Naive in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ભોલા

Featured Books
Categories
Share

ભોલા

ભોલા

-રાકેશ ઠક્કર

અજય દેવગન 'દ્રશ્યમ 2' પછી 'ભોલા' માં ફરી તબ્બુ સાથે હોવાથી આકર્ષણ વધુ રહે એ સ્વાભાવિક હતું. દક્ષિણની 'કૈથી' ની હિન્દી રીમેક 'ભોલા' માં અજય પોતે નિર્દેશક હોવા છતાં એના અભિનયને અસર થઇ નથી. તેણે રુંવાડા ઊભા કરી દે એવા એક્શન દ્રશ્યો આપ્યા છે અને પાત્રને જીવી બતાવ્યું છે. તે એક્શન દ્રશ્યોમાં એટલો ખોવાય ગયો છે કે ઇમોશનલ દ્રશ્યો ઓછા છે પણ એમાં સહજ લાગે છે.

'કુત્તે' પછી તબ્બુએ ફરી બહાદુર પોલીસ અધિકારીની ભૂમિકાને ન્યાય આપ્યો છે. તેની એન્ટ્રી જબરદસ્ત છે. ઘાયલ થયા પછી માફિયાને ટક્કર આપતી તબ્બૂ પ્રભાવિત કરે છે. અજયની પત્ની તરીકે અમલા પ્રભાવિત કરે છે. અલબત્ત એના ભાગે એકપણ સંવાદ આવ્યો નથી. કોમેડી પાત્રોમાં આવતા ગજરાજ રાવનું લાલચુ પોલીસ અધિકારી તરીકે કામ સારું છે. એ જ રીતે કોમેડી કરતો દેખાયેલો દીપક ડોબરિયાલ પહેલી વખત નવા ખતરનાક વિલનના રૂપમાં જામે છે. સંજય મિશ્રા હંમેશની જેમ શ્રેષ્ઠ અભિનય આપી ગયો છે.

અજયની ફિલ્મો ભલે રીમેક રહેતી હશે પણ તે એની વાર્તાનો જ આધાર લે છે. ઘણું બધું નવું ઉમેરે છે. ફિલ્મની શરૂઆતમાં તબ્બુ કોકીન ભરેલી એક ટ્રકનો પીછો કરીને એને પકડી લે છે અને કોકીનના જથ્થાને પોલીસના બંકરમાં છુપાવી દે છે. બૉસ કિરણકુમાર એને સલાહ આપે છે કે કોર્ટ જ્યાં સુધી માલની કસ્ટડી ના લે ત્યાં સુધી છુપાવીને રાખવો. એમની જાણ બહાર ભ્રષ્ટ પોલીસ ગજરાજ રાવ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા માફિયા દીપક ડોબરિયાલને એની માહિતી આપી દે છે. તેના દ્વારા એક ષડયંત્ર રચવામાં આવે છે. તબ્બુ આ સંજોગોમાં દસ વર્ષથી જેલમાં બંધ રહેલા અને છૂટેલા 'ભોલા' અજયની મદદ માગે છે. ત્યારે અજયને ખબર પડે છે કે તેની એક પુત્રી અનાથાલાયમાં છે. પુત્રીને મળવા નીકળેલો અજય ફસાઇ જાય છે અને વાર્તા આગળ વધે છે.

અજય દેવગને ફિલ્મમાં ભગવાન શિવનો વિષય રાખી ત્રિશૂળના કેટલાક દ્રશ્યો મૂક્યા છે. દક્ષિણની 'કૈથી' માં નાનીની હાથપગની લડાઇ છે ત્યારે અજયે રીમેક 'ભોલા' માં બાઇક અને ટ્રક પર ચઢીને દ્રશ્યો આપ્યા છે. આવા એક્શન દ્રશ્યો આજ સુધી કોઇ બોલિવૂડની ફિલ્મમાં આવ્યા નથી. પાંચ મિનિટના એક્શનના એક ચેઝ દ્રશ્યમાં પૈસા વસૂલ છે. તો ત્રિશૂળ સાથેના દ્રશ્યો જબરદસ્ત બન્યા છે. અજયે પોતાના એક્શન નિર્દેશક પિતા વીરુ દેવગનને આ દ્રશ્ય સમર્પિત કર્યું છે. અજય એક અભિનેતા સાથે નિર્દેશક તરીકે વધારે પ્રભાવિત કરી રહ્યો છે. હોલિવૂડના નિર્દેશક જેવી એની ક્ષમતા છે. તેણે અંતમાં અભિષેક બચ્ચનને લાવીને 'ભોલા' ની સીક્વલની જાહેરાત કરી દીધી છે. પણ અભિષેક કોણ છે અને પહેલા ભાગમાં કેમ આવ્યો છે એનો કોઇ ખુલાસો કર્યો નથી. એ જ રીતે ભોલાને એની પત્ની ક્યારે અને કેવી રીતે છોડી ગઇ હતી એ મૂળ ફિલ્મની જેમ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ભોલાને શિવભક્ત બતાવવામાં આવ્યો છે પણ સાબિત કરવામાં આવ્યું નથી. તે પુત્રીની ચિંતા બહુ સિમિત રીતે કરે છે એ પચાવી શકાય એવું નથી. ક્લાઇમેક્સમાં પિતા-પુત્રીના મિલનમાં પણ ઇમોશનનો અભાવ છે.

બીજી નકારાત્મક બાબતોની વાત કરીએ તો 'ભોલા' માં વાર્તા કરતાં એક્શનને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અજયના ખાસ સંવાદ નથી. તે હાથ-પગથી જ વધારે વાતો કરે છે. જે સંવાદ છે એ પંચવાળા કે તાળીમાર નથી. અજય એકલો એકસો લોકો સામે લડતો દેખાય છે એમાં લૉજીક નથી. અલબત્ત એક્શનના મામલામાં ફિલ્મ ક્યાંય ઉતરતી સાબિત થતી નથી. સિનેમેટોગ્રાફી સારી છે. બનારસની આરતીના દ્રશ્યો સુંદર છે. 3D માં સારો અનુભવ આપી જાય છે. બેકગ્રાઉન્ડ ઉપરાંત ગીતોનું સંગીત છાપ છોડી જતું નથી. 'નજર લગ જાયેગી' ગીતને બાદ કરતાં ગીત-સંગીત સામાન્ય છે.

'ભોલા' માં મનોરંજન માટેના દરેક ડોઝ છે પણ કયો કેટલી માત્રામાં આપવો એમાં અજયથી થોડી ચૂક થઇ છે. ફિલ્મ ઇમોશનલ પણ બનવાને બદલે માત્ર એક્શન ડ્રામા બનીને રહી ગઇ છે. જ્યારે 'કૈથી' માં એક્શનની સાથે ઇમોશન પણ છે. ફિલ્મની લંબાઇ વધારે છે અને એક્શન વધુ હોવાથી પારિવારિક દર્શકોને ઓછી પસંદ આવશે.