Free Period fari nahi Bharay in Gujarati Women Focused by Ravi bhatt books and stories PDF | ફ્રી પિરિયડ હવે નહીં ભરાય..

Featured Books
Categories
Share

ફ્રી પિરિયડ હવે નહીં ભરાય..

એલિવેટર ધીમે ધીમે ઉપર જતું હતું અને યુગના ચહેરા ઉપર ઉત્સાહ બેવડાતો હતો. એલિવેટર જેવું પંદરમા માળે આવ્યું કે, યુગ ઉત્સાહ સાથે બહાર નીકળી ગયો. સિંધુભવન રોડ ઉપર થોડા સમય પહેલાં જ બનેલા ડુપ્લેક્સ હાઈરાઈઝમાં યુગે છ મહિના પહેલાં જ એપોર્ટમેન્ટ લીધો હતો. પોતાના પિતાના કોલસાની ખાણોની કાળી કમાણીના નાણા જ તેણે આ ચકાચોંધ ધરાવતા એપાર્ટમેન્ટમાં રોક્યા હતા.

યુગ આમ તો નામમાં અને કામમાં કંઈ ખાસ હતું નહીં છતાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં દસ જેટલા શિક્ષણ સંકુલનો એકમાત્ર ટ્રસ્ટી અને ગુજરાતની એક જાણીતી સ્કૂલનો પ્રિન્સિપાલ. યુગ પ્રબોધરાય તેવટિયા. કેન્દ્ર સરકારમાં દસ વર્ષ સુધી ખાણ અને ખનીજ મંત્રી તથા પાંચ વર્ષ કોલસા અને ઊર્જા મંત્રાલય ચલાવનારા પ્રબોધરાયના પિતા પણ રાજકારણી હતા. યુગને રાજકારણમાં રસ નહોતો પણ તે ધંધાના રાજકારણને બહુ સારી રીતે જાણતો હતો. આ યુગ આજે પોતાના નવા ફ્લેટમાં આવ્યો હતો.

એલિવેટરમાંથી બહાર આવીને ધીમે ધીમે ચાલતો ચાલતો અને કોઈ ગીત ગણગણતો યુગ પોતાના ફ્લેટના દરવાજે આવીને ઊભો રહ્યો. દરવાજાની બાજુમાં લગાવેલા આઈડેન્ટિફિકેશન સ્કેનર ઉપર તેણે કાર્ડ ટચ કર્યું અને દરવાજો ખુલી ગયો. યુગ અંદર ગયો અને તેણે બૂમ મારી શૈશુ ડાર્લિંગ...

યુગને જવાબ મળ્યો નહીં. યુગને સહેજ ચિંતા થઈ છતાં ચહેરા ઉપર એક વ્યાભીચારી સ્મિત લાવીને તે સીધો જ બેડરૂમ તરફ દોડ્યો. તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો પણ અંદર કોઈ નહોતું. તેણે બહાર આવીને ટીવી બંધ કર્યું અને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને નંબર ડાયલ કર્યો. તેને ફોનમાં તો રિંગ સંભળાઈ પણ સાથે સાથે જે મોબાઈલ રણક્યો હતો તે પણ ઘરમાં જ હોવાનો આભાસ થઈ ગયો. યુગ તરત જ મોબાઈલની રિંગની દિશામાં આગળ વધ્યો. રિંગ ઉપરના બેડરૂમમાંથી આવતી હતી. તેને લાગ્યું કે, શૈશુ ઉપર જ છે. તેણે તો ઉત્સાહમાં જ જેકેટ અને ચશ્મા ત્યાં જ ફર્શ ઉપર કાઢી નાખ્યા અને પગથિયા તરફ દોટ મૂકી. ઉપર પહોંચીને તેણે ત્રણેય બેડરૂમના દરવાજા જોયા. બે લોક અને એકની ઉપર ચિઠ્ઠી ચોંટાડેલી હતી.

એલેક્સા પ્લીઝ ઓન ધ લાઈટ... યુગ એટલું બોલ્યો અને સિડીઓ તથા ત્રણ બેડરૂમના એ ત્રિભેટા ઉપર અજવાળું ફેલાઈ ગયું. યુગે ચિઠ્ઠી જોઈ અને ત્યાં જ ફસડાઈ પડ્યો.

ચિઠ્ઠી ઉપર લખ્યું હતું કે, ડિયર યુગ... આજે ફ્રી પિરિયડ કેન્સલ છે અને હા ભુલથી પણ દરવાજો ખોલીને અંદર આવવાની હિંમત ના કરતો... મારું મરેલું મોઢું તું જોઈ નહીં શકે અને મને મરેલી જોયા પછી પોતાની જાતને તું બચાવી નહીં શકે. બીજી એક વાત, તારી ઓફિસના કમ્પ્યૂટરના ડી ડ્રાઈવમાં એક ફ્રી પિરિયડનું ફોલ્ડર બનાવ્યું છે. એક વખત ચેક કરી લેજે. આ ચિટ્ઠી ક્યાંય નાખતો નહીં નહીંતર મારી હત્યાના ગુનામાં ફસાઈ જઈશ અને પછી તારો બાપ પણ તને બચાવી નહીં શકે.

યુગ તરત જ એ ચિઠ્ઠી પેન્ટના ખિસ્સામાં સેરવી દીધી અને ભાગ્યો... નીચે આવીને તેણે ફ્લોર ઉપર જ પડેલા જેકેટ અને ચશ્મા ઉપાડ્યા અને બહાર દોડી ગયો. બહાર આવતા આવતા તો તેनाના ચહેરા ઉપર પરેસાવો બાઝી ગયો. નીચે આવતાની સાથે જ પોતાની આલિશાન કાર લઈને નાસી ગયો.

બીજી તરફ યુગના ગયાના થોડા સમયમાં જ પોલીસ આવી અને ચારેતરફ ચર્ચા ચાલી કે નવા જ બનેલા હાઈરાઈઝમાં એક યુવતીએ ગળાફાંસો ખાધો. કરોડોની કિંમતા ફ્લેટમાં એકલી રહેતી યુવતીએ આત્મહત્યા કર્યાના સમાચાર વાયુવેગે ફેલાવા લાગ્યા. યુગ હજી તો પોતાની સ્કૂલ તરફ આગળ વધતો હતો ત્યાં જ ફ્લેટના મેનેજરે ફોન કર્યો કે, સર તમારા ફ્લેટમાં શૈશવી મેડમની લાશ મળી છે. યુગે તેને સમજાવી દીધો. દરેક ચેનલ અને ન્યૂઝમાં વાત ફેલાઈ કે દુબઈના કોઈ એનઆરઆઈનો આ ફ્લેટ છે અને આ યુવતી તેમાં ભાડે રહેતી હતી.

યુગ પોતાની સ્કૂલમાં આવ્યો અને સીધો જ પોતાની કેબિનમાં ધસી ગયો. કેબિનમાં જતાં જતાં તેણે બહાર પ્યૂનને આદેશ આપ્યો કે, બે કલાક સુધી કોઈને અંદર આવવા દેતો નહીં. કોઈ મળવા આવે તો બેસાડજે...તેણે તરત જ પોતાનું કમ્પ્યૂટર ચાલુ કર્યું અને શૈશવીની ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણેનું ફોલ્ડર ખોલ્યું. તેમાં માઈક્રોસોફ્ટ વર્ડની બે ફાઈલ સેવ કરેલી હતી. એક ફાઈલ ઉપર ઈન્સ્ટ્રક્શન લખેલું હતું અને બીજી ઉપર ઓનલી ફોર યુ એમ લખેલું હતું. તેણે ડબલ ક્લિક કરીને ઈન્સ્ટ્રક્શન લખેલી ફાઈલ ખોલી અને તેની સાથે જ તેનો કાળો ભૂતકાળ અને કદાચ ભયાવહ ભવિષ્ય તેની સામે આવી ગયું.

શૈશવીએ સ્યૂસાઈડ નોટ લખી હતી. આ નોટ તેણે માત્ર યુગ માટે લખી હતી. તેણે શૈશવીએ લખેલો લેટર વાંચવાની શરૂઆત કરી.

 

ડિયર યુગ,

તું મને પહેલી વખત મળ્યો ત્યારે શ્રીમંતાઈના શીખરે હતો અને આજે તો સાતમા આસમાને છે. ત્યારે તને કોઈ પૂછનાર નહોતું અને આજે તને કોઈ પૂછી શકે તેમ નથી. તેમ છતાં એક વાતની ગેરન્ટી આપું છું કે, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર મારા લાઈવ સ્યૂસાઈડને જોઈને પોલીસ અત્યાર સુધીમાં તારા સુધી પહોંચી ગઈ હશે અને કદાચ તને ફોન પણ આવી ગયો હશે. તારા મેનેજરે તેને કહ્યું હશે કે તું આઉટ ઓફ સ્ટેશન છે પણ સાંજે સખણી રીતે પોલીસ સમક્ષ એક વખત જઈ આવજે, તને કંઈ નહીં થાય એની ગેરન્ટી મારી... હા... બીજી વાતની ગેરન્ટી આપું છું કે, આ કેસમાં તારું નામ નહીં આવે પણ તારે એક નાનકડું કામ કરવું પડશે. સોજિત્રા ગામે જે તારી નાનકડી પચ્ચીસ વિઘા જમીન છે તે તારે મારા પપ્પાના નામે કરવી પડશે અને પાંચ કરોડ રોકડા તારે તેમને મોકલી આપવાના છે. તને કદાચ આ વાંચીને મનમાં એવો વિચાર આવે કે હવે શૈશવી તો મરી ગઈ છે, હવે મને કોણ ફસાવી શકશે તો તારી ભુલ થાય છે. છેલ્લાં છ મહિનાથી તું આ ફ્લેટમાં દર ત્રીજા દિવસે આવતો હતો અને મારી સાથે ઘરમાં અને બેડ ઉપર જે રીતે સમય પસાર કરતો હતો તેના કેટલાક વીડિયો એક પેનડ્રાઈવમાં તારા જ ટેબલ ઉપર મૂકેલા ફાઉન્ટેનની નીચે બનાવેલા હિડન ડ્રોઅરમાં મૂકેલા છે. ઘરમાં લગાવેલા તારા કેમેરાના કારણે આપણા સંબંધો અને એપાર્ટમેન્ટના કેમેરામાં તારી આવનજાવન કેદ થયેલી જ હશે. પોલીસને આ કડીઓ જોડતા વાર નહીં લાગે. બીજી વાત, તને અગવડ ન પડે તે માટે તારી જમીનના પેપરના ડોક્યુમેન્ટ અને એક ખાલી બેગ તારી નવી લક્ઝુરિયર રેન્જ રોવર જે નવા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પડી રહી છે તેમાં મૂકેલા છે. તારા સ્વભાવ પ્રમાણે તું ચેક કરી જ લે જે... કારણ કે અત્યાર સુધી તને બ્લેકમેલ કરનાર કોઈ મળ્યું નથી. તું ભલે કોઈને ખાતરી ન આપતો હોય પણ હું તને ખાતરી આપું છું કે, મારા પપ્પાને આ બધું મળી જશે એટલે વીડિયોની ઓરિજિનલ પેનડ્રાઈવ કાયમ માટે આ દુનિયામાંથી વિદાય લઈ લશે. હવે જે બીજી ફાઈલ છે એ ચેક કરી લેજે.

યુગ બીજી ફાઈલ ઓપન કરે તે પહેલાં સામેની તરફ મૂકેલી ફિશટેન્ક અને તેની બાજુમાં રાખેલા ફાઉન્ટેન તરફ દોડ્યો. તેણે ફાઉન્ટેનની નીચે જોયું તો ખરેખર પેનડ્રાઈવ પડી હતી. પોતાના કમ્પ્યૂટરમાં પેનડ્રાઈવ લગાવીને ચેક કર્યું તો ખરેખર છેલ્લાં છ મહિના દરમિયાન તેમણે પસાર કરેલી અનેક અંગત પળો તેમાં સચવાયેલી હતી. યુગને પહેલી વખત ભય લાગ્યો. તેણે તરત જ બીજી વર્ડની ફાઈલ ખોલી જેમાં પણ અનેક ઘટનાઓ અને ઘટસ્ફોટ થવાના બાકી હતા.

તેણે વાંચવાની શરૂઆત કરી.

 

" મી. યુગ પ્રબોધરાય તેવટીયા,

આજથી દસ વર્ષ પહેલાં મને લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરીને ભાગી ગયેલો યુગ હવે મોટો બિઝનેસ મેન થઈ ગયો છે. મને ખબર છે કે, મને ઈમ્પ્રેસ કરવા માટે જ તે મને નોકરી રાખી લીધી હતી. તું કદાચ તારી ગિલ્ટને દૂર કરવા માગતો હોઈશ એવું મને ત્યારે લાગતું હતું. ધીમે ધીમે ફરીથી આપણા સંબંધો સુધરતા ગયા. તું મને ઘણી વખત ફ્રી પિરિયડમાં તારી કેબિનમાં બોલાવતો અને ક્યારેક પોતાના બદલે મને ફ્રી પિરિયડ લેવા મોકલી દેતો. હું મિત્રતા અને મનમાં દબાયેલા પ્રેમને કારણે આ કરતી ગઈ. તે ધીમે ધીમે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. મજબૂરીમાં લગ્ન અને છ મહિના પછી થયેલા ડાયવોર્સની તારી વાર્તાએ મને તારી તરફ વધારે ખેંચી અને ધીમે ધીમે તું મને બિસ્તર સુધી ખેંચી ગયો.

આ સિલસિલો એટલો વધી ગયો કે મારે સ્કૂલની સાથે સાથે તારા વિવિધ ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટમાં ફ્રી પિરિયડ ભરવા આવવું પડતું હતું. તને મારા શરીરમાં જ રસ હતો. જે મને અંતિમ ઘડીઓએ સમજાય છે. તારા કોઈ ડાયવોર્સ પણ થયા નથી. બે મહિના પહેલાં મારી મુલાકાત કાજલ સાથે થઈ હતી. તને કદાચ યાદ નહીં હોય કારણ કે પાંચ વર્ષ પહેલાં જ તે એને કાંદીવાલીની તારી સ્કૂલના ફ્રી પિરિયડ ભરવામાંથી મુક્ત કરી દીધી હતી. તારી ઘરવાળીએ તારા ફ્રી પિરિયડ પકડી પાડતા તારે અર્ધનગ્ન અવસ્થામાં નાસવું પડ્યું હતું. આ બધી વાત કાજલે મને કરી.

તારા આ નગ્ન ચારિત્રની મેં તપાસ કરી ત્યારે સમજાયું કે, તારી પત્ની દેશના શિક્ષણમંત્રીની જ દીકરી છે. તેણે તને ક્યારેય છોડ્યો જ નથી અને તે પણ તેને ક્યારેય છોડી નથી. તારી કરતૂતો તેને ખબર જ છે અને કદાચ એની કરતૂતો તને ખબર હશે અથવા તો નહીં હોય. મને એમાં રસ નથી. તારી દરેક શિક્ષણ સંસ્થાઓમાં તે મારા જેવી છોકરીઓને તારા શારીરિક ભુખના ફ્રી પિરિયડ લેવા માટે નોકરી રાખી હતી. તારા કાળા ભૂતકાળને સાચવવો હોય અને ભવિષ્ય ઉજ્જવળ રાખવું હોય તો મેં જે કહ્યું છે એ કરી દેજે. બીજી એક વાત જેટલી યુવાન છોકરીઓ તારા ઘરે ફ્રી પિરિયડમાં આવતી હતી તેમાંથી દસને મેં શોધી કાઢી છે અને એક એક પેનડ્રાઈવ આપી છે. આ બધાને એક-એક કરોડ આપીને પેનડ્રાઈવ કલેક્ટ કરી લેજે. એ બધાના એડ્રેસ તને આપવા માટે કાજલ પોતે જ આવી હશે. તે વેઈટિંગરૂમમાં બેઠી હશે... તું સીસીટીવી ચેક કરીને એને બોલાવી લે. પરમ દિવસે જે જમીનની ડિલ કરી હતી તેની રોકડ હજી તારી ઓફિસના લોકરમાં જ છે. તેમાંથી એક કરોડ કાજલને આપીને બાકીની 9 છોકરીઓના એડ્રેસ લઈ લેજે.

મને આશા છે કે, આ ઘટના પછી તું ક્યારેય તારી કોઈ સ્કૂલમાં ફ્રી પિરિયડ નહીં રહેવા દે અને તેને ભરવા માટે કોઈ યુવતિને પણ નહીં રાખે.

-    શૈશવી, એમએસી બીએ.ડ, ફ્રી પિરિયડ પીડિતા."

યુગે શૈશવીના લેટર પ્રમાણે જ સામેની તરફ લાગેલું ટીવી ઓન કર્યું તો વેઈટિંગ રૂમમાં કાજલ બેઠેલી દેખાઈ.