નોર્થ યોર્કશાયરના થર્સ્ક મ્યુઝિયમમાં ઓકના લાકડાંમાંથી બનેલી એક ખુરશીને દીવાલ ઉપર ઉંચે ટાંગી દેવામાં આવી છે. લોકો કહે છે બહુ તોફાન કર્યાં હતાં એ ખુરશીએ! કદાચ એ ખુરશીને અનેક વખત કહેવામાં આવ્યું હશે કે હવે તોફાન કરીશ તો પંખા પર લટકાવી દઈશ અથવા તો પછી દીવાલ પર ટાંગી દઈશ પણ તોફાની ખુરશી માની નહી હોય! તેના તોફાનોને લીધે તે ખૂબ જ કુખ્યાત પણ થઈ અને તેને 'મરેલા માણસની ખુરશી', 'મોતની ખુરશી' અને 'બસ્બીની બેઠક ખુરશી' જેવા ઉપનામ પણ મળ્યા અને છેલ્લે તેના તોફાનોથી કંટાળીને લોકોએ તેને એક મ્યુઝિયમની દીવાલ પર સાચે જ ટાંગી દીધી!
ખુરશીના તોફાનની શરૂઆત તો છેક ૧૭૦૨થી થઈ હોવાનું કહેવાય છે. ૧૭૦૨ ના કદાચ થોડા વર્ષો પહેલાં એ ખુરશીનો તત્કાલીન માલિક થોમસ બસ્બી અને તેનો સસરો ડેનિયલ ઑટી બંને નકલી સિક્કા છાપવાના કાળા કારોબાર સાથે સંકળાયેલા હતા. બસ્બીએ ઑટીની દીકરી એલિઝાબેથ સાથે કદાચ લગ્ન કરેલા હતા અથવા તો કરવાનો હતો. બસ્બીનો એ ઓકના લાકડાની બનેલી આરામ ખુરશી પ્રત્યેનો પ્રેમ, કદાચ આપણા દેશના રાજકીય નેતાઓના ખુરશીપ્રેમથી પણ વધુ પ્રબળ હતો. એક દિવસ સસરા જમાઈ વચ્ચે ખુરશી પર બેસવા બાબતે કે પછી અન્ય કોઈ બાબતે ઝઘડો થયો. ચડસાચડસી વધી ગઈ, બસ્બી દારૂના નશામાં હતો, હથોડી ઉપાડીને તેણે તેના સસરાની ખોપરી પર પ્રહાર પર પ્રહાર ઝીંકી દીધા. ડેનિયલ ઑટી ત્યાં જ પૂરો થઈ ગયો.
ત્યારબાદ પોલીસે બસ્બીને પકડ્યો અને કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી. તેને ફાંસી આપતા પહેલા જ્યારે છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે ફરી પાછો બસ્બીના હૃદયમાં ઉછાળા મારતો ખુરશીપ્રેમ ઉભરાયો અને તેણે તેની છેલ્લી ઈચ્છા તેની વ્હાલી ખુરશી પર થોડીવાર બેસવા માટેની જાહેર કરી. તેને એવું કરવા દેવામાં આવ્યું, તેમના જીવનની અંતિમ પળો તેમણે છેલ્લી વાર પોતાની પ્રિય ખુરશી પર બેસીને વિતાવી, એ ખુરશી પર આરામથી બેઠો, એક બીઅર પીધી અને મૃત્યુના માંચડા પર જતા જતા કહી ગયો કે જે કોઈ એ ખુરશી પર બેઠશે એ બેમોત મરશે!
બસ્બીના મૃત્યુ બાદ તેની લાશને ટાર(ડામર)માં બોળી એક થાંભલા પર ઘણા દિવસો સુધી લટકાવી રાખવામાં આવી હતી જેથી તેને જોનાર કોઈ એવા ગુનાહિત કૃત્યો ન આચરે. ઇતિહાસકાર વિલિયમ ગ્રેન્જ કહે છે કે ટારમાં બોળેલું બસ્બીનું શબ કેટલાયે દિવસો સુધી લટકાવીને રાખવામાં આવ્યું હતું. તેના પર તડકાઓ પડ્યા અને છેલ્લે વાવાઝોડામાં તેના હાડકાઓ તૂટીને નીચે પડીને નષ્ટ થઈ ગયા. રાત્રે ત્યાંથી પસાર થનારાઓ પણ ભયભીત રહેતા.
ત્યારપછી વર્ષો બાદ બસ્બીનું ઘર 'બસ્બી સ્ટૂપ ઈન' નામના એક બાર રેસ્ટોરન્ટ(પબ)માં ફેરવાઈ ગયું હતું. બસ્બીની ખુરશી પણ એ પબમાં હતી, લોકો તેના પર બેસવાની હિંમત ન કરતા.
પ્રથમ અધિકૃત કહી શકાય તેવો બનાવ ૧૮૯૪માં બન્યો. એક ચીમની (ઠંડા પ્રદેશોમાંના જૂના ઘરોમાં રખાતી આગની ભઠ્ઠીનો ધુમાડો ઘરની બહાર કાઢવા માટેનો માર્ગ) સાફ કરનાર વ્યક્તિ અને તેનો મિત્ર બંને નશામાં ધૂત હતા અને ચીનની સાફ કરનાર તે ખુરશી પર બેસી ગયો. પબની બહાર નીકળી પેલા ચીમનની સાફ કરનારાએ, નશામાં ચૂર રોડ પર સૂવાનું નક્કી કર્યું. બીજે દિવસે સવારે તેની લાશ નજીકના એક ઝાડ પર લટકતી મળી. જો કે ઘણા સમય બાદ તેની સાથેના મિત્રએ, જ્યારે એ મરણ પથારીએ હતો ત્યારે કબૂલ્યું કે ચીમની સાફ કરનારને એમણે જ લૂંટીને મારી નાખ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ એરફોર્સના કેટલાક કેનેડિયન પાઇલોટ્સ એ ખુરશી પર બેઠા અને તે સમયે તેમાંથી બીજા વિશ્વયુદ્ધમાંના કોઈક મિશન પર ગયેલા, તેઓમાંથી કોઈ જીવતા પાછા ન આવ્યા.
૧૯૬૭માં બે પાઇલટે શરતમાં ને શરતમાં વારાફરતી તેના પર બેસવાનું સાહસ કર્યું અને થોડા કલાકો બાદ, રાત્રે ઘરે જતી વખતે તેમની કાર એક ઝાડ સાથે ટકરાઇ અને તે બંનેનો કરુણ અંત આવ્યો!
થોડા સમય બાદ બે બિલ્ડરોમાંથી એકે તેના પર બેસવાની હિંમત કરી અને કલાકની અંદર જ એક છાપરા પરથી નીચે પટકાઈને તે કરુણ મોતને ભેટ્યો.
એક સફાઈ સ્ત્રી કર્મી પોતાના કામકાજ દરમિયાન ઠોકર ખાઈને તેના પર ઢળી પડી અને થોડા જ દિવસોમાં બ્રેઈન ટયુમરને કારણે તેનું મૃત્યુ થયું.
છેવટે તે પબના તત્કાલીન માલિક ટોની અર્નશોએ ખુરશીના શ્રાપથી ડરી તેને બેઝમેન્ટમાં બિઅરના પીપની વચ્ચે મૂકી દીધી. પણ, ત્યાં પણ એક ડિલિવરી બોય ભૂલથી તેના પર બેસી ગયો અને થોડા જ સમયમાં તે પણ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો.
૬૦થી પણ વધુ જિંદગીનો ભોગ લેનાર એ ખુરશીને છેવટે ટોની અર્નશોએ તે ખુરશીને દીવાલ પર ટાંગીને રાખવાની શરતે થર્સ્ક મ્યુઝિયમને અર્પણ કરી દીધી. આજે એ ખુરશીને થર્સ્ક મ્યુઝિયમમાં, એમના પર ભૂલથી પણ કોઈ બેસી ન જાય એ ભીતિથી ભીંત સાથે ઝડી દેવામાં આવી છે!
અહીં પણ ઘણા સંશોધકોએ ખુરશીના કારનામાઓને માત્ર સંયોગ ગણાવી, ખુરશીને નિર્દોષ સાબિત કરવાના તમામ પ્રયાસો કર્યા છે. એક ફર્નિચર હિસ્ટરિયન ડૉ. એડમ બોવેટે ખુરશીનું પરીક્ષણ કરીને કહ્યું કે ખુરશીના અમુક ભગો મશીન થી બનાવેલા છે જ્યારે ૧૭૦૨ની આસપાસ મશીનનો ઉપયોગ પ્રચલિત ન હતો. તેમણે એ ખુરશી ૧૮૪૦ પછીની હોવાનું તારણ આપ્યું છે, એટલે કે બસ્બીના મૃત્યુના ૧૩૮ વર્ષ પછી બની હોવાનો દાવો કર્યો છે. પણ તેથી શું ફેર પડે? લોકોને ક્યાં ફર્નિચર એક્સપર્ટ, હિસ્ટરીયન કે સંશોધક બનવામાં રસ છે. એ ખુરશી પર બેસનારા ૬૦ જેટલા લોકો ઊકલી ગયા ને! બસ એ જ એ ખુરશીને કાળમુખી સાબિત કરવા માટે પૂરતું છે ને! આજે પણ એ ખુરશી યોર્કશાયરમાં આવેલા થર્સ્ક મ્યુઝિયમની દીવાલ પર ટિંગાયેલી છે અને પેલું બસ્બી સ્ટૂપ ઈન એ આજે આપણા ભારતીય નામ ધ જયપુર સ્પાઈસના નામથી ઓળખાય છે.