કાળીયા શેતાનની નાલેશીભરી યાત્રા ગામની શેરીઓમાંથી પસાર થઇ રહેલી ગામ લોકોએ કાળીયો, રમણો પકલો બધાનો હુરિયો બોલાવી થૂ થૂ કરતાં હતાં. વસુધાને જાણે હજી ગુસ્સાની કળ નહોતી વળી એણે લાત મારી ધુતકાર્યો ત્યારે આખાં ગામે તાળીઓ પાડી.
ત્યાં ભાવેશની બૂમ સંભળાઇ.. “પાપા... વસુધા..” અને વસુધાને કાને અવાજ પડતાંજ એ સમજી ગઇ એ દોડીને ભાવેશ પાસે ગઇ "બોલી સરલાબેનને...” ત્યાં ભાવેશે કહ્યું “હાં હાં એને પ્રસવપીડા ઉપડી છે તનેજ યાદ કરે છે” ગુણવંતભાઇ પુરુષોત્તમભાઇ બધાં ઘરે પાછા જવા નીકળ્યાં વસુધાએ રાજલને નજીક બોલાવીને એનાં કાનમાં કંઇ કહ્યું અને બોલી....” પછી ઘરે આવ” અને ચારે જણાં ઘર તરફ જવા નીકળી ગયાં.
ઘરે પહોંચતાજ ગુણવંતભાઇ સરલા પાસે ગયાં. વસુધા જેવી ઘરમાં પ્રવેશી અને એની માં પાર્વતીબેને બૂમ પાડી કહ્યું "વસુધા પહેલાં અહી આવ". વસુધા સરલા પાસે જવાને બદલે માં પાસે ગઇ. પૂછ્યું "શું કહે છે માં"
પાર્વતીબહેને કહ્યું "વસુધા તારાં બાપુને બોલાવ આજે બપોર પછી આપણે બધાં આપણાં ઘરે જવાનું છે.. હવે બહુ થયું મારાંથી જીરવાતું નથી."
વસુધાએ કહ્યું" માં હું જાણું છું તને ગુસ્સો આવ્યો છે પણ સરલાબેનની આવી હાલત છે આવી હાલતમાં એમને આમ એકલા મૂકી ઘરે કેવી રીતે આવું ?”
પાર્વતીબહેન કહે "કેમ એની માં છે દિવળીફોઇ છે ગામમાં દાઇઓ પણ છે કોઇને તારાં વિના કોઇ તકલીફ નથી હમણાં થોડાં દિવસ તો તારે આવવુંજ પડશે. બપોર સુધીનો એટલેજ સમય આપું છું તું તૈયારી કરી શકે આકુનાં કપડાં વગેરે સાથે લઇ લો આકુનાં કપડાં બધાં આપણે જે લીધેલાં છે બીજા નવા લઇ લઇશું. હજી તારો બાપ જીવે છે.”
વસુધા સમજી ગઇ હવે માં નહીં માને એણે છેલ્લે સમજાવતા કહ્યું "માં ભલે આપણે જઇશું બસ પણ હાલ સરલાબેન સાથે હું દવાખાને જઇ આવું પછી જવાની વાત.. તું ત્યાં સુધી આકુનાં કપડાં તૈયાર કરી લે એટલે તને ભરોસો પડે અને ના ખ્યાલ આવે એ ફોઇને પૂછજે એમને બધી ખબર છે હું જઇને આવું.”
વસુધા આમ કહી સમજાવી સરલા પાસે દોડી.. સરલાએ વસુધાને જોઇને કહ્યું "વસુ તું મારી સાથે દવાખાને ચાલ તારાં વિના હું નહીં જઊ. ભાવેશ કહ્યું હાં ચાલો પહેલાં દવાખાને જઇએ હું તું વસુધા અને માં આવે તો માં નહીંતર દિવાળી ફોઇ.”
સરલાએ કહ્યું “હમણાં આપણે નીકળીએ એ લોકો પાછળથી આવી જશે પાપા ભલે સાથે આવતાં... એમણે... ભાવેશે કહ્યું ભલે પણ પાપા આવે તો સારું મને ટેકો રહેશે.”
ભાવેશે ગુણવંતભાઇને કહ્યું “પાપા ચાલો આપણે સરલાને લઇને નીકળીએ... માં વગેરે પછી આવશે તો ચાલશે અત્યારે ઇમરજન્સીમાં નીકળવું પડશે.”
ભાનુબેન કહે “હું કે ફોઇ સાથે આવીએ આમ આટલી ઉતાવળ કરો છો પણ..”. વસુધાએ કહ્યું “માં તમે પાછળથી આવો પછી કંઇ વસ્તુ કે કંઇપણ જરૂર પડે તમે લઇને આવી શકો હમણાં અમે ચાર જણાં જઇએ છીએ ત્રણની.. તીગડા કામ બિગાડાનો વહેમ ના રહે..”
ગુણવંતભાઇ કહે “પછી હું પાછો આવીને તને લઇ જઇશ”. ત્યાં પાર્વતીબેને આવીને સરલાને કહ્યું “સરલા બેટા ચિંતા ના કરીશ બધાં સારાંવાનાં થશે વસુધા સાથે છે બધુ સારુ થશે મારાં આશીર્વાદ.”
વસુધા ભાવેશ, ગુણવંતભાઇ સરલાને લઇને ગાડીમાં દવાખાને જવા નીકળી ગયાં. વસુધાએ જતાં જતાં એની માં પાર્વતીબેન સામે જોયું...
****************
વસુધા વગેરે જવા નીકળી ગયાં. ભાનુબેન તરતજ પાર્વતીબેનને કહ્યું "તમે તો ખરું ખરાબ લગાડી દીધુ એવું તો હું શું બોલી છું ? આપણે માંબાપ છીએ આપણને જે ઠીક લાગે એ બોલીએ...”
પાર્વતીબેને કહ્યું "વેવણ અમે અત્યાર સુધી વસુધાને કામય એવુંજ કીધુ છે કે સાસરાનું નામ ઉજાળજો.. થાય એટલે સેવા કરજે. એ છોકરી આટલું કરે છે કોઇપણ અપેક્ષા વિના છતાં તમે એનાં માટે આવું બોલો ? એનાં માટે ખોટો વ્હેમ કરો ? એ તમારી છોકીરની જેમ અહીં રહી બધાનાં ઢસરડા કરે છે તમે સાસુપણું બતાવો છો થોડાં સમય માટે વસુધા અમારી સાથેજ રહેશે. પછી ની વાત પછી આ મારો આખરી નિર્ણય છે.”
અત્યાર સુધી શાંતિથી સાંભળી રહેલાં દિવાળી ફોઇ બોલ્યાં “અત્યારે સમય નથી આવી ચર્ચાનો.. આપણી વસુધામાં કંઇ જોવાપણું કે કહેવા પણું છેજ નહીં આખા ગામમાં સમાજમાં આવી છોકરી તો શોધી બતાવો.. આટલી નાની ઉંમરે રાંડી.. કોઇ સુખ જોયાં નથી બસ કામ, કામ અને વૈતરાં કરે છે બધાનું હસતે મોઢે ધ્યાન રાખે છે.”
ભાનુબહેને કહ્યું “ફોઇ મેં ક્યાં કંઇ વસુધાનું ઘસાતું કીધું છે ? આમ બધા મને ટકોરવા માંડ્યા ?” ત્યાં પુરષોત્તમભાઇએ વચમાં પડતાં કહ્યું “કંઇ નહીં આમેય વસુધાં ઘણાં સમયથી અમારી પાસે આવી નથી હવે થોડો સમય અમારી સાથેજ રહેશે.” પછી એમણે પારવતીબેનને કહ્યું “તું આકુનાં કપડાની તૈયારી કર એ હમણાં ઉઠશે ત્યારે એને દૂધ આપવાનું છે. વસુધા ઘરે નથી.”
દિવાળી ફોઇએ કહ્યું “ભાઇ આકુ જમીનેજ સૂતી છે થોડું ખાધુ છે ઉઠશે એટલે હું દૂધ પીવરાવી લઇશ”. ભાનુબહેન બધાને છોડીને રસોડામાં આવી ગયાં એમને થયુ બધાં મારોજ વાંક કાઢે છે પણ હું વસુધાની સાસુ છું મારો કોઇ હક અધિકાર નથી ? એ હજી ગુસ્સામાંજ હતા.
દિવાળી ફોઇ અને પાર્વતીબેને આકુ ઉઠી ના જાય એમ એનાં કપડાં ભરવા માંડ્યા....
****************
દવાખાને પહોચીને સરલાને સીધી દાખલ કરી ડોક્ટરે કહ્યું “સારુ થયું સમયસર આવી ગયા”. સરલાને લેબરરૂમમાં લીધી બધાં બહાર આવી ગયાં.
વસુધા, ભાવેશ, ગુણવંતભાઇ બહાર ઉભા હતાં ત્યાં ગુણવંતભાઇએ કહ્યું “વસુધા તારી સાસુ... માં એ જે કંઇ કીધું એ સારુ નથી થયું એનો સ્વભાવ આવો નહોતો ખબર નહીં કેમ ? ... પણ તું મોટું મન રાખી માફ કરજે.” વસુધા કંઇ બોલી નહીં ચૂપ રહી..
કલાક દોઢ કલાક પછી નર્સે બહાર આવીને કહ્યું ” બાબો આવ્યો છે બંન્નેની તબીયત સારી છે તમે અંદર આવી શકો છો.” વસુધા ખુશ થઇ ગઇ એણે કહ્યું “ભાવેશકુમાર પેંડા બરફી અરે બધી મીઠાઇ લઇ આવો...”
વધુ આવતા અંકે - પ્રકરણ-105