“હે, પ્લીઝ, વોક સ્લોલી, આઈ એમ અનેબલ ટુ વોક સો ફાસ્ટ એઝ યુ” એ અવાજ સાંભળી ઉભો રહ્યો. એણે અવાજની દિશામાં પાછળ જોયું. એ એક સાંકડી
શેરીમાં ચડાણ ચડતો હતો. એના પાછળના ભાગે એનાથી વીસેક ફૂટ ત્રણ રસ્તા પડતા હતા. એક રસ્તો જમણી બાજુએ જઈને એક ઘરમાં પૂરો થતો હતો. બીજો રસ્તો ચડાણવાળો હતો જેના પર એ ચાલતો હતો. એના હાથમાં એક દસેક મહિનાનું બાળક તેડેલ હતું. બાળકના વાળ આછા ભૂખરા રંગના લાગતા હતા. બાળકનો બાંધો એની જેમ જ પાતળો હતો.
ત્રીજો રસ્તો એની ડાબી બાજુ જતો હતો. એણે પાછળ જોયું. એ ત્યાં ઉભી હતી. ધુમ્મસના કારણે એનો ચહેરો બરાબર દેખાતો ન હતો.
શ્યામની આંખ ખુલી ત્યારે એને સમજાયું કે એ એક સપનું જોતો હતો. ગરમીએ માઝા મૂકી હતી. મે મહિનો અંત તરફ આગળ વધતો હતો. રાતે ઊંઘતાં પહેલા શ્યામ કુલરની ટાંકી પાણીથી પૂરી ભરી નાખતો પણ એ જાગતો ત્યારે કુલરમાં પાણી તળીયે જોવા મળતું હતું.
એણે ઉભા થઇ કુલરની સ્વીચ બંધ કરી અને મોબાઈલ સ્ક્રીન ઓન કરી સમય પર નજર કરી. સવારના પાંચ વાગ્યા હતા. શાસ્ત્રોમાં કહ્યા મુજબ રાત્રીના છેલ્લા પ્રહર એટલે કે વહેલી સવારમાં જોયેલું સપનું સાચું પડે છે. જો સારું સપનું આવે તો પછી ઊંઘવું જોઈએ નહી.
સ્વપ્ન સારું છે કે ખરાબ એ વિચાર્યા વગર જ એ ઉભો થઈને નહાવા ગયો.
રોજની જેમ ભગવાનની પૂજા કરી એટલામાં બાળકો ટ્યુશન માટે આવી ગયા હતા. દોઢ કલાક પછી ટ્યુશનની બેચ પતી ત્યારે નવ વાગ્યા હતા.
“પપ્પા તને બોલાવે છે.” અનિરુદ્ધના શબ્દો એના કાને પડ્યા.
પિતાજીને એનું શું કામ હશે? એ વિચારોથી ડરતો એ પિતાજીના રૂમમાં ગયો ત્યારે પિતાજી મહોબત્તે ફિલ્મના અમિતાભ જેમ ગંભીર મુદ્રામાં બેઠા હતા.
શ્યામ નીચે ગયો ત્યારે એની રોજની સમસ્યા એની રાહ જોતી હતી. એના લગ્નની વાત એના માટે છેલ્લા કેટલાક સમયથી એક સમસ્યા બની ગઈ હતી.
મોટાભાઈએ સાફ કહી દીધું હતું કે એ સંસ્કૃતમાં પી.એચ.ડી. કર્યા પછી જ લગ્ન કરશે. શ્યામ બલીનો બકરો હોય એમ મમ્મી-પપ્પા એને લગ્ન માટે તૈયાર કરવા માંગતા હતા. સમાજમાં એના પિતાજીની સારી પ્રતિષ્ટા હતી એ લીધે સામેથી માંગા આવતા હતા. છેલ્લા છ મહિનાથી એ જેમ-તેમ કરી વાત ટાળતો રહેતો હતો.
લગ્નની વાત ટાળવા પાછળ એક કારણ હતું - સાટા પદ્ધતિ. જેટલા પણ માંગા આવતા હતા એમાં સાટાની શરત આવતી હતી. એ સાટામાં લગ્ન કરવા નહોતો માંગતો.
આ પ્રથા પ્રત્યે એને પહેલેથી જ અણગમો હતો. એનોફાયદો એ કે બંને પક્ષે લગ્ન ટકાવી રાખવા માટે પૂરતા પ્રયત્નો થાય પણ ગેરફાયદો એ કે એક પક્ષે લગ્ન તૂટી જાય તો બીજા દંપતીમાં મનમેળ હોય એ છતાં એમના લગ્ન તોડી નાખવામાં આવે અને ચાર જિંદગીઓ બરબાદ થઈ જાય.
ખરેખર, મોટાભાગના કિસ્સામાં સાટા પધ્ધતીના કારણે જ લગ્ન તૂટતા. શ્યામને કોઈ સગી બહેન નહોતી. એના કાકાઓ સાથે એના પિતાજીના એટલા સારા સંબંધ નહોતા. એ જાણતો હતો કે એના સાટામાં એની મામાની છોકરી શિલ્પાને આપવાની વાત મમ્મી વિચારતી હતી. એક બીજાની નણંદ-ભાભી બનેલી બે યુવતીઓ એક બીજાની કટ્ટર શત્રુ બની જાય અને બહેન સાથે ભાઈને બોલવાના પણ સંબંધ ન રહે એવું ઘણું પરિવારોમાં થતું એણે જોયુ હતું.
એના આ નિર્ણય પાછળ મરઘાંનો મોટો હાથ કહી શકાય. મરઘાંના લગ્ન એના ભાઈના સાટે અમદાવાદમાં થયેલા. મરઘાંનો ભાઈ દારૂડિયો હતો એટલે એની ભાભી એના ભાઈને છોડીને પિયર ચાલી ગયેલી. મરઘાંના પતિએ પોતાની બહેન સાથે થયું એનું વેર વાળવા માટે મરઘાંને નિર્દોષ હોવા છતાં ઘરમાંથી કાઢી મુકેલી. મરઘાંનો દારૂડિયો ભાઈ અકાળે મૃત્યુ પામેલો. મરઘાં એની વૃદ્ધ માતા અને બારેક વર્ષની પુત્રી સાથે એની સોસાયટીના નાકે નાનકડા કાચા ઘરમાં રહેતી હતી. એ એના ઘરે કચરા-પોતા કરવા આવતી અને એની મમ્મીને એના દુઃખની કહાની સંભળાવતી. એ કહાની એના મન પર અસર કરી ગયેલી.
“સત્યમ પી.એચ.ડી. પૂરું કર્યા પછી જ લગ્ન કરવા માંગે છે. તારે શું કરવાનું છે..? સારા સારા ઘરેથી માંગા આવે છે. કેટલાને ના કહેવાની મારે...? તારા મામાને પણ શિલ્પાના લગ્નની ઉતાવળ છે. તારી મમ્મી પણ ઘરમાં વહુ જોવા ઈચ્છે છે.” પિતાજી એક સાથે ઘણું બધું બોલી ગયા.
“તમને જે યોગ્ય લાગશે એમ કરીશ.” હિન્દી ફિલ્મોની હિરોઈન જેમ એણે જવાબ આપ્યો.
“એક છોકરી છે.”
કોઈ છોકરા સાથે તો એના લગ્ન નથી જ થવાના એમ વિચાર આવતા એને હસવાનું મન થયું પણ એ એમ કરી ન શક્યો કેમકે એ એના હંમેશા ગંભીર રહેતા પિતાજી સામે ઉભો હતો.
“થરાદના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. છોકરી એમ.બી.એ. કરે છે. વાત જામશે તો હું તને વધુ વાત કરીશ.”
“ભલે...” કહી એ રૂમમાંથી નીકળી ગયો.
હવે એને ગોલ્ડન પાર્કમાં હોમ ટ્યુશન લેવા જવાનું હતું. નવથી અગિયાર. માત્ર બે બાળકોનું ટ્યુશન. છોકરી નવમામાં અને છોકરો છઠ્ઠામાં. એ ભાઈ-બહેનને ભણવવામાં એને મજા આવતી. બંને બાળકો હોશિયાર હતા.
એ પોતાના સસ્તી કીમતના પ્લેટીના બાઈક પર ભણાવવા નીકળ્યો. એ ટ્યુશન પતાવી પાછો ઘરે આવ્યો ત્યારે સાડા અગિયાર થયા હતા. જમવાનું તૈયાર હતું. જમીને એ એના રૂમમાં ચાલ્યો ગયો.
ચાર વાગ્યા સુધી કોઈ કામ ન હતું. એ લેપટોપ પર ગીત સાંભળવા લાગ્યો.
સત્યા ફિલ્મનું ગીત ચાલતું હતું – સપને મે મિલતી હે, કુડી મેરી સપને મેં મિલતી હે.
એને એ સપનું યાદ આવ્યું.
સપનામાં જે છોકરી હતી એ કોણ હશે...?
સપનામાં બાળક એના હાથમાં હતું. એ બાળક એના જેવુ જ દેખાતું હતું. શું બાળક એનું જ હશે..?
તો પછી એ કોણ હશે...?
શું એ એની પત્ની હશે..?
એના વિચારો પર એને હસવું આવ્યુ.
સપનામાં યુવતીએ આઈ ડોન્ટ વોક સો ફાસ્ટ એઝ યુ કે આઈ કાન્ટ વોક સો ફાસ્ટ એઝ યુ કેમ ન કહ્યું? એ યુવતી આઈ એમ અનેબલ ટુ વોક સો ફાસ્ટ એઝ યુ એવું કેમ બોલી હશે?
એ ગીતો સાંભળતો - સપના વિશે વિચારતો ઊંઘીના હવાલે થઈ ગયો.
*
“સર... અમે આવી ગયા. ઉઠો.. ટ્યુશન ભણાવો અમને.” જયેશનો અવાજ સાંભળીને શ્યામ જાગ્યો.
ચાર વાગ્યે ફરી બાળકો ભણવા આવી જતા હતા. એ ઊંઘમાંથી જાગ્યો છતાં વિચારમગ્ન દેખાતો હતો.
“સર, કોઈ સપનું જોતા હતા કે શું?”
“તને કેવી રીતે ખબર પડી?”
“તમારા ચહેરા પરનો થાક જોઈને.”
“ચહેરા પરના થાક અને સપનાને શું લેવા દેવા?
“કેમ નહિ સર? સપનામાં આપણે કોઈ કામ કરીએ તો મગજ વાસ્તવિક પ્રતિક્રિયા આપે એમ થાકી જવાય છે.”
“તને આ બધી કેવી રીતે ખબર...?”
“સર, તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો..? નેટ ઉપર ડ્રીમ ઈન્ટરપ્રીટેશનની સર્ચ મારજો, બધી માહિતી મળી જશે.”
“એમ...?” એણે એક લાંબો શ્વાસ છોડતા કહ્યું.
“હા, ગુગલ હેઝ મેની આન્સર્સ ફોર યોર એની ક્વેશ્ચન.”
“હું ફ્રેશ થઈને આવું છે, તું ભણવા બેસ.”
“સર, સપનું શેના વિશે હતું એ તો કહો.”
“આવીને કહું...” કહેતો એ વોશરૂમ તરફ ભાગ્યો.
એ હાથ મો ધોઈને આવ્યો ત્યારે બીજા વિધાર્થીઓ પણ આવી ગયા હતા. ટ્યુશન પત્યું ત્યારે સાંજના છ વાગી ગયા હતા. જયેશ સિવાય બાકીના વિધાર્થીઓ ચાલ્યા.
“સર, સ્વપ્ન શું હતું...?”
શ્યામને ખબર હતી કે એ પીછો નહી મુકે. એણે જયેશને સપનાની વાત કરી.
“સર, મેડમ કેવા હતા..?” એ હસીને બોલ્યો.
“સાહેબની તો શરમ રાખ.”
“હું તો તમારા ભાઈ જેવો છું. ભાભી કેવા હતા બોલો...?”
જયેશના ફેમીલી અને શ્યામના ફેમીલી વચ્ચે ઘર જેવા સંબંધો હતા એટલે જયેશ એનાથી ડરતો નહી.
“કાલે રાત્રે પણ સ્વપ્ન આવ્યું, અત્યારે બપોરે પણ સ્વપ્ન આવ્યું પણ એ સ્ત્રીનો ચહેરો યાદ નથી આવતો.” એ બોલ્યો.
“હવે સપનું આવે ત્યારે એમનો ચહેરો ધ્યાનથી જોઈ લેજો..” એ બેગ લઈને બહાર નીકળી ગયો.
*
સાંજે સનરાઈઝ પાર્કમાં ટ્યુશન લઈને આવ્યો ત્યારે રાત્રીના આઠ વાગી ગયા હતા. જમીને એ એના રૂમમાં ગયો.
કેટલું સરળ અને સુખી જીવન હતું એનું...!
એ રાત્રે એણે જયેશની સલાહ મુજબ ગુગલમાં સર્ચ કરી. એણે ત્રણ સાઈટ ફેંદી. એમાંથી એકમાં એને રસ પડ્યો. અંગ્રેજીમાં માહિતી આપેલી હતી. એણે મનમાં ગુજરાતી કર્યું.
‘સપનામાં તમે ભવિષ્ય જોઈ શકો છો કારણ કે સુષુપ્ત મન સ્વપ્ન દ્વારા ભવિષ્યમાં બનનારી ઘટનાના તરંગો પકડી શકે છે.’
નીચે એનું ઉદાહરણ આપતા કેટલાક કિસ્સા હતા. સાઈટ એ કિસ્સા સાચા હોવાનો દાવો કરતી હતી. જોકે બધા કિસ્સા વિદેશી લોકોના હતા. એ કંટાળીને સુઈ જવા માંગતો હતો પણ ઉનાળાની ગરમી કદાચ ઘણી આકરી હતી. એણે કુલરમાં ફરી પાણી રેડ્યું અને ઈન્ટરનેટ પર સમય પસાર કરવા લાગ્યો. એકાએક કયાંક ક્લિક થયું અને એક સાઈટ ખુલી- મેરી મી ડોટ કોમ.
એને એ સાઈટમાં રસ પડ્યો. એણે સાઈટ પરના ફોર્મમાં વિગતો ભરી. એને ખબર નહોતી કે જે સપના વિશે જાણવા એ ઇન્ટરનેટ સર્ચ કરતો હતો ઈન્ટરનેટ એને એના એ જ સપના તરફ તાણી જઈ રહ્યું હતું.
નેમ: શ્યામ
એઝ: 24 યર્સ
લુક: ફેર
હોબી: રીડીંગ
એવી કેટલીયે વિગતો ભર્યા પછી એની પ્રોફાઈલ બની. એ એક ફ્રી સાઈટ હતી.
પ્રોફાઈલ બનતાં જ કેટલીક છોકરીઓની પ્રોફાઈલનું લીસ્ટ પોપ અપ થયું.
(1) રેશમા - સુરત
(2) આશા - મુંબઈ
(3) અર્ચના - સોનીપત
(4) હેત્વી - ભુજ
(5) સુચિત્રા - હૈદરાબાદ
બધા નામની ઉપરના ભાગે રેડ ફોન્ટમાં ફાઈવ પ્રોફાઈલ મેચિંગ વિથ યોર પ્રોફાઈલ લખેલું હતું
રાતના નવેક વાગ્યા હતા. ગરમીના કારણે ઊંઘ આવે એમ નહોતી માટે એ રમત કરતો હતો – એ નવરો હતો અને એ એના માટે ટાઈમ પાસ હતો.
એણે વિચાર્યું સુરત અને ભુજ તો ગુજરાતના શહેર એટલે પરિચિત. મુંબઈ પણ પરિચિત. હૈદરાબાદનું નામ સાંભળેલું પણ સોનીપત- સાવ અજાણ્યું નામ. સોનીપત કયા આવેલું છે એ જાણ્યા વગર કે જાણવાની ઈચ્છા વિના એણે ક્લીક કર્યું: અર્ચના- સોનીપત. ક્લીક કરતા જ સંપૂર્ણ પ્રોફાઈલ ખુલી.
નેમ: અર્ચના
લોકેશન: સોનીપત- હરિયાણા.
એઝ: 22 યર્સ
શ્યામને ટાઈમ પાસ કરવો હતો. એ આગળ વાંચવા લાગ્યો. પ્રોફાઈલમાં નીચે એક લીંક હતી - અબાઉટ મી.
એણે અબાઉટ મી પર ક્લીક કર્યું. મેં એક હેન્ડીકેપ લડકી હું કયા મેરી જિંદગી મે કોઈ નોર્મલ લડકા આ સકતા હે યે સવાલ મેં ખુદ કો પૂછતી રહેતી હું.
મજાક અને ટાઈમપાસ જેવા શબ્દો શ્યામના મગજમાંથી જાણે કે ઓગળી ગયા. એના હ્રદયમાં કોઈ અલગ જ લાગણી અનુભવી. એ જાણતો નહોતો કે એ લાગણીને શું નામ આપી શકાય. કદાચ પ્રેમ? ઘણીવાર વ્યક્તિ દયા બતાવે છે કે પ્રેમ એ સમજી શકતો નથી. શ્યામ પણ ન સમજી શક્યો. એને સમજાયું નહિ કે એ સહાનુભુતિ હતી કે પ્રેમની અનુભૂતિ હતી.
શ્યામે એ છોકરીનો ફોન નંબર મેળવવા પ્રયાસ કર્યો પણ પ્રોફાઈલમાં કયાંય નંબર નહોતો. ખૂણામાં એક તરફ ‘સેન્ડ હર એન ઈન્ટરેસ્ટ’ લખેલું હતું.
એણે ‘સેન્ડ હર એન ઈન્ટરેસ્ટ’ પર ક્લીક કરી ઈન્ટરેસ્ટ મોકલ્યો. એ સીરીયસ હતો. એને ખાતરી થઇ ગઈ કે એ ટાઈમપાસ નહોતો. એણે સાઈટ બંધ કરી. લેપટોપ સાઈડમાં મુક્યું. એ અર્ચના વિષે વિચારવા લાગ્યો. પ્રોફાઈલમાં એનો ફોટો પણ નહોતો. એને માત્ર એના નામ, ઉમર અને એ હરિયાણાના સોનીપતની હતી એટલી ખબર હતી. એ પણ જો કોઈએ પ્રોફાઈલ બનાવતી વખતે સાચી માહિતી ભરી હોય તો.
એના મનમાં શબ્દો દોડા દોડી કરતા હતા- મેં એક હેન્ડીકેપ લડકી હું. કયા મેરી જિંદગી મેં કોઈ નોર્મલ લડકા આ સકતા હે?
જે છોકરીને શ્યામે જોઈ નહોતી - અરે ફોટામાં પણ જોઈ નહોતી એ છોકરીના વિચારો એણે મગજમાંથી કાઢી ઊંઘવા પ્રયત્ન કર્યો પણ એ નિષ્ફળ થયો. એ વિચારો એનો પીછો છોડવા તૈયાર નહોતા.
અર્ચના કેવી હશે?
શું એ ધ ગર્લ વિથ ધ ડ્રેગન ટેટુની લીઝબેથ સેલેંડર જેવી મિતભાષી અને અંતર્મુખી હશે? એવી છોકરીને એ પસંદ ન કરી શકે એમ એને લાગ્યું. એણે એને નીરજા ભાર્ગવ, લજ્જા સન્યાલ અને શૈલજા સાગર જેવી અશ્વિની ભટ્ટની ભારતીય યુવતીઓ જેવી કલ્પવાનો પ્રયત્ન કર્યો. પણ એ નહોતો ઈચ્છતો કે એ એમાંથી એકેય જેવી હોય.
બરસાતની ટીના કે જે બોલવાનું બંધ જ ન કરે. ના, થોડા દિવસ મજા આવે પછી કંટાળી જવાય એવી છોકરીથી. એ એને કેટલીયે નવલકથાઓના સ્ત્રી-પાત્રો અને ફિલ્મ-નાયિકાઓ સાથે સરખાવતો રહ્યો પણ એનું મન સંતૃષ્ટ નહોતું.
આખરે એને એ ફિર તેરી કહાની યાદ આયીની પૂજા જેવી હશે એમ લાગ્યું. જીદ્દી, પાગલ અને અસીમ પ્રેમ કરનારી. એ યુવતીની કલ્પ્નનામાં જ એને ઊંઘ આવવા લાગી. વિચારોમાં રાતનો એક વાગી ગયો એનું પણ એને ભાન નહોતું. એ ક્યારે ઊંઘી ગયો એને ખયાલ ન રહ્યો પણ એની આંખો એ યુવતીને સપનામાં જોવા માટે જ ઊંઘી હોય એમ લાગતું હતું.
*
શ્યામ સવારમાં જાગ્યો ત્યારે એના શરીરમાં કળતર થતી હતી. કદાચ રાતે મોડો ઊંઘ્યો એના કારણે હશે એમ વિચારીને એ તરત જ નહાવા ગયો.
એ ટુવાલ વડે શરીર લૂછતો બહાર આવ્યો ત્યારે સાત વાગ્યા હતા. એને ચા – કોફીની આદત નહોતી.
પૂજા કરી સવારના નવેક વાગ્યા પહેલા તો એ વાંચવા પણ બેસી ગયો હતો. બારમાં ધોરણ પછી કોલેજ ન ગયો પણ હવે એને ગ્રેજયુએશન જરૂરી લાગતા એણે ઈગ્નુમાં બી.કોમ. ચાલુ કર્યું હતું. જુનમાં સેકન્ડ યરની એક્ઝામ હતી અને મે ચાલતો હતો એટલે વાંચન જરૂરી હતું.
એને ઓપન યુનિવર્સીટીમાં ભણવું પસંદ હતું. ન કોઈ બંધન, ન કોઈ સમયપાલન. મરજી આવે એમ ભણવાનું અને લાગે કે ભણાઈ ગયું એટલે પરીક્ષા આપવાની. એ અગિયાર વાગ્યા સુધી વાંચતો રહ્યો અને પછી લેપટોપમાં નેટ કનેક્ટ કરી જી-મેઈલ ચેક કર્યું.
ઈનબોક્સમાં એક નોટીફીકેશન મેઈલ હતો. એ મેઈલ મેરી મી ડોટ કોમ તરફથી હતો. સબ્જેક્ટ લાઈન હતી: યોર ઈન્ટરેસ્ટ એસેપ્ટેડ.
શ્યામે મેઈલ ઓપન કર્યો.
અર્ચનાએ ઈન્ટરેસ્ટ સ્વીકાર્યો હતો.
ક્લિક લોગીન ટુ રીડ મેસેજ. એની નજર છેલ્લી લાઈન પર ગઈ. એણે મેરી મી ડોટ કોમના લોગીન પર ક્લિક કર્યું. યુઝર અને પાસવર્ડ નાંખવાના ખાના પોપ અપ થયા. યુઝરનેમ અને પાસવર્ડ જે ગઈ કાલે જ બનાવ્યા એને યાદ હતા. યુઝરનેમ અને પાસવર્ડ નાખી એ લોગીન થયો. અર્ચનાએ એને એક ટૂંકો મેસેજ મોકલ્યો હતો: આપકા નંબર કયા હે? શ્યામે મેસેજના રીપ્લાયમાં પોતાનો મોબાઈલ નંબર લખ્યો.
*
જુન 2012નો એ દિવસ એના માટે એક નવી શરૂઆત લઈને આવ્યો. એ વાંચવામાં મગ્ન હતો. બપોરના બે વાગ્યા હતા. ત્યાંજ એના સેલફોનની રીંગ વાગી.
“હેલ્લો, કોણ.?”
“આપ શ્યામ હો?”
“હા, મેં શ્યામ પર આપ?”
“મેં અર્ચના... અર્ચના પ્રજાપતિ. આપને મુજે ઈન્ટરેસ્ટ ભેજા થા.”
પરીક્ષાની તૈયારીમાં અર્ચના એના મનના કોઈ ખૂણામાં સંતાઈ ગઈ હતી. પણ એકાએક એનો અવાજ સાંભળી પાછી એ મનના ખૂણામાંથી બહાર નીકળી આખા મનમાં ખુલ્લી જગ્યામાં હવા ફેલાય એમ ફેલાઈ ગઈ હતી.
“હા, બોલીયે...” શ્યામના અવાજમાં ખુશીનો ભાવ હતો. એનું હ્રદય આનંદથી નાચતું હોય એમ એને લાગ્યું.
“આપકો કેસી લડકી પસંદ હે?”
પ્રશ્ન જીવનમાં પહેલીવાર સાંભળ્યો હતો પણ જવાબ આપમેળે જ એના મોથી શબ્દો બની સરી પડ્યો, “જો બ્યુટી પાર્લર ન જાતી હો.”
અર્ચનાએ કંઈ જવાબ આપ્યા વગર કોલ કટ કરી નાખ્યો. એને લાગ્યું કે છોકરીને એનો જવાબ કાં’તો ફિલ્મી લાગ્યો હશે કે પછી પસંદ નહિ આવ્યો હોય. એને સમજાયું કે એ કહેવા માંગતો હતો મુજે સીધી સાદી સિમ્પલ લડકી પસંદ હે પણ એ બોલી ગયો બ્યુટી પાર્લર ન જાતી હો એસી.
એ અર્ચનાનો નંબર સેવ કરી ફરીથી વાંચવા બેઠો. ચારેક વાગ્યા હશે ત્યાં એને ફોન પર ટેક્સ્ટ મેસેજ આવ્યો- ઓનલાઈન આ જાઓ.
મેસેજ અર્ચનાના નંબર પરથી નહોતો છતાં એને ખાતરી હતી કે એ અર્ચનાએ જ કર્યો હશે.
એણે લેપટોપ ચાલુ કરી નેટ કનેક્ટ કર્યું. ફરી ટેક્સ્ટ મેસેજ આવ્યો- આપકા જી-મેઈલ કયા હે?
શ્યામે વળતો ટેક્સ્ટ કરીને એનું જી-મેઈલ આપ્યું. થોડી વારમાં એને જી-મેઈલ પર અર્ચનાનું ચેટ ઇન્વીટેશન મળ્યું. એણે એસેપ્ટ ક્લીક કર્યું અને તેમની વચ્ચે ચેટ ચાલુ થઇ. ચેટ કરવા માટે એની પાસે હિંગ્લીશ સિવાય કોઈ ઓપ્શન ન હતો. શ્યામના લેપટોપમાં હિન્દી ટાઈપીંગ થઇ શકતું નહી.
શ્યામ # આપને ફોન કયું કાટ દિયા થા?
અર્ચના # સોરી... મેરે પાસ કોઈ બાત બચી નહિ થી. દો ઘંટે તક મેં આપકે આન્સર પર સોચતી રહી ફિર આપકો ઓનલાઈન બુલાયા.
અર્ચનાએ સોરીનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. શ્યામને અર્ચનાનું અંગ્રેજી કાચું લાગ્યું. એ ખુશ હતો કે છોકરીને એનો જવાબ પસંદ આવ્યો છે ભલે મોડે મોડે, વિચાર્યા પછી પણ એના જવાબથી છોકરીને સંતોષ થયો છે.
શ્યામ # ઓકે. ઠીક કિયા. મેં ભી આપસે બાત કરને કો ઉત્સુક થા.
અર્ચના # સચ કહું તો મેં એક સિમ્પલ લડકી હુ. બ્યુટીપાર્લર કભી નહિ જાતી. મેં હેન્ડીકેપ હુ કયા આપ મુજે પસંદ કરોગે..?
શ્યામ # વાય નોટ...? તુમ હેન્ડીકેપ હો ઈસલીયે તો મેને તુમ્હે સિલેક્ટ કિયા. આપકી વો લાઈન મેરે દિલકો છુ ગઈ ઔર મેને આપકો ઇન્ટરેસ્ટ ભેજા. આઈ વિલ એસેપ્ટ યુ.
એને ખબર પણ ન પડી કે એ આપ અને તુમ બંનેનો ઉપયોગ કરવા લાગ્યો હતો.
અર્ચના # પર મેં ચલ નહિ સકતી. મેરે એક પેરમેં પોલીઓ હે. સ્ટીકસે ચલ સકતી હું ઔર વહ ભી ધીરે ધીરે.
શ્યામ # મેને કહા ના મેં આપકો એસેપ્ટ કરુંગા. આપ જેસે હો વેસે હી આપકો અપના લુંગા.
એણે આ વખતે ધ્યાન રાખીને આપ શબ્દનો ઉપયોગ કર્યો.
અર્ચના # ઔર સુનાઈયે.
શ્યામ # આપ અપની ફોટો ભેજના.
અર્ચના # શામ કો ભેજુંગી. મોબાઈલસે ખીચકે લેપટોપ મેં લેના પડેગા.
શ્યામ # ઠીક હે.
બંનેએ એકબીજાને બાય કહ્યું અને ચેટ ખતમ થઇ. જોકે ખતમ થઇ ન કહેવાય કેમકે એ એમની પ્રથમ ચેટ હતી. એમના વચ્ચેના પ્રેમની શરૂઆત.
શ્યામે વર્તમાનપત્રોમાં વાંચેલું કે એચ.ટી.સી. એ ભારતમાં પ્રથમ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સીસ્ટમથી ચાલતો મોબાઈલ 2009માં લોન્ચ કર્યો હતો. એ બાળકોને જનરલ નોલેજમાં એ માહિતી આપતો.
જોકે 2012 સુધી પણ એને એન્ડ્રોઈડ જોવા મળ્યો ન હતો. વોટ્સ એપ શબ્દ એને કે એના વિદ્યાર્થીઓને ખબર ન હતી. ફોટા મોકલવા તેઓ મેઈલનો ઉપયોગ કરતા. ફોટા પાડવા કી-પેડ સેલફોનનો, મેસેજ માટે way2sms જેવા વેબ પોર્ટલનો અને ચેટ માટે ગુગલ ટોક.
એ બધા માટે દર મહીને બસો રૂપિયામાં એક જીબી નેટ પેક. ત્યારે તેઓ જે નેટ વાપરતા એ ટુજી છે એવી એને ખબર ન હતી અને થ્રીજી નેટ કે એમાં વધુ સ્પીડ હોય એવી એને કે એના સર્કલમાં કોઈને જાણ ન હતી એટલે એને ક્યારેય નેટ ધીમું ચાલે છે એવી ફરિયાદ ન રહેતી. ગુગલ ટોક પર ચેટ ન અટકે એટલે એ ખુશ. મેઈલ સેન્ટ થતાં અડધી મિનીટ અને ફેસબુક પર ફોટો અપલોડ કરવો હોય તો બે મિનીટ એ એણે સ્વીકારી લીધેલ સમય મર્યાદા હતી.
એણે વાંચવામાં મન પરોવ્યું હતું. સાંજે એના મોબાઈલમાં ટેક્સ્ટ આવ્યો- મેંને ફોટો ભેજ દી હે.
શ્યામે મેઈલમાંથી ફોટો ડાઉનલોડ કર્યો. ફોટો જોયો. ફોટો જોતા જ એને વારે ઘડીએ સતાવતું સપનું યાદ આવ્યું. એ સ્વપ્નની સુંદરીનો ચહેરો એને સ્પષ્ટ દેખાયો ન હતો પણ કહેવાય છે કે પ્રેમીઓ એક એવી દુનિયામાં જીવતા હોય છે જ્યાં દરેક અનુભૂતી ઉચ્ચ કક્ષાએ પહોચી જતી હોય છે. એને થયું અર્ચના જ છે એના સપનામાં આવતી એ અજાણી છોકરી. શ્યામના લેપટોપમાં એના પોતાના કેટલાક ફોટો હતા. એમાંથી બે ત્રણ એને સારા લાગ્યા એ અર્ચનાને મોકલ્યા.
ક્રમશ: