The parrot is not hungry, the parrot is not thirsty in Gujarati Short Stories by કહાની નંબર વન books and stories PDF | પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી

Featured Books
Categories
Share

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી

એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.

એક દિવસ પોપટને એની મા કહે - ભાઈ, કમાવા જા ને!

પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.

આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહૂકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે -

એ ભાઈ, ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

ગોવાળ કહે - બાપુ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી.

થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે -

એ ભાઈ, ભેંશોના ગોવાળ, ભાઈ ભેંશોના ગોવાળ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

ભેંશોનો ગોવાળ કહે - બાપુ! મારાથી તો કહેવા નહિ જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાના થડે બાંધી.

થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -

એ ભાઈ, બકરાંના ગોવાળ, બકરાંના ગોવાળ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

બકરાંનો ગોવાળ કહે - અરે બાપુ! આ બકરાં રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહિ જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરાં લઈ લે. પોપટે તો બે-ચાર રૂપાળાં બકરાં લઈ લીધાં ને આંબાના થડે બાંધી દીધાં.

વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. ઘેટાંના ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટાં આપ્યા.

પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો.

પછી પોપટ તો ગાય, ભેંશ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યા એટલે એને તો ઘણાં બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુ-રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યાં.

પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા; બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -

મા, મા!
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.

મા બિચારી આખો દિવસ ઘરનુંકામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહિ. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણાં ઉઘાડ્યાં નહિ. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -

કાકી, કાકી!
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.

કાકીએ તો સૂતાં સૂતાં જ સંભળાવી દીધું - અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે -

બહેન, બહેન!
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.

બહેન કહે - અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાંવહાલાંને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહિ.

છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતાં હતા.

મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે - આવી ગયો, મારા દીકરા! આ આવી; લે બારણાં ઉઘાડું છું, બાપુ! પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુખણાં લીધાં.

પછી તો મોટીબાએ પોપટ માટે પાથરણાં પથરાવ્યાં, ઢોલીડાં ઢળાવ્યાં ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવ્યાં. પછી કહે - દીકરા! જરા અહીં બેસજે, હોં. હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂઉંઉંઉં કરતી વાગવા માંડી.

પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધાં રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા.

શરણાઈ સાંભળતાં સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા - ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા.
-------------------------------------

પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી ની વાર્તા સારી લાગી તો કોમેન્ટ કરો.


જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી ગણેશ


લિ. કહાની નંબર વન