Andhari Raatna Ochhaya - 16 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૬)

Featured Books
Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૬)



ગતાંકથી....


કાર પુરપાટ વેગે દોડી રહી હતી એક સાંકડી ગલી આવતા જ કારે એકાએક બ્રેક મારીને અચાનક જ વળાંકમાં જ અકસ્માત થતા થતા રહી ગયો. એક બાઈક વાળા સાથે અથડાતા અથડાતા જ કાર રહી ગઈ. બાઈક વાળા એ બૂમ પાડી તેની સાથે જ રસ્તા પર જતા આવતા બે ચાર માણસોએ પણ બુમાબુમ કરી મૂકી. જાણે કે એકાદ ભયંકર અકસ્માત થઈ ગયો ન હોય!

હવે આગળ....
પરંતુ તે વખતે પ્રશાંતની બુદ્ધિ અને કાર્યતત્પરતાએ કમાલ કરી . અસાધારણ સ્પીડથી તેને ગાડીનું સ્ટીયરીંગ ફેરવી એક ક્ષણમાં જ ગાડી ફેરવી લીધી.સહેજ વારમાં એક મોટો અકસ્માત થતો રહી ગયો.
ફરીથી કાર પોતાની જવાને રસ્તે આગળ વધ્યા પછી મયંકના મોઢામાં જીભ આવી.તેણે પ્રશાંત ને શાબશી આપતા કહ્યું : શાબાશ કાર તો બહુ સરસ ચલાવી લો છે તું . ખરેખર! ગ્રેટ ડિસીજન લીધો.આવા એક્સપર્ટ માણસને પોતાની બાજીનું મહોરૂ બનાવી શકવાથી મયંક પોતાને ધન્યવાદ આપવા લાગ્યો. પ્રશાંત સોનાક્ષીનું અપહરણ કરશે અને તેનો ઉપયોગ કરશે મયંક !

એક કાંકરે બે પક્ષી મરશે પહેલું તો વગર મહેનતે તે સોનાક્ષીને પામી શકશે .બીજું તેના અપહરણ નો બધો આરોપ તે પ્રશાંત પર નાખી દેશે. અને આ રીતે તે પોતે ડૉ. મિશ્રાના ગુસ્સાથી પણ મુક્તિ મેળવી શકશે.

ફક્ત પોતાના કામ ને પાર પાડવા માટે જ મયંકે પ્રશાતને સાથે લીધો હતો. નહીં તો તે કદી તેને સાથે લઈ ડૉ. મિશ્રા સમક્ષ હાજર થાત જ નહીં .મયંકને એક ક્ષણ માટે પણ એવો વહેમ આવ્યો જ નહીં કે પ્રશાંત હાથે કરીને મૂખૅ બન્યો છે ને તે એક જાતની રમત રમે છે. ખરી રીતે તો તે તેનો દુશ્મન છે. જ્યારે આટલી વાત પણ તે ના જાણી શકયો તો પછી પ્રશાંત પોતાની સાથે કોઈ ગેમ રમે છે અને પોતાનું કંઈ કામ સિદ્ધ કરવા મથે છે તો કઈ રીતે સમજી શકે?
બે રસ્તાના વળાંકમાં વાળવાનુ આવતા પ્રશાંતે મયંકને પૂછ્યું :"હવે કઈ દિશામાં જવાનું છે?"

મયંકે રસ્તાની ચારે બાજુ જોઈ કહ્યું :ઓહહહ! આ તો ખૂબ જ નજીક પહોંચી ગયા. ડાબી સાઇડ લઈ લો. આટલી ઉતાવળે અંદર જવાની જરૂર નથી ને હવે બહુ દૂર પણ નથી.
કાર ચલાવતા ચલાવતા જ પ્રશાંત બોલ્યો : "તમે કહ્યું હતું એ વાત સાચી લાગે છે આ વિસ્તાર એકદમ નિર્જીન અને ભેંકાર લાગે છે આવે સ્થળે કોઈ યુવતી રહે એ વાત તો માન્યમાં પણ આવતી નથી. અને કદાચ તેને પરાણે રાખવામાં આવી હોય તો તે અહીંથી છૂટવા માટે તરસતી હોવી જ જોઈએ.હા પણ કહો તો ખરા છોકરી છે કેવી?
મયંક ની આંખોમાં ચમક અને લાલસા પ્રકટ થઈ અને તે ચમકતી આંખો સાથે જ બોલ્યો : "અરે યાર ઈન્દ્રની અપ્સરાઓ પણ ટુંકી પડે એટલી સુંદર છે આજે તુ રૂબરૂ જ જોઈ લેજે!!"

‌પ્રશાંત વધારે પ્રશ્ન પુછવા જતો હતો, પરંતુ તેવામાં મયંક બોલી ઉઠ્યો : " બસ ,હવે ડાબી બાજુ !પહેલા ગેટ પાસે થઈને કાર થોડી આગળ લઈ લો.જો, જો, ગેટને ધક્કો ના લાગે ! ગાડૅનની પાછળ જે મકાન દેખાય છે ત્યાં જવાનું છે.
પ્રશાંતે ખુબ જ સાવચેતી થી કાર અંદર લીધી.
મયંકે કહ્યું : " હવે આગળ જવાનું નથી.કાર અહીં જ ઉભી રાખો."
કારમાંથી નીચે ઉતરી બંને પગપાળા મકાન તરફ ચાલવા લાગ્યા.
મકાનની પાસે આછા પ્રકાશમાં લાઈટ નીચે એક માણસ ઉભેલો હતો. માથા પર થી લાઈટનો પ્રકાશ તેના મુખ પર પડતો તો તેને જોઈને પ્રશાંતે ધીમે થી પૂછ્યું: " અરે આ ભુત જેવા ચહેરાવાળું કોણ છે?"

થોડી દૂર લાઈટ નીચે ચાંઉ ચાંઉ ઊભો હતો.આ માણસ મયંકને જરીકપણ ગમતો ન હતો.
એકવાર તો તેમની બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો . મયંકે તેને પીળો કીડો કહી ખીજવ્યો હતો અને તેથી તે છરો મારવા તૈયાર થયો હતો .સદ્દભાગ્યે ડૉ.મિશ્રા હાજર હોવાથી તે વખતે તો મયંક બચી ગયો હતો.
ત્યારથી જ ચાંઉ ચાંઉ પ્રત્યે તેને એક પ્રકારની નફરત જેવું થઈ ગયું હતું. ડૉ. મિશ્રા સમક્ષ પોતા કરતાં ચાંઉ ચાંઉ વધારે વિશ્વાસપાત્ર છે એ વાત તેના જાણવામાં આવતા એની નફરત ઘટવાને બદલે ઉલટાની વધી ગઈ હતી.
અત્યારે એ જ ચાંઉ ચાંઉ પોતાની સમક્ષ ઉભેલો જોઈ તે ને ગાળો દઈ તેનું અપમાન કરવાની વૃતિ મયંક અટકાવી શક્યો નહીં . ચાંઉ ચાંઉ સાંભળી શકે તેટલા ઉંચા અવાજે તેણે પ્રશાંતને કહ્યું : "યાર આ જોને હમણાં જ કબરમાંથી ઉઠીને ભૂત અહીં આવ્યું છે પરંતુ તારે એનાથી ડરવાની જરૂર નથી. એ તો આ મકાનમાં કામ કરતો નોકર ચાંઉ ચાંઉ છે."
મોઢેથી ગમે તેટલું બોલતો હોવા છતાં દિલનો નબળો મયંક પણ ઊંડે ઊંડે તો ચાંઉ ચાંઉ થી ખુબ ડરતો હતો.ચાંઉ ચાંઉ ના ચહેરા પરની તંગ રેખાઓ જોઈને મયંક સમજી ગયો હતો કે આ શબ્દોથી તેને કેટલો ગુસ્સો આવતો હતો.
તેના ગુસ્સાને જોઈ તેને ખુશ કરવાના આશયે મયંક હસતા હસતા બોલ્યો : "ચાંઉ ચાંઉ , હું તો મસ્તી કરું છું હો !તું તો આપણો જીગરી છે દોસ્ત.ચાંઉ ચાંઉ, સોનાક્ષી ક્યાં છે?"
આટલું કહેતા જ મયંક રૂમ તરફ જવા લાગ્યો અને પ્રશાંત પણ તેની પાછળ પાછળ એકદમ કુતુહલ સાથે ચારે બાજુ નજર દોડાવતો ચાલવા લાગ્યો.

આ શું તે જ મકાન ? જ્યાં દિવાકર ડ્રાઇવર તરીકે રહે છે ! કોણ જાણે! પ્રશાંતના હૃદયમાં કુતુહલ અને ઉશ્કેરાટની ક્ષણે ક્ષણે વધતા જતાં હતાં.
સામેજ એક મોટા ડ્રોઈંગ રૂમની દિવાલ પર એક મોટું ઘડિયાળ ટાંગેલું હતું જેમાં ટન ટન કરતાં દસના
ટકોરા થયા.
મયંક એ ફરીથી પ્રશ્ન પૂછ્યો : "ચાંઉ ચાંઉ, સોનાક્ષી ક્યાં છે?"
ચાંઉ ચાંઉએ ગંભીર અવાજે અપ્રસન્નતા થી જવાબ આપ્યો : "બીજે તે ક્યાં હોય! તેમના રૂમમાં !જમીને હમણાં જ સુતા છે."

ચાંઉ ચાંઉ બોલી રહ્યો હતો એ જ સમયે એક બીજી વ્યક્તિ ત્યાં આવી ચડી તેની આંખો તરફ દૃષ્ટિ કરતા જ કોઈ એક અદ્રશ્ય શક્તિ ના પ્રભાવથી પ્રશાંત એકદમ વિહ્વળ બની ગયો. તેને લાગ્યું કે એ માણસના આવવાની સાથે જ તેના શરીર અને મનની સમસ્ત શક્તિ ચાલી ગઈ છે. આવનારો માણસ થોડીવાર સુધી તો અનિમેષ નયને પ્રશાંતને જોઈ રહ્યો .ત્યારબાદ ગંભીર અવાજે મયંકને પૂછવા લાગ્યો : "મયંક આ કોણ છે?"
મયંક આવનાર માણસ સામે સ્વાભાવિક સ્થિતિમાં ન હતો એ વાત પ્રશાંત સ્પષ્ટ સમજી ગયો હતો. થોડીવાર થોભી પોતાની જાતને કંઈ કાબુમાં લાવી મયંકે જવાબ આપ્યો : "એ મારો ખાસ મિત્ર છે... ’ છે.. તેને કામ માટે લાવ્યો છું ....એકાદ હીરાનો હાર ખરીદવો છે તેથી.."

પ્રશાંત સમજી ગયો કે આ વિચિત્ર દેખાવ વાળી ઠીંગણી વ્યક્તિ સામે મયંક છોભીલો પડી ગયો છે પરંતુ એ કોણ હશે ! આ શું તેની ગેંગ નો ડોન તો નહીં હોય ને! પહેરવેશ અને વાતચીત પરથી તો તે કોઈ સારો માણસ લાગે છે કેવળ તેની આંખોમાં કંઈક અસ્વાભાવિક પ્રકાશ દેખાય છે; કેવળ એ નિશાની પરથી જ તે સરળ ને સીધો ,હોય એમ લાગતું નથી‌!
ગમે તેમ હો!
પરંતુ જ્યારે આટલે સુધી આવ્યો છું ત્યારે હવે પાછળ ડગલા ભરવા પાલવે તેમ નથી. પ્રશાંત હસતા ચહેરે બોલ્યો : " સાચી વાત છે . મયંકે મને આજે રાત્રે જ એકાદ હીરાનો હાર મેળવી આપવાનું વચન આપ્યું છે. આવતીકાલે સવારમાં મારે તેની જરૂર છે .એકા ગર્લ્સફ્રેન્ડને તે આપવાનો છે."
આવનાર માણસ તેના તરફ એકીટશે જોઈ
રહ્યો .જે કંઈ કહ્યું તેના જવાબમાં કેવળ માથું હલાવી ચાંઉ ચાંઉને કહ્યું : "ચીના મહેમાન પધાર્યા છે એમના માટે જમવાનુ ને ચા -પાણી ,નાસ્તો લઈ આવો.
પ્રશાંત એ કહ્યું :ના,ના અમે જમીને જ આવ્યા છીએ. એક કપ લાવશે તો ચાલશે."
ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ આવેલા એક મોટા ટેબલ પાસે રહેલી ખુરશીઓ પર ત્રણે જણા બેઠા.
ચાંઉ ચાંઉ થોડીવારમાં જ પ્રશાંત માટે ચા અને બીજા બન્ને જણા માટે નાસ્તો અને ચા બંને લઈને આવ્યો .ચા પીતા પીતા જ પ્રશાંત પહેલા આગંતુક પુરુષને નિહાળવા લાગ્યો તે સાથે દીવાકર ક્યાં હશે? શું તે આ મકાનમાં જ રહેતો હશે? વગેરે બાબતો પણ વિચારવા લાગ્યો.
નવો આવનાર માણસ ખરેખર કોણ છે? શું મંયક નો પ્લાન સફળ થશે?
મયંક પ્રશાંતને ઓળખી શક્યો હશે?
દિવાકર ને પ્રશાંત નો ભેટો થશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.......