1.વાંદરો અને મગર
2.વહોરાવાળું નાડું
3.ફુલણજી દેડકો
4.ઉપકારનો બદલો અપકાર
5.કોણ વધુ બળવાન?
1.વાંદરો અને મગર
એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું.
જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.
મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે - રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં!
મગર કહે - તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય?
મગરીએ જીદ કરી કહ્યું - જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો - વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.
વાહ! ચાલો, તમારો આટલો પ્રેમ છે તો…ના કેમ પડાય! એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.
મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.
મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.
વાંદરો કહે - મગરભાઈ! તમે પણ ખરાં છો! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને! મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ!
મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે - મૂરખ મગર! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો? જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહિ અને મારે પણ જાંબુ ખાવા નથી એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો.
2.વહોરાવાળું નાડું
એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે.
વહોરાજી ભોળા, દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે.
એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા. વહોરાજી પણ પોતાના ઘરે પાછા જતા હતા.
પટેલ કહે - ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો? ગાડા ઉપર બેસી જાઓ. પણ, રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે, તમે નાડું બરાબર પકડજો, નહિતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો.
વહોરાજી કહે - પટેલ, સારૂં થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહીં! એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને ગાડામાં બેઠા.
ગાડું આગળ ચાલતાં રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું ને વહોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યાં. વહોરાજીએ તો મોટેથી બૂમ પાડી - અરે પટેલ! ગાડું ઊભું રાખો. હું પડી ગયો છું.
પટેલ જૂએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછયું - કેમ કરતાં પડી ગયા? તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું?
વહોરાજી જમીન પર પડ્યાં પડ્યાં સૂંથણાનું નાડું બતાવીને કહે - જુઓ તો ખરા, પડી ગયો તોય હજી મેં નાડું છોડ્યું નથી....
પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે સૂંથણાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા - અરે ચાચા! તમે સૂંથણાનું નાડું પકડી બેઠા છો પછી પડી જ જવાય ને? મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે ઈ નાડું એટલે કે જાડું દોરડું પકડી રાખવા કહ્યું હતું. તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને? સૂંથણાનું નાડું તે કાંઈ પકડવાનું હોય?
વહોરાજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને હસતા હસતાં ફરી ખરું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા અને પોતાના ઘરે પહોંચ્યા.
3.ફુલણજી દેડકો
એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી મોટું બીજું કોઈ છે જ નહિ.
દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં ને કૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, ‘મા, મા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું'.
બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, ‘હોય જ નહિ મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે!'
ચારે બચ્ચાં કહે, ‘ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.'
દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, ‘આટલું મોટું પ્રાણી?'
બચ્ચાં કહે, ‘ના બાપા હજુ મોટું.'
દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું, ‘આટલું મોટું?'
બચ્ચાં કહે, ‘ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.' દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.
ચારે બચ્ચાં બોલી ઊઠયાં, ‘ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.'
દેડકો કહે, ‘હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.'
દેડકી કહે, ‘દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?'
દેડકો કહે, ‘મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.' એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું.
બિચારો દેડકો! ખોટું અભિમાન કરીને પોતાની તાકાત કરતાં વધુ જોર અજમાવવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો!
4.ઉપકારનો બદલો અપકાર
એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બચ્ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્યા હોય તો બચ્ચાંને તેમાં રહેવા દોને.’
કૂતરો ભલો હતો. તે બોલ્યો, ‘બચ્ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’
કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’
કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’
કૂતરો બોલ્યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજે.’
કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, ‘હવે તો બચ્ચાં મોટાં થઈ ગયાંને?’
કૂતરીએ રોફ દેખાડતાં કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરા પણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.’
કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્યા ને જોરથી ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે અપકાર કરી બદલો વાળ્યો.
બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે. એટલે સમજી વિચારીને જ ઉપકાર કરવો!
5.કોણ વધુ બળવાન?
એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’.
‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’
પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’
આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.
સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’
પવને કહ્યું: ‘મંજૂર!’
‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.
‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.
પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.
હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર માત્ર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીધી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે.
ઘણી વખત જે કામ બળથી ન થાય તે કામ કેવળ એક નાનકડું, મીઠડું સ્મિત કરી જાય છે!
____________________________________________
જય શ્રી કૃષ્ણ
જય શ્રી ગણેશ
જય શ્રી રામ
ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ