A forced idol in Gujarati Short Stories by Amir Ali Daredia books and stories PDF | મજબુર મુરતિયો

Featured Books
Categories
Share

મજબુર મુરતિયો

અરીસામાં જોઈને રજનીશ માથુ ઓળી રહ્યો હતો. અને એને અરીસામા એના પ્રતિબિંબની પાછળ એની પ્રિયતમા નયના ઊભેલી દેખાણી.અને સાથે સાથ.એના ટહુકા જેવો અવાજ પણ સંભળાયો.
"એકદમ ખન્ના જેવા લાગો છો."
"એહે.આહા.આ હા હા હા.કોરા કાગજ થા યે મન મેરા."
રજનીશથી ગવાય ગયુ.અને નયનાએ એમાં સાદ પુરાવ્યો.
"લીખ દિયા નામ ઉસપે તેરા.તેરા.તેરા"
"હાલ ને ભાઈ બહુ પટીયા પાડ્યા. જલ્દી કર હવે."
બનેવી અમૃતલાલનો અવાજ સંભળાયો. ને રજનીશની તંદ્રામાં ખલેલ પડી.અને અરીસામા દેખાયેલી એની પ્રિયતમા નયના અરીસામા જ ઓગળી ગઈ.
"હા.આ.આવ્યો જીજુ. બે મિનિટમાં આવ્યો બસ."
ઝપાટાબંધ એ હોલમાં આવ્યો ત્યારે બધા રેડી હતા.બસ ફક્ત એની જ રાહ જોવાય રહી હતી.
અડધી કલાકે રજનીશ નો પરિવાર શહેરના વિખ્યાત ઉધ્યોગપતિ મનસુખ મહેતાના બંગલે પહોંચ્યો.
મહેતા અને એમના પત્નીએ ઘણા જ ઉમળકા ભેર એમનું સ્વાગત કર્યું.
ડાઇનિંગ હોલમાં પ્રવેશીને મહેતાએ રજનીશના પપ્પા સુરેશભાઈ ને સંબોધતા કહ્યુ.
"હવે રજનીશકુમારની ઓળખાણ તો કરાવો."
રજનીશ અને એના બનેવી અમૃતલાલ ની ઉંમરમાં ફક્ત ત્રણ જ વર્ષનો તફાવત હોવાથી મહેતાસાહેબ કન્ફ્યુઝ હતા કે આ બંનેમાંથી મુરતિયો કોણ હશે.? સુરેશભાઈ કંઈ કહે એ પહેલા જ રજનીશે પોતાના બંને હાથ જોડીને પોતાનો પરિચય આપતા કહ્યુ.
"હું રજનીશ.અને આ છે મારા જીજાજી અમૃતલાલ."
રજનીશની પરિચય આપવાની છટાથી મહેતાસાહેબ ઇમ્પ્રેઝ થયા વિના ન રહ્યા
"તો શું કરો છો તમે રજનીશકુમાર?."
"મારે કરવાનુ શું હોય?પપ્પાએ જે વૃક્ષ વાવ્યુ છે તે કેમ હર્યું ભર્યું રહે બસ એજ જોવાનું છે મારે."
રજનીશના ઉત્તરે મહેતા સાહેબને વધુ પ્રભાવિત કર્યા.
ટેબલ ઉપર નાસ્તો ગોઠવાઈ ગયો.ચા આવી ગઈ.પણ જેને જોવા આવ્યા હતા એ કન્યા હજી દેખાય ન હતી. આથી રજનીશની બહેને ટકોર કરી કે.
"દિવ્યા ક્યા?"
"આવતી જ હશે".
મિસિસ મહેતાએ કહ્યુ.અને પછી દિવ્યાને સાદ કર્યો.
"બેટા દિવ્યા.જલ્દી આવ.મહેમાનો તારી રાહ જુવે છે."
વાદળોને ચીરીને કોઈ પરી આવતી હોય એમ.પોતાના રૂમના પરદાને પોતાના બન્ને હાથે થી ખસેડીને.
રુપરુપના અંબાર સરીખી.ખૂબસૂરત દિવ્યાએ બેઠક ખંડમાં જેવી એન્ટ્રી કરી.કે વરપક્ષ તરફથી જોવા આવેલા. તમામ મહેમાનો મુગ્ધ થઈને.એને જોતા જ રહ્યા.
ત્યાં હાજર તમામ લોકોને હાથ જોડીને દિવ્યાએ નમસ્તે કર્યા અને પછી પોતાના પિતાની બાજુમાં રાખેલી ખુરશી ઉપર એ બેસી ગઈ.
એના પિતાએ રજનીશ તરફ ઈશારો કરતા દિવ્યાને કહ્યુ.
"બેટા.આ રજનીશકુમાર."
દિવ્યાએ રજનીશ તરફ સ્મિત ભરી નજરે જોયુ.
"તમારે એકબીજા સાથે કંઈ વાતચીત કરવી હોય તો ટેરેસ ઉપર જઈ શકો છો."
મહેતાએ કહ્યુ. અને દિવ્યા હા ના કરે એ પહેલા જ રજનીશે પોતાની જગ્યા પરથી ઉઠતા દિવ્યાને પૂછ્યુ.
"જઈશુ?"
હવે દિવ્યા પણ ઉઠી.અને બંને જણ ટેરેસ ઉપર પહોંચ્યા.
"દિવ્યા.આપણી વાત આગળ વધે એ પહેલા મારે તમારી આગળ કંઈક ખુલાસો કરવો છે."
દિવ્યાએ પ્રશ્નાર્થ ભરી નજર રજનીશ તરફ ફેંકી.અને રજનીસે ધડકતા હૃદયે ખુલાસો કર્યો.
"હું એક છોકરીને પ્રેમ કરું છુ."
દિવ્યા પહેલા તો ચોંકી ગઈ.પણ પછી એણે ધારદાર સ્વરે પ્રશ્ન કર્યો.
"તો પછી મને જોવા આવવાનુ કારણ?"
દિવ્યાના અવાજમાં રહેલા આક્રોશ ને રજનીશે પારખી લીધો.એણે કહ્યુ.
"તમારા આક્રોશ ને હું સમજી શકુ છુ. પણ હુ ઈચ્છીસ કે તમે પણ મારી મજબૂરીને સમજો."
"એવી તે શું મજબૂરી હોય કે પ્રેમ કોઈ બીજા સાથે.અને લગ્નના માગા કોઈ બીજાને.શુ અમારી લાગણીઓ નું કોઈ મૂલ્ય જ નહી?"
દિવ્યા તાડુકતા બોલી.
"પ્લીઝ.એક વાર મારી વાત સાંભળી તો લ્યો."
રજનીશ લગભગ કરગરતા બોલ્યો.
રજનીશની આંખો પણ ભીની થઈ ગઈ હતી.દિવ્યા એક નિશ્વાસ નાખતા બોલી
"ઠીક છે.કહો શું કહેવુ છે તમારે?"
"નયના એક અનાથ છોકરી છે.એને એની ફોઈએ ઉછેરીને મોટી કરી છે.અને અમે ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં છીએ.…."
રજનીશનું વાક્ય પૂરું થાય એ પહેલા લગભગ વડચકુ ભરતા દિવ્યાએ પ્રશ્ન કર્યો.
"તો એની સાથે કેમ નથી પરણતા?"
"હુ એ જ કહેવા જઈ રહ્યો હતો. કારણ કે એવો ગરીબ છે."
રજનીશે ત્વરિત ઉત્તર આપ્યો. દિવ્યા આશ્ચર્યથી રજનીશને જોઈ રહી.
"અને મારા મમ્મી પપ્પાને ગરીબ પરિવાર પસંદ નથી."
રજનીશે માંડ માંડ પોતાનું વાક્ય પૂરું કર્યું.
"તમે ખરેખર કેટલો પ્રેમ કરો છો નયનાને."
"ખૂબ જ ન માપી શકાય એટલો."
ગળગળા સાદે રજનીશ બોલ્યો.
"ખરેખર મને તમારા પ્રત્યે ખૂબ જ હમદર્દી છે.પણ હું ફક્ત તમારા માટે આ ગીત જ ગઈ શકું એમ છુ."
ચહેરા પર શરારતી સ્મિત લાવતા દિવ્યા બોલી.
"ક્યુ?"
રજનીશે રોતલ સ્વરે પૂછ્યુ.
"દેખો દેખો દેખો એ ડરપોક દુલા.વાદા કરકે જો ભુલા."
"હું ડરપોક નહીં પણ મજબૂર છુ."
"પ્રેમીઓએ મજબુર નહીં પણ મજબૂત થવું જોઈએ.પોતાના પ્રેમની વચ્ચે આવતી તમામ રુકાવટોનો સામનો હિંમત થી કરવો જોઈએ."
દિવ્યા બોલી.
"તમારી વાત સાચી છે દિવ્યા.પણ જનેતાનો સામનો કેવી રીતે કરવો?"
"અગર આપણો પ્યાર સાચો હોય તો મા-બાપ તો શું આખી દુનિયાનો પણ સામનો કરી શકાય મિસ્ટર રજનીશ."
રજનીશને પાનો ચડાવતા દિવ્યા એ કહ્યુ.
"નયનાને તો હુ છેલ્લા ત્રણ જ વર્ષથી ચાહું છુ.પણ મારા મા બાપ સાથેનો મારો સંબંધ ત્રેવીસ વર્ષનો છે.એમની ઉપરવટ જવાનું હું વિચારી પણ ન શકુ."
રજનીશની વાત સાંભળીને દિવ્યાએ ઍક ઉંડો શ્વાસ લીધો.અને પછી બોલી.
જો તમારા નસીબ સારા હશે તો હું તમારી કંઈક મદદ કરી શકીશ."
"કેવી રીતે?"
રજનીશે આશ્ચર્યપૂર્વક પૂછ્યુ.
"ચાલો પહેલા આપણે નીચે જઈએ." બંને જણા ટેરેસ ઉપર થી નીચે આવ્યા. બન્નેને જોઈને મહેતા સાહેબ ટહુક્યા.
"આવી ગયા?"
"પપ્પા મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.પ્લીઝ મારા રૂમમાં આવો."
"બે મિનિટમાં આવ્યો હં."
કહીને મેહતા સાહેબ દિવ્યા સાથે દિવ્યા ના રૂમમાં દાખલ થયા.
"બોલ બેટા.કેવો લાગ્યો રજનીશ?"
"પપ્પા છોકરો તો સરસ છે.પણ."
"પણ શુ બેટા?."
"એ મારી ફ્રેન્ડ નયનાના પ્રેમમાં છે."
"પેલી ફૂલવાળી નયના?"
મહેતાએ ચકિત થતા પૂછ્યુ.
"હા પપ્પા."
"તો અહીંયા શુ એ જખ મારવા આવ્યો છે.હમણા સાલા ની ખબર લઉ છુ"
મહેતા ઉશ્કેરાયા.
"શાંતિ.પપ્પા શાંતિ.એની મજબૂરી હું સમજી ગઈ.તમે પણ સમજો.અને થઈ શકે તો એની મદદ પણ કરજો."
દિવ્યાએ પપ્પાને રજનીશના હાલાત થી વાકેફ કર્યા.ત્યારે મહેતાએ દિવ્યાને કહ્યુ.
"ઠીક છે તું નયના ને ફોન કરીને અહીં બોલાવ.હુ જરા આ લોકો સાથે વાત કરી લવ."
મહેતાએ બેઠક ખંડમા આવતા જ કહ્યુ
"ખરાબ ન લગાડો તો સુરેશભાઈ. બે-ત્રણ પ્રશ્ન પુછુ?"
"હા.હા.જરૂર પૂછો."
સુરેશભાઈ અને એમના મિસિસે એકી સ્વરે કહ્યુ.
"રજનીશને તમે કેટલો પ્રેમ કરો છો?"
"આ કેવો સવાલ છે મનસુખભાઈ?"
અચંબિત થતા સુરેશભાઈએ પુછ્યુ.
"મારા સવાલની સામે તમે સામો સવાલ કર્યો.જવાબ ક્યા?"
"અત્યંત!અમારું તો ભવિષ્ય જ રજનીશ છે."
"અને રજનીશની ખુશી?"
"એની ખુશીમાં જ અમારી ખુશી છે."
સુરેશભાઈએ સહજતાથી કહ્યુ.
"હવે બીજો પ્રશ્ન.તમે લોકો મારી પાસેથી કેટલા કરિયાવરની આશા રાખો છો?"
"આ શું બોલો છો? અમે કંઈ કરિયાવરના લાલચી નથી.દીકરી ,આપો એટલુ પૂરતુ છે."
"વારુ.હવે ત્રીજો પ્રશ્ન.તમે તમારા દીકરા માટે કેવી વહુની આશા રાખો છો?"
"સંસ્કારી.કે જે પોતાના વર અને ઘર બંનેને સાચવી શકે."
"તમે કહ્યું કે તમે રજનીશને અત્યંત પ્રેમ કરો છો.તો પછી રજનીશ જેને પ્રેમ કરે છે એની સાથે કેમ એને પરણાવતા નથી?"
મહેતાએ મુદ્દાની વાત ઉપર આવતા સવાલ કર્યો.
"તમે એ છોકરી વિશે શુ જાણો છો? એ બે બદામની ફુલ વેચવાવાળી છોકરી છે."
રજનીશના મમ્મી આવેશથી બોલ્યા.
"તો શુ થયુ? છે તો સંસ્કારીને"
મહેતા સાહેબે દલીલ કરી.
તો સામેથી સણસણતો સવાલ આવ્યો
"જો તમારો છોકરો કોઈ ફૂલવાળી ને પ્રેમ કરી બેસે તો શું તમે એને એની સાથે પરણવા દો?"
"ચોક્કસ પરણવા દવ. દીકરાની ખુશીથી વધુ શુ હોઈ શકે? અને આપણા ઘરે આવ્યા પછી.આપણે આપણી વહુને કઈ રીતે રાખવી એ આપણા હાથની વાત છે."
બે પાંચ પળ મહેતા શ્વાસ લેવા રોકાણા અને પછી આગળ બોલ્યા.
"અને દીકરાની ક્યા વાત કરો છો.આ અમારી દિવ્યા.કોઈ રિક્ષાવાળાના કે કોઈ કરિયાણાવાળા ના પ્રેમમાં પડે તો પણ હું એની જ ખુશી જોઈશ.હા એ પાત્ર કેવુ છે એની તપાસ અવશ્ય કરીશ"
રજનીશના પપ્પા મહેતાસાહેબને જોઈ જ રહ્યા.એમની ઉદારતા આગળ પોતે વામણા છે એવું એમણે અનુભવ્યુ. પણ મહેતા સાહેબની ઉદારતા સાંભળવી હજી તો બાકી હતી.
"નયના ખૂબ જ સંસ્કારી છોકરી છે.હુ હાથ જોડીને તમને વિનંતી કરીશ.કે એને અપનાવી લ્યો.અગર એની ગરીબાઈ જ જો તમને નડતી હોય.તો હું કાયદેસર એને દત્તક લઈશ.અને તમે કહેશો એટલો કરિયાવર તમને આપીશ."
"કેટલા તમાચા હજુ મારશો મનસુખભાઈ?ડૂબી મરવા જેવું છે આ અમારા માટે.તમે અમારી આંખ ઉપર બાંધેલી પટ્ટી ખોલી નાખી છે."
રજનીશ ના પપ્પા ગદ ગદ સ્વરે બોલ્યા. અને એ જ વખતે નયનાની એન્ટ્રી થઈ. રજનીશના મમ્મીએ આગળ વધીને નયનાના ઓવારણા લીધા.અને રજનીશ છલકતી આંખે.અને કૃતાર્થ નજરે દિવ્યા ને જોઈ રહ્યો.અને દિવ્યા સ્મિત કરતા ગાય ઉઠી.
સફલ હુવી તેરી આરાધના.
કાહે તુ રોવે.
સમાપ્ત