A crime that will not be forgotten in Gujarati Crime Stories by Kaushik Dave books and stories PDF | એક ગુન્હો જે ભૂલાય નહીં

Featured Books
Categories
Share

એક ગુન્હો જે ભૂલાય નહીં

"એક ગુન્હો જે ભૂલાય નહીં"



બહુ દિવસ પછી મારા વતન દેવાસમાં આવ્યો. પણ અફસોસ કે મારા જીવનમાં સફળતા મળે તે માટે પ્રયત્નશીલ રહેનારા મારા માતા પિતા હયાત નથી. મારા બાળપણના મિત્રો પણ મોટા શહેરોમાં રહેવા જતા રહ્યા હતા. પણ આ બે દિવસ કરીશ શું?
ચાલો હું મારી ડાયરી લખવાનું શરૂ કરું.

મારા જીવનમાં સફળતા મળી કે નિષ્ફળતા એ હું કહી શકું નહીં.પણ જીવનમાં બનેલી વિચિત્ર ઘટનાઓ તેમજ ભૂલભૂલૈયા જેવા બનાવો વિશે લખવાનું મન થયું છે.

સાલું એ ખબર નથી પડતી કે માણસમાં અપરાધ ભાવના કેટલી કે કેટલા પ્રમાણમાં હોય છે? શું કોઈએ એનું સંશોધન કરીને રીસર્ચ કરીને પેટંટ કરાવી હશે?

જો અપરાધ ભાવના માપવી હોય તો?
લીટરમાં કે કીલોગ્રામમાં?
જો અંતરમાં માપવાનું હોય તો મીટર કે કીલોમીટરમાં?
કેવું ફની લાગે છે?
મને પણ હસવું આવી ગયું.

સોરી... સોરી... ખરેખર તો મારી આવી ભાષા નહોતી પણ જીવનની શરૂઆત એટલે કે જોબ શરૂ કરી ત્યારથી સંઘર્ષ.. સંઘર્ષ..ને પાછા માની ના શકાય એવી વિચિત્ર વ્યક્તિઓ સાથેની મુલાકાત..

હા.. મારામાં પણ થોડી ઘણી અપરાધની ભાવના આવી હતી..
કેમ એ તો ખબર નથી! પણ લાગે છે કે લાલચ જ આવી ભાવના તરફ દોરી જાય છે.

ઓહ્... ડાયરી લખવાની શરૂઆત કરી પણ હજુ સુધી મેં મારી ઓળખાણ તો આપી જ નહીં.

ચાલો મારી ઓળખાણ આપું.

મારું નામ સુયશ શર્મા. મધ્ય પ્રદેશ દેવાસનો વતની. માતા પિતા સામાન્ય સ્થિતિના હતા. ભણવામાં હોશિયાર હતો પણ પિતાજીની નબળી આર્થિક સ્થિતિના કારણે આખરે બીકોમ થયો.બીજા મિત્રોની જેમ સારી લાઈન સાથે હાયર એજ્યુકેશન લેવું હતું પણ બીજા શહેરમાં અભ્યાસ કરવા માટે આર્થિક સ્થિતિ સારી નહોતી.
બીકોમ થયા પછી દેવાસમાં સારી જોબ તો મળે નહીં.બે કે ત્રણ હજાર મળે એમાં જીવન ચાલે નહીં.

આખરે એક સારી જોબ મળવાની શક્યતા હતી. ઈન્ટરવ્યુ માટે તૈયારી કરી લીધી.

પણ જોબ દેવાસમાં નહોતી. જીવનમાં આગળ વધવું હોય તો મોટા શહેરમાં જવું પડે.

હા... મારે ભોપાલ જવાનું હતું. એક સારી પ્રાઈવેટ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા માટે.
ત્યાં ખબર પડી કે એમની ઉજ્જૈનમાં પણ એક બ્રાન્ચ છે.અને એક જગ્યા ખાલી છે.
હાશ થઈ મને જ્યારે આ જાણ્યું.

મને વિશ્વાસ હતો કે એ જગ્યાએ હું સિલેક્ટ થઈશ.
પણ હાય રે.. નસીબ!

એ દિવસે હું ગભરાઈ ગયો હતો. પહેલી વખત બહારગામ ઈન્ટરવ્યુ આપવા ગયો હતો. થોડો નરવશ પરવશ થયો હતો.
પણ પછી થોડો સ્વસ્થ થઈ ગયો હતો.

આખરે બે જણા સિલેક્ટ થયા હતા. એમાં મારો પણ નંબર હતો.
મને હતું કે મને ઉજ્જૈન બ્રાન્ચમાં મુકશે પણ પછી ખબર પડી કે એ બ્રાન્ચ ખોટમાં જતી હોવાથી એ બ્રાન્ચ બંધ કરવાના છે.
છેવટે મને જોબ મળી ગઈ.

સેલેરી બાર થી ચૌદ હજાર રૂપિયા મળશે એવું કહેવામાં આવતા હું ખુશ થઈ ગયો.પણ મને અમદાવાદ ખાતેનો ઓર્ડર આપવામાં આવ્યો.
બહુ રજૂઆત કરી પણ નિષ્ફળતા મળી.
કહેવામાં આવ્યું કે કામ સારું હશે તો ત્રણ મહિના પછી એક હજાર પગાર વધારો મળશે.

હું ખુશ થઈ ગયો.
પણ આવનારા જોખમ વિશે મને ક્યાં ખબર હતી?
ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે?

અમદાવાદમાં હું કેવીરીતે ફસાઈ જવાનો છું એનો મને અંદાજ નહોતો.

ભવિષ્યમાં એક પોલીસ કેસ થશે એવી મને ખબર નહોતી.

બસ હવે લખતા થાક લાગે છે.થોડો આરામ કરું. થોડું પાણી પીવું પડશે.
એમ મનમાં બબડ્યો.
એટલામાં ઘરના દરવાજાની સાંકળ ખખડી.
મને બીક લાગતી હતી.
રાતના અગિયાર વાગી ગયા હતા.
અત્યારે કોણ હશે?

મેં બુમ પાડી.
'કોણ છે?'

બહારથી અવાજ આવ્યો.
'એ હું અજય.તમારો પાડોશી.'

મેં ધીમેથી દરવાજો ખોલ્યો.
અજય પાડોશી ઘરમાં આવ્યો.
બોલ્યો:-' ભાઈ, તમે ક્યારે આવો છો ને ક્યારે જાવ છો એ ખબર પડતી નથી. સ્હેજ કહીને જાવ તો તમારા ઘરનું ધ્યાન રાખી શકું.'

હું બોલ્યો:-' ઓકે.સોરી. પણ તમે અત્યારે?'

અજય:-' થોડીવાર પહેલાં એક હવાલદાર તમારા ઘર પાસે આંટા મારતો હતો ને મારું ધ્યાન ગયું. મેં એને પુછ્યુ કે હવાલદાર અત્યારે કંઈ કામ છે? પોલીસે પુછ્યુ કે કોનું ઘર છે?
મેં કહ્યું કે શર્માજી માસ્તરનું ઘર છે. સોરી હોં.આપના પિતાજી પાસે બે ત્રણ વર્ષ ભણ્યો હતો.પછી પોલીસે પુછ્યુ કે માસ્તરનો દિકરો ક્યાં રહે છે? મને લાગ્યું કે દાળમાં કાળું છે એટલે મેં કહ્યું કે એ બહારગામ નોકરી કરે છે. ભાઈ આ પોલીસ કેમ આવ્યો હશે?'

હું બોલ્યો:-' કદાચ પોલીસ ભૂલમાં આવી ગયો હશે.મારા વિશે કોઈ કંમ્પલેન નથી.પોલીસ કદાચ હપ્તા ઉઘરાવવા નીકળ્યો હશે.'

આટલું સાંભળીને અજય શંકાશીલ નજરે જોતો એના ઘરે ગયો.

અજયના ગયા પછી હું બેચેની અનુભવી રહ્યો હતો.
લાગે છે કે મારામાં અપરાધ ભાવના કે મારાથી કોઈનું અહિત થયું હશે એવી ભાવના આવી.

ડાયરી હમણાં લખવી નથી.
થોડો આરામ કરું ને સુવાનો પ્રયત્ન કરું કદાચ સારી ઉંઘ આવે તો ટેન્શન દૂર થઈ જાય.

આમ વિચારતો હતો ને મને ક્યારે ઉંઘ આવી ગઈ એ ખબર પડી નહીં.

અચાનક મારાથી બૂમ પડાઈ ગઈ કે ના..ના.. મારાથી જાણીજોઈને ખૂન થયું નથી.મારો ઈરાદો નહોતો પણ હું એની જાળમાં ફસાઈ ગયો હતો.

મારા શરીર પર પરસેવો વળી ગયો હતો.
હું ઝબકીને જાગ્યો. મારું મોઢું પડી ગયું.
હૈયે હતું ને હોઠે આવી ગયું.

હું ઉભો થયો. વોશરૂમ ગયો. થોડો ફ્રેશ થઈ ને પાણી પીધું.
વિચારવા લાગ્યો...
આવું કેમ થયું હશે?

તમને નવાઈ લાગી ને!

મારી આંખો સામે આખી ઘટનાઓ ચિત્રપટની જેમ આવવા લાગી.

અમદાવાદ બ્રાન્ચમાં જોબ મળતા ખુશ થયો. પણ સાંભળ્યું હતું કે અમદાવાદ જેવા મોટા શહેરમાં બાર તેર હજારમાં ઘરખર્ચ જીવન ચાલે નહીં છતાં પણ પિતાજીએ હિંમત આપી.
માતાપિતાની આજ્ઞા અને આશીર્વાદ સાથે અમદાવાદ જવા રવાના થયો.

આ પહેલી વખત મોટા શહેરમાં જતો હતો.
અમદાવાદ બ્રાન્ચ SG highway પર હતી.
નજીકની સસ્તી હોટલમાં બે દિવસ માટે બુકિંગ કરાવીને ઉતારો લીધો.

આખરે અમદાવાદ બ્રાન્ચ ખાતે હાજર થયો.

બ્રાન્ચમાં છ થી સાત જણાનો સ્ટાફ હતો.
બોસે મને બોલાવીને મને મારું કામ સોંપ્યું. કેશિયર કમ ક્લાર્કનું કામ.
કંપનીનો ધંધો એક્ષપોર્ટ ઈપોર્ટનો હતો.

બોસનું નામ મિસ્ટર શાહ સાહેબ બહુ સારા અને સજ્જન લાગતા હતા. જ્યાં જ્યાં મને સમજણ ઓછી પડે ત્યાં ત્યાં એ મને ગાઈડ કરતા તેમજ હિંમત આપતા હતા.

બે દિવસમાં તો એક નાનકડી ઓરડી ભાડે લીધી.
પણ અમદાવાદ જેવા શહેરમાં ઘર ચલાવવું મોંઘુ પડતું હતું.

આમને આમ એક મહિનો પુરો થયો.
વચ્ચે એક રજા લીધી ને રવિવારના લાભ સાથે દેવાસ માતાપિતાને મળવા ગયો હતો.
પિતાજીની તબિયત સારી રહેતી નહોતી.
મેં પિતાજીને કહ્યું પણ ખરું કે હું જોબ છોડી ને પાછો દેવાસ આવી જાઉં.
ટ્યૂશન કરીને જીવીશ.
પણ પિતાજી માન્યા નહિ.

પાછો અમદાવાદ આવી ગયો.

એક દિવસ મારી ઓળખાણ શૈલેષભાઈ સાથે થઈ.
જેઓ રાત્રી ખાણાપીણા બજારમાં પોતાની લારી પર ભાજીપાંઉ અને પુલાવનો ધંધો કરતા હતા.એસ.જી.હાઈવે પરના એક ખાણાપીણા બજારમાં.
એમને એક માણસની જરૂર હતી.

કેશિયર તરીકે તેમજ ધંધામાં મદદ કરે એ માટે.
શૈલેષ ભાઈએ મારો સારો સ્વભાવ જોઈને મને ઓફર કરી.
જે મેં સહર્ષ સ્વીકારી લીધી.
સાંજે આઠ વાગ્યાથી રાત્રે બાર સુધીના મને રોજના દોઢસો રૂપિયા આપવા તૈયાર થયા તેમજ રાત્રી ભોજન એમના તરફથી.

હાશ... અનુભવી મેં..
નાણાકીય થોડી તો રાહત રહેશે.
દોઢસો રૂપિયા લેખે મહિનાની આવક ૪૫૦૦ જેવી થશે એ જાણીને મને આનંદ થયો.

હજુ મારી જોબને બે મહિના પણ પુરા થયા નહોતા.
મેં મારા બોસ શાહ સાહેબનો વિશ્વાસ જીતી લીધો.

એક દિવસ શાહ સાહેબે એમની કેબિનમાં બોલાવ્યો.
મને પુછ્યું કે આટલા ઓછા પગારે ઘર અને ઘરની જવાબદારી કેવી રીતે ચાલે?

મેં પણ કહ્યું કે જો પગાર વધારો ના થાય તો અમદાવાદ જેવા શહેરમાં જીવવું અઘરું પડે.
એમણે મને આડકતરો ઈશારો કર્યો કે બેંકના કામકાજ વખતે રિક્ષા ફેર વધુ લેવો. વાઉચર પાસ કરીશ પણ તારે મારું કામ કરવું પડે.

હું લાલચમાં આવી ગયો.અને હા પાડી.

શાહ સાહેબે કહ્યું કે મારું પર્સનલ કામ છે એ તારે રજાના દિવસે જ કરવાનું છે.એ બદલ તને ચોક્કસ રકમ આપીશ.

આ સાંભળીને હું ખુશ થયો.
હાશ... હવે કંઈક સારું થશે.
જો આવક વધે તો જ લગ્ન માટે કન્યા શોધું.

એક શનિવારે સાંજે શાહ સાહેબે મને એમની કેબિનમાં બોલાવ્યો.
કહ્યું કે આ એક પેકેટ છે એ રવિવારે સવારે મારા મિત્રના ઘરે પહોંચતું કરવાનું છે.એ બદલ તને રૂપિયા પાંચસો મળશે.

લાલચ કેવી બુરી બલા છે એ મને એ વખતે ખબર પડી નહીં.
પછી તો મને પણ આદત પડી.
શનિવાર થાય એટલે શાહ સાહેબ બોલાવશે અને મને રૂપિયા પાંચસો કામ બદલ મળશે.
ચારેક રવિવાર આ રીતે કામ કર્યું.
પણ એ પેકેટ શેના હતા એ મને ખબર નહોતી.
મારે તો રૂપિયા સાથે લેવાદેવા હતી.

આમ મારે જોબમાં ચાર મહિના થયા હશે ને દેવાસથી મેસેજ આવ્યો કે મારા પિતાજી એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા.

ઓફિસમાંથી રજા માંગી પણ ઓફિસમાં કામનું ભારણ વધુ હોવાથી રજા તાત્કાલિક મળી નહીં. પાંચ દિવસ પછી શાહ સાહેબે મને બે દિવસ માટે રજા આપી.
પણ સાથે કહ્યું કે શાહ સાહેબ પોતે ત્રણ મહિના માટે રજા ઉપર જવાના છે.એમની જગ્યાએ કામચલાઉ કોઈ બોસ આવશે.

રજા મંજુર થતા હું ખુશ થયો.ને રાતની ટ્રેનમાં દેવાસ જવા રવાના થયો.

પણ રજાની ખુશી ટકી નહીં.
દેવાસ જતા ખબર પડી કે પિતાજીની અંતિમ ક્રિયા વખતે માતાજીને આઘાત લાગતા હાર્ટ એટેક આવ્યો.
બે દિવસમાં માતાજી પણ મૃત્યુ પામ્યા હતા.

હું મારા ખરાબ નસીબને કોસતો હતો.

બે દિવસ રજા ભોગવ્યા પછી પાછો અમદાવાદ આવ્યો.

ઓફિસમાં હાજર થયો ત્યારે મારા સાથી મિસ્ટર તનેજા પાસેથી ખબર પડી કે નવા બોસ આવી ગયા છે ને શાહ સાહેબે લાંબી રજા મુકી છે.નવા બોસ લેડિઝ છે અંજલી નામ.પણ બહુ કડક અને શિસ્ત પાલનના આગ્રહી છે.એમણે રીક્ષા ફેર અડધું કરી દીધું.અને કહ્યું છે કે રેગ્યુલર કેશિયર હાજર થાય તો તરત એમને મળે.

આ સાંભળીને મને પરસેવો વળી ગયો.
આના કરતા તો શાહ સાહેબ સારા હતા.
રીક્ષા ફેર અડધું એટલે ખોટના ધંધા એમાં ય રવિવારની આવક રૂપિયા પાંચસો પણ ગુમાવી દીધા.
હવે ખર્ચો ચલાવવા તેમજ અન્ય આવક માટે શૈલેષભાઈ સાથે વાત કરવી પડશે.

એટલામાં બોસની કેબિનમાંથી ડોર બેલ વાગી.
મિસ્ટર તનેજાએ મને કહ્યું કે અંજલી બોસ બોલાવે છે.

ગભરાતો ગભરાતો હું કેબિનમાં દાખલ થયો.
અંજલી બોસને જોતાંજ મને આશ્ચર્ય થયું કે આટલી ખૂબસૂરત યુવતી કડક કેમ થતી હશે. જોતા જ ગમી જાય એવી દેખાઈ.

અંજલી મેડમે મને ચેતવણી આપી કે ઓફિસમાં સમયસર આવવું તેમજ રીક્ષા ફેરમાં ગડબડ જોઈએ નહીં. કંપની ચલાવવાની છે.

આમ એક અઠવાડિયા સુધી અંજલી મેડમ મને એમની કેબિનમાં બોલાવીને કોઈ ને કોઈ બહાને ખખડાવવા લાગ્યા.

મને થયું કે આવી ગુલામી કરીને રહેવું એના કરતા ખાણીપીણીની એક લારી જ ખોલી નાખું. પણ નાણાકીય તંગી તેમજ સ્થળ પરનું ભાડું તેમજ અનુભવનો અભાવ એટલે થયું કે શૈલેષભાઈની સલાહ લેવી યોગ્ય છે.

શૈલેષભાઈએ જોબ ટકાવી રાખવા કહ્યું.અને કહ્યું કે તારા ખરાબ દિવસો પણ જશે.આપણે બે ત્રણ મહિના પછી વિચારીએ.કોઈ નાણાકીય મદદ કરનાર મળે તો પાર્ટનર તરીકે કામ કરીશું.

મને નિરાશા વ્યાપી ગઈ. છતાં પણ હિંમત રાખીને એક મહિનો પુરો કર્યો.
પણ આ એક મહિનો મારા માટે ટેન્શન વાળો રહ્યો.

એક દિવસ અંજલી બોસે મને કેબિનમાં બોલાવ્યો.
મને કહે કે ઓફિસમાં ફાવે છે ને! કેટલાક દિવસોથી તને બેચેન જોઉં છું ત્યારે મને થાય છે કે હું તારી સાથે બહુ કડકાઈ ભર્યું વર્તન કરું છું. મને ખબર પડી છે કે તને નાણાકીય તંગી રહે છે. આવતી કાલે તને એક એક્ટિવા આપવામાં આવશે.જેનો પેટ્રોલ ખર્ચ કંપની આપશે.ઓફિસ બહારના કામકાજ માટે તારે ઉપયોગ કરવાનો રહેશે.

આ સાંભળીને મારા મુખ પર બનાવટી સ્મિત આવી ગયું.
આ જોઈને અંજલી મેડમ બોલી કે આવી રીતે ખુશ રહે. તું હોશિયાર છે.તેમજ દેખાવડો પણ છે.રૂપિયા તો તું કમાઈ લઈશ.
તારા લાયક મારા પાસે કામ છે પણ એ ઓફિસનું નથી.જો તું એ કામ કરવા રાજી થાય તો મહિને ચાર હજાર રૂપિયાની આવક થશે.
હું અંજલી મેડમની વાતોમાં આવી ગયો.

અંજલી મેડમ બોલી કે તારું લગ્ન પણ થયું નથી.લગ્ન કરવાનો વિચાર થાય છે કે પછી...
હું કાંઈ બોલ્યો નહિ. મેડમની વાત સ્વીકારી લીધી.

એક દિવસ સાંજે મેડમે મને કેબિનમાં બોલાવ્યો.
મને એક પેકેટ આપ્યું.સાથે એક સરનામું જ્યાં પેકેટ પહોંચાડવાનું હતું.સાથે કામ બદલ રૂપિયા એક હજાર આપ્યા.
એ દિવસે શૈલેષભાઈની લારી પર ગયો નહીં ને પેકેટ બતાવેલા સરનામે પહોંચાડી દીધું.

પછી તો મને ચટપટી થતી કે મેડમ ક્યારે આવું બીજું કામ આપે.
મેડમની જાળમાં ફસાતો ગયો.

આમ ચારથી પાંચ વખતની ડિલિવરી કરી.
એક દિવસ ફરીથી પેકેટ આપ્યું.જે રવિવારે સાંજે પહોંચાડવાનું હતું.

એ પેકેટ એક મહિલાને એના ઘરમાં આપવાનું હતું.
એ મહિલાના ઘરમાં જતા એણે દરવાજો બંધ કરીને મને સોફા પર બેસાડ્યો.
ઠંડું પીણું આપ્યું.મને ઘેન ચડવા માંડ્યું છતાં પણ હું સજાગ રહ્યો ને ઘરમાંથી જવા કોશિશ કરતા એ મહિલાએ મને એની પાસે ખેંચ્યો ને બોલી કે મને ખુશ કરી દે તને પાંચ હજાર મળશે.
પણ આ વખતે લાલચ રાખી નહીં ને ધક્કો મારીને ઘરની બહાર નીકળી ગયો.સીધો ઘરે આવી ગયો.

બીજા દિવસે મેડમને આખી ઘટના કહેતા મેડમ હસી પડ્યા.
બોલ્યા કે ભલા માણસ તું સ્માર્ટ દેખાય છે.યુવાન છે તો કમાવાનો મોકો છોડી દેવાય નહીં.તારી કારકિર્દી બની જતી.
એ મહિલા મારી સખી છે એણે મને વાત કરી હતી.
હશે... તારી જે મરજી હોય એ પ્રમાણે..
પણ આવતી કાલે એક વિશેષ કામ છે. આ પેકેટ આપું છું સાથે સરનામું પણ છે પણ પહેલા કરી એવી ભૂલ કરતો નહીં.તને આ પેકેટના કામ માટે બે હજાર રૂપિયા મળશે.કદાચ બીજા એક્સ્ટ્રા તને ત્યાંથી મળી પણ જાય.

લાલચુ માણસ પોતાની ભૂલથી ફસાઈ જાય છે એ બીજા દિવસે રાત્રે ખબર પડી.

શૈલેષભાઈ મને કહે કે હમણાંથી તું બહુ મોડો આવે છે છતાં પણ ચાલશે.તારે અગત્યનું કામ આવતું હશે.

હું મનોમન હસી પડતો.

બીજા દિવસે રાત્રે પેકેટ સાથે આપેલા સરનામે પહોંચ્યો.
ડોર બેલ વગાડ્યો.
થોડીવારમાં દરવાજો ખોલ્યો તો મને આશ્ચર્ય થયું.

દરવાજો ખોલનાર અંજલી મેડમ હતા.
બોલ્યા આવ મિસ્ટર શર્મા.તારી જ રાહ જોતી હતી.આજે તો તું દરરોજ કરતા વધુ સ્માર્ટ લાગે છે.હવે કોઈ છોકરી પસંદ કરી લે. નહીં તો કોઈ છોકરી તને પસંદ કરી ઉપાડી જશે.
એમ બોલીને અંજલી મેડમ હસ્યા.

હું છોભીલો પડી ગયો.
મને થયું કે હવે જલ્દી અહીંથી ભાગું.
પણ એમ અંજલી મેડમ જવા દે એમ નહોતા.

મને સોફા પર બેસાડીને ઠંડું પીણું લેવા ગયા.
હું પણ સાવચેત થઈ ગયો.એક અનુભવ થયો હતો એટલે.

ઠંડું પીણું લાવીને અંજલી મેડમે મારી તરફ સ્મિત કર્યું.
થોડીવાર માટે તો હું એમની તરફ આકર્ષિત થયો હતો પણ...
ખેર.. મેં મારી જાત પર કંટ્રોલ રાખ્યો.

અંજલી મેડમે મને ઠંડું પીણું આપ્યું.
હાથમાં લેતા લેતા મેં વાતચીત શરૂ કરી.

તમે જ તમારા ઘરે આ પેકેટ કેમ મોકલાવ્યું? ઘરમાં તમે એકલા જ રહો છો કે બીજું કોઈ પણ.. વગેરે વગેરે..

મારી વાત સાંભળીને હસી પડી.
બોલી... તમે બહુ ફની છો. મને તારા જેવી વ્યક્તિ ગમે. તને હું પાંચ હજાર આપું છું.જલસા કર અને કરાવજે.
એમ બોલીને રૂપિયા લેવા ગયા.
એ ગાળામાં મેં શરબત ઢોળી નાખ્યું.

અંજલી મેડમે મને પાંચ હજાર રૂપિયા આપ્યા.
હું ખુશ થયો ને પેકેટ ત્યાં મુકીને રજા લેવા ગયો.

પણ અંજલી મેડમ એમ જવા દે એમ નહોતા.

એ બિલકુલ મારી પાસે આવી ને બોલ્યા..બસ જવું છે? તારા વગર કેવીરીતે રહું? તારાથી હું આકર્ષિત થઇ છું. થોડીવાર મારી સાથે વાતચીત કર. હું શું કહું છું એ તું સમજી ગયો હોઈશ. તું હોશિયાર છે.

પણ હું એવી ચાલમાં ફસાઈ જવા માંગતો નહોતો.
એટલે મેં ધક્કો માર્યો.
એ ફરીથી હસી પડી ને મારી પાસે આવીને મારા ગાલ પર કીસ કરી.
મને મારા પર નફરત થઈ.
મેં કહ્યું કે હું એવા પ્રકારનો માણસ નથી. મારે હવે અહીંથી જવું જોઈએ.


આ સાંભળીને અંજલી મેડમ ગુસ્સે થયા.
બોલ્યા કે તું મર્દ છે કે થર્ડ જેન્ડર.
સારું તારી જેવી મરજી પણ તું જે પેકેટ લાવ્યો છે એ મારા હસબંડ માટે છે.બાજુના બેડરૂમમાં તેઓ આરામ કરે છે તો તું જાતે જ આપી આવ.

મને હજુ પણ અંજલી મેડમ પર શંકા હતી.

એ બોલી..દર વખતે ડરીને કામ કરીશ તો જીવી શકીશ નહીં.

છેવટે હિંમત કરીને હું અંજલી મેડમના હસબંડના બેડરૂમમાં પ્રવેશ્યો.

જોયું તો એક આધેડ વયની વ્યક્તિ આડી સુતી હતી.
મેં અવાજ કરીને જગાડવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ..
હું નજીક ગયો ને એ સુતેલી વ્યક્તિને સ્પર્શી ને જગાડવા પ્રયત્ન કર્યો.

નજીક આવીને જોયું તો એ વ્યક્તિની છાતીમાં છરો ઘુસી ગયેલો હતો.
હું ગભરાઈ ગયો.
એ વ્યક્તિને બચાવવાનું મન થયું.

એ વ્યક્તિનો ચહેરો જોયો.
મારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.
ઓહ્ આ શાહ સાહેબ છે.એટલે તેઓ અંજલી મેડમના હસબંડ!

મને શાહ સાહેબ પ્રત્યે થોડું માન હતું એટલે એમની છાતીમાંથી છરો કાઢવા પ્રયત્ન કરવા લાગ્યો.

એ વખતે બેડરૂમમાં અંજલી મેડમ આવ્યા.
હસીને બોલ્યા.. મિસ્ટર શર્મા તમે રૂપિયા માટે મારા હસબંડનું ખૂન કરી નાખ્યું. હમણાં પોલીસ આવશે તો મારી ઈજ્જત જશે.
સાથે સાથે તને પોલીસ પકડી જશે.

હું નરવશ થયો.રડવા જેવો થયો.
બોલ્યો.. મને બચાવી લો. આ ખૂન મેં નથી કર્યું.તમે કહેશો એ પ્રમાણે કરીશ પણ તમે પોલીસ બોલાવતા નહીં.

અંજલી મેડમ મારો હાથ પકડીને ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા.
મારી પીઠ પર હાથ ફેરવીને બોલ્યા..
મારી વાત માની નહીં ને ફસાઈ ગયો.
આટલો સ્માર્ટ વ્યક્તિ પોતાની રીતે સમજદારી કેમ વાપરતો નથી? જો હું કહું એ પ્રમાણે કર. હું લાશને ઠેકાણે પાડી દઈશ.
બસ પહેલા તને મેં કહ્યું એ પ્રમાણે મને ખુશ કરી દે. તને દસ હજાર આપીશ.
પણ હવે મને અંજલી મેડમ પર ભરોસો નહોતો.

નજીકમાં ટેબલ પર સફરજન અને લાંબુ ચપ્પુ જોયું.
મારૂં મગજ ચકરાવે ચડી ગયું.

એક ખૂનની સજા કે બે ખૂનની સજા સરખી જ હોય છે.
હવે ફાંસી તો આપતા નથી. પણ કદાચ હું અંજલી મેડમને મારીને ફરાર થઈ જાવ તો જિંદગી બચી શકે.

ઝડપથી મેં એ ચપ્પુ લીધું.
ને અંજલી મેડમ તરફ ધસી ગયો.
અંજલી મેડમ હસી પડ્યા.

તું તો બાયલો છે. એક ખૂન તો કરી શક્યો નથી.

પણ મારા મગજમાં બચવા માટે ઝનૂન સવાર હતું.
ત્રણ ચાર ઘા અંજલી મેડમના પેટના ભાગે કર્યા.
અંજલી મેડમ ચીસ પાડીને ઢળી પડ્યા.

મને હાશ થઈ. હવે મારે આ જગ્યાએથી ભાગી જવું પડે ને તાત્કાલિક શહેર છોડીને બીજી કોઈ જગ્યાએ થોડા દિવસ માટે સંતાઈ જવું પડશે.

છરા પરના હાથના નિશાન રૂમાલથી લુછી નાંખ્યા.

રૂપિયા દસ હજાર લેવા માટે જેવો હાથ લંબાવ્યો ત્યાં મારી પાછળથી અવાજ આવ્યો.

એ અવાજ શાહ સાહેબનો હતો.
ચિંતા ના કર મિસ્ટર શર્મા. એ રૂપિયા તારા જ છે. તેં મારું કામ આસાન કરી દીધું. મારા અઢી લાખ રૂપિયા આજ સવારે જ અંજલીએ ગુમ કરી દીધા હતા. વધુ વાત તારી સાથે કરવાનો નથી પણ મારી પાસે બીજા ત્રણ લાખ છે એ હું તને સુટકેસ સાથે આપું છું ને તાત્કાલિક આ શહેર છોડીને જતો રહે. અહીંનું હું સંભાળી લઈશ.

ઓકે સર.મને તમારા પ્રત્યે માન છે પણ તમે બધું સંભાળી લેજો.તમારો આભાર માનું છું....એમ બોલીને મેં દસ હજાર રૂપિયા અને ત્રણ લાખ રૂપિયાની સુટકેસ લીધી.અને મિસ્ટર શાહ સાહેબના ઘરમાંથી વિદાય લીધી.

ઘરમાં આવીને થોડો સામાન બાંધી રાખ્યો.પણ સાથે બે જોડી કપડા અને રૂપિયા સાથે લઈને રાતે અગીયાર વાગ્યાની ટ્રેન પકડીને રતલામ આવી ગયો.પછી બીજી ટ્રેન પકડીને સવારે ઈંદોર આવ્યો.

બેંકનો સમય શરૂ થતા ઈદૌરની બેંકમાં ગયો અને
દેવાસ બેંકના મારા ખાતામાં રૂપિયા ત્રણ લાખ જમા કરાવી દીધા એટલે મને ચિંતા રહી નહીં.

સંધ્યાકાળે હું દેવાસ આવ્યો.
બસ હવે આ બધું યાદ કરું ત્યારે મગજ ફાટી જાય છે પણ બનેલી ઘટનાઓ યાદ રહેવાની જ.
હાશ.. હવે મને ઉંઘ આવે છે..પણ આવતીકાલે મારે દેવાસ છોડી દેવું પડશે ચાર પાંચ દિવસ કોઈ જગ્યાએ જતું રહેવું પડશે.
રાત્રે જ મેં ઈમેલથી મારું રાજીનામું મારી ભોપાલની મેઈન બ્રાન્ચના સરનામે મોકલી દીધું.

આ પછી મને મનમાં થોડીઘણી શાંતિ થઈ.
વિચારો વિચારમાં મને ઘસઘસાટ ઉંઘ આવી ગઈ.
સવારે ઉંઘ ઉડી ત્યારે આઠ વાગી ગયા હતા.
મેં મારો મોબાઈલ ચેક કર્યો.

શૈલેષભાઈનો એક મેસેજ હતો.
મને નવાઈ લાગી કે શૈલેષભાઈ એ મેસેજ કેમ કર્યો હશે?
મેસેજ વાંચ્યો.મને હાશ થઈ.
મેસેજ હતો કે એની કંપનીના બોસ અંજલી મેડમે આત્મહત્યા કરી હતી.એમના પતિ દ્વારા પોલીસને ખબર પડી કે અંજલી મેડમ ખાનગી રીતે ડ્રગ્સ સપ્લાય કરતી હતી જે વાતની એમના પતિને ખબર પડતા અંજલી મેડમે આત્મહત્યા કરી લીધી હતી.

મેસેજ વાંચીને મને હસવું આવ્યું.
શાહ સાહેબ પણ ખરા હતા.તેઓ પણ કદાચ... કદાચ...આ કામ મારી પાસે કરાવતા હતા?
બોલો હવે આવી ઘટનાઓ ભૂલી શકાય ખરી! જે મારા જીવનમાં બની હોય.
હાય... હું સુયશ શર્મા હવે નવેસરથી જીવનની શરૂઆત કરવા માગું છું.ઈશ્વર મને સાથ આપશે કે મારા અપરાધની સજા આપશે એ હું ઈશ્વર પર છોડી દેવા માગું છું. ત્યાં સુધી રજા લઉં છું.....
- કૌશિક દવે