"ટુંકી વાર્તા સંગ્રહ"
કુલ ત્રણ વાર્તા
(૧)"સફેદ કાગળનું રહસ્ય '
બહુ ફાંફાં માર્યા ઘરમાં પણ કોરો સફેદ કાગળ ના મળ્યો.
પણ પછી માંડ માંડ એક સફેદ કાગળ મળ્યો.
ખુશ થઈ ગયો.હાશ.. ઘરમાં એક સફેદ કાગળ તો છે.
પણ પછી કેમ કાગળ શોધતો હતો એ યાદ રહ્યું નહિ.
કાગળ આગળ પાછળ જોયો તો કોરો જ દેખાતો હતો.
ના...ના..કોરો હોય એવું લાગતું હતું. પણ એ સફેદ કાગળ કોરો હોવા છતાં એના પર સુકાઈ ગયેલા આંસુના કાળા ટપકા દેખાયા.
હું ચમકી ગયો. મને કંઈક યાદ આવી ગયું.
મારી નજર દિવાલ ઘડિયાળ પર પડી.
ઓહ્..નો... આજે પણ ઘડિયાળ બંધ થઈ ગઈ!
મને એ દિવસ યાદ આવી ગયો.
એ દિવસે પણ ઘડિયાળ બંધ થઈ ગઈ હતી.
ઝટપટ સફેદ કાગળને એક ડાયરીની વચ્ચે મુકી દીધો.
અને રીટા પાસે આવીને બોલ્યો.
જલ્દી તૈયાર થઈ જા.
રીટા બોલી..પણ મનોજ આમ અચાનક ક્યાં જવું છે?
મેં કહ્યું કે આપણે પહેલી ગાડીમાં જ તારા પપ્પા અને મમ્મીને મળવા જવાનું છે. બહુ દિવસથી એમની ખબર કાઢી નથી.
તને તારા પિયર જવાનું મન થતું તો હશે.પણ તું મને કંઈ કહેતી નથી..
ચાલ.. તૈયાર થાય.આપણે અડધો કલાકમાં જ નીકળી જઈએ.
- કૌશિક દવે
(૨)"એકલો"
જો હું દુનિયામાં એકલો પડી જાઉં તો તું શું કરે? રોબર્ટ બોલ્યો.
હમમ...લીલીએ જવાબ હમમ.. આપ્યો.
ફરીથી રોબર્ટ બોલ્યો...લીલી જો હું ઘરમાં એકલો પડી જાઉં તો તું શું કરે?
લીલી મોબાઈલમાં તલ્લીન હતી.
સ્હેજ ત્રાંસી નજરે જોઈને હમમ... કહ્યું.
રોબર્ટ ગુસ્સે થયો.પગ પછાડતો બીજા રૂમમાં જતો રહ્યો..
બબડતો હતો કે મને લાગે છે કે હવે એકલો પડી ગયો..
લીલીએ જોયું.સ્હેજ સ્મિત કરીને મોબાઇલ સાઈડ પર મુક્યો.
ધીરે પગલે રોબર્ટ ની રૂમમાં ગઈ.
હસતા બોલી.. બોલો શું કહેતા હતા?
રોબર્ટના નાક પર ગુસ્સો હતો...
બબડ્યો...ના...ના.. હવે તો એકલા જીવતા શીખવું પડશે.મારી વાત પણ સાંભળવા તૈયાર નથી.
લીલી આ ધીમો બબડાટ સાંભળીને હસી પડી.
બોલી... તમે શું બોલ્યા હતા એ સાંભળ્યું હતું.પણ તમારો સવાલ જ એવો હતો કે જવાબ હમમ.... આપનો પડે.
જો તમે એકલા પડી ગયા હોત તો તમે કોની સાથે વાત કરતા.સમય કેવીરીતે પસાર કરતા? તમને ફીલ થાય એટલે હું બોલી નહિ.ને તમે ગુસ્સે થયા.. આ તમને એક દિવસમાં ગુસ્સો આવે છે તો છેલ્લા બે વર્ષથી તમે પણ ઓફિસથી આવીને પોતાના મોબાઈલમાં રચ્યાપચ્યા રહો છો.તમને બોલાવું કે તમારી સાથે વાત કરવા માગું તો પણ તમે મને સમજી શકતા નથી.પછી મને થયું કે આ તક આવી છે એ જવા દેવી નથી.હવે ખબર પડી કે એકલા પડી જવાથી શું થાય છે? છતાં પણ કોઈ દિવસ હું ગુસ્સે થઈ નથી.તમને ખુશ રાખવા કોશિશ કરું છું...
સોરી.. સોરી.. લીલી.. હવે એવું નહીં થાય.આપણે એકલા ક્યાં છીએ.આપણે તો સાથે સાથે છીએ.
- કૌશિક દવે
(૩)"અજાણ્યું આમંત્રણ"
એ સાંભળ્યું તમે
પણ તું બોલે તો સાંભળું ને! બોલ તું શું કહેવા માંગે છે?
આ તમને કોઈએ હાર્દિક આમંત્રણ આપ્યું છે.
પણ કોણ છે?
એ કોઈ કંકોત્રી છે.. લગ્નનું આમંત્રણ છે પણ મોકલનારને હું ઓળખતી નથી.કોણ હશે કહો તો ખરા.
બધાને તું ઓળખે એ જરૂરી નથી.કોઈ ઓફિસ સ્ટાફ કે મિત્ર વર્તુળનો હશે.લાવ મને વાંચવા દે.
લગ્ન બે દિવસ પછી છે. લોકો કંકોત્રી કેટલી મોડી મોકલે છે. લો તમે જ વાંચો.
કંકોત્રી હાથમાં લીધી.ને પતિદેવે વાંચી.
બોલ્યા:- હા.. લગ્નનું આમંત્રણ છે પણ મોકલનારને હું ઓળખતો નથી. કદાચ ભૂલથી આપણા સરનામે મોકલી હશે.નામ મારું છે તો ભૂલ ના હોય.
હશે.. અજાણ્યા લાગતા મિત્રનું આમંત્રણ હશે. આપણે લગ્નમાં જઈએ એટલે ખબર પડે. વ્યવહાર તો કરવો પડે.કદાચ તમે એને બીજા નામે ઓળખાતા હશો. જો ના જઈએ તો પણ ખોટું. આમંત્રણ એટલે આમંત્રણ..એ બહાને લગ્નમાં જમવાનું પણ થશે ને ઓળખાણ પણ થશે.
ના..ના..જેને ઓળખતા નથી એના ઘરે જવાય નહીં.આજકાલ તો વોટ્સએપ પર ઈ કંકોત્રી આમંત્રણ હોય છે.મારા મિત્રો તો વોટ્સએપ પર જ મોકલે છે.
એટલામાં દરવાજાની સાંકળ ખખડી.
બૂમ પડી..
એ મહેશભાઈ..એ મહેશભાઈ.. ઘરમાં છો?
એ આવો...આવો.. મહેશભાઈ..આમ અચાનક!
સોરી.. હોં..
પણ કેમ સોરી?
મારી એક કંકોત્રી તમારા ઘરે ભૂલથી આવી હશે.મારા સગાની છે.. એમણે મને કોલ કરીને કહ્યું કે તમારા ઘરે કંકોત્રી મોકલી છે.
ઓહ્...હા..હા...મારા ઘરે એક અજાણી કંકોત્રી આવી છે.
હું તો ભૂલી જ ગયો કે તમારું નામ પણ મહેશભાઈ છે.મારો ૧૯ નંબર છે ને તમારો ૨૯. કદાચ ભૂલ જ થઈ છે.
મહેશભાઈ એ મહેશભાઈને કંકોત્રી આપી.
હા...હા..આ મારી જ છે. હમણાં એમણે વોટ્સએપ પર પણ મોકલી છે. મને ટપાલીએ કહ્યું કે તમારી ટપાલ ભૂલથી ૧૯ નંબરમાં આપી દીધી છે. મારે હાઈસ્કૂલમાં પણ આવું થતું હતું. પરીક્ષા હું આપું ને એ પાસ થઈ જાય ને હું ફેઈલ.સરખા નામનો ગોટાળો.પછી સુધારો થતો હતો..સોરી.. મહેશભાઈ.. હોં..અને થેંક્યૂ..
- કૌશિક દવે