગોઠવાય ગયા. એ દિવસે આશાની બહેનપણી કશે ગઈ હતી એટલે એની જોડી બની ન હતી એવામાં ફળિયાના એક મામા આવ્યા એણે કહ્યું ચાલ મારી સામે ઊભી રહી જા અને એની જોડી થઈ ગઈ. પણ પછી એ મામાની બાજુમાં એક છોકરો આવીને ઊભો રહી ગયો અને એની જોડી આશાના મામા સાથે હતી. એના મામાનો દોસ્ત હતો. આશા એને પહેલી વખત જોઈ રહી હતી અને એને જોયા કરવાનું આશાને ખૂબ ગમ્યું. આ દિવસથી આશાના જીવનનો નવો વળાંક શરૂ થયો.
આશાને થયું આ ક્ષણ અહીં રોકાય જાય તો સારું. પણ સમય તો એનું કામ કરે. રાસની શરુઆત થઈ ગઈ હતી પણ આશાનું ધ્યાન તો પેલા છોકરાને જોવામાં જ હતું. એ રાસ રમી તો રહી હતી પણ જાણે પેલા છોકરા સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું. આમ કરતાં એ રાત વીતી ગઈ. એને મામાને પૂછવાનું મન થયું કે એ કોણ હતું જેની સાથે તમે જોડી બનાવી હતી પણ એ ન પૂછી શકી કે મામા શું વિચારશે આવું પૂછા તો ? ને આશા પાછી ઘરે આવી ગઈ અને રોજીંદુ શાળા - ટ્યુશન ચાલુ થઈ ગયા. એ અરસામાં એના કાકાએ એમના દિકરાને ભણવાનું છોડાવીને પોતાના એક મિત્રને ત્યાં નોકરી કરવા મૂકી દીધો. એ ખૂબ રડ્યો કે મારે નોકરી નથી કરવી મને ભણવા દો પણ એ ન માન્યા. એ પોતે તો કંઈ કરતાં ન હતાં ને એની પાસે નોકરી શરુ કરાવી દીધી. આશા ખૂબ લાગણીશીલ. એને આ વાતનું ખૂબ દુઃખ થયું. એને જ નહીં, એ બધા ભાઈ બહેન આ વાતથી જાણે એકદમ સુન્ન મારી ગયા. એના કાકાનો દિકરો નોકરીએથી આવે એટલે બધા એને ખુશ રાખવાના પ્રયત્ન કરતાં. આ બધામાં એ પેલા છોકરાને ભૂલી ગઈ. એના પપ્પા ઘરમાં ટીવી લાવ્યા. બધા જોતાં. પણ પપ્પાની વૉર્નિંગ હતી કે પહેલાં ભણી લેવાનું. બધા જ ભણી લેતાં. પછી ઘરવાળા સાથે ટીવી જોતાં. આમ કરતાં દિવસો વીતતા હતા. આ સમયગાળામાં એ જોતી કે એની બહેન ઘરથી થોડે દૂર કોઈ છોકરા સાથે વાત કરતી હોય. એણે પૂછ્યું તો કહે તને ખબર ની પડે. એક દિવસ કાકાના મિત્રએ કાકાના કહ્યું તારી ભત્રીજી રોજ આ જગ્યા પર કોઈ છોકરા સાથે ઊભી રહે છે એ છોકરો બરાબર નથી અને એના કાકાએ ઘરમાં કહી દીધું. એ દિવસે આશાના પપ્પા મમ્મી એની બહેનને ખૂબ ખીજવાયા. એને કહ્યું બીજીવાર આવું ન થવું જોઈએ. એની બહેને હા પાડી. એટલે બધું પાછું પહેલાં હતું એવું થઈ ગયું. એની ચામડીના ડૉક્ટરની દવા ચાલુ જ હતી. એ લગભગ રોજ વિચારતી કે કેટલાં રુપિયા ખર્ચાય છે પણ કંઈ ફેર પડતો ન હતો. એ દસમા ધોરણમાં આવી. એની બહેન બારમા ધોરણમાં. આશા ખૂબ મહેનત કરતી. એને સારા ટકા લાવીને ડૉક્ટર બનવું હતું. આ સમયે ફરી પાછું એની બહેન કોઈ બીજા છોકરા સાથે ટ્યુશન આવતી જતી દેખાય. એણે એકવાર તો એને કહ્યું કે પપ્પા ખીજવાશે પણ એ ન માની. એણે આશાને ધમકી આપી કે તું કોઈને કહેતી નહીં ની તો જોઈ લેજે. આશા તો ભણવામાં ધ્યાન આપવા લાગી. આખો દિવસ શાળા ને ટ્યુશનમાં નીકળી જાય. એટલે એ રાતે વાંચવા બેસતી. પણ હવે એવું થતું કે એ વાંચવા બેસે ને એના કાકા ટીવી ચાલુ કરે. બે રુમના ઘરમાં એક રુમ તો એ લોકોએ રોકી લીધેલો અને બીજા રુમમાં જ્યાં ટીવી હતું એ સિવાય વાંચવાની કોઈ જગ્યા ન હતી. પણ એના કાકા ટીવી ચાલુ કરે એટલે વંચાય જ નહીં. જો એ કોઈને કહેવા જાય તો ઘરમાં લડાઈ થાય. નજીકમાં એની સાથે ટ્યુશન આવે એ છોકરી રહે છે ને એના ઘરે રુમ પણ ઘણા બધા. એ ઘણા વખતથી એને કહેતી કે તું મારે ત્યાં વાંચવા આવ આપણે સાથે વાંચીશું. એટલે એણે વિચાર્યું કે હું એને ત્યાં ચાલી જાઉં. એણે ઘરમાં વાત કરી કે હું આવી રીતે એ મારી મિત્રને ત્યાં વાંચવા જાઉં તો ચાલે ? એના મમ્મી પપ્પાએ હા પાડી અને એ પેલી છોકરીને ત્યાં વાંચવા જવા માંડી. આમ એણે ઘરમાં એક લડાઈ થતી રોકી લીધી. એ હવે સારી રીતે વાંચી શકતી હતી. દિવસ વીતતા ફરી નવરાત્રિ આવી. એ દિવસ આવી ગયો જ્યારે તેઓ મામાના ઘરે જતાં અને છેક ત્યારે એને એ છોકરો યાદ આવ્યો અને મનમાં થયું શું એ ત્યાંનો જ હશે ? પાછો આજે જોવા મળશે ? ન હોય તો કોને પૂછી શકાશે એવા સવાલો ઘેરાવા લાગ્યા. એવા સવાલો સાથે એ મામાને ત્યાં ગઈ. રાતે ગરબા શરુ થયા, પણ એનું ધ્યાન ગરબા રમવા કરતાં પેલા છોકરાને શોધવામાં હતું અને એની એ શોધ પૂરી થઈ જ્યારે એણે એ છોકરાને ગરબા રમતાં જોયો અને એ પણ એના મામા સાથે.અને જાણે એનામાં ગરબા રમવાનો એક નવો ઉત્સાહ આવી ગયો. એ દિવસે આશા ગરબા રમી એની જીંદગીના શ્રેષ્ઠ કહેવાય એવા. શરુઆતથી તે અંત સુધી એ થાકી જ નહીં. આમ જ બીજા બે દિવસ પણ નીકળી ગયા. હવે આશાને એમ લાગતું કે ફક્ત પેલા છોકરાને જોવા માટે જ એ ગરબા રમે છે. એ છોકરો એને જોય છે કે નહીં એવો તો એણે વિચાર જ ન કર્યો. આમ ને આમ એ દશેરો પણ વીતી ગયો. એ ફરી ઘરે આવી ગઈ એના મામાને એ છોકરા વિશે કંઈ પણ પૂછ્યા વગર. ફરી એનું ભણવાનું શરુ થઈ ગયું. એ છોકરાના વિચાર પણ એને ન આવતા. બસ વાંચ્યા જ કરતી. હવે શાળામાં પણ વાંચવાનું વેકેશન પડી ગયું. હવે પ્રશ્ર એ હતો કે આખો દિવસ ક્યાં વાંચે ? એવામાં એના મામા એક દિવસ ઘરે આવ્યા. એ કહેવા આવ્યા હતા કે એમના મમ્મી જે ચાલ્યા ગયા હતા એ પાછા આવી ગયા છે. એ હતા તો આશા કરતાં ચાર કે પાંચ વરસ મોટા. પણ આશાને એના પપ્પાની જેમ ખૂબ સાચવતા. એમને આશાની મૂંઝવણ ખબર પડી ગઈ. એમણે આશાને કહ્યું તું આપણા ઘરે ચાલ. જેટલા દિવસ ટ્યુશન જવાનું હશે એ લઈ આવશે અને આશાના માતા પાતાએ પણ હા પાડી. અને આશા એમને ત્યાં ગઈ. ટ્યુશન આવવાનું હોય તો એ આશા સાથે બસમાં આવતા, એને ટ્યુશન મૂકીને આશાના ઘરે બેસતા એનું ટ્યુશન પતે ત્યાં સુધી અને પછી એને લઈને પાછા એમના ઘરે આવી જતાં. આશા ત્યાં જઈને ખૂબ વાંચતી. બિલકુલ સમય બગાડતી ન હતી. એના નાના મામા એની સાથે જ દસમા ધોરણમાં હતા એ પણ આશાને જોઈને ખૂબ મહેનત કરવા લાગ્યા આથી એમના પપ્પા (નાના) ખૂબ ખુશ થઈ ગયા. લગભગ ચાર મહિના જેટલું આશા એના મામાને ત્યાં રહી. એ દરમિયાન એણે બિલકુલ સમય બગાડ્યો ન હતો. એક દિવસ સાંજે એના નાનીએ કહ્યું છોકરી, થોડી વાર ચોપડા મૂકીને બહાર બેસ. મગજ ફ્રેશ કર. અને આશા એની ત્યાંની માત્ર સાથે બહાર બેઠી. થોડીવારમાં એને પેલો છોકરો સામેથી આવતો દેખાયો અને એ એકદમ નવાઈ પામી ગઈ કે નવરાત્રિ નથી તો આ અહીં કેમ ? પછી એને વિચાર આવ્યો કે આનો મતલબ કે એ આ જ ગામનો હશે. આ સમયે પણ એ કોઈને પૂછી ન શકી કે આ કોણ છે ? પછી એ તો ઘરમાં આવીને પાછી વાંચવા બેસી ગઈ. પણ બીજા દિવસે સાંજે એને પાછું બહાર બેસવાનું મન થયું, કદાચ અંદરથી એને એવું હતું કે પેલો છોકરો પાછો જોવા મળી જાય. અને ખરેખર એને એ છોકરો જોવા મળ્યો. પછી તો આશાનો નિયમ થઈ ગયો રોજ સાંજે એને જોવાનો.
પછી તો એનો રોજનો નિયમ થઈ ગયો. સાંજે બહાર બેસવું જેથી પેલા છોકરાને જોવાનું થઈ જાય અને એ પણ ફ્રેશ થઈ જાય. આમ કરતાં કરતાં એની પરીક્ષા નજીક આવી ગઈ અને એ ફરી પોતાના ઘરે આવી ગઈ. આશાની અને એની બહેનની પરીક્ષા શરુ થઈ. પરીક્ષા આપી. ખૂબ સરસ પેપર ગયા હતા આશાના. એને વિશ્વાસ હતો કે સારા ટકા આવશે જ અને એને સાયન્સમાં એડમીશન મળી જ જશે. પરીક્ષા પછી એણે ફરીથી અંગ્રેજીના ક્લાસ ચાલુ કર્યા. પણ રિઝલ્ટ આવે ત્યાં સુધી ઘરે જ હતી એટલે એને ફરી મામાના ઘરે રહેવા જવાનું મન થયું. અને એ ગઈ પણ ખરી. ત્યાં આખો દિવસ રહેતાં એણે એટલું જોયું કે પેલો છોકરો આખા દિવસમાં બે થી ત્રણ વાર ત્યાંથી પસાર થતો. એક દિવસ એણે એની બહેનપણીને પૂછી જ લીધું કે આ કોણ છે ? રોજ બે- ત્રણ વખત અહીંથી જતાં જોઉં છું તો એણે કહ્યું એ તો મિહિર છે પેલા બીજા ફળિયામાં રહે છે. એનું નામ સાંભળીને આશાને થોડો આંચકો લાગ્યો કારણ કે આ નામ તો એ એના ઘરમાં ઘણીવાર સાંભળતી. એણે એની બહેનપણીને પૂછ્યું કે એની ચાર બહેન છે ? એ સૌથી નાનો છે ? એ ટ્યુશન કરાવે છે ? તો એની બહેનપણીએ હા પાડી. તો એને થયું અરે આની વાત તો રોજ ઘરમાં થાય. આશાના મમ્મી તો એના ખૂબ વખાણ કરે. ખૂબ ડાહ્યો છોકરો, ભણવાની સાથે ટ્યુશન કરાવે, એની માસીને ત્યાં નામું લખવા જાય વગેરે વગેરે. થોડા દિવસમાં એનું રિઝલ્ટ આવી ગયું. ખૂબ સરસ ટકા આવ્યા. એને સાયન્સમાં જે શાળામાં એડમીશન જોઈતું હતું એમાં મળી ગયું. અને ફરી એ ભણવામાં લાગી ગઈ. એની બહેન પણ સારા ટકાએ પાસ થઈ ગઈ અને કોલેજ માં એનું એડમીશન પણ થઈ ગયું. એના ભાઈને એના પપ્પાએ આઈ ટી આઈ વાળી શાળામાં મુક્યો પણ એનું ધ્યાન ભણવામાં હતું જ નહીં. આશા અગિયારમા ધોરણથી જ મહેનત કરવા લાગી. પણ જેમ પહેલાં થતું તેમ એના કાકા એના વાંચવા બેસવાના ટાઈમે જ ટીવી જોવા બેસતાં. એટલે એને વાંચવાની તકલીફ પડતી. એટલે થોડા દિવસમાં એના પપ્પાએ એના મોટાફોઈને વાત કરી અને આશાને કહ્યું તું મોટાફોઈને ત્યાં ભણવા ચાલી જા. અને આશા મોટાફોઈને ત્યાં ચાલી ગઈ. ત્યાં ટ્યુશન અને શાળા પતે પછી વાંચવાનું. આમ કરતાં ફરી નવરાત્રિ આવી. અને એને મિહિર યાદ આવ્યો. ફોઈને ત્યાંથી પણ એ છેલ્લા ત્રણ દિવસ તો મામાના ઘરે ગઈ જ. એણે મિહિરને જોયો. એને જોતાં જ જાણે આશાના દિલમાં એક નવો જ ઉમંગ આવતો. એને ખૂબ જ ખુશી થતી. પણ આ વખતે એને લાગ્યું કે ગરબા રમતાં રમતાં એ જ્યારે પણ મિહિર પાસેથી પસાર થતી તો એના ગરબાના તાલ તૂટતાં હતાં. એને ખબર ની પડી કે આવું કેમ ? પણ નવરાત્રિ પતી એ ફરી ફોઈને ત્યાં આવી અને ફરી એનું ભણવાનું શરૂ થયું. દિવાળી વેકેશનમાં એ ઘરે ગઈ. એણે જોયું કે એની બહેન ઘરમાં મમ્મીને કામ કરાવવા લાગતી નહીં અને કોલેજના બહાને શેરીના જ કોઈ છોકરા સાથે ફર્યા કરે છે. એનો ભાઈ પણ ટ્યુશન જાય ની જાય ને બસ રમ્યા જ કરે. આ બધું જોઈને આશા થોડી દુઃખી થઈ ગઈ. પણ શાળા ચાલુ થાય એટલે એણે તો ફોઈને ત્યાં જવું પડે. આ વખતે એ ગઈ તો ખરી પણ એને સતત એની મમ્મીના વિચાર આવતાં કે એ કેવી રીતે બધું કરતી હશે. એના આ વિચારોની અસર એના ભણવા પર થઈ. બીજી પરીક્ષામાં એના ટકા ઓછા થઈ ગયા. તરત જ એના પપ્પાએ સમજાવી કે ઘરનું ટેન્શન તું ન રાખ. તું ખાલી ભણવા પર ધ્યાન આપ અને એ ફરી ભણવા લાગી. આશાનું અગિયારમું ધોરણ પૂરું થયું. ટકા પણ સારા આવ્યા. બારમું ધોરણ પણ શરુ થઈ ગયું. એને વેકેશન પણ ની મળ્યું એટલે એ ઘરે પણ ન જઈ શકી. પણ એણે એનું મન બિલકુલ ભણવામાં લગાડી દીધું. ખૂબ મહેનત કરતી. એનો ભાઈ પણ દસમા ધોરણમાં આવી ગયો હતો. એની બહેન કોલેજના બીજા વર્ષમાં આવી ગઈ. એના કાકાની છોકરી પણ દસમા ધોરણમાં પાસ થઈને અગિયારમા ધોરણમાં આવી ગઈ. એના કાકાનો નાનો છોકરો પણ પાંચમા ધોરણમાં આવી ગયો હતો. આશા ના ફોઈની છોકરી પણ દસમા ધોરણમાં હતી. એ પણ આશા સાથે વાંચવા બેસતી. બંને સાથે વાંચતા અને ખૂબ મહેનત કરતાં. આમ કરતાં ફરી નવરાત્રિ આવી. આ વખતે આશા ફક્ત દશેરાના દિવસે મામાને ત્યાં ગઈ. એણે મિહિરને જોયો. એક અનોખા આનંદની એને અનુભૂતિ થઈ. દશેરાની એ રાત્રિએ માતાજી આરતી કરીને આશા જ્યારે ફળિયામાં બધાને આરતી આપતી હતી ત્યારે એણે જોયું કે મિહિર એની સામે આવીએ ઊભો રહી ગયો આરતી લેવા માટે. અને એ સમયે આશાને લાગ્યું કે એનું હ્રદય એક ધબકાર ચૂકી ગયું. આશા પોતાની નજર ઊંચી કરી જ ન શકી મિહિરને જોવા માટે. આશાએ ફક્ત આરતી લેતાં મિહિરના હાથ જોયા અને એણે મનમાં વિચાર્યું આ હાથમાં મારો હાથ કેવો લાગશે ? એનો વિચાર પૂરો થયો અને મિહિર પણ ત્યાંથી નીકળી ગયો. આશાને સમજાતું ન હતું કે આવું કેમ થાય છે. એ રાત્રિએ આશા દિલથી ખુશ હોય એમ રોકાયા વગર ગરબા રમી. આશાને એ દિવસે એમ લાગ્યું કે કદાચ એ મિહિરને પ્રેમ તો નથી કરવા લાગીને ? પણ એણે એ વિચાર ત્યાં જ અટકાવી દીધો કે ના આ તો ઉંમરનું આકર્ષણ પણ હોય શકે. અને એ દશેરાનો દિવસ પતી ગયો અને આશા પણ ફોઈને ત્યાં આવીને ભણવા લાગી. ફરી ઉત્રાયણ વખતે આશા એના ઘરે આવી. આ વખતે તો એની મમ્મીએ બહેનની ફરિયાદ કરી. ભાઈનું પણ કહ્યું. પણ આશા ભાઈ કે બહેનને કંઈ ન કહી શકી. આમ જ આશા ફરી ફોઈને ત્યાં આવી ગઈ. પણ એના મગજમાં તો ભાઈ બહેનની ચિંતા વધી ગઈ. તો પણ એ ભણવામાં ધ્યાન આપવાની કોશિશ કરવા લાગી. બોર્ડની પરીક્ષા પણ આવી ગઈ ને પતી પણ ગઈ. એ ફોઈના ઘરેથી પોતાના ઘરે આવી ગઈ. એણે જોયું કે બહેન કોઈનું કહ્યું માનતી નથી અને ભાઈ પણ પોતાની મરજી મુજબ જે કરવું હોય તે કરે છે. એણે બંનેને સમજાવવાની કોશિશ કરી. પણ બંને જણ હજીયે આશાનો ઉપયોગ જ કરતાં કે પપ્પા પાસે કંઈ જોઈતું હોય એટલે એને કહે તું કહે તે કરશું પણ કામ થઈ જાય પછી કંઈ ની. એમની આ વર્તણૂક આશાને ખૂબ દુઃખ પહોંચાડતી હતી. દિવસો વીતતા આશાનું રિઝલ્ટ આવ્યું. આશા નાપાસ થઈ. એ તો બિલકુલ સૂનમુન થઈ ગઈ. એનો ભાઈ પણ નાપાસ થયો. આશાનું ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું. એ જ અરસામાં આશાની બહેનને એના પપ્પાએ નોકરીએ લગાવી હતી. એની બહેન નોકરીએ તો જતી હતી પણ સાથે શેરીના છોકરા સાથે પણ ફરતી હતી. એક દિવસ એના પપ્પા ખીજવાયા હતા કે એ હવે પેલા છોકરા સાથે ફરતી જોવા ન મળવી જોઈએ. પણ એની બહેન એક દિવસ નોકરીએ ગઈ તો પછી ઘરે આવી જ નહીં. એ પેલા છોકરા સાથે ભાગી ગઈ. આથી એના પપ્પાને એટલો આઘાત લાગ્યો કે એમને એટેક આવી ગયો. ઘરમાં બધા ટેન્શનમાં આવી ગયા હતા. તો પણ આશાના કાકા એના પપ્પાને સતત એમ જ કહેતાં કે હવે એને એટલે કે આશાની બહેનને તમારે બોલાવવાની નથી. એ હવે આ ઘરમાં જોઈએ નહીં. આશાના પપ્પાની તબિયત થોડી સુધારા પર આવી. આશા પણ પાછી પરીક્ષાની તૈયારી કરવા માંડી. આ વખતે આશા પાસ થઈ ગઈ પણ એનો ભાઈ તો નાપાસ જ થયો.
આશાના પપ્પા થોડા સ્વસ્થ થતાં એમણે આશાની બહેનની શોધ કરી. એ મળી પણ આવ્યા. પછી ઘરે આવીને કહી દીધું કે તેઓ આશાની બહેન અને બનેવીને બોલાવી લેશે. આશાના કાકા કાકીએ ખૂબ વિરોધ કર્યો પણ એ ન માન્યા. અને એમના લગ્ન નો સ્વીકાર કરી દીધો. એ છ મહિનામાં આશાના ઘરની, એના પપ્પાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે આશાએ મનોમન નક્કી કરી લીધું કે એ ક્યારેય પ્રેમમાં નહીં પડે. પપ્પા જ્યાં કહેશે ત્યાં લગ્ન કરી લેશે. આમ જ દિવસો વીતતા ગયા. એની બહેને દિકરાને જન્મ આપ્યો. એના જીજાજી પણ એના પપ્પા સાથે થિયટરમાં લાગી ગયા. આશાનો ભાઈ કશું જ કરતો ન હતો. વરસ પૂરું થતાં આશાએ બી.એસ. સી. માં એડમીશન લીધું. આશાનો ભાઈ બે ત્રણ વખત દસમાના બોર્ડમાં નાપાસ જ થયા કર્યુ. આશાએ બી. એસ. સી. માં ભણવાનું શરુ કરી દીધું. ફરી નવરાત્રિ આવી. આશાના મનમાં ફરી મિહિરને જોવાની તમન્ના જાગી. એ મામાને ત્યાં ગઈ. મિહિરને જોયો. એક અનેરા આનંદની એને અનુભૂતિ થઈ. એ રાત્રિએ આશાએ જોયું એની પાસેથી પસાર થતાં મિહિરના ગરબાના તાલ પણ તૂટતાં હતા. આશાને એક ઉમ્મીદ જાગી કે મિહિર પણ કદાચ એને પ્રેમ કરે છે. પણ આશાના મગજમાં એક વાત ક્લીયર હતી કે એ બહેને કર્યું એવું તો નહીં જ કરે. એણે વિચાર્યું કે પહેલાં એ ભણવાનું પૂરું કરી લે પછી ઘરમાં વાત કરશે અને મિહિરને તો આમેય બધા જ પસંદ કરે છે તો કોઈ ના પાડશે નહીં. આમ એણે બીજું કંઈ વિચાર્યા વગર ભણવામાં ધ્યાન આપવા માંડ્યું. આમ એક વરસ પતી ગયું. આશા સારા ટકાએ પાસ થઈ ગઈ. એનું કોલેજનું બીજું વર્ષ શરુ થઈ ગયું. આશાનો ભાઈ ભણવાનું છોડીને કોઈ વકીલને ત્યાં કામે લગી ગયો હતો. આશાની બહેન પણ પોસ્ટ ઓફિસ એજન્ટ બની ગઈ હતી. કોલેજનું બીજું વર્ષ શરુ થતાં આશા પણ ભણવા લાગી હતી. એ વરસે નદીમાં પૂર આવ્યું. રોગચાળો પણ ફાટી નીકળ્યો. થોડા દિવસમાં બધું બરાબર તો થઈ ગયું પણ આશાના મામાને ત્યાં નવરાત્રિની ઉજવણી ન થઈ. પણ એ તો દશેરાએ ત્યાં ગઈ હતી, મામાને ત્યાં ગરબો મૂકે તે વળાવવા. એને એમ હતું કે ગરબા ની રમાય પણ મિહિર તો જોવા મળશે પણ એવું ન થયું. એ વર્ષે એને મિહિર જોવા ન મળ્યો. એ ભારે હ્રદયે ઘરે આવી. એને કંઈ સૂઝ ન પડતી હતી. એને મિહિરને મળવું હતું, એને જોવો હતો. છેલ્લા પાંચ છ વરસમાં આ પહેલી નવરાત્રિ હતી કે એને મિહિર જોવા ન મળ્યો. એનાથી કોઈને પૂછાયું પણ નહીં. એ રાત તો એની જેમ તેમ નીકળી ગઈ. પણ એના દિલને ચેન ન હતું બીજા દિવસે આશાના ઘર પાસે ગરબા રમાવાના હતા. આશાએ ના પાડી કે હું નહીં જાઉં મને સારું નથી લાગતું. અને દિવસે રાતે જ્યારે જમવા બેઠા ત્યારે આશાની મમ્મીએ આશાના પપ્પાને કહ્યું કે મિહિરના લગ્ન નક્કી થઈ ગયા. આ સાંભળીને આશા તો અવાક જ થઈ ગઈ. એનાથી ખવાયું પણ નહીં અને એ ઊભી થઈ ગઈ. એણે ખૂબ મુશ્કેલીથી પોતાના આંસુ રોક્યા. એના મમ્મી, કાકી બધા ગરબા રમવા ગયા પણ એ ન ગઈ અને બધાના ગયા પછી એ ખૂબ રડી. આખી રાત આશા ઊંઘી ન શકી. આખી રાત એ રડતી રહી. એટલે થયું એવું કે બીજા દિવસે રડી રડીને એની આંખ સૂઝી ગઈ હતી. બધાએ પૂછ્યું કે શું થયું ? પણ એ સાચી હકીકત કોઈને કહી ન શકી. એને વિશ્વાસ જ ન આવતો હતો કે મિહિરના લગ્ન નક્કી થઈ ગયા. એને સાંભળવું હતું કે આ ખોટું છે અને એટલે જ એણે એના મામા આવ્યા ત્યારે એમને પૂછ્યું કે આ સાચું છે ? તો એમણે હા પાડી. અને એની એકમાત્ર ઉમ્મીદ તૂટી ગઈ. અને એના મામાએ કહ્યું દસ તારીખે લગ્ન છે. આશાને થયું કે એ એના મામાને કહી દે કે કોઈપણ રીતે એના લગ્ન રોકાવો. પણ પછી એને એના પપ્પાની ફિકર થઈ ગઈ અને એ મિહિરની વાત મનમાં જ દબાવીને બેસી ગઈ. આશા બિલકુલ બદલાય ગઈ. એકદમ શાંત થઈ ગઈ. આખો દિવસ બસ એ ખોવાયેલી જ રહેવા માંડી. એને વિચાર પણ આવતો કે એણે કોઈ દિવસ મિહિરને એની લાગણી કહી જ નથી તો એને ખબર કેવી રીતે પડે ? એ વિચારતી કે શું ક્યારેય મિહિરને એ વાતનો અંદાજો ન આવ્યો હોય કે હું ફક્ત એને જોવા માટે કેટલી તડપતી હતી. એને જોયા પછી મારી આંખોની ચમક એણે ન જોઈ હોય ? એ જ્યાંથી આવતો દેખાય ત્યાંથી એનું દેખાવાનું બંધ થાય ત્યાં સુધી હું એને જોતી એને કોઈ દિવસ ખબર જ ન પડી હોય ? ઘણાબધા સવાલ હતા આશાના મનમાં પણ જવાબ આપવા માટે મિહિર ન હતો. આશા રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે કોઈ રીતે મિહિરના લગ્ન અટકી જાય. અને આશાને જાણે એમ લાગ્યું કે ભગવાને એનું સાંભળી લીધું. દસ તારીખે એના લગ્ન હતા અને છ તારીખે શહેરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા. શહેરમાં કર્ફ્યુ લાગી ગયો. અને આશાને લાગ્યું કે હવે તો મિહિરના લગ્ન ન થાય. આવી જ ઉમ્મીદમાં એણે એ દિવસો વીતાવી દીધાં. કર્ફ્યુ હટી ગયા પછી એના મામા આવ્યા તો એણે એમને પૂછ્યું કે મિહિરના લગ્ન થઈ ગયા ? તો એમણે હા પાડી અને જાણે ફરી એ દિવસે એના પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય એવું લાગ્યું. એ દિવસ પછી આશા એકદમ ગંભીર થઈ ગઈ. બસ કોલેજ જાય, આવે અને વાંચવા બેસે. પણ વાંચવામાં એનું મન લાગે જ નહીં. એની આંખમાં જાણે આંસુનો દરિયો હતો પણ એ વહાવી પણ શકતી ન હતી. બસ રોજ રાતે પથારીમાં રડી લેતી. કોઈપણ મુલાકાત, કોઈપણ વચન વગર મિહિર એનું સર્વસ્વ બની ગયો હતો અને એ જ એની પાસે રહ્યો ન હતો. હવે શું કરવું એને સમજ જ ન પડતી હતી. કોલેજની પરીક્ષામાં એના ટકા ઓછા આવ્યા. અને એને થયું કે ના આ નહીં ચાલે. ભણવા માટે તો એણે મિહિરને પોતાની લાગણી કહી ન હતી તો ભણવાનું કેવી રીતે છોડાય ? અને ફરી એકવાર આશા ભણવામાં ડૂબી ગઈ. સાથે સાથે કૉમ્પ્યુટર ક્લાસ જૉઈન્ટ કર્યા અને એની કોલેજની મિત્ર પાસે મોતીના સાંકળા બનાવવાનું શીખી. એ સાંકળા બનાવીને વેચવા માંડી. એણે બે મહિનામાં દસ હજાર રૂપિયાના સાંકળા બનાવીને વેચી દીધા અને એમ એના પપ્પાને મદદ કરી. એ આમ કામમાં વ્યસ્ત રહેવા લાગી. ભણવામાં ધ્યાન લગાવી દીધું. આમ ને આમ કોલેજનું ત્રીજું વરસ પણ પતી ગયું. સારા ટકાએ એ પાસ થઈ ગઈ. અને એને કૉમ્પ્યુટરની નોકરી પણ મળી ગઈ. આશાનો ભાઈ પણ થોડું થોડું કમાવા લાગ્યો હતો. આશાના પપ્પાએ એને એક કારખાનામાં નોકરીએ લગાડ્યો વાયરમેન તરીકે. એ રોજ સવારે ટિફિન લઈને નીકળતો અને સાંજે આવતો. ઘરમાં બધાને શાંતિ થઈ હતી કે એનો ભાઈ પણ સારી રીતે નોકરીએ કરતો થઈ ગયો હતો. પણ એ ખુશી વધારે ન ટકી શકી.આશાનો ભાઈ જ્યાં નોકરીએ લાગ્યો હતો ત્યાંના માલિક આશાના પપ્પાને મળ્યા. તેમણે કહ્યું તમારો છોકરો નોકરી પર આવતો. આશાના પપ્પાએ કહ્યું એ તો રોજ સવારે ટિફિન લઈને જાય છે અને સાંજે ઘરે આવે છે. પણ એમણે કહ્યું એ નોકરી પર આવતો નથી તમે જોઈ લો ક્યાં જાય છે તે. આશાના પપ્પા ઘરે આવ્યા. એમણે ઘરે વાત કરી. વાત સાંભળીને બધા જ ટૅન્શનમાં આવી ગયા. બધા સાંજ પડે તેની રાહ જોવા લાગ્યા. સાંજે એનો ભાઈ ઘરે આવ્યો. બધાને ટૅન્શનમાં જોઈ પૂછ્યું શું થયું ? એની મમ્મીએ એને પુછ્યું તું ક્યાં હતો ? એણે કહ્યું નોકરીએ ગયો હતો. તરત જ એના પપ્પાએ કહ્યું સાચું બોલ. અમને ખબર છે તું નોકરીએ નહીં ગયો હતો. ત્યારે એણે કહ્યું કે મારે આ નોકરી નથી કરવી. તો એના પપ્પાએ કહ્યું એ બધી પછીની વાત છે પહેલાં તું એમ કહે કે તું આખો દિવસ ક્યાં જતો હતો ? એણે કહ્યું કે એ આખો દિવસ બાગમાં બેસી રહેતો હતો. એટલે એના પપ્પા ખીજવાયા. કે તને કંઈ ખબર પડે છે તું શું કરતો હતો ? કોઈ ગમે તેવી વ્યક્તિ તને મળી જતે અને તને ખોટા રસ્તે લઈ જતે તો શું થતે ? એના પપ્પા ખૂબ ખિજવાયા. પણ તરત જ એની મમ્મીએ રોકી લીધા કે રહેવા દો એને એ નોકરી ના કરવી હોય તો ના કરે. આશાના પપ્પાએ કહ્યું નોકરીનો સવાલ નથી પણ એણે થોડું સમજવું તો જોઈતું હતું કે એ શું કરી રહ્યો છે ? પણ એની મમ્મી એ એમને વધારે કંઈ કહેવા જ ન દીધું. આ વાતથી આશાના પપ્પા ફરીથી ટૅન્શનમાં આવી ગયા. એમનું પ્રેશર વધી ગયું. ડૉક્ટરે એમને આરામ કરવાની સલાહ આપી. આ બધી વાતથી આશા એટલી દુઃખી થઈ ગઈ કે એને રડવું હતું તો પણ રડી ન શકી કારણ કે એ રડે તો એના પપ્પાને ફરી ટૅન્શન થઈ જાય. એટલે આશા રોજ રાતે અંધારામાં રડી લેતી જેથી કોઈને ખબર ન પડે. એનો ભાઈ પાછો આખો દિવસ ઘરે જ હતો. આશાના કાકાની છોકરી પણ બી. કોમ. થઈ ગઈ. આશાની નોકરી ચાલુ હતી. થોડા સમય પછી આશાનો ભાઈ હીરાની ઓફિસમાં નોકરીએ લાગ્યો. ધીરે ધીરે બધું સામાન્ય થતું હતું. એટલે આશાના ઘરમાં આશાના લગ્નની વાત થવા માંડી.આશાના લગ્નની વાત સાંભળીને આશાના મામાએ આશાને કહ્યું હતું છોકરો તું જ પસંદ કરજે ખાલી તારા પપ્પા કહે એટલે હા ન પાડતી. એ તો આશાની મમ્મીને પણ કહેતાં કે સારો છોકરો જોજો નહીતર આ તો બનેવી કાણો, લંગડો, આંધળો બતાવશે તો પણ ના નથી પાડવાની. આ બધું સાંભળીને આશા એકદમ ગૂમસૂમ થઈ ગઈ કારણ કે એ હજી મિહિરને ભૂલી ન હતી અને બીજું કે એ જો લગ્ન કરીને ચાલી જાય તો પાછી આર્થિક જવાબદારી એના પપ્પા પર આવી જાય. એટલે આશા ઈચ્છતી ન હતી કે એના લગ્ર થાય અને એથી જ એણે લગ્ન ન હતા કરવા. એણે એની મમ્મીને કહ્યું જ હતું કે એણે લગ્ન નથી કરવા. પણ પછી એના પપ્પાએ સમજાવ્યું કે જો એ લગ્ન કરી લે તો એને એના પતિનો સાથ મળે અને ભવિષ્યમાં એનો ભાઈ કંઈ ન કરે તો એ એમને મદદરૂપ થાય. આથી એ લગ્ન કરવા તૈયાર થઈ. એના પપ્પા ના માસીની બાજુમાં જે રહેતાં હતા તેમની વહુના ભાઈ સાથે લગ્ન કરવાની વાત શરુ થઈ. આશાએ એના પપ્પાને કહ્યું કે એમને પહેલેથી જ એના પગ પર જે ડાઘા છે તે વાત કરી લઈએ. અને આશાએ જ્યારે એ જોવા આવ્યા ત્યારે એમને કહી દીધું અને ડાધા બતાવી પણ દીધાં. તો પણ એમણે તો હા જ કહી. આશાને એમ હતું કે આ કહીશ એટલે કોઈ હા ન પાડે પણ એ ખોટી ઠરી. એમને ત્યાંથી તો હા જ આવી. અને ઈચ્છા ન હોવા છતાં આશાએ લગ્ન માટે હા પાડવી પડી. આમ આશાના લગ્ન નક્કી થઈ ગયા. એક જ છોકરો હતો અને બહેનના લગ્ન થઈ ગયા હતા. લગ્ન નક્કી થયા પછી આશાને પહેલી વખત એના સાસરે લઈ જવા એ છોકરો આવ્યો હતો અને આશા ગઈ. આશાનું સાસરું શહેરથી લગભગ પંદરેક કિમી દૂર એક ગામમાં હતું. ત્યાં જતાં જતાં રસ્તામાં આશાના થનાર પતિએ એને કહ્યું મારી મમ્મીએ ખૂબ દુઃખ વેઠીને અમને મોટા કર્યા છે એટલે કોઈ દિવસ એની સામે મોટા અવાજે બોલીશ નહીં. આશાને આ વાત જરા ખટકી, કે હજુ તો એ પહેલી વખત જાય છે કોઈના સ્વભાવ ખબર નથી ને એમણે સીધું જ આવું કહી દીધું. પણ એ કંઈ બોલી નહીં. એ એના થનાર સાસરે ગઈ, ગામ હતું એટલે ફળિયા માંથી બધા એને જોવા આવ્યા હતા. એની થવાવાળી નણંદ પણ ત્યાં હતી. આશાની થનાર સાસુએ એ પહેલા દિવસે જ એમ કહી દીધું કે તારે દર બે ત્રણ દિવસે બેનને ખબર પૂછવા એના સાસરે ફોન કરતાં રહેવાનું. આશાને આ બધું કંઈક અજુગતું લાગતું હતું. ઘરે આવીને એ વિચારતી કે કોઈને આ વાત કરું કે નહીં. પણ એના પપ્પા તો એ જ જગ્યાએ એના લગ્ન કરાવવા માંગતા હતા એટલે એનાથી કંઈ બોલાયું જ નહીં. ને એની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ. એક દિવસ એના સાસુ, કાકીસાસુ અને નણંદ શહેરમાં આવ્યા, સગાઈની વીંટી લેવા. ત્યાં વીંટી પેક કરવામાં વાર લાગે એવું હતું એટલે એણે એમને કહ્યું ઘરે ચાલો અને એ લોકો ઘરે આવ્યા. ત્યાં આશાના કાકી એમની સાથે બરાબર વાતે લાગ્યા. પછી જ્યારે એ લોકો ગયા તો એમણે આશાને કહ્યું કે જો તારી નણંદ નજીકમાં જ રહેવા આવે ને તો તારી સાસુ એને ત્યાં રોજ જમવાનું પહોંચાડે એવું છે. ત્યારે તો આશાએ એ વાત મન પર ન લીધી. જેમ જેમ સગાઈનો દિવસ નજીક આવતો હતો તેમ તેમ એને મિહિરની વધારે યાદ આવતી હતી. એને સમજ ન પડતી હતી કે એ શું કરે ? આમ જ વિચારોમાં દિવસો પસાર થયા અને એની સગાઈ પણ થઈ ગઈ. પણ પછી આશા એકદમ બિમાર થઈ ગઈ. એ ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ. એને સાયકોલોજિસ્ટને બતાવવા લઈ ગયા. ત્યાં એની કોલેજની બહેનપણીને પણ બોલાવવામાં આવી. એણે ડૉક્ટરને કહ્યું કે એ તો પહેલેથી જ ના પાડતી હતી કે લગ્ન નથી કરવા. ડૉક્ટરે અમુક દવા આપી. આશા ધીરે ધીરે ઠીક થઈ. આશાના લગ્નની તારીખ લગભગ છ મહિના પછીની હતી. એટલે લગ્નની ખરીદી ધીરે ધીરે શરુ થઈ હતી. આશાના સાસરેથી એક દિવસ ખરીદી માટે આવ્યા. પહેલાં આવેલા એમ જ, એના સાસુ, કાકીસાસુ અને નણંદ. આશા એના કાકાની છોકરીને લઈને એમની સાથે ગઈ હતી. સાડીઓ લીધી પણ બધી જ એની નણંદની પસંદની. એને એકવાર પણ એ લોકોએ ન પૂછ્યું કે તને ગમે છે કે નહીં. અને પછી એ લોકો ઘરે આવી ગયા. આશાના કાકાની છોકરીએ તો ઘરે આવીને કહી દીધું કે એ લોકોએ આવું કર્યું. પણ બધાએ સામાન્ય વાત ગણી લીધી. આશા તો કંઈ બોલી જ નહીં. દિવસો જતાં લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્નની તૈયારી થઈ ગઈ હતી.પણ એના કાકાએ કહી દીધું કે જો આશાના પપ્પા એમની સામે જે રહે છે તેમને આમંત્રણ આપશે તો એ લોકો લગ્નમાં નહીં આવે કારણ કે એમને એવો વહેમ હતો કે એ સામેવાળા કાકી પર કળો જાદુ કરે છે. આશાના પપ્પાએ એમને બહુ સમજાવ્યા પણ એ એક ના બે ન થયા. નાછૂટકે આશાના પપ્પાએ સામેવાળાની માફી માગી અને લગ્નમાં ન આવવા કહ્યું. આશાને એના પપ્પાએ પાછી પાની કરવી પડી તે બિલકુલ ન ગમ્યું પણ તેઓ જો એમ ન કરતે તો એના કાકાનો પરિવાર જ લગ્નમાં ન આવતે એ તો કોઈને જ ન ગમતે. અને લગ્નનો દિવસ આવી ગયો.આશાએ પપ્પા માટે થઈને જ પૂરા મનથી આ સંબંધ નિભાવશે એમ નક્કી કર્યું હતું અને એટલે જ એ બધી વિધિઓ દિલથી કરતી હતી. સવારથી બધી વિધિઓ શાંતિથી થઈ રહી હતી. સાંજે જાન આવી. જાનના ઉતારાને લઈને આશાના કાકાસસરાએ વાડીમાં ધમાલ મચાવી. આ વાત આશાને ખબર પડી. એને એના પપ્પાનું ટૅન્શન થવા માંડ્યું. પણ એના કાકાના છોકરાએ આવીને કહ્યું તું ગભરાઈશ નહીં બધું બરાબર છે. પછી બધા મહેમાન આવવાના શરુ થઈ ગયા હતા. આશાને કોઈએ કહ્યું એના મામાના ગામથી પણ બધા આવી ગયા છે અને એ સાંભળીને આશાને એવું રડવું આવ્યું કે કોઈનાથી એ રડતી બંધ જ ન થતી હતી. બધા એને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરતા હતા પણ એ કેમેય કરીને ચૂપ થતી જ ન હતી. છેલ્લે એના દાદીએ કહ્યું તું ચૂપ થઈ જા તારા પપ્પા અહીં આવે છે ને એ ચૂપ થઈ ગઈ. એને એ જ સમયે ઠંડી લાગીને તાવ આવી ગયો. એમના ફેમિલિ ડૉક્ટરે એને તાત્કાલિક દવા આપી અને એને તાવ ઉતરી ગયો. લગ્ન થઈ ગયા. સાસરામાં લગ્નની રાતે એમને સૂવા માટે કોઈ વ્યવસ્થા ન હતી જે એક રુમ હતો તેમાં એના નણંદ નણદોઈ રહ્યા હતા. એટલે લગ્નની પહેલી રાત આશા અને એના પતિ બીજા રુમમાં સાસુ-સસરા, માસી સાસુ - માસા સસરા બધાની સાથે વિતાવી. બીજા દિવસે પગફેરા માટે આશાના ઘરે ગયા. પણ આશા કોઈને કશું કહી જ ન શકી. એના પછીના દિવસે એ લોકો ફરવા જવાના તો સાથે એના નણંદ નણદોઈ તો ખરા જ. ફરીને આવ્યા. આશા ને એના પતિ નીચે જ સૂઈ જતાં. ઉપર રુમ હતો પણ એના સાસુએ ઉપર પંખો લગાવડાવ્યો ન હતો કે પૈસા નથી. થોડા દિવસમાં આશાના પપ્પાના થિયેટરના માલિક બહાર ગયા હતા એટલે એમના લગ્નમાં આવ્યા ન હતા તેમણે આશાના પપ્પાને કવર આપ્યું કે દિકરીને જે જોઈએ તે લઈ આપજે. એમણે આશાને પૂછ્યું કે ઘરમાં પૂછી લેજે કંઈ ખૂટતું હોય તો. પણ આશાએ જ એમને કહી દીધું કે પંખો લેવાનો છે કારણ કે એ જો ઘરમાં પૂછવા જતે તો પંખો ની લેવા દેતે ને કંઈ બીજું જ લેવડાવતે અથવા તો પૈસા એના સાસુ લઈ લેતે. અને પછી એ પંખો એમણે ઉપર ફીટ કરાવ્યો તો એના સાસુ કહે ઉપર પલંગ કેવી રીતે ચઢાવશો ? ની ચઢાવાય. ઉપર વજન થઈ જાય. પણ આશાએ એના પતિને કહ્યું કે એક રુમ તો આપણો હોય એવું કરો. અને એમણે એટલી વાત માની પણ લીધી અને આશાનો કહેવાય એવો એક રુમ તૈયાર થયો. આશાની નોકરી ચાલુ થઈ ગઈ. એના પતિની શીફ્ટવાળી નોકરી. એટલે જ્યારે ઘરે હોય એને લેવા મૂકવા જતાં. એક દિવસ એની સાસુએ કહ્યું એ તો રોજ આવે તું ના પાડી દે કે રોજ લેવા મૂકવા ની આવવાનું. પેટ્રોલનો કેટલો ખર્ચ થાય. અને આશાએ એના પતિને ના પાડી દીધી.આશાએ જોયું કે આશાની ગેરહાજરીમાં આશાના સાસુ એનો કબાટ ખોલતાં અને અંદર બધું ગમે તેમ મૂકી દેતાં. એણે એના પતિને કહ્યું તો કહે એ તો સરખું કરવા ખોલતા હશે પણ આશા તો બધું સરખું જ મૂકતી પછી શું સરખું કરવાનું? પણ એનાથી કશું કહેવાયું નહીં. મહિનો પતવાનો હતો, આશાના પગારનો સમય થઈ ગયો એટલે આશાના પતિએ એને કહ્યું પગાર આવે એટલે મને નહીં પણ મમ્મીને આખો પગાર આપી દેજે. આશાને તો એમ હતું કે એના પગારમાંથી અમુક રકમ એ એના પપ્પાને આપશે. પણ આ તો કંઈ બીજું જ થઈ રહ્યું હતું. એને લાગ્યું એણે ભૂલ કરી. લગ્ન પહેલાં જ કહી દેવાનું હતું કે પગારમાંથી અમુક રકમ એ પપ્પાને આપશે પણ હવે શું થાય ? આશાનો પગાર આવ્યો અને એણે એના સાસુને આપ્યો. એમણે એકવાર પણ એમ ન કહ્યું કે ના મારે નથી જોઈતો તારી પાસે રાખ. એટલે થયું એવું કે આશાનો અને એના પતિનો બંનેનો પગાર એના સાસુ લઈ લેતાં. એટલે એમની પાસે કંઈ જ ન રહેતું. આશાને નોકરીએ આવવા જવાના પૈસા એ રોજ આપતા. આ બધું આશાને ન ગમ્યું. પણ એનો કોઈ ઉપાય જ ન હતો. ઘરમાં બધું કામ આશાના સાસુ કરી લેતાં. એણે ફક્ત નોકરી કરવાની. આશાને એમ લાગ્યું કે આ લોકો તો ખાલી મારા પગાર માટે જ મને લગ્ન કરીને લાવ્યા છે. થોડા દિવસમાં એમના કુટુંબમાં પ્રસંગ હતો. એમને ત્યાંથી આશાને, એની નણંદને, એના સાસુને સાડી આપવામાં આવી. ઘરે આવીને આશાની સાસુએ એની નણંદને કહ્યું આ ત્રણમાંથી તને જે ગમે તે સાડી તું લઈ લે. એમણે આશાની સાડી પણ એમાં મૂકી દીધી. આશાને ન પૂછ્યું કે તને આ ગમે છે કે નહીં. એમણે કહ્યું બેનને જે ગમે તે લઈ જવા દે. ની લઈ જાય તે તું પહેરજે. આવું તો એમને ત્યાં દરેક પ્રસંગમાં થયું. આશાએ તો બોલવું હોય તો પણ કંઈ ન બોલાય કેમ કે એના પતિએ તો પહેલાં જ કહી દીધું હતું કે મમ્મી જે કહે તે જ કરવાનું. આશાના લગ્નના છ મહિનામાં એની નણંદે દિકરાને જન્મ આપ્યો. એક દિવસ આશાના ગળામાં દુખાવો ઉપડ્યો. આશાએ એના પતિને કહ્યું. એ લોકો દવાખાને જવાના જ હતા ત્યાં એની સાસુએ કહ્યું બેન માટે સુવાવડનો સામાન લઈ આવો. સામાન લેવા ગયા, સાથે દવખાને પણ જઈ આવ્યા એટલે ઘરે આવતાં મોડું થયું. જેવા ઘરે આવ્યા તેવું એની સાસુએ ગમેતેમ બોલવાનું શરુ કરી દીધું. આશા તો એકદમ હતપ્રભ જ થઈ ગઈ. એને તો કોઈ દિવસ કોઈ ખીજવાયેલું જ ન હતું. ને અચાનક આવી રીતે એના સાસુ બોલ્યા એ તો ન સામે જવાબ આપી શકી ન રડી શકી. રાતે એના પતિએ કહ્યું ચાલ આપણે જુદા રહી જઈએ અહીં નથી રહેવું. પણ આશાએ ના પાડી. તમે એકના એક છો મમ્મીને એમ થશે કે મેં તમને એમનાથી અલગ કર્યા અને એ મારે નથી થવા દેવું. કંઈ ની બોલ્યા તો એમાં શું ? એ તો થાય કોઈ વાર. અને એ વાત ત્યાં જ પતી ગઈ. લગ્નની પહેલી એનિવર્સરી આવી. આશા ખૂબ ઉત્સાહિત હતી કે એના પતિ એને કંઈ સરપ્રાઈઝ આપશે. પણ એના પતિ તો એ દિવસ જ ભૂલી ગયા. આખો દિવસ પૂરો થઈ ગયો. રાતે આશાએ એમને યાદ કરાવ્યું તો કહે હું આવા બધામાં માનતો નથી.
આશા પતિનો જવાબ સાંભળીને અવાક થઈ ગઈ. જેમ તેમ એણે પોતાની જાતને સંભાળી. પછી થોડા દિવસમાં આશા જ્યાં નોકરી કરતી હતી તે કંપની બંધ થઈ ગઈ. એની સીધી અસર આશાને ત્યારે દેખાઈ જ્યારે એના સાસુ એના પતિની ગેરહાજરીમાં ઘરની બહાર ફળિયામાં એને ખૂબ ગમેતેમ બોલ્યા. આશાથી એ સહન ન થયું પણ એ કંઈ જ ન કરી શકી. એની તો હિંમત જ ન હતી એના પતિને કહેવાની. પણ ફળિયામાંથી એમને ખબર પડી, એમણે આશાને પૂછ્યું તો આશાએ હા પાડી પણ છતાં એમણે એમની મમ્મીને કશું ન કહ્યું ઉલ્ટું આશાને કહ્યું અમે તો નોકરીવાળી છોકરી શોધેલી એટલે તારે નોકરી તો કરવી જ પડશે. આશાની હાલત તો એવી થઈ ગઈ કે એ કોઈને કંઈ કહી જ ન શકે. પિયરમાં પપ્પાને કારણે વાત થાય નહીં અને બીજું કોઈ એવું હતું નહીં જેને એ કંઈ કહી શકે. આમ આશા અંદર ને અંદર રિબાતી ચાલી. એની બીજી નોકરીની શોધ ચાલુ હતી એટલામાં એને ખબર પડી કે એ પ્રેગ્નન્ટ છે. એટલે ઘરમાં થોડું વાતાવરણ સામાન્ય થયું. આશાએ દિકરાને જન્મ આપ્યો.આશાના પતિના સ્કૂટરમાં ખર્ચો કરવો પડે એમ હતું. પણ એના સાસુએ પૈસા નથી કરીને એમને પૈસા ન આપ્યા. આથી એમણે દિકરાના જન્મ સમયે એની ભેટરૂપે જે પૈસા આવ્યા એ લઈ લીધાં અને એમાંથી સ્કૂટર રીપેર કરાવ્યું. આમ આશા પાસે ફરીથી કોઈપણ રૂપિયા ન બચ્યા. ધીમે ધીમે ઘરમાં એના સાસુનું વર્તન બદલાવા લાગ્યું. આડકતરી રીતે તેઓ આશાને નોકરી માટે દબાણ કરવા લાગ્યા. એક વખત આશાનો દિકરો બિમાર થયો તો એના સાસુએ દવા લાવવાના પૈસા ન આપ્યા કહ્યું મારી પાસે સાંજના પ્રસંગમાં વ્યવહાર કરવાના જ પૈસા છે જોઈતા હોય તો લઈ જા. આશા તો બેબાકળી થઈ ગઈ. દિકરાની દવા કેવી રીતે લેવી ? પછી એણે એના પતિને કહ્યું પપ્પાના ફેમિલિ ડૉક્ટરને ત્યાં જઈએ ત્યાં એમ કહી દેશું પપ્પાના ખાતામાં લખી દો અમે ઉતાવળમાં પૈસા લાવવાનું ભૂલી ગયા. અને આમ એણે દિકરા માટે દવા લીધી. એના બીજા જ દિવસે આશાની નણંદ ઘરે રહેવા આવી તો આશાના સાસુએ પૈસા આપ્યા કે બેનના છોકરાઓ માટે ફળ લઈ આવો. આશા અને એના પતિ તો જોતાં જ રહી ગયા કે કાલે દિકરાની દવા માટે પૈસા ન હતા તો આજે ક્યાંથી આવ્યા. આવું તો કેટલીયે વાર થયું. આશા નોકરી તો શોધતી હતી પણ ગામથી આવવાનું એટલે ટાઈમ એડજસ્ટ ન થતો હતો. દિકરો મોટો થતાં એને શાળામાં મૂકવાનો સમય થયો. એ અરસામાં આશાના કાકાસસરા જે આફ્રિકા રહેતા હતા તે આવ્યા હતા એમણે એમ કહ્યું કે ગામની શાળામાં જ મૂકી દો. આશાના પતિ તો એમ કરવા તૈયાર થઈ ગયા. પણ આશાએ જીદ પકડી કે ના દિકરાને શહેરની શાળામાં જ મૂકવો છે. એના પતિએ કહ્યું પૈસા ક્યાંથી લાવીશું ? આશાએ કહ્યું દિકરાને શાળામાં મૂકશું એટલે હું ત્યાં કંઈ પણ કામ શોધી લેવા. એટલે આશાની સાસુએ એમ વિચાર્યું કે હું આટલા પૈસામાં આ બધું નહી કરી શકું એટલે તમે જ પગાર રાખો ને તમે જ ઘર ચલાવો. આ સમય એવો હતો કે આશા કે એના પતિ પાસે કોઈ બચત નહીં જે પગાર આવે એમાંથી ચલાવવાનું. પણ આશાએ હિંમત ન હારી. દિકરાને લઈને બસમાં એ શાળાએ જાય, ત્યાં બેસે, સમાચાર પત્ર ખરીદે અને એમાં નોકરી શોધે. દિકરો છૂટે એટલે એને લઈને બસમાં ઘરે આવે. એમના ગામમાં અંદર બસ ન આવે એટલે દિકરા સાથે એક કિમી જેટલું રોજ આવતા જતા ચાલવાનું અને બસમાંથી ઉતર્યા પછી શાળા સુધી પણ ચાલવાનું. પણ એ થાકી નહીં. રોજ જતી અને એક દિવસ સમાચાર પત્રમાં એણે દિકરાની શાળાની નજીક એક શિક્ષકની જરુરિયાત વાળી એડવર્ટાઈઝ જોઈ. એ ત્યાં પહોંચી ગઈ. એને ત્યાં ટ્યુશન શિક્ષક તરીકે નોકરી મળી ગઈ. એણે પહેલેથી ત્યાં વાત કરી કે એ દિકરાની શાળાના સમય જેટલો જ સમય આપી શકશે પછી એણે દિકરાને લઈને ઘરે જવું પડે. એ લોકો માની ગયા. અને આશાની નોકરી શરૂ થઈ ગઈ. થોડા સમય પછી એ ટ્યુશનના સંચાલકે આશાને કહ્યું કે આ ટ્યુશન ઉપરાંત એક બીજી શાળામાં શિક્ષક તરીકે એ નોકરી કરશે ? તો આશાએ કહ્યું કે મારે દિકરાને મૂકવા ઘરે તો જવું જ પડે. અને પછી પાછી હું અહીં આવું એટલો સમય એ લોકો મને આપતા હોય તો હું કરીશ. અને બીજી શાળાના સંચાલકે એની વાત માન્ય રાખી અને એની બીજી નોકરી શરૂ થઈ. હવે, આશાને પૈસાની તકલીફ ન હતી કારણ જે પૈસા આવે એમાંથી એ કરકસર કરીને બધું સંભાળી લેતી. એના સાસુ એની નણંદને પાપડ-પાપડી, અથાણાં બધું જ પહેલેથી ભરી આપતાં. આશાના પતિએ એમના હાથમાં પૈસાનો વ્યવહાર આવ્યા પછી પણ ચાલુ રાખ્યું હતું. એ લોકો ઘરે રહેવા માટે આવે ત્યારે પણ એમની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રાખતા. એમને વાર તહેવારે પણ ભેટ આપતાં. પણ આશાની નણંદ કાયમ જ એમ કહેતાં કે એમના પતિનો એક મિત્ર છે તે મને બેન જ ગણે અને ઘણું બધું આપે. આશા પોતાની અને પતિની કમાણીમાંથી બધું જ સારું કરવાની કોશિશ કરે પણ એની નણંદને એ ઓછું જ પડે. કંઈ લેવું હોય તો આશાના પતિ પણ એમ કહે કે આપણે નથી લેવું બહેન માટે લઈ લે. આશાને તો પોતાના માટે કંઈ લેવાનું વિચારવાનું જ ની આવે. એ પછી એને જે જોઈતું હોય તે એના પપ્પા વાર તહેવારે પૈસા આપે એમાંથી લઈ લે. આમ કરતાં દિવસો વીતતાં હતા. આશા સવારે દિકરાને લઈને નીકળે, એને શાળાએ મૂકીને ટ્યુશન કરાવે, દિકરો છૂટે એટલે એને લઈને ઘરે મૂકવા જાય અને પાછી વળતી બસમાં બીજી શાળામાં નોકરી પર જાય. એને એક વાતની શાંતિ હતી કે આ બધું કરતાં એ દિકરાને ભણાવવાનો સમય કાઢી લેતી અને દિકરો ભણવામાં અને એક્સ્ટ્રા એક્ટિવિટીમાં શાળામાં હંમેશા પ્રથમ જ આવતો. આમ જ સમય પસાર થતાં આશાને ખબર પડી કે એ ફરી મા બનવાની છે તો એના સાસુએ કહ્યું કે બીજા બાળકની જરૂર નથી તું અબોર્શન કરાવી લે. આશાએ વિચાર્યું જ્યારે બેન બીજી વખત મા બનવાના હતા ત્યારે એમ કહેતાં કે ભાઈ બહેનની બેલ તો જોઈએ તો મને કેમ આવું કહે છે ? આશાએ અબોર્શન ન કરાવ્યું. સમય જતાં આશાએ દિકરીને જન્મ આપ્યો. આશાના ડિલિવરીના સમયમાં એના દિકરાને એના પતિ શાળાએ લઈ જતાં. દિકરી થોડી મોટી થતાં આશાની નોકરી ફરી શરૂ થઈ ગઈ. આશા જોતી કે એના સાસુ દર પંદર દિવસે શાકભાજી, ફળ વગેરે લઈને એની નણંદને ત્યાં મોકલતાં. આમ આશાનો પરિવાર મોટો થયો તેમ એને સાસુએ એની નણંદને ત્યાં મોકલવાનો ખર્ચો વધારી દીધો. છતાં આશા કંઈ બોલતી નહી અને પોતે કરકસર કરીને ચલાવી લેતી. એ અરસામાં આશાની નણંદની છોકરી પરીક્ષાના રિઝલ્ટમાં નાપાસ થતાં આશાના પતિ એને ઘરે લઈ આવ્યા કે એ અહીંથી ભણશે અને આશા દિકરાની સાથે એને પણ ભણાવશે. આવો કોઈ નિર્ણય લેતાં પહેલાં એકવાર આશાને પૂછવાનું પણ એમણે જરૂરી ન સમજ્યું. પણ એમનું આ કરવાથી આશાએ ટ્યુશન છોડવા પડ્યા કારણ કે બેનની દિકરીને પણ એની શાળામાં મૂકવા જવું પડતું જે એમના દિકરાની શાળાથી ઘણી દૂર હતી. એટલે રોજ રિક્ષા કરીને એને લેવા મૂકવા જવું પડતું. જેથી એનો આર્થિક બોજો વધી ગયો.
આશાના સાસુએ જોયું કે ભાણીને શાળાએ જવા માટે ખૂબ ચાલવું પડતું હતું એટલે એ થાકી જતી હતી જેથી ઘરે આવીને વંચાતું ન હતું. એટલે એમણે આશાના પતિને કહ્યું ખેતીના પૈસામાંથી આશાને ગાડી લઈ આપ જેથી ભાણીને તકલીફ ન પડે. આશાને આ સાંભળીને નવાઈ લાગી કે કેટલા વરસથી હું અને મારો દિકરો અપ ડાઉન કરીએ છીએ ત્યારે એમને યાદ ન આવ્યું કે ગાડી લઈ આપીએ. પણ એનાથી ક્યાં કોઈને કશું કહેવાતું હતું. સમય જતાં દિકરીને શાળામાં મૂકી. દિકરીની શાળા એવી પસંદ કરી જેથી બધા સાથે જાય ને સાથે આવે. ધીરે ધીરે આશાનો પગાર પણ વધતો હતો. પણ એના સાસુ નણંદને ત્યાં વધારે ને વધારે સામાન મોકલવા માંડ્યા હતા. આશાએ એના પતિને કહ્યું તો કહે કંઈ ની મોકલવા દે બેન ભાણજાને જેટલું કરીએ એટલું ઓછું. તો આશાએ કહ્યું પણ આપણા સંતાનો માટે પણ આપણે ખર્ચ કરતાં કોઈવાર વિચારીએ છીએ તમે કંઈ કહો તો ખરા ? તો આશાના પતિએ એને કહી દીધું ના. હું કંઈ ન કહું. જે થાય એ થવા દે નહિતર હું તો બધું જ એ લોકોને આપી દેવા આપણી પાસે કંઈ ન રાખા. આ સાંભળીને આશા ચૂપ થઈ ગઈ. એને થયું આ કેવું ? રાત દિવસ હું મહેનત કરું ને મારે મારા સંતાનોને છોડીને બેનનું ઘર ભરવાનું. પણ એનું કંઈ જ ચાલતું ન હતું એટલે કોઈને કહેવાનો સવાલ જ ન હતો. પિયરમાં તો બધાને પોતે ખૂબ સુખી છે એમ જ કહેતી. સમય જતાં એના ભાઈના લગ્ન થયા. એના પપ્પા એ ઘર બદલી દીધું. એના દાદી પણ પપ્પા સાથે જ હતાં. બધું બરાબર ચાલતું હતું ત્યાં એના કાકાએ એના પપ્પા પર કેસ કર્યો કે એ એમની જમીનમાંથી ભાગ આપી દે. આશાના પપ્પાએ તો ભાગ આપવાનું કહ્યું જ હતું છતાં કેસ કર્યો. આ કારણે એમની વચ્ચે તિરાડ પડી ગઈ. આશાના દાદીએ પણ કાકાના ઘરે જવાનું બંધ કરી દીધું. આ બાજુ આશાની દિકરીને શાળાએ મૂકતાં એની સાથે ગામના પણ બે ત્રણ છોકરા હતા એમના વાલીઓએ આશાને એમ કહ્યું કે તમે તમારા દિકરા દિકરીને ભણાવો તેની સાથે અમારા સંતાનોને પણ ટ્યુશન કરાવો. આમ, આશાના ગામમાં જ એના ટ્યુશન શરૂ થયા. ફરી આશાની જીંદગી દોડતી થઈ ગઈ. એની પોતાની નોકરી, ટ્યુશન અને સંતાનોનું ભણવાનું. છતાં આશા થાકતી નહીં. બધું જ સારી રીતે કરી લેતી. દિવસો, વર્ષો પસાર થયા. એમની ભાણી દસમા ધોરણમાં આવી એટલા એના નણંદે શહેરમાં ઘર લીધું અને એને લઈ ગયા. થોડા સમયમાં આશાને એક કોલેજમાં નોકરી મળી. પણ એની શાળાના સંચાલક એને છોડવા તૈયાર ન હતા. એમણે આશાને કહ્યું, તમે અડધો દિવસ આવીને અહીં ભણાવજો ચાલશે અને એમણે આશાને એના સમય પ્રમાણે એડજસ્ટ કરી આપ્યું. હવે આ સમય એવો હતો કે સવારે આશા શાળાએ જતી, ત્યાંથી કોલેજ અને સાંજે આવીને ઘરે ટ્યુશન. એટલે એણે દિકરા દિકરીને શાળાએથી લાવવા લઈ જવા વાન બંધાવી દીધી. આશા આટલી મહેનત એટલા માટે કરતી કે એના સંતાનોને કોઈ તકલીફ ન પડે. પણ ત્યારે જ એના નણદોઈએ કરોડોનું દેવું કર્યું. એટલે એ જેમ જેમ કમાણી વધારતી તેમ એની સાસુ નણંદને વધારે મોકલતી. હવે તો એની સાસુએ કહી દીધું હતું કે કોઈ પણ વસ્તુ આપણા ઘર માટે લાવે તો બેન માટે પણ લઈ આવવાની. એટલે હવે તો આશાએ એના ઘર ઉપરાંત નણંદ માટે પણ બધું જ લેવું પડતું. એ એના પતિને કહેવા જાય તો એ તરત જ એને કહી દે કે એ તો કરવું જ પડશે. હું તમને કંઈ ની આપા પણ બેનને તો બધું જ આપીશ. હવે આશાએ માની લીધું કે એનું કોઈ નથી. અહીં એ ખાલી પૈસા કમાઈને આપવા આવેલી છે. એની કમાણી પણ બધી એના પતિ જ લઈ લેતાં. એટલે એની પાસે કશું રહેતું જ નહીં.આશાની નણંદે એના દિકરાને જનોઈ આપ્યા. આશાના પતિએ મોસાળામાં કોઈ કચાશ ન રહેવા દીધી. ખૂબ ધામધૂમથી મોસાળું કર્યું. પોતાની પાસે જે બચત હતી તે બધી વાપરી નાખી. આશાનો દિકરો દસમા ધોરણમાં આવવાનો હતો એટલે એ લોકોએ શહેરમાં ઘર ભાડે રાખ્યું અને ગામનું ઘર બંધ કરી શહેરમાં આવી ગયા. એટલે આશાના ટ્યુશન બંધ થઈ ગયા. હવે ખાલી એની નોકરી જ હતી. તો પણ એણે દિકરા દિકરીના ભણવામાં કોઈ કચાશ ન રાખી.અને એક દિવસ આશાના પતિને એટેક આવ્યો. હૉસ્પિટલમાં આશા અને એનો ભાઈ રોકાયા હતા. શ્રાવણ મહિનો હતો એનો ભાઈ ઉપવાસ કરતો એટલે ઘરે જઈને જ ખાતો. તો પણ એના નણદોઈ હૉસ્પિટલમાં જ એની સાથે લડ્યા કે તારો ભાઈ મારી સાથે ખાવા ની આવે. આશાના પતિએ પણ કહ્યું કે એક દિવસ એમની સાથે જઈને જમી લે તો શું વાંધો આવે ? આશાએ કહ્યું એનો નિયમ હોય તો હું એમ તો ન કહી શકું ને કે નિયમ તોડી દે. આશાને ખૂબ દુઃખ થયું કે એના પતિની આવી હાલત છે તો પણ એમણે આવું કર્યું. એનો દિકરો દસમા ધોરણમાં ખૂબ સારા ટકાએ પાસ થયો. પણ એની ખુશી તો કોઈને થઈ જ નહીં. કારણ કે આશાની નણંદનો દિકરો દસમા ધોરણમાં નાપાસ થયો હતો. આશાના દિકરાના રિઝલ્ટની ખુશી તો જાણે માતમમાં ફેરવાઈ ગઈ હોય તેમ એના સાસુ તો રડવા બેઠા કે હા, ભાણાને તો ભણાવવાવાળું કોઈ ન હતું એ ક્યાંથી પાસ થાય વગેરે વગેરે. આશાને આ જોઈ નવાઈ ન લાગી કારણ કે એનો દિકરો નર્સરીમાં હતો ત્યારથી જ્યારે પણ રિઝલ્ટ આવતું ઘરમાં આવું જ વાતાવરણ થઈ જતું. એની નણંદનો દિકરો બરાબર ભણતો ન હતો તેનું દુઃખ આશાના દિકરાના રિઝલ્ટ પર નીકળતું. હવે આશાનો દિકરો પણ એમ કહેવા માંડ્યો કે આપણી તો ઘરમાં કંઈ વેલ્યુ જ નથી. પણ આશાએ એને સમજાવ્યો કે ના એવું નથી પણ ભાઈ ની ભણે તેનું દુઃખ તો થાય ને. આશા જેમતેમ કરીને બધાને સાચવવાનો પ્રયત્ન કરતી કે કોઈ એકબીજાથી દૂર ન થઈ જાય. બીજી બાજુ એના પપ્પા એ પણ આશા પાસે પૈસા માગ્યા કે ઘર ચલાવવા પૈસા નથી થોડા આપ. એનો ભાઈ ફરી નોકરી બંધ કરીને બેસી ગયો હતો. આશાએ ડરતાં ડરતાં એના પતિને વાત કરી એમણે થોડા રૂપિયા આપ્યા. આશાનો દિકરો બારમા ધોરણમાં આવી ગયો. એણે મેથ્સ સાથે સાયન્સ લીધું હતું એન્જીનીયર બનવા માટે. આ સમયે એના કાકા સસરાએ એના પતિના મગજમાં એવું ઠસાવી દીધું કે ફાર્મસી કરાવજે ને એક કોલેજ કહી એમાં જ ભણાવજે. આશાના પતિએ કહી દીધું કે દિકરો આ જ કરશે. દિકરાની મરજી તો પૂછી જ નહીં. આશાએ કહ્યું મેથ્સ લીધા પછી ફાર્મસી કેમ કરાવવું છે ? તો પણ એના પતિ ન માન્યા. દિકરાએ આશાને કહ્યું હું ફાર્મસી નહીં કરું. આશાએ કહ્યું તું ફિકર ન કર. તારે જે કરવું હોય તે જ કરજે હું સમજાવીશ તારા પિતાને. પણ જાણે ભગવાન પણ આશાની પરીક્ષા લેતાં હોય તેમ એના દિકરાની પરીક્ષાના બે દિવસ આગળ જ આશા એવી બિમાર પડી કે એનો અવાજ બંધ થઈ ગયો અને એને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી.
એક બાજુ આશાના દિકરાની બૉર્ડની પરીક્ષા ને હૉસ્પિટલમાં.દિકરાને કેમેસ્ટ્રી તો એ જ ભણાવતી. એને ખૂબ રડવું આવતું હતું. પણ એ મજબૂર હતી. એનાથી કંઈ જ થઈ શકે એવું ન હતું. દિકરાને પરીક્ષા સમયે એણે કાગળમાં લખીને સમજાવ્યું. એના દિકરા દિકરી પણ ખૂબ રડતા હતા. આશા કાગળમાં લખીને એમને હિંમત આપતી હતી. એ જ સમયે એની દિકરીની પણ પરીક્ષા શરૂ થઈ. બધા વિષય એ કરી લે પણ અંગ્રેજી તો એ આશા પાસે જ કરે. એણે જીદ પકડી કે મારે મમ્મી પાસે જવું જ પડશે નહીતર હું નાપાસ થઈ જવા. આશાના પતિને ખબર ન હતી કે આશા આટલું બધું સંતાનો પાછળ કરતી હતી. એ દિકરીને આશા પાસે લઈ ગયા. આશાએ એને પણ કાગળમાં લખીને સમજાવ્યું. આશા લગભગ એક મહિનો જેવું હૉસ્પિટલમાં રહી. પણ એનો અવાજ પાછો આવતાં બે ત્રણ મહિના નીકળી ગયા. આ બધામાં દિકરાનું રિઝલ્ટ આવી ગયું. સારા ટકાએ પાસ થઈ ગયો પણ કદાચ એ ઘરમાં ઘર્ષણ ટાળવા માગતો હોય તેમ આશાના પતિ જે કહેતા હતા તેમાં એડમીશન લઈ લીધું. આશાએ કહ્યું તું મરજી ન હોય તો ન લે હું લડી લેવા તારા પિતા સાથે પણ એણે કહ્યું ના આ જ કરીશ. એક દિવસ એમના ઘરમાં ઈલેક્ટ્રીક ગિઝરમાં પ્રોબ્લેમ આવ્યો.આશાએ એના પતિને કહ્યું કે વાયરમેન ને બોલાવીને બતાવી દેજો ને એ નોકરીએ ગઈ. બીજા દિવસે આશાએ દિકરીને માટે ગિઝર ચાલુ કર્યુ ને ધડાકો થયો. આશા અને એની દિકરી ખૂબ ડરી ગયા. આશા માંડ માંડ બચી. એણે એના પતિને પૂછ્યું તમે આ રીપેર ની કરાવેલું ? તો કહે એ તું કરાવી લેજે હું નહીં કરાવું. આશાએ કહ્યું તમારે મને કહેવું તો હતું કે રીપેર નથી થયું હું ચાલુ ની કરતે ને તો એના સાસુ એના પર જ તાડુક્યા. અને ખૂબ બોલ્યા પણ એ ન જોયુ કે આનાથી આશાનો જીવ જતે. એ દિવસે આશાને ખાતરી થઈ ગઈ કે એના જીવવા મરવાનો એના સંતાનો સિવાય કોઈને ફરક નથી પડતો. એના પિતા પણ થોડા થોડા દિવસે એની પાસે રૂપિયા માગતા હતા. બે ત્રણ વાર તો એણે એના પતિને કહીને આપ્યા પણ પછી તો એના પતિએ એને કહી દીધું કે હવે નહીં મળે એમ કહી દેજે. હવે આશાને એના પપ્પાએ કહ્યું હતું તે યાદ આવતું હતું પણ એ એમની મદદ કરી શકે એમ ન હતી. આશા ના લગ્નને વર્ષો થઈ ગયા, ઘરમાં એના સાસુ એને કંઈ છેડવા જ ન દેતાં. આશાએ ખાલી સાસુએ લોટ બાંધેલો હોય તેની ભાખરી જ કરવાની. એના સંતાનોને કંઈ સારું ખાવું હોય તો રવિવારે એક વખત એ રસોઈ કરવાની. આશાની સાથે કોલેજ માં એના સાથી મિત્રો વાત કરતાં કે અમે આ બનાવ્યું, પેલું બનાવ્યું ત્યારે આશાને થતું કે મને તો કંઈ આવડતું જ નથી. આ બધી વાતોથી આશા અંદર અંદર ખૂબ જ મૂંઝાતી. હવે તો એના સાસુ પણ કામ કરતાં થાકી જતાં તો પણ આશાને કંઈ કરવા ન દેતાં અને લોકોને એમ કહેતાં કે એને કંઈ ની આવડે. એ જ સમયગાળામાં એને કોલેજમાં પણ ખૂબ ટૉર્ચર કરવામાં આવતી હતી. એક સાથે એણે ત્રણ લેબોરેટરી માં કામ કરવાનું હતું. અને બધી લેબોરેટરીમાં એકસાથે પ્રૅક્ટીકલ ચાલતાં એણે એકસાથે એકલાહાથે બધી તૈયારી કરવી પડતી. આ બધી વાતોથી આશા ખૂબ ડિસ્ટર્બ થઈ ગઈ. આશાને લાગ્યું કે એ ફરી ડિપ્રેશનમાં જઈ રહી છે. આશા એકલી હોય ત્યારે રડ્યા કરતી, એને રાતે ઊંઘ પણ ન આવતી. આખી આખી રાત એ જાગતી રહેતી. એ ઘરથી દૂર રહેવા દિકરીને સાયકલ ચલાવવા નિકળી પડતી. એણે ત્યારે જ દિકરીને કહ્યું હતું કે એવું ભણજે કે નોકરી ન કરવી પડે અને તું કોઈ બીજાને નોકરી આપે. એ અરસામાં જ એનો જન્મ દિવસ આવ્યો. એના સંતાનો સિવાય કોઈને યાદ જ ન હતું. એના પતિને તો બિલકુલ નહીં. એ તો નોકરીએથી આવીને રોજની જેમ સૂઈ ગયા. આશા એનો દિકરો વાંચે ત્યાં બેઠી હતી. ફોનમાં ફેસબુક ઓપન કર્યું હતું. એને વધારે તો આવડે નહી પણ જે આવે તે જોયા કરતી. એવામાં અચાનક એની નજર ઉપર મેસેન્જરના નિશાન પર ગઈ. ત્યાં લાલ ટીક બતાવતું હતું એણે એના પર ક્લિક કર્યુ તો હેપી બર્થ ડે નો મેસેજ હતો અને મેસેજ કરનાર મિહિર હતો. એ ચોંકી ગઈ. એની આંખ સામે ભૂતકાળ તાજો થઈ ગયો. એને જાણે એમ લાગ્યું કે એની સામે જ છે અને એણે થેન્ક યુ જવાબ લખીને ફેસબુક બંધ કરી દીધું. એને ફેસબુક વાપરતા આવડતું ન હતું. આ તો કોલેજમાં એની સાથી મિત્રએ અકાઉન્ટ ઓપન કરી આપ્યું હતું અને એની જ્ઞાતિના બે ચાર અકાઉન્ટને રિક્વેસ્ટ મોકલીને ફેસબુક પર ફ્રેન્ડ બનાવી આપ્યા હતા. એણે ત્યારે જોયું ન હતું કે કોણ છે અને કોલેજમાં પણ ક્યારેક ખોલતી તો પણ કોણ ફ્રેન્ડ છે તે એને ખબર ન હતી. આ તો આજે મેસેન્જર પર મેસેજ જોયો ત્યારે ખબર પડી. પણ એ પોતાની જાતને સંભાળે કેવી રીતે એ ખબર જ ન પડી. એની આંખ સામેથી પચ્ચીસ વરસ પહેલાંનો સમય પસાર થઈ ગયો. એ રાત તો આશાની ભૂતકાળમાં જ વીતી ગઈ. પછી બે ત્રણ મહિના વીતી ગયા. આશા તો ડિપ્રેશન માં વધારે જતી હોય એવું લાગી રહ્યું હતું. એ ગુમસુમ થઈ ગઈ હતી. એના દિકરો અને દિકરી સતત એને ખુશ રાખવા પ્રયત્ન કરતાં. આશાએ કોલેજમાં સાથી મિત્ર પાસે ફેસબુક કેવી રીતે વાપરવું તે શીખી લીધું અને એક દિવસ ફેસબુક પર મિહિરનો પ્રોફાઈલ જોવા બેઠી. તો એમાં બીજા શહેરનું નામ હતું એને થયું કે આ મિહિર કેવી રીતે હોય શકે ? અને એણે મિહિરને મેસેજ કર્યો કે તમે કોણ ? મને કેમ મેસેજ કરેલો. અને એણે કહ્યું કે મિહિર, એના મામાનો દોસ્ત. અને આશાને ખાતરી થઈ ગઈ કે આ તો એનો જ મિહિર છે. એણે ફરી આગળ વાત કરવાની બંધ કરીને ફેસબુક બંધ કરી દીધું. થોડા દિવસ રહીને પાછો મિહિરનો મેસેજ આવ્યો. શું થયું ? તેં વાત કેમ બંધ કરી દીધેલી ? આશા એને કેવી રીતે કહે કે એણે તો ઘણું બધું કહેવું હતું પણ હવે એ સમય જ ક્યાં હતો. તો પણ એણે કહ્યું એમ જ. એણે આશાને ખબર અંતર પૂછ્યા. પરિવાર વિશે પૂછ્યું. પોતાના પરિવાર વિશે વાત કરી. આમ મેસેજથી આશાની મિહિર સાથે વાત થવા માંડી. આશાનું ફેસબુક આશાના પતિ પણ વાપરતાં. એમણે આ મેસેજ જોયા. પણ કંઈ બોલ્યા નહીં. આશાને ખરેખર એમ થતું કે આ ખોટું છે પણ એની જે માનસિક હાલત હતી તેમાં મિહિર સાથે વાત થયા પછી થોડો સુધારો જણાતો હતો. કયા કારણથી એને ખબર ન પડી પણ એને સારું લાગતું હતું. પછી તો એમણે ફોન નંબરની આપ લે કરી. રોજ સવારે મિહિર ગુડ મોર્નિંગ નો મેસેજ કરતો. એટલે આશા પણ વળતો મેસેજ કરતી. આશાનો ફોન એની દિકરી પણ વાપરતી. એને મિહિરના મેસેજ ગમતા અને એ મેસેજ એ પોતાના ગ્રુપમાં મૂકતી. એણે એક દિવસ મિહિરને મેસેજ પણ કરી દીધો કે અંકલ રોજ નવા નવા મેસેજ મૂકજો મારા ગ્રુપમાં મૂકવા માટે બધાને ખૂબ ગમે છે તમારા મેસેજ. અને મેસેજનો સિલસિલો ચાલુ થઈ ગયો.
આશાના પતિ પણ એ મેસેજ જોતાં. પણ કશું કહ્યું નહી. કારણ એમાં વાંધાજનક કંઈ હતું જ નહી. પણ હવે આશા ખુશ રહેવા લાગી. મિહિરનો સવારનો એક મેસેજ જાણે એને નવી જીંદગી આપતો હતો. કોઈ વખત ફોન પર વાત થતી. એ પણ કેમ છો સારા છો જેવી કે પછી એની દિકરીના કંઈ સમાચાર હોય તો એ ફોન કરતો કે પછી આશાના સંતાનોનુ ભણવાનું કેમ ચાલે છે એ પૂછતો. આ સિવાય બીજી કોઈ વાત એમની વચ્ચે ક્યારેય ન થતી. પણ આશા ખુશ હતી. એને મિહિર સારો છે સ્વસ્થ છે એ જાણવા મળ્યું. એ આટલાથી ખુશ હતી. ધીરે ધીરે આશાને જે આત્મહત્યાના વિચારો આવતા તે બંધ થયા, એકલામાં રડવાનું બંધ થયું. પરિસ્થતિ તો એ જ હતી પણ મિહિરના કારણે એ હતાશામાંથી બહાર આવી રહી હતી. એવામાં એક દિવસ એમના સંબંધીએ આશાને કહ્યું તારી નણંદને કહેજે કે એની છોકરીની લગ્ન માટે વાત ચાલે છે એ જગ્યા સારી છે. ત્યાં બેસી જવાય. આશાએ એના પતિને પૂછ્યું કે ભાણીની વાત ચાલે છે ? તો એમણે હા પાડી અને એને પૂછ્યું કે તને કોણે કહ્યું ? તો એણે સંબંધીએ કહ્યું હતું તે કહ્યું. આશાએ કહ્યું મમ્મીને ખબર છે ? તો એમણે હા પાડી. એનો મતલબ કે એ લોકોએ આશાને અને એના સંતાનોને આ વાતથી અજાણ રાખ્યા હતા. આશાએ કહ્યું લગ્નના આટલા વરસ પછી પણ તમે લોકોએ તો મને પારકી જ ગણી ને ? તો એના પતિ કહે એ તું જે સમજે એ. પણ મારા માટે તો પહેલાં મારી મા, બહેન અને ભાણ્યા પછી જ તમે. ફરી એક વાર આશા તૂટી ગઈ. પણ પાછી જલ્દી સ્વસ્થ થઈ કારણ એની પાસે મિહિર હતો. ન કોઈ મુલાકાત, ન કોઈ વચન, ન રોજ વાત થાય પણ છતાં એને મિહિરના સવારના મેસેજથી એક અજબ જ શાંતિ મળતી. આમ કરતાં ભાણીના લગ્ન લેવાયા. ભાણી માટે મોસાળુ કરવાનું. આશાના પતિએ એની બહેનને કહી દીધું કે મારી પાસે અમુક રૂપિયા છે એમાંથી ભાણીને જે જોઈએ તે અપાવી દેજે. પણ ભાણીએ તો જેટલી રકમ કહી હતી તેનાથી વધારેની ખરીદી કરી. આશાએ કહ્યું પણ ખરું કે બેન ખૂબ મોંઘુ છે બીજું જોઈએ પણ એમણે કહ્યું ના ભાણીને એ જ ગમે છે એટલે એ જ લેવાના. દાગીનામાં પણ એવું જ થયું. આશાએ ઘરે આવીને પતિને કહ્યું કે વધારાની અમુક રકમ કાલે દુકાનવાળાને આપશું પછી એ બધું આપશે. આશાના પતિ તો એટલી રકમ જોઈને હેબતાઈ જ ગયા. પણ મોસાળુ તો કરવાનું જ હતું. એમણે પોતાની એફ ડી તોડીને રકમ ચૂકવી. આ પહેલી વખત હતું કે એમણે આશાને કહ્યું કે બેને ભાણીને સમજાવવી જોઈતી હતી કે આટલું મોંઘુ ન લેવાય. પણ એમનાથી બેનને કે મમ્મીને કંઈ કહી ન શકાયું અને લગ્ન પતી ગયા. આશાની નણંદને ત્યાં દેવું હતું છતાં એમણે લગ્નમાં વધારે ખર્ચો કરી નાખ્યો. અને લગ્ન પછી એક અઠવાડિયામાં આશાના પતિ પાસે રૂપિયા લેવા આવ્યા કે ન આપ્યા તો જેને આપવાના છે એ પોલિસ કેસ કરશે. અને આશાના પતિએ પોતાની બધી બચત કાઢીને આપી દીધી. આ વાતથી એમને પોતાની બહેન પર ગુસ્સો આવતો હતો કે એને ખબર છે મારી પાસે કંઈ નથી તો પણ કેમ આવી ? એ આવી એટલે એમના મમ્મીએ કહી દીધું કે ગમે તેમ કરીને એને રૂપિયા આપ. એમણે આશાને કહ્યું આ લોકોને ખબર ન પડે કે આપણા સંતાનોની ફી ભરવાની છે તે કેવી રીતે ભરશું ? આપણે ઘર કેવી રીતે ચલાવશું ? આશાએ કહ્યું તમે ટૅન્શન ન લો આપણે કંઈ કરીશું. અને પછી આશાએ વેફર બનાવવાના ઓર્ડર લેવા માંડ્યા. ભાડાનું ઘર હતું એટલે માલિકને પૂછ્યું કે તમને વાંધો નથી ને હું આ રીતે કામ કરું તો ? માલિક સારા હતા એમણે હા પાડી એટલે આશાએ હવે નોકરી સાથે વેફર બનાવવાનો ધંધો શરૂ કર્યો. આશાના ઘરે પણ કંઈ બરાબર ન હતું. આશાનો ભાઈ પૈસા માટે એના પપ્પાને મારતો હતો. આશા માટે આ સહન કરવું ઘણું મુશ્કેલ હતું. પણ એનાથી કશું થઈ શકે એવું પણ ન હતું. આશાની બહેનની છોકરીના લગ્ન લેવાયા. એના ભાઈએ કહી દીધું કે મોસાળુ તો પપ્પા કરશે. પણ પપ્પા ક્યાંથી લાવે ? એટલે આશાએ એના પતિથી છૂપાવીને થોડી બચત કરી હતી તે આપી અને એની બહેનને ત્યાં મોસાળું થયું. આશાના પપ્પાએ એના ભાઈને દુકાન લઈ આપી હતી પણ એ ત્યાં પણ કંઈ કરતો ન હતો. બસ પપ્પા પાસે જ રૂપિયા માગતો. પપ્પા આશાના ઘરે આવીને રડતા કે એ મને મારે છે શું કરું ? તો આશાના પતિએ આશાને કહ્યું કે એમને કહી દે કે આવી રીતે અહીંયા ન આવે. તમારે જે કરવું હોય તે કરો. આશાએ ભારે હ્રદયે પપ્પાને કહેવું પડ્યું કે તમારે અહીંયા નહીં આવવાનું અને એના પપ્પા ચાલ્યા ગયા. આશા વિચારતી કે એણે લગ્ન ન જ કર્યા હોત તો સારું થાત કે પપ્પાને સારી રીતે રાખી તો શકતે. આશાની બહેનની પરિસ્થિતિ પણ સારી નહીં કે એ કંઈ મદદ કરે. આ બાજુ આશાના પતિને ધીરે ધીરે સમજાઈ રહ્યું હતું કે એમની બહેન અને મમ્મી એમનો ફાયદો જ ઉઠાવે છે પણ તેઓ કંઈ કરી શકતા ન હતા. બસ એમનું આશા પ્રત્યેનું વલણ સુધરવા લાગ્યું. એવામાં આશાના સાસુને બ્રેઈન સ્ટ્રોક આવ્યો. એમને હૉસ્પિટલ દાખલ કરવા પડ્યા. આશાએ ખૂબ ધીરજથી એટલા સમયમાં ઘર, નોકરી અને હૉસ્પિટલ સંભાળ્યા. સાથે દિકરી બારમા ધોરણમાં હતી તેને પણ સંભાળી. આ જોઈને આશાના પતિના મનમાં આશા પ્રત્યે માન વધી ગયું. હવે રસોઈ અને ઘરનું કામ આશા જ કરતી. એટલે આશાએ ધીરે ધીરે યુ ટ્યબમાં જોઈને નાસ્તા ને બીજું બધું બનાવવાનું શીખી લીધું અને દિકરીનું બારમું ધોરણ પૂરું થતાં નાસ્તા બનાવીને વેચવાનું ચાલું કર્યું. એનો દિકરો માસ્ટર્સ કરતો હતો. આશાને એના દિકરા દિકરીએ મદદ કરી નાસ્તા બનાવવામાં, પેકિંગમાં અને વેચાણમાં. એના પતિ પણ હવે એને સાથ આપવા લાગ્યા હતા. આ બધામાં મિહિરના મેસેજ તો ચાલુ જ હતા. કદાચ એટલે જ આશા જીવનથી હારતી ન હતી અને રોજ કંઈક નવું કરતી હતી. પણ હવે એના પતિને મિહિરના મેસેજ આવે એ ગમતું ન હતું. આશાએ કહ્યું પણ ખરું કે આ મેસેજ આવે છે એટલું જ બીજું કંઈ નથી પણ એ ન માન્યા. એમણે કહી દીધું કે એને ના પાડી દે મેસેજ નહીં કરે. આશાએ કહ્યું કે પણ એ મેસેજ દિકરી ફોરવર્ડ કરે છે તો એમણે કહ્યું કે તો તું એને વળતો મેસેજ કરવાનું બંધ કરી દે. અને ન ઈચ્છવા છતાં આશાએ મિહિરને મેસેજ કરવાનું બંધ કર્યું. પણ મિહિરનો મેસેજ તો રોજ આવતો કારણ એ તો દિકરી માટે મેસેજ મૂકતો હતો.આશાને ખૂબ મન થતું મેસેજ કરવાનું પણ એ કરી શકતી ન હતી. આશાનો દિકરો માસ્ટર્સ થઈને બીજા શહેરમાં નોકરીએ લાગી ગયો. આશાની દિકરી મેડિકલમાં જવા માટે રિઝલ્ટની રાહ જોતી હતી.
આશાએ મિહિરને મેસેજ કરવાનું બંધ કરી દીધું હતું. હવે એને એમ થતું કે મિહિરનો ફોન આવશે અને પૂછશે તો શું જવાબ આપીશ.અચાનક આશાના દાદીનું મૃત્યુ થયું. તો આશાનો ભાઈ એમની અંતિમ વિધિમાં સામેલ ન થયો. એની ભાભી બધાની વચ્ચે મરી જાઉં મરી જાઉં કરતી હતી આશાએ સમજાવ્યું કે આવા સમયે આવી બધી વતોનો કોઈ અર્થ નથી. દાદીની અંતિમ વિધિ માટે પૈસા પણ આશાએ આપ્યા. એના પપ્પાએ કહી દીધું કે મારી પાસે નથી અને એનો ભાઈ તો આવ્યો જ નહીં. આ સમયે આશાના પતિએ પૈસા આપી તો દીધાં પણ પછી એને ખૂબ બોલ્યા.થોડા દિવસ પછી આશા પિયર ગઈ હતી. એણે જોયું કે એના મમ્મી ઘણા સમયથી દેખાતું નથી એવી ફરિયાદ કરે છે પણ એના પપ્પા કે ભાઈ કોઈ એમને દવાખાને નથી લઈ જતાં. થાકીને એ એની કોલેજના મેડમના ઓળખીતા ડૉક્ટરને ત્યાં લઈ ગઈ. ડૉક્ટરે કહ્યું એક આંખથી દેખાતું બંધ થઈ ગયું છે અને બીજી આંખમાં પણ મોતિયો છે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. એના ભાઈએ ના પાડી મારી પાસે પૈસા નથી અને એના પપ્પાએ પણ એમ જ કહ્યું. આશાની બહેન તો કંઈ કરે એવું હતું જ નહીં. એટલે આશાએ એના મેડમને વાત કરી કે તમે ડૉક્ટરને કહો ઓપરેશન કરી દે હું એમનું જે પણ બિલ હશે તે થોડા થોડા દર મહિને આપીને ચૂકવી દઈશ. આમ આશાની મમ્મીની આંખનું ઓપરેશન થઈ ગયું. થોડા દિવસ પછી મિહિરનો ફોન આવ્યો. એણે પૂછ્યું પણ આશા એને કોઈ જવાબ ન આપી શકી. થોડીવાર પછી મિહિરે એને કહ્યું તું ફિકર ની કર. તને તકલીફ થાય એવું હું નહીં કરું. તને જ્યારે પણ મારી જરૂર હોય અડધી રાતે પણ ફોન કરજે હું ઉપાડીશ. તું ચિંતા ન કરતી. અને એણે પણ મેસેજ કરવાના બંધ કરી દીધા. આશાનો દિવસ તો એનો મેસેજ જોઈને નીકળતો તે પણ બંધ થઈ ગયું. આશાની દિકરીનું રિઝલ્ટ આવી ગયું એને મેડિકલમાં બીજા શહેરમાં એડમીશન મળી ગયું. ફી ભરવાની હતી આશાના પતિએ કહ્યું એને બી.એસ.સી. કરાવી દઈએ પૈસા નથી. પણ આશાએ કહ્યું ના દિકરીને મેડિકલ કરવું છે એને એ જ કરાવશું. અત્યારે લોન લઈ લો પછી સ્કોલરશીપના ફોર્મ ભરશું એટલે વાંધો ની આવે. આમ દિકરીને એની ગમતી ફિલ્ડમાં એડમીશન લઈ લીધું. એટલે હવે ઘરમાં આશા, એના પતિ અને સાસુ ત્રણ જ જણ રહી ગયા. એટલે એના પતિએ કહ્યું આપણે ગામનું ઘર રિપેર કરાવી દઈએ અને ગામ જતા રહીએ જેથી ભાડું બચી જાય. આશાએ તો હા પાડી પણ એના સાસુ માનતા ન હતા. આશાના પતિને ખબર જ ન પડતી હતી કે મમ્મી શું કામ ના પાડે છે. એક દિવસ આશા અને એના પતિ બહાર જતા હતા તો મોબાઈલ ભૂલી જતાં પાછા ઘરે આવ્યા તો આશાના સાસુ મોબાઈલ પર આશાની નણંદ સાથે વાત કરતા હતા કે અમે ગામ જઈએ તે પહેલાં તું આવી જા મેં થોડું ઘી, કઠોળ, મરી મસાલા ભરેલું છે તે લઈ જા અને પાપડી કરાવવાના પૈસા આપું તે ભાભીને પાપડી કરાવે ત્યારે આપી દેજે. વળી પાછા એમ કહે કે એ તો બધું કામ મારા પર નાખીને નીકળી જાય. આશા અને એના પતિ તો આ સાંભળીને અવાક જ થઈ ગયા. તરત જ બંને ત્યાંથી મોબાઈલ લીધા વિના નીકળી ગયા. આશાના પતિએ કહ્યું કે તું તો એમની પાસે કામ કરાવતી જ નથી. બધું જ કામ પતાવીને તું નોકરીએ જાય છે અને ઓર્ડરનું કામ પણ તું એકલી જ કરે છે પછી મમ્મી આવું જૂઠું કેમ બોલે છે તારા વિશે. આશાના પતિ તો ગાડીમાં ખૂબ રડ્યા. કે મેં શું નથી કર્યું બહેનને કે મમ્મીએ આવી રીતે છુપાઈને એને આપવું પડે. એ મને કહીને આપતે તો પણ હું તો ના પાડતો ન હતો તો પછી કેમ ? આશાએ એમને જેમતેમ શાંત રાખ્યા. આ ઘટના પછી આશાના પતિ સાવ તૂટી ગયા હતા. આશા એમને હંમેશા ખુશ રાખવાના પ્રયત્ન કરતી. ગામનું ઘર રિપેર થઈ જતાં એ લોકો ગામ રહેવા ચાલ્યા ગયા. એક દિવસ એના ભાઈનો ફોન આવ્યો કે પપ્પા કશે ચાલ્યા ગયા છે. આશાએ એના ભાઈને કહ્યું તું આપણું ખેતર છે ત્યાં તપાસ કર. પણ એણે ન કરી. પછી આશા પર કોઈ અજાણ્યા ભાઈનો ફોન આવ્યો તેમણે કહ્યું કે તમારા પપ્પા અંબાજીમાં છે અને મેં એમને અમુક રૂપિયા પેટીએમ કર્યા છે. તેઓ ખૂબ રડે છે અને મેં ખૂબ કહ્યું હયું ત્યારે એમણે ખાલી તમારો નંબર આપ્યો છે. તમે એમને જઈને લઈ આવો. આશાએ એ ભાઈનો આભાર માન્યો અને દિકરા પાસે પૈસા લઈ એમને પેટીએમ કરી દીધા. પછી એણે એની બહેનને ફોન કર્યો અને કહ્યું કે તું જીજાજી સાથે જઈને એમને લઈ આવ મારાથી તો ઘરમાં કહેવાશે પણ નહીં. અને એની બહેન જઈને એમને પોતાના ઘરે લઈ આવી. આશાના પપ્પાએ કહ્યું કે દિકરો મારે છે અને કહે છે કે મારા નામ પર ઘર જમીન બધું કરી દો. હું ત્યાં નહીં જાઉં. આશાએ એના ભાઈને વાત કરી તો એ કહે પપ્પા ખોટું બોલે છે પણ આશાને ખબર હતી કે એના પપ્પા ખોટું બોલતાં ન હતા કારણ કે આશાએ પોતે એના ભાઈને બે ત્રણ વખત રોક્યો હતો.આશાના ભાઈએ આશાને કહ્યું કે તું કહે પપ્પાને બધું મારા નામ પર કરી દે. આશાએ ના પાડી કે ના આ તો પપ્પાનો જ નિર્ણય હશે એમણે જે કરવું હોય તે જ કરશે હું કશું ન કહું. અને એના ભાઈએ કહી દીધું કે આપણા સંબંધ પૂરા. પણ છતાં એણે બંનેને સમજાવ્યા અને પપ્પા ઘરે ગયા. હવે આશાને એમ થતું કે હું કેટલી મજબૂર છું મારા માતા પિતાને જાણવા છતાં તકલીફમાં રહેવા માટે છોડી દેવા પડ્યા. એ કોઈ વૃધ્ધાશ્રમ માં પણ ન મૂકી શકે કારણ કે ત્યાં ભરવા માટે પણ રૂપિયા તો જોઈએ ને. મિહિર સાથેની એની વાત પણ બંધ થઈ ગઈ. એ પોતાની જાતને કઈ હકારાત્મક દિશામાં વાળે એને સમજાતું જ ન હતું. એને એક વાતની શાંતિ હતી કે ઘરની આ બધી વાતોથી એના સંતાનો દૂર છે. આશા બિલકુલ ઈચ્છતી નથી કે એના સંતાનોને આ બધું ખબર પડે. આશાની નણંદનો છોકરો કંઈ પણ કમાતો ન હતો એના માટે આશાએ કેટલા બધાને વાત કરી રાખી હતી પણ કોઈના તરફથી કંઈ જવાબ આવતો જ ન હતો. જે બોલાવે ત્યાં એ કામ એણે કરવું નથી હોતું તો હવે આશા શું કરે ? ને એના પતિ એને કહ્યા જ કરે કે ભાણા માટે નોકરી શોધ. આ બાજુ ગામ આવ્યા પછી એના સાસુ એને હેરાન જ કરે. નોકરીએથી ઘરે પહોંચે એટલે પંદર મિનિટમાં એમ કહે કે સાંજનું ખાવાનું આપી દે. આશા એકદમ ટૅન્શનમાં આવી ગઈ. એ શું કરે એને ખબર જ નથી પડતી. ઘરે પહોંચીને એ પતિને ચા નાસ્તો આપે કે જમવાનું બનાવે. કેવી રીતે શું કરવું એ જ નથી સમજાતું.
સમાપ્ત
દોસ્તો, આ ધારાવાહિક હું અહીં પૂરી કરું છું. હજી આ સત્ય ઘટનાના ઘણા અંશો બાકી છે જે તમને મારી બીજી રચનાઓમાં જોવા મળશે. તો મારી બધી રચના વાંચવાનું ભૂલતાં નહીં. આ રચનામાં આશા ક્યાં ખોટી છે તે જણાવશો. અને એણે એના માતાપિતા માટે શું અને કેવી રીતે કરવું જોઈએ તે ચોક્કસ જણાવજો.