પ્રિય..
લખતાં તો કરી દીધું પણ મને ખબર નથી પડતી કે હવે આવું સંબોધન મેં કેમ કર્યું ?
એમાં નવાઈનું કારણ તો એટલું જ કે જયારે છેલ્લીવાર મળ્યાં ત્યારે પણ ગેરસમજ , નાદાનિયત અને એક ખોટાં અહમના ટુકડાં ક્યાં ઓગળ્યાં જ હતાં ?
સારી રીતે છૂટાં તો પડ્યા હતા પણ મનમાં કોઈક ચૂભન સાથે. તને યાદ હોય તો આપણે જયારે પણ મળીને છૂટાં પડતાં ત્યારે છેલ્લે એકવાર પાછળ ફરીને એકમેકને જોવાનું ન ભૂલતાં. તું ક્યાંકથી એવું જાણી લાવેલો કે મનગમતી વ્યક્તિને કે સ્થળને ફરી મળવાનો યોગ બનાવવો હોય તો ત્યારે બને જયારે એમની પર મનભરીને છેલ્લી નજર નાખી લેવાય !!
પછી એ હાસ્યાસ્પદ વાત આપણી મિલનનો વણલખ્યો નિયમ બની ગઈ હતી. એટલે જ કદાચ છેલ્લી મુલાકાત વખતે આપણે પાછું ફરીને નહોતું જોયું , હા, મેં તો નહોતું જ જોયું , તેં શું કર્યું હતું ? તેં પણ એમ જ તો કર્યું હશે , નહિતર તારા વિશ્વાસ પ્રમાણે આપણે સાડા ત્રણ દાયકા દરમિયાન એકમેકની આમનેસામને પણ ન થયા એ કેમ શક્ય બને ?
આપણે બંનેએ સ્વતંત્રરીતે નક્કી કર્યું હતું કે જે શાણપણ છૂટાં પડવામાં છે તે ભેગાં રહેવામાં નથી જ.
એક વાત તો માનવી પડેને કે કોઈ વાત પર આપણે પહેલે પ્રયાસે એકમત થયા હોય તેવું નહોતું બન્યું પણ ચલો એકબાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો વાળી વાત પર આપણે બેઉ એક જ શ્વાસે સહમત થઇ ગયેલા … વિના કોઈ હિચકિચાટે ... એ પણ કેવી વાત??
મને હંમેશ કેમ એવું લાગતું રહ્યું છે કે માણસે દિલથી લેવાના નિર્ણયો માટે પાવર ઓફ એટર્ની દિમાગને જ આપવી જોઈએ. ખરેખર તો એ વાત મને કદાચ તને મળ્યાં પછી સમજાતી રહી હતી , છતાં એવું કરવામાં પાછી પડી જતી પણ આખરે તો એ કુંપળ પાંગરીને જ રહી અને આજે હું જોઈ શકું છું કે આ સ્કીલ મારી રગ રગમાં ફેલાય ચૂકી છે,અફકોર્સ , થેન્ક્સ ટુ યુ .
તને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે આ નવી આદતો , માનસિકતા , સ્વભાવ , લાક્ષણિકતા પાંગરવા માટે શું ભોગ માંગી લે છે. જાણે પરકાયાપ્રવેશ , શરીરના તમામેતમામ ડીએનએનું રૂપાંતર ... ફિલસૂફી તો એને બહુ રૂપકડું નામ આપે છે : ગ્રોઈંગ, વિકસવું ... પણ જયારે ભીતરમાં કશુંક ઉગતું હોય અને તે પણ અણગમતું, એ આખી પ્રક્રિયા કેટલી પીડાદાયી હોય શકે તારી સમજની બહાર જ હોવાની એટલું તો હું ત્યારે પણ જાણતી જ હતી.
તારી પાસે ફક્ત પ્રશંશાનાં બે શબ્દ સાંભળવા મેં શું ઉધામા નહોતા કર્યા ? પણ , ના તને નહીં જ ખ્યાલ આવ્યો હોય કારણ કે તારામાં પોતાનાં સિવાય અન્ય કોઈને જોવાં, સાંભળવા કે સરાહવવા એવી માનસિકતા જ ક્યાં વિકસી હતી ? હું તો લાડથી એને નાર્સિસસ કોમ્પ્લેક્સ માનતી રહી હતી , બહુ મોડે મોડે સમજાયું કે જડતા પણ કેવા સુંદર વાઘાં પહેરીને આવે !!
હવે ક્યારેક તો મન એવા પ્રશ્ન કરી નાખે છે કે એના ઉત્તર જ ન મળે. તું ખરેખર પ્રેમમાં હતો પણ ખરો ? કે એ પણ મારો એક ભ્રમ જ હતો ?
તારા માટે તો પ્રેમમાં પડવું એટલે દર થોડે દિવસે ગિફ્ટ આપવી , અલબત્ત વિચાર વિનાની, જે મળી તે….કે પછી ગુલાબી ગુલાબનો ગુલદસ્તો અને એક કેડબરી થમાવી દેવી ..તારા મને એ પ્રેમ હતો .
કદાચ તને તો યાદ પણ નહીં હોય કે તેં મારી સત્તરમી વર્ષગાંઠે મોડી સાંજે બુકે આપેલો તેના ગુલાબી ગુલાબ બિચારા માંદા પેશન્ટ જેવાં લાગતાં હતા, જાણે વરઘોડે ચઢેલાં વરરાજાના હાથમાં હોય તે કલગી , અને તેની નીચે લગાવેલી ફોઈલ ચુથાઈને ચૂત્થો થઇ ગયેલી. મારું ધ્યાન ગયું છે એમ લાગતાં જ તે વાત સાચવી લેતા કહેલું , ” બોલ, પેલો પુષ્પ મિલનવાળો ફ્લોરીસ્ટ … મેં ચાર દિવસ પહેલાં ઓર્ડર આપેલો તો ય તૈયાર ન રાખ્યો, ને આવાં ફૂલ પકડાવ્યા ..”
ફલોરીસ્ટનો શું વાંક કાઢવો ? ઠેઠ સાંજે ઉદાસ ફૂલ પકડાવતાં તું ભૂલી ગયેલો કે ફૂલ ભલે સાંજે અપાય પણ સવારે બર્થડે વિશ તો કરી જ શકાયને ? પણ હકીકતે તું તો મારી વર્ષગાંઠ ભૂલી ગયેલો ....વાતને કઈ રીતે ઘૂમાવી કાઢવી એમાં તો તારી માસ્ટરી હતી ને !!
અને હા , મને પ્રિય ગુલાબ નહી ગુલછડી છે તે કદાચ તને ક્યારેય ખબર ન પડી . ક્યાંથી પડે ?
મારા ફેવરીટ કલરની પણ ક્યાં ખબર હતી તને ? યાદ છે એક દિવસ તું એક લીલા રંગનું કફ્તાન ક્યાંકથી ઉંચકી લાવેલો . કોઈક ઈમ્પોર્ટેડ સામાન વેચતાં આંટી પાસે. એ જમાનો હતો ફોરેનની ચીજોના ગાંડપણનો . એ પછી ક્રાફ્ટ ચીઝ હોય કે પેલું ચાર્લી પરફ્યુમ . યાદ છે ને બધાએ રૂ ૧૫૦ કાઢીને ખરીદેલું , એમ કહેલું ભાઈ આ તો ઓરિજિનલ છે. જાણે સોનું ખરીદ્યું હોય તેમ…તને તો એ પણ ખબર નહોતી કે ડાર્ક કલર્સ અને સિન્થેટીક કપડાંથી મને કેટલી એલર્જી છે. ડબલ સ્ટ્રેચેબલ મટીરીયલ અને એના લીલા બેકગ્રાઉન્ડમાં કેસરી ને પીળાં મોટાં મોટાં ફૂલની ડીઝાઇન મને આજે પણ યાદ છે ,કફતાન મને તો નહીં પણ મારી બાર વર્ષની ભત્રીજીને પણ નહોતું થયું .
અને તારી જીદ એ હતી કે એ ટાઈટ , કલરફૂલ કફતાન પહેરીને મારે તારા મિત્રની પાર્ટીમાં આવવું ....કારણ ? કારણ બધી હિન્દી ફિલ્મોની હિરોઈન આવા કફ્તાન પહેરીને પાર્ટીઓમાં મહાલતી એ ફોટોગ્રાફ્સ તારા મન પર સવાર હતા. પૂરાં પોણા બે કલાક ચાલેલા પણ આ ગજગ્રાહ પર હું ન માની ત્યારે તે મને જીદ્દી, જડસુ જ નહીં પણ શેક્સપિયરની શ્રુ કહીને નાવાજેલી .
તને કાયમ એવો ભ્રમ રહ્યો કે મને ક્યારેય કઈ સમજાતું જ નહીં , ઇકોનોમિકસ તો નહીં જ પણ ફિલ્મો ને સંગીત પણ નહીં ...એ વાત પણ સાચી , થોડે ઘણે અંશે ….તારા ટેસ્ટના સંગીત કે ફિલ્મ , વાંચન મને સ્પર્શતાં જ નહીં .
કદાચ એટલે જ તેં કહ્યું મારે આગળ ભણવા વિદેશ ન જવું , એટલે મેં નક્કી કર્યું મારે જવું જ. કારણ કે તારી સામે રહીને તે દોરી આપેલાં કેદખાનામાં ઘવાયેલી વાઘણની જેમ ઘૂર ઘૂર કરીને ગોળ ગોળ ફરતાં રહેવું મને મંજૂર નહોતું..
આજે જ્યાં ઉભી છું ત્યાંથી અતીતમાં નજર કરું છું તો મને સમજાય છે કે આપણાં લગ્ન માટે હરગીઝ ન માનનાર માબાપ કેટલાં દૂરંદેશીવાળા સમજદાર હતા. એ લોકો એ પરિસ્થિતિ જોઈ શકતા હતા જે આપણે બેઉ જોવા અસમર્થ હતા કે પછી જોવા જ નહોતા માંગતા.
ખુશીએ વાતની છે કે આપણી કહાણીમાં ન તો ખાધું પીધું ને રાજ કર્યું એવી નાટકીયતા છે ન તો દેવદાસ ને પારોની તડપ. આજે હું ખુશ છું મારી જિંદગીમાં , સાંભળ્યું છે તને પણ એવી જ પત્ની મળી છે જેવી તને જોઈતી હતી.
તને પણ જિંદગીએ ફરિયાદનો મોકો આપ્યો નથી તો આજે આ પત્ર શા માટે ? એવો પ્રશ્ન થયોને ? મને પણ થયેલો…
એક સાંજે અચાનક જ આ વિચાર સ્ફૂર્યો હતો. ગયા ઘણાં વર્ષો ને રહી ગયા ગણતરીના વર્ષો , મનને થયું કે જે લોકોએ જિંદગીને જીવવાલાયક બનાવી એ સહુને દિલથી થેન્ક યુ કહેવું તો બને છે ને ....વિચારતાં લાગ્યું કે એમાં સહુથી પહેલું નામ તો તારું જ હતું .
કારણ ન સમજાયું ??
મને લાગે છે કે એ વાત સમજી શકે એટલી સમજદારી તો હવે તારામાં વિકસી જ ચૂકી હશે પણ તો ય ન સમજાયું હોય તો કહી જ દઉં , જો તેં મને સમજવાનો એક પ્રયાસ કર્યો હોત કે પછી આપણે બંને થોડા પુખ્ત વિચારશીલ હોત તો?
..... તો એક વાત નક્કી છે કે મારું આકાશ આપણાં નહીં , તારા ઘરના કિચનની સિલિંગ સુધી જ હોત. કહેવાતાં ભર્યાંભાદર્યાં સંસારના સુખમાં એક પત્ની , મા તો બની હોત પણ હું પોતે તો ક્યાંક ખોવાઈ ગઈ હોત !! દરરોજ સાંજે કંઇક સુંદર અભિવ્યક્તિ કાગળ પર ઉતરવાને બદલે હું ધોબીની ડાયરીમાં કપડાં લખતી હોત.
તારો વાંક કાઢવો નકામો કહેવાય , તારી પ્રકૃત્તિ કહો કે માન્યતા એવી હતી કે ઘરમાં રાજ તો પુરુષનું જ હોય। ... પણ આ સમજદારી એ જમાનાની છે જયારે પૃથ્વી પર આલ્ફા વુમન નામની જાતિ અવતરી નહોતી.
એ વાતનો આનંદ પણ ખરો કે ધારો કે એક સાંજ આપણે મળ્યા…પણ આખા એ આયખાનું શું ? સાચે જ ,આખું આયખું આપણે એકમેક સાથે રહીને રોળી નાખ્યું હોત.
તારું મારી જિંદગીમાં આવવું નિશંકપણે એક સુંદર સંયોગ પણ આપણું સમજદારીથી છૂટાં પડવું એથીય સુંદર.
આજે આ પત્રનો અર્થ જ છે કે ખરાં અર્થમાં તને થેન્ક યુ કહેવું.. કારણ કે તને જણાવવાનું કે તારા આગમનથી જિંદગીને નવો અર્થ તો મળ્યો જ હતો એમાં કોઈ શક નથી પરંતુ તારાથી દૂર જતી મંઝિલ મારી પોતાની હતી જે મને એક મકામ પર લઇ ગઈ , હા અને જો તારું વર્તન પ્રેમાળ હોત તો ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડમાંથી કદાચ આપણે પતિ પત્ની જરૂર બન્યા હોત પણ જીવનસાથી નહીં , હું તારી અર્ધાંગિની બનવાને બદલે તારી પરછાઈ થઈને રહી ગઈ હોત..
હવે સમજાય છે કે આપણાં હિતેચ્છુઓને પ્રિય જ સંબોધાય. કદાચ જાણીને કદાચ અજાણતાં મારાં હિતેચ્છુ બનવા બદલ બિગ થેન્ક યુ…..
એ જ લિ…
--