Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - માસ્ટર આન્સર કી

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - માસ્ટર આન્સર કી

શીર્ષક : માસ્ટર આન્સર કી
©લેખક : કમલેશ જોષી

જિંદગીના છેલ્લા પડાવો પાર કરી રહેલા એક વડીલને હમણાં હું મળવા ગયો. એ બહુ ચિંતનશીલ હતા. એમની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું હતું. થોડી ઔપચારિક વાતો કરી એ ચૂપ થઈ ગયા. હું સમજી ગયો તેઓ કશુંક વિચારી રહ્યા છે, કશુંક ગોઠવી રહ્યા છે, કંઈક ઇમ્પોર્ટન્ટ ગડમથલ એમના મનમાં ચાલી રહી છે. બે પાંચ મિનિટના મૌન પછી મેં પૂછ્યું, "શું વિચારમાં પડી ગયા દાદાજી?"
એમણે કહ્યું, "કંઈ નહિ." અને પછી સહેજ ખોંખારો ખાઈને કહ્યું, "તને શું લાગે છે? મારું રિઝલ્ટ શું આવશે?" એમણે મારી સામે જોયું. હું સમજ્યો નહિ. રિઝલ્ટ? રિઝલ્ટ તો કોઈ પરીક્ષા આપે એનું આવે ને? દાદાજીએ ક્યાં કોઈ પરીક્ષા આપી હતી? હું એમની સામે તાકી રહ્યો. એમણે ધીમે ધીમે મને સમજાવવા પ્રયત્ન કર્યો, "જો તું ઘણી વાર મારી પાસે તારા પ્રશ્નો, તારી જિજ્ઞાસાઓ લઈ આવે છે, અને ચર્ચા કરે છે, સત્સંગ કરતો હોય છે એટલે હું તને મારા મનમાં ચાલતી વાત કરું છું." આટલું બોલી સહેજ અટકી એમણે આગળ કહ્યું, "હવે હું ચાર-છ દિવસ કે ચાર-છ મહિના કે બહુ બહુ તો દોઢ-બે-ત્રણ વર્ષનો મહેમાન કહેવાઉં." મેં વચ્ચે જ કહ્યું, "એવું શું કામ બોલો છો દાદાજી?" એ તરત બોલ્યા, "તું સાંભળ તો ખરો..." કહી અટક્યા વિના એમણે વાત આગળ ચલાવી, "જિંદગીના સાત-આઠ દાયકા મેં જોયા, ઉતાર-ચઢાવ, પ્રશ્નો, સમસ્યાઓ, પ્રસંગો, સંબંધો, સુખદ-દુ:ખદ ઘટનાઓ, માન-અપમાનના પ્રસંગો મેં અનેક વાર ફૅસ કર્યા. એ સમયે મારી સમજ, વડીલોએ આપેલી શિખામણો, સંસ્કાર વગેરેનાં આધારે મેં મને જેવું આવડ્યું એવું વર્તન કર્યું. ક્યારેક હસીને વાત ટાળી, તો ક્યારેક વઢીને સામે વાળાને ચૂપ કર્યા, ક્યારેક કડવો ઘૂંટડો પી ગયો તો ક્યારેક કડવું ઝેર વાણી વાટે ઓકી નાખ્યું, ક્યારેક ઘા સહી ગયો તો ક્યારેક ઘા મારી લીધો પણ.." સહેજ અટકી એમણે ગંભીર સ્વરે કહ્યું, "હવે મારે જાણવું છે કે મારી જિંદગીનું રિઝલ્ટ શું આવશે? તને શું લાગે છે હું પાસ થઈશ કે ફેલ?" એ મારી સામે તાકી રહ્યા.

મને મારા દસમા ધોરણના દિવસો યાદ આવી ગયા. તમે પણ તમારી દસમાની પરીક્ષાના દિવસો યાદ કરો. પેપર પહેલા ભરેલા પરીક્ષા ફોર્મ, પહેલી વખત પડાવેલો પાસપોર્ટ સાઈઝનો ફોટો, સ્કૂલમાંથી મળેલી રિસીપ્ટ, અન્ય સ્કૂલમાં પરીક્ષા આપવા જવાનું માથું ફાડી નાખે એવું ટેન્શન અને ચોતરફથી થતો સલાહ-સૂચનોનો ધોધમાર વરસાદ. અમારા એક ટીખળી મિત્રે કહ્યું, "માનવજાતે બીજી ઘણી સારી બાબતો વિકસાવી છે. જેમ કે બાગ-બગીચામાં ફરવાની, બસ-ટ્રેન-પ્લેનમાં મુસાફરીની, મનોરંજન માટે ફિલ્મોની, ક્રિકેટની, ખાવા પીવા માટે હોટેલની, આનંદ ઉત્સાહ માટે પ્રસંગોની, તહેવારોની એ બધું કબૂલ પણ માનવ જાતની મોટામાં મોટી ભૂલ હોય તો દસમાની અને બારમાની બોર્ડની એક્ઝામ છે." અમે સૌ ખડખડાટ હસી પડેલા.

બ્રહ્માંડ આખામાં નિશાળનો કન્સેપ્ટ કદાચ પૃથ્વી નામના એક જ ગ્રહ પર અને એ પણ કેવળ ‘માનવ’ નામના સજીવોમાં જ વિસ્ક્યો છે. બાકી બધા સજીવોમાં ટીચિંગ આપવાનું કામ બચ્ચાના મમ્મી-ડેડી કે અન્ય ફૅમિલી મેમ્બર સંભાળે છે. એક માનવ સમાજમાં જ એવું છે કે માનવનું બચ્ચું જન્મે પછી થોડા સમય પછી સમાજના બીજા બચ્ચાઓ જોડે, નિશાળમાં એકડા-બગડા ભણવા જાય. અરે હા, અન્ય સજીવોના બચ્ચાઓ, જેમ કે ગલુડિયા, વાછરડા કે મદનિયાને તો એના મમ્મી-પપ્પા આવા હિસાબ-કિતાબમાં ઉપયોગી (અવયવ, વિસ્તરણ, કાચા-પાકા સરવૈયાનું તો પૂછતાં જ નહિ હોં, તેઓ તો સામાન્ય) એકડા-બગડાય શીખવતા નથી, એક માનવ બચ્ચાઓ જ એ ફોર એપલ, બી ફોર બોલ, ક કબુતરનો ક અને ખ ખડિયાનો ખ, એક ને એક બે અને ચાર તેરી બાર જેવું જ્ઞાન મેળવવામાં જિંદગીનો બહુ મોટો હિસ્સો ઇન્વેસ્ટ કરે છે. આપણા બાળકોને અન્ય સજીવોના બાળકો લકી લાગે એવી છેલ્લી વાત: અન્ય સજીવોને એસ.એસ.સી. કે એચ.એસ.સી. બોર્ડની એક્ઝામ પણ નથી હોતી.

હજુ હમણાં જ લગભગ પાંચ સાત લાખ બાળકો બોર્ડની પરીક્ષા આપી માંડ માંડ ફ્રી થયા છે અને રાહતનો શ્વાસ લઈ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષા અને રિઝલ્ટ વચ્ચેની બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા એટલે પેપર ચેકિંગ. અમે દસમું ભણતા ત્યારે અમારો એક ઠોઠ નિશાળીયો મિત્ર કહેતો, "પેપર ચેકિંગમાં બહુ ગોટાળા થાય છે, સાહેબો વાંચ્યા વિના ખાલી લીટા તાણતાં હોય છે, ચા પીને પેપર ચેક કરે તો વધુ માર્ક આપે અને ચા પીધા વિના પેપર ચેક કરે તો ઓછા માર્ક આપે, કેટલા માર્ક આપવા એ સાહેબના મુડ પર આધારિત હોય છે, સાહેબ પેપરનો ઘા કરે, જો ટોપલીમાં પડે તો પાસ અને બહાર પડે તો નાપાસ વગેરે વગેરે." આવા તો કેટલાય ગપગોળા એ જમાનામાં અમને સાંભળવા મળતા. મોસ્ટલી જે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં નાપાસ થયા હોય કે જેમને ઓછા માર્ક આવ્યા હોય એ લોકો આવી વાતો વધુ ચગાવતા. આવી વાતોમાં કોઈ દમ હોતો નથી.

પેપર ચેકિંગ એટલે વિદ્યાર્થીએ આન્સરશીટ માં લખેલો જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવું. અમારા ટીખળી મિત્રે પૂછ્યું, "કયો જવાબ સાચો છે એ નક્કી કોણ કરે?" એક હોંશિયાર મિત્રે સમજાવ્યું, "પેપર જેમણે સેટ કર્યું હોય એ શિક્ષકે, પ્રશ્ન પેપરની સાથે એનું આન્સર પેપર પણ તૈયાર કરી આપ્યું હોય, આવા આન્સર પેપરને આન્સર કી અથવા માસ્ટર આન્સર કી કહેવાય."

ઓહ, મને પેલા વડીલના પ્રશ્નનો જવાબ મળી ગયો. મેં એમને કહ્યું, "જો તમારી જિંદગીના દરેક દિવસે, પ્રસંગે તમે જે વાણી, વર્તન અને વિચારો કર્યા, એ માસ્ટર આન્સર કી મુજબના હશે તો તમે સોએ સો ટકા પાસ થઈ જશો." એ મારી સામે રહસ્યમય રીતે હસ્યા અને પછી પૂછ્યું, "જિંદગીની આ માસ્ટર આન્સર કી એટલે શું?" હું એમને તાકી રહ્યો. એમણે આગળ ચલાવ્યું, "હજુ હમણા જ રામનવમી ગઈ ને? એ રામ એટલે માનવ જગતમાં જન્મેલો સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી. એણે જીવનના તમામ પ્રસંગોના જે જવાબો લખ્યા, જે વિચારો કર્યા, વાણી બોલી અને વર્તનો આચર્યા એ સંસારના ક્વેશ્ચન પેપર રચયિતાએ નક્કી કરેલી માસ્ટર આન્સર કીને હન્ડ્રેડ પરસેન્ટ મેચ થતા હતા." આટલું કહી એ અટક્યા.
મને સમજાઈ ગયું. તેઓ ખરેખર તો મને ‘રામ જીવન’નો ફરીથી પ્રેક્ટીકલ વિચાર કરવાનું કહેતા હતા. હું પાછો ફર્યો ત્યાં સુધીમાં મારા મનમાં આખું રામ ચરિત્ર પસાર થઈ ગયું. ફૅમિલી માટે એમનો ત્યાગ, એમની વચન પાલનતા, એમની સુગ્રીવ સાથેની મિત્રતા, એમની રાવણ સાથેની શત્રુતા, એમની રામ રાજ્ય ઉભું કરવાની કુનેહ, સીતાના ધરતી પ્રવેશ સાથે જ એમનું સરયુ નદીમાં ઝંપલાવવું.. આ બધું જોતાં મને લાગ્યું કે અત્યાર સુધી આપણે જે જવાબો દીધે રાખીએ છીએ એની સામે જયારે પેપર ચેકિંગ થશે ત્યારે ચેકિંગ કરનાર ચિત્રગુપ્ત રાઈટની નિશાની કરશે ખરાં? મિત્રો આપણું જીવન, આપણી પરીક્ષા હજુ ચાલુ જ છે, આજનો રવિવાર રામ ચરિત્રનો ઊંડો વિચાર કરી આવતીકાલે નવી સપ્લીમેન્ટરી મળે એમાં આવતીકાલે પૂછાનારા નવા પ્રશ્નોના જવાબ લખતી વખતે હૈયે વસેલો રામ રીઝે એવો પ્રયત્ન કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)