RETRO NI METRO - 13 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 13

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 13

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર આવી ગઈ છે રેટ્રોની મેટ્રો લઈને બોલિવુડ ની વાતોનો ખજાનો. તો આજની સફર માટે તૈયાર છો ને? હવે તમે પૂછો કે આજે ક્યાં ફરવા જઈશું શ્વેતલ તે પહેલા જ હું તમને પૂછું એક પ્રશ્ન -જ્યાં "રોટી કપડા મકાન" મેળવવાનો,ચપટી વગાડતા મળી જાય રસ્તો,જેની ખૂબસૂરતી જોઈને શબ્દો સરી પડે "ચશ્મે બદ્દુર", "ચાંદની" જેવું ચમકદાર શહેર જેને દેશનું "દિલ" પણ કહીએ છીએ તે શહેર કયું?
અરે શ્વેતલ દેશનું દિલ એટલે કે દિલ્હી ખબર છે અમને.અરે વાહ ચતુર રેટ્રો ભક્તો તમારો જવાબ એકદમ સાચ્ચો.આજે આપણે દિલ્હીની સફર કરીશું પણ મોર્ડન નહીં ઐતિહાસિક દિલ્હીની સફર આપણે કરીશું.જુઓ દિલ્હીના કોનોટ પ્લેસ વિસ્તાર માંથી આપણે પસાર થઇ રહ્યાં છીએ.વિસ્તાર જોતા ફિલ્મ "દિલ સે" યાદ આવી? આ ફિલ્મના કેટલાક દ્રશ્યો દિલ્હીના કોનોટ પ્લેસ,પુરાના કિલ્લા જેવા સ્થળોએ ફિલ્માવવામાં આવ્યા હતા.સાથે યાદ કરીએ જેની કથા દિલ્હીમાં આકાર લે છે તેવી મલ્ટી સ્ટારર ફિલ્મ"રોટી કપડા ઓર મકાન" ને પણ.
ફ્રેન્ડઝ,દિલ્હીની ઉત્પત્તિના મૂળ છેક મહાભારત કાળમાં મળી આવે છે મહાભારતનું ઇન્દ્રપ્રસ્થ એ જ અત્યારનું દિલ્હી એવું કહેવામાં આવે છે.દિલ્હીનાં રાજા પૃથ્વીરાજ ચૌહાણના અભિન્ન મિત્ર અને રાજકવિ ચંદ બરદાઈ ની રચના "પૃથ્વીરાજ રાસો"(જે વીર રસથી ભરેલું હિન્દી નું પ્રથમ મહાકાવ્ય ગણાય છે) માં તોમર વંશના રાજા અનંગ પાલ દ્વિતીય ને દિલ્હીના સ્થાપક ગણાવ્યા છે.યમુના નદીના કિનારે અરવલ્લી પર્વતમાળાની નજીકમાં વસેલું દિલ્હી અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે અને એટલે જ કેટલીક ઐતિહાસિક ઇમારતોનો વારસો આ શહેર ધરાવે છે.દિલ્હીને ઐતિહાસિક શહેરની ઓળખ આપતી ઇમારતોમાં એક છે કુતુબમિનાર લાલ પથ્થરથી બનાવેલી દુનિયાની બીજી સૌથી મોટી મિનાર હોવાનું ગૌરવ કુતુબમિનારને મળેલું છે વિજય પ્રતીક તરીકે કુતુબુદ્દીન ઐબકે આ મિનારનું નિર્માણ કરાવ્યું હતું તેમ કહેવાય છે.તમે બહારથી તેની વિશાળતાનો નજારો માણી શકો છો થોડા દાયકા પહેલા આ મિનારો અંદરથી નિહાળવાનું શક્ય હતું, પણ પછી મિનારમાં પ્રવેશ નિષેધ લદાયો અને પ્રવાસીઓ હવે માત્ર તેને બહારથી જ જોઈ શકે છે. જો કે રેટ્રો ની મેટ્રોમાં ઐતિહાસિક દિલ્હીની સફર કરી રહેલા મિત્રો કુતુબ મિનારને અંદરથી જોવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે તેમ છે.કઈ રીતે ? 1963 માં આવેલી ફિલ્મ"તેરે ઘર કે સામને" નું ગીત"દિલ કા ભંવર કરે પુકાર...." અને તેનું ફિલ્માંકન યાદ કરો.આ આખું ગીત કુતુબ મિનારમાં ફિલ્માવાયું છે.તો વળાંકદાર સીડી પર દેવાનંદ અને નૂતન સાથે કુતુબ મિનાર જોવાની મજા આવીને કુતુબ મિનાર ની પાસે જ કાટ ન લાગે તેવા લોખંડનો બનેલો એક ઊંચો થાંભલો છે જેના પર બ્રાહ્મી લિપિમાં લખાયેલો લેખ જોવા મળે છે.વિષ્ણુપાદ ગિરી નામના પહાડ પર આ થાંભલો બનાવવામાં આવ્યો હતો તેવું આ લેખમાં જણાવ્યું છે.
દિલ્હીનાં માર્ગો પરથી પસાર થતાં 1964 માં આવેલી ફિલ્મ ઈશારા ના એક ગીતમાં હીરો જોય મુખર્જી સાઈકલ પર મજા થી "ચલ મેરે દિલ લહેરા કે ચલ..."ગીત ગાતા ગાતા આપણને પણ દિલ્હીના જુદા જુદા સ્થળોની સફર કરાવે છે એ ગીત યાદ આવ્યુંને?આ "ઈશારા" ફિલ્મનું એક બીજું ગીત પણ છે જેમાં દિલ્હીની એક ઐતિહાસિક ઈમારત બેક ડ્રોપ તરીકે હાઈલાઈટ થાય છે.એ ઇમારત એટલે હુમાયુનો મકબરો.જોય મુખર્જી અને વૈજયંતીમાલા પર પિક્ચરાઈઝ એ ગીત હતું "દિલ બેકરાર સા હૈ હમકો ખુમાર સા હૈ..." બાદશાહ હુમાયુ ની પત્ની હમીદાબાનુ બેગમે પ્રેમના પ્રતિક તરીકે હુમાયુની યાદમાં આ મકબરા નું નિર્માણ કરાવ્યું જેમાં કુરાનમાં વર્ણવેલ સ્વર્ગના ચાર બાગની પ્રતિકૃતિ જેવા પાણીની નહેરો સાથેના ચાર બગીચા ઈમારતને ભવ્યતા બક્ષે છે.અને ફિલ્મના આ ગીત માં તે આપને જોઈ પણ શકીએ છીએ.ચાલો હવે
દિલ્હીમાં પાંગરતી કથા સાથે 1981 માં આવેલી ફિલ્મ ચશ્મે બદુર કે જેના ઘણા બધા દ્રશ્યો નું શૂટિંગ દિલ્હીના વિવિધ સ્થળોએ થયું હતું તે યાદ કરતાં કરતાં આપણે આગળ વધીએ.લ્યો પહોંચી ગયા આપણે લોધી ગાર્ડન જે દિલ્હીનું એક ઐતિહાસિક આકર્ષણ છે.પહેલાં તે વિલીંગ્ટન ગાર્ડન તરીકે ઓળખાતું હતું ગાર્ડનમાં ફુવારા,તળાવ, વિવિધ પુષ્પો ધરાવતા છોડ અને જોગિંગ ટ્રેક પણ છે.મોહમ્મદ શાહ,સિકંદર લોધી ઉપરાંત સૈયદ અને લોદી વંશના અન્ય વંશજોના મકબરા પણ છે આ ઉપરાંત શીશ ગુમ્બદ અને બડા ગુમ્બદ તથા અઠપુલા પણ મુખ્ય ઇમારતો તરીકે આ ગાર્ડનમાં સ્થાન પામી છે.વિવિધ પ્રકારના પક્ષીઓ આખું વર્ષ અહીં જોવા મળે છે. મિત્રો લોધી ગાર્ડનમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે 1965 માં આવેલી ધર્મેન્દ્ર માલા સિંહા અભિનીત ફિલ્મ નીલા આકાશનું એક ગીત"આપકો પ્યાર છુપાને કી બુરી આદત હૈ.." લોધી ગાર્ડનમાં શુટ થયું હતું.તો 1981 ની ફિલ્મ "સિલસિલા" કેમ ભુલાય? અમિતાભ બચ્ચન અને રેખાના કેટલાક રોમેન્ટિક દ્રશ્યો નું શૂટિંગ લોધી ગાર્ડનમાં થયું હતું ,રેટ્રો ભક્તો આ ફિલ્મ નાં સદાબહાર ગીત"યે કહા આ ગયે હમ..."માં પણ લોધી ગાર્ડનની સુંદરતા જોવા મળે છે.
દિલ્હીના જોવાલાયક ઐતિહાસિક સ્થળોમાં જામા મસ્જિદ, હૌજ ખાસ ફોર્ટ, તુઘલકાબાદ ફોર્ટ, જંતર મંતર અને અગ્રસેન બાવલી જેવાં સ્થળોની મુલાકાત પણ લેવા જેવી છે તો એ સ્થળો પર લટાર મારી ચાંદની ફિલ્મને યાદ કરતા કરતા આગળ વધીએ.આ ફિલ્મના ઘણા બધા સીન્સ દિલ્હીના જુદા જુદા લોકેશન પર શૂટ થયા જેના બેક ડ્રોપમાં ઇન્ડિયા ગેટ,રાષ્ટ્રપતિ ભવન જેવા સ્થળો દેખાય છે.દર 15 મી ઓગસ્ટે ધ્વજવંદન કરતી વખતે આપણે જે વિશાળ ઐતિહાસિક ઈમારત નિહાળીએ છીએ તે દિલ્હીના લાલ કિલ્લાની મુલાકાત લઈએ.મોગલ બાદશાહ શાહજહાં એ 1638 માં પોતાની રાજધાની આગ્રા થી દિલ્હી શિફ્ટ કરી ત્યારે દિલ્હીમાં આ કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું.લગભગ ૯ વર્ષનો સમય તેના નિર્માણમાં લાગ્યો હતો.તેની ડિઝાઇન તાજમહાલના આર્કિટેક્ટ ઉસ્તાદ અહમદ લાહોરીએ તૈયાર કરી.લાલ માટીના પથ્થરોના ઉપયોગને કારણે તેનો રંગ લાલ હોવાથી તે લાલ કિલ્લા તરીકે ઓળખાય છે લાલ કિલ્લા નામે 1960 માં પ્રદર્શિત ફિલ્મનું એક ગીત"ન કિસી કી આંખ કા નૂર હું..."આ "લાલ કિલ્લા"માં શુટ થયું હતું. દિલ્હીમેં પુરાના કિલ્લા ના દેખા તો ક્યા દેખા? પુરાના કિલ્લાનું નિર્માણ શેરશાહ સુરી નામના બાદશાહે 1538 થી 1545 ના સમયગાળામાં કરાવ્યું હતું એમ કહેવાય છે. કિલ્લાના મુખ્ય ત્રણ પ્રવેશ દ્વાર છે.ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બનેલા આ ત્રણેય દરવાજામાંથી અત્યારે માત્ર પશ્ચિમ દરવાજાનો જ ઉપયોગ થાય છે.વિશાળ દિવાલ અને અષ્ટભુજી સ્તંભ ધરાવતા આ કિલ્લામાં બાદશાહ હુમાયુ નું પુસ્તકાલય હતું કહેવાય છે કે પુસ્તકાલયમાંથી વજનદાર પુસ્તકો લઈને કિલ્લાની સીડી ઉતરતી વખતે અકસ્માતે હુમાયુ સીડી પરથી ગબડી પડ્યા હતા અને એમનું મૃત્યુ આ કિલ્લામાં જ થયું હતું. આ પુરાના કિલ્લાનો વિશાળ દરવાજો અને પરિસરમાં ફિલ્મ વીર ઝારા નું શૂટિંગ થયું હતું.ફિલ્મના પોસ્ટરમાં પણ પુરાના કિલ્લા નજરે ચડે છે. ઐતિહાસિક દિલ્હીની સફર પરથી પાછા ફરતા દિલ્હીમાં શૂટ થયેલી અન્ય ફિલ્મો યાદ કરીએ.કયામત સે કયામત તક, કભી ખુશી કભી ગમ,રંગ દે બસંતી, ફના,ચીની કમ,ચક દે ઇન્ડિયા,જબ વી મેટ,દિલ્હી -6,ચલો દિલ્હી, દિલ્હીબેલી,કિક,પિકે,પીકુ,બજરંગી ભાઈજાન, ઓહો કેટલી બધી ફિલ્મો અહીં શૂટ થઈ છે એ જ બતાવે છે કે બોલીવુડને શૂટિંગ લોકેશન તરીકે દિલ્હી કેટલું આકર્ષે છે. બોલિવુડ ની ફિલ્મો અને દિલ્હી વિશે વાત કરતા કરતા લ્યો આવી ગયા આપણે માતૃ ભારતીના પ્લેટફોર્મ પર.ફરી મળીશું બોલીવુડની રસપ્રદ વાતો સાથે યે વાદા રહા.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.