The Stranger - Book Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | આગંતુક - પુસ્તક સમીક્ષા

Featured Books
Categories
Share

આગંતુક - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- આગંતુક

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

ધીરુબેન પટેલનો જન્મ ૨૯ મે ૧૯૨૬ ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેઓ જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખિકા, ચલચિત્ર પટકથા અને બાળસાહિત્ય લેખિકા હતા. તેઓ પહેલા ભવન્સ કોલેજ, મુંબઈ અને પછી દહીંસરની કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક રહી ચૂક્યા છે. તેમણે થોડો વખત 'આનંદ પબ્લીશર્સ'નું સંચાલન કર્યું. ૧૯૬૩ના વર્ષથી કલ્કી પ્રકાશન સંભાળ્યું. ૧૯૭૫ સુધી 'સુધા' સાપ્તાહીકનાં તંત્રી રહ્યાં. ૧૯૮૦માં તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું. ૨૦૦૩-૨૦૦૪માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના સર્જનમાં વાર્તા - અધુરો કોલ, એક લહર, વીશ્રંભકથા, નવલકથા - વડવાનલ, શીમળાંનાં ફુલ, વાવંટોળ, વમળ, લઘુનવલ - વાંસનો અંકુર, આગંતુક, આંધળી ગલી, હાસ્યકથાઓ - પરદુ:ખભંજન પેસ્તનજી , ગગનનાં લગન, કાર્તિક અને બીજાં બધાં, નાટકો - પહેલું ઈનામ, પંખીનો માળો, વિનાશને પંથે, એકાંકી - નમણી નાગરવેલ, રેડીયો નાટક - મનનો માનેલો, બાળસાહિત્ય - બતકનું બચ્ચું, મિત્રાનાં જોડકણાં, કાકુમાકુ અને પૂંછડીની પંચાત, ગાડાના પૈડા જેટલા રોટલાની વાત, મીનુની મોજડી, ડ્રેન્ડ્રીડાડ, મિસીસિસ્તુરબબુઆ અને વરસાદ, બાળનાટકો - અંડેરી ગંડેરી ટીપરી ટેન, ગોરો આવ્યો, ગગનચાંદનું ગધેડું, સૂતરફેણી, મમ્મી! તું આવી કેવી? પાઈપાઈ, આરબ અને ઉંટ, અનુવાદ - ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો, ટૂંકી વાર્તા - ચોરસ ટીપું, કાવ્યસંગ્રહ - કીચન પોએમ્સ, ફિલ્મ - ભવની ભવાઈ વગેરેનો સમાવેશ થાય છે. ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : આગંતુક

લેખક : ધીરુબહેન પટેલ

પ્રકાશક : Zen Opus Publication

કિંમત : 325 ₹.

પૃષ્ઠ સંખ્યા : 200

 

બાહ્ય મૂલ્યાંકન:-

પુસ્તકના મુખપૃષ્ઠ પર પર્વતો, દૂર દેખાતું મંદિર અને એ તરફ પ્રયાણ કરતો એક મનુષ્ય દેખાય છે. સફેદ બેકગ્રાઉન્ડ આ કથાની આધ્યાત્મિકતા સૂચવે છે. આ મુખપૃષ્ઠ ઈશાનના જીવનમાં મચતી ઉથલપાથલ અને ઈશાનની અલિપ્તતા વિશે વાચકને પુસ્તક જોતાવેંત જ સૂચિત કરે છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

‘આગંતુક’નું નાન્દીવાક્ય છે : ‘રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત….’ સંસાર ત્યજીને જતી રહેલી વ્યક્તિ પંદરેક વર્ષ પછી ઓચિંતાં પાછી આવે તો? - આ પ્રશ્નને લક્ષમાં રાખીને સમગ્ર કથાનું કાઠું બંધાયું છે. સંન્યાસી થયેલો ઈશાન આશ્રમનો જ નહિ, ભગવાં કપડાંનોય ત્યાગ કરીને મુંબઈ પાછો ફરી રહ્યો છે ત્યાંથી આ કથા શરૂ થાય છે. પોતાના ભાઈઓને ત્યાં ‘આગંતુક’ તરીકે, અણગમતા મહેમાન તરીકે એ થોડો સમય રહે છે. કોઈ આસક્તિ વિના, કોઈનોય અનાદર કર્યા સિવાય સાક્ષીભાવે એ સ્નેહ વરસાવતો રહે છે. પરંતુ 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ' જેવી તેની પરિસ્થિતિ થાય છે. છેવટે પોતાની આસપાસ વાડ રચાવાની શક્યતા ઊભી થતાં એ મુંબઈ છોડીને ચાલ્યો જાય ત્યાં આ કથા પૂરી થાય છે. તો વચ્ચે એવું શું બન્યું જેણે આ નવલે અનેક પુરસ્કારો અપાવ્યા? એના પરથી ફિલ્મ બની શકે એવી સુપર સ્ટોરી કેમ બની એ માટે તો આખું પુસ્તક વાંચવું પડે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે કથાનાયકની તથા લેખિકાની સાધુતા અને સંન્યાસનો સાચો અર્થ પ્રગટાવતી દૃષ્ટિ એ આ કથાની સાચી મૂડી છે.

 

શીર્ષક:-

આગંતુક તરીકે આવેલો ઈશાન અને તેની કથા અહીં કેન્દ્રમાં છે એટલે આ શીર્ષક યોગ્ય લાગે. આગંતુક એટલે આવી પડેલ. જેના આગમનની કોઈ આવશ્યકતા ન‌ હોય તે એટલે આગંતુક. આ અર્થમાં પણ આ શીર્ષક સાર્થક ઠરે છે. આશ્રમનો આગંતુક ઈશાન આશ્રમમાં વધારાનો વ્યક્તિ બની જાય છે ને સંસારી ઈશાન સંસારમાં. આમ, શીર્ષક સર્વથા ઉચિત લાગે છે.

 

પાત્રરચના:-

ઈશાન આ કથાનું મુખ્ય પાત્ર છે. જ્યારે આશુતોષ, રીમા, અર્ણવ, શાલ્મલી, ગુરૂ ઓમકારગિરિ, પ્રતાપગિરિ, નોકર, એન. માણેકલાલ, મહિકા, કરણ, નેન્સી જેવા સહાયક પાત્રો છે. તો ઇપ્સિતા અને રજત આ કથાના ઉતરાર્ધના સૂત્રધાર બની રહે છે. નાયક પ્રધાન નવલકથા હોવાને કારણે નવલકથા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ બીજાં પાત્રો દૂર થતાં જાય છે.

 

સંવાદો/વર્ણન:-

સાધુના સંસારી સાથેના સંવાદો છે એટલે આધ્યાત્મિકતા અને તત્વજ્ઞાન શબ્દે શબ્દે ટપકે છે.

"મહામાયા માત્ર એક જ ડગલા પર પ્રકાશ પાડતી હતી. આગળનો પંથ અંધકારમાં ખોવાયેલો હતો, પણ તેની શી ચિંતા ? બીજો પગ ઉપાડતી વખતે વળી પાછી એક ડગલા જેટલી જગ્યા દેખાશે, જરૂર દેખાશે…. જે લઈ જાય છે તે જાણે છે ક્યાં જવાનું છે, ક્યાં થઈને જવાનું છે."

"લાગણીને તુચ્છકારથી ન જોવાય, રજત ! ઈશ્વરના આ લીલામય જગતની એ પણ એક માધુરી છે. એમાં ડૂબી ન જા, પણ એનું સન્માન કર."

"પહુંચ જાના… ચાહે કહીં ભી રહો, ચલતે રહના."

"અરે ભાઈ, તુમ્હારા સંકલ્પ હૈ તો હમ ક્યા કરે? જરૂરત સે જ્યાદા તો નહીં રખ સકતે હૈ ન ? ઉઠાઈ આપના કૂડા કરકટ ઓર ચાહે દરિદ્રનારાયણ કો બાટ દો. ચાહે ગંગા મૈયા કો ભેટ કર દો. હમે પરેશાન મત કરો."

 

 

લેખનશૈલી:-

પુસ્તકની લેખનશૈલી સરળ છે. દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે તેવી છે, વાચકને રસ પડે તેવી છે. વાચક પહેલેથી અંત સુધી જોડાયેલો, જકડાયેલો રહે એવી છે. ક્યાંક તાર્કિક દલીલો તો ક્યાંક વધુ પડતી શ્રદ્ધા કે આધ્યાત્મિકતા એ અહીં લેખિકાની શૈલીમાં સવિશેષ જોવા મળે છે.

 

વિશેષ મૂલ્યાંકન:-

પેલા દેવળ દ્વારા લખાયેલ પ્રશિષ્ટતાના બે સૂત્રો ‘know Thy self’ તું તારી જાતને જાણ. અને ‘Not in Excess’ કશાનો ય અતિરેક નહી - ઈશાનમાં ચરિતાર્થ થતા સમગ્ર કથા દરમિયાન જોવા મળે છે. ઈશાન ત્રણવાર સંન્યાસ ધારણ કરે છે. પહેલી વારનો સંન્યાસ તે ભગવાં કપડાં પહેર્યાં તે. બીજી વારનો સંન્યાસ તે ‘આશ્રમનો સંસાર’ ને ભગવાંય ત્યાગ્યાં તે. પહેલાં કુટુંબની વાડ છોડી. પછી આશ્રમની વાડ છોડી ને પછી મુંબઈમાં કોઈ વાડ રચાય એ પહેલાં જ તેનેય છોડ્યું. આમ ત્રીજી વારના સંન્યાસ સાથે નવલકથા પૂરી થાય છે. 'આગંતુક’ પહેલી વાર પ્રસિદ્ધ થઈ 1996માં. એણે ઘણાં મુકામ સિદ્ધ કર્યા. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો, આઠેક યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તકરૂપે પસંદ થઈ, બીજી બે ભાષામાં અનુવાદિત થઈ, તેના પરથી ટીવી સિરિયલ પણ બની. એને પ્રસિદ્ધ થયાંને 25 વર્ષ વીતી ગયાં છતાં એના મુખ્ય પાત્ર ઈશાને લેખકનો કેડો ન મૂક્યો. ધીરુબહેને 95 વર્ષની ઉંમરે અઢી દાયકા પછી ઈશાનની આ પ્રખ્યાત નવલકથામાં બીજાં 6 પ્રકરણ ઉમેર્યાં. જેમણે ‘આગંતુક’ નવલકથા અગાઉ વાંચી છે તેમને માટે ‘આગંતુક’ની વાર્તાને આ પુસ્તક વધુ સમૃદ્ધ બનાવશે અને જેમણે હજુ સુધી ‘આગંતુક’ નથી વાંચી એમને માટે તો આટલાં વર્ષોની ધીરજ ધર્યાનું અતિમીઠું ફળ છે.

 

મુખવાસ:-

સંસારી કે સાધુ એ સંબોધન વચ્ચે અથડાતા મનુષ્યની વાત.