આ વિવાન પોતાનું ઘર ક્યારે લેશે ?'
સુમનનો આ સંવાદ સાંભળી સાંભળીને પ્રોફેસરનું માથું ફરી ગયું હતું.
સુમનની જગ્યાએ બીજું કોઈ હોત તો બરાબરની સુણાવી દેતે પણ આ સગી બહેન ને તે પણ દુ:ખિયારી. સાસરીમાં સુમનનું ખાસ ઉપજતું નહોતું એટલે તો ભાઈ પાસે મદદ માંગવા આવી હતી. ઈરા ઉચ્ચ અભ્યાસ કરી શકે એ અર્થે આવી હતી પણ સુમન દ્વારા થતી એકની એક વાત પ્રોફેસર શ્રીવાસ્તવને મૂંઝવણમાં મૂકી ગઈ હતી. પ્રોફેસર બહેનના આ દુરાગ્રહથી ભારે વ્યથિત હતા.
વિવાનને જોઈને જ એવી લાગણી થતી હતી જે પોતાના લોહી માટે થાય. એવામાં સુમનનો આવો હઠાગ્રહ પ્રોફેસરને વ્યથિત કરી રહ્યો હતો. વિવાને આ વાતચીત સાંભળી લીધી હશે એ વાતનો તો તેમને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો જ્યાં સુધી જયારે વિવાને જ પોતાનું ઘર શોધવાની વાત કરી.
'સર , મને લાગે છે કે હું હવે પગભર થઇ ગયો છું , મારે હવે ઘર લેવું જોઈએ.
'બે દિવસ પછી વિવાને જ સામેથી વાત કાઢી હતી.
ત્યારે પ્રોફેસરને સમજાયું કે શક્ય છે વિવાને પોતાની સુમન સાથેની વાતચીત સાંભળી લાગે છે.
'વિવાન , તું અહીં રહે એમાં કોઈને શું વાંધો હોય? આ ઘર પણ તારું જ છે ને ..' પ્રોફેસર બોલ્યા તો ખરા પણ એમને પોતાના અવાજમાં રહેલી પોકળતા કળાઈ રહી હતી. વિવાન અસાધારણપણે તેજસ્વી હતો. એ આ સંદર્ભ પકડી પડશે એ ખાતરી હતી.
વિવાનનું ઘર શોધવાનું અભિયાન શરુ થઇ ગયું હતું. જેમાં ક્યારેક ઇરા પણ સાથ આપતી હતી. તેને સુમને મહાપરાણે પરીક્ષાનું , મામાજીની તબિયતનું ધ્યાન રાખવાને બહાને બેસાડી દીધી હતી.
એકવાર ભાડાનું મકાન પણ મળી જાય તો પ્રોફેસરનું ઘર છોડી શકાય. ન જાણે કેમ પણ હવે એ ઘરમાં રહેવું વિવાનને ભારરૂપ લાગતું હતું.
પ્રકાશક ત્રિપાઠીએ જ એસ્ટેટ એજન્ટ સાથે ઓળખાણ કરાવી આપી હતી.
વિવાને કામ છોડી હવે ઘરની શોધના અભિયાનમાં જોતરાવું પડ્યું હતું. દિવસ ઘરની શોધમાં જતો અને રાત પ્રકાશકના કામમાં.
વિવાનને ઘર મેળવવામાં ખાસ મુસીબત તો ન પડી.
આખરે વિવાનને પોતાની પસંદગીનું ઘર મળી જ ગયું.પ્રોફેસરનો અનુરોધ હતો કે પોતાનાથી બહુ દૂર ઘર ન લેવું. સારા થતાંવેંત થીસિસનું કામ કરવાનું હોવાથી જો ઘર દૂર લેશે તો અવરજવરમાં તકલીફ પડશે.
એજન્ટ બતાવેલો એક બેડરૂમનો ટેરેસફ્લેટ હતો. ખુલ્લા ચોગાન સામે પડતો ફ્લેટ પ્રોફેસરના ઘરથી ખાસ દૂર પણ નહોતો. મકાન થોડું જૂનું હતું પણ સારી સ્થિતિમાં હતું.હવા ઉજાસવાળો ફ્લેટ પહેલી નજરે જ ગમી ગયો હતો. પરેશાની હતી એકમાત્ર હતી , તેનું ભાડું. મકાનમાલિક મહિને પંદર હજારથી નીચે માનવા તૈયાર નહોતો. બે લાખ ડિપોઝીટ અને પંદર હજાર ભાડું. કોઈના ઉપકાર નીચે નહોતા આવવું છતાં પ્રકાશક ત્રિપાઠી પાસે ડિપોઝીટ આપવા રૂપિયા બે લાખની લોન લેવી જ પડી.
પ્રોફેસર ડીપોઝીટના પૈસા આપવા તૈયાર હતા પણ વિવાનને તેમની પાસે લોન લેવી શરમજનક લાગ્યું. સુમને ચાહતા ન ચાહતા પ્રોફેસર ને વિવાન વચ્ચે એવી ખાઈ સર્જી દીધી હતી કે વિવાન પ્રોફેસર શ્રીવાસ્તવથી દૂર જ ભાગતો. એને મનોમન થતું કે કદાચ પ્રોફેસરને પણ એવું લાગતું હશે કે મેં તેમની ભલમનસાઈનો લાભ લીધો ?
હકીકતમાં પ્રોફેસર વ્યથિત હતા વિવાનના દૂર જવાથી. વિવાન સમજતો હતો કોઈ કારણસર પ્રોફેસર નારાજ થઇ ગયા છે. એટલે વિવાને પ્રોફેસર પાસે ડિપોઝીટની રકમ ન લેતા પ્રકાશક ત્રિપાઠી પાસે લીધી હતી.
વિવાનને રકમ થોડી ભારે તો લાગી હતી પણ મનમાં હતું કે વધુ કામ કરીને ગમે ત્યાંથી આવક ઉભી કરી શકાશે.
સામાનમાં ખાસ કોઈ ચીજો હતી નહીં પણ હવે ઘર માંડવા માટે કિચનથી માંડી , ઘરવખરીનો સામાન વસાવવાનો હતો. પ્રોફેસર શ્રીવાસ્તવે મદદ કરવા હાથ લંબાવ્યો હતો ત્યાં પણ વિવાનનું સ્વમાન વચ્ચે આવ્યું, વિવાનને હવે એ મદદ ભારરૂપ લાગવા લાગી હતી. સુમનના અવળાં વેણને કારણે પ્રોફેસર શ્રીવાસ્તવની પાસે મદદ લેવી શરમજનક લાગી રહ્યું હતું.
દિવસો વીતતાં હતા તે સાથે વિવાનની જિંદગી ગોઠવાતી જતી હતી તેના નવા આવાસની જેમ. પ્રોફેસરે ભેટ આપેલા , પોતે વસાવેલા પુસ્તકોએ જ હોલમાં જગ્યા રોકી દીધી હતી. ફર્નિચર માટે તો બજેટ હતું નહીં એટલે ઇરાએ એક આઈડિયા કર્યો હતો. એને મોટા ઇન્ડસ્ટ્રીઅલ સ્પન્જના ટૂકડા લઈને જૂદી જૂદી રંગબેરંગી ઓઢણીના કવર કરી બેઠક બનાવી હતી. સિમેન્ટ બ્રિક્સ ગોઠવીને બેઠક સાથે મેળ ખાતું લો લેવલ ટેબલ બનાવી દીધું હતું. ઘરને અનોખી આભા મળી હતી , જાણે એક કલાકારનું ઘર. નાનો છતાં સારી રીતે સજાવેલો ફ્લેટ વિવાનના સ્વભાવનો પરિચય આપતો હતો. ઇરા જયારે ફ્લેટ પર આવી ચડતી અને એ પણ ગોઠવણીમાં મદદ કરતી પણ એની હાજરી વિવાનની પરેશાનીમાં વધારો કરતી.
ક્યાંક સુમનને ખબર પડી કે ઇરા પોતાને મળવા અહીં આવે છે તો ?એ વિચાર વિવાનને અકળાવી નાખતો હતો. ઇરા ક્યાં કોઈનું સાંભળે એમ હતી. પણ, સામે આવતી એક્ઝામ એને રોકી રાખતી હતી. ઇરા માટે જેટલો મહત્વનો વિવાન હતો એટલી જ મહત્વની પરીક્ષા હતી. એને ખબર હતી કે ઉજળી કારકિર્દી તેની રાહ જોઈ રહી હતી.
પ્રોફેસર દરરોજ ફોન કરી ખબર અંતર પૂછતાં રહેતા. તેમની તબિયત એવી નહોતી સુધરી કે વિવાનનું નવું ઘર જોવા આવી શકે.
ઘર લીધા પછી વિવાનની જવાબદારીમાં અસાધારણ વધારો થયો હતો એ તો એ પ્રોફેસરના ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે સમજાયું. પ્રોફેસરને ત્યાં ન હતી જમવાની ફિકર, ન કામનો બોજો. પ્રોફેસરને ત્યાં મહારાજને હાથે રંધાયેલી રસોઈ તૈયાર ભાણે મળતી હતી. નોકર કપડાં ધોઈ ઈસ્ત્રી કરી આપતો હતો. હવે આ બધાં નાનાંમોટાં કામ અમૂલ્ય સમયનો ભોગ માંગી લેતા થયા.
પ્રકાશક ત્રિપાઠી પાસેથી કામ સારું એવું મળતું છતાં વળતર મહેનતના પ્રમાણમાં મળતું નહોતું. પહેલીવાર મળેલાં લાખ રૂપિયા તો માસ્તરસાહેબ માટે લીધેલી લોનના હપ્તામાં વપરાઈ ચૂક્યા હતા. હવે આ ન ધારેલો ખર્ચ અચાનક આવી ચડ્યો હતો. પચીસ હજાર લોનનો હપ્તો જતો. એમાં આ ભાડું ઉમેરાયું. વિવાન માટે એ અસહ્ય બોજો હતી. પ્રોફેસર આ તકલીફ સમજી શકતા હતા. એક સમયે પોતે પણ આ તમામ પરિસ્થિતિ ભોગવી ચુક્યા હતા. વિવાનને પડતી તકલીફથી તેમની પરેશાની વધી જતી. પ્રેશર વધી જવાની તકલીફ પણ વારંવાર ઉઠવા લાગી ત્યારે વિવાનને સમજાયું કે પ્રોફેસર એને પોતાનો દીકરો જ સમજતા હતા.
પણ, એ વાત સુમનને સમજાઈ નહોતી. એ ખુશ હતી વિવાનના ઘર બહાર જવાથી. એને લાગતું કે ઇરા હવે મળી નહિ શકે એટલે આ સંબંધનો અહીં અંત જ આવ્યો સમજો. વાસ્તવિકતા સાવ જૂદી પણ નહોતી. કામના ભારણે વિવાનને કચડી નાખ્યો હતો. કલાકોના કલાકો લેખનમાં જતા છતાં બે છેડા ભેગા કરવામાં ક્યારેક હાથ ટૂંકો પડી જતો હતો. ઇરા વારંવાર મળવા ફોન કરતી રહેતી અને વિવાન બહાના કાઢતો રહેતો. ન કોઈ પ્રેમનો એકરાર થયો હતો કે ન કોઈ સંબંધ પણ , નામ વિનાની મૈત્રી બંનેને ખેંચતી રહેતી હતી.
એક દિવસ બપોરે વિવાન પોતાના કામમાં મધગુલ હતો ત્યારે જ ફોનની રિંગ વાગી. સામે છેડે ઇરા હતી. આમ પણ હવે બે જ વ્યક્તિ ફોન કરતી રહેતી એક ઇરા અને બીજા પ્રકાશક ત્રિપાઠી.
'સોરી ઇરા , મારી ડેડલાઈન પાસે છે.... 'વિવાનને બોલતા અધ્વચ્ચે જ અટકાવ્યો.
'વિવાન, મેં મળવા માટે તને ફોન નથી કર્યો ' એટલું બોલતા તો ઈરાનો શ્વાસ ચઢી આવ્યો : મામાજી ,હોસ્પિટલમાં છે.
એ સાંભળીને વિવાનને થયું કે તેના પગ તળેની જમીન સરકી ગઈ છે.
પોતાને વાતનો ડર હતો તેવું જ તો કંઈ નથી ઘટી રહ્યું ? વિવાનને વિચાર આવ્યો.
છેલ્લા કેટલાય દિવસોથી અમંગળ વિચાર આવતા રહેતા હતા. પાંચ વર્ષમાં એક પણ દિવસ એવો નહોતો ગયો જયારે પ્રોફેસર સાથે વાત ન થઇ હોય. એ જ પ્રોફેસર સાહેબ ન જાણે કેમ પોતાથી નારાજ થઇ ગયા હોય એમ ફોન પર ઝાઝી વાત નહોતા કરતા . રાત્રે સપનામાં પણ ઘણીવાર પ્રોફેસર હોસ્પિટલના બેડ પર સુતાં હોય એમ દેખાતા. એ કોઈ વાતના અમંગળ એંધાણ હતા?
'વિવાન , સાંભળે છે કે નહીં ? મામાજી હોસ્પિટલમાં છે.તને યાદ કરે છે' સામેથી ઈરાનો વ્યગ્ર અવાજ સંભળાયો .
;શું થયું પ્રોફેસરસાહેબને ?' વિવાનનો અવાજ અથરો હતો.
'પ્રેશર, ગઈકાલે પ્રેશર હાઈ હતું , ડોક્ટરના કહેવા પર હોસ્પિટલાઇઝડ કર્યા છે.'
ઈરાની વાત સાંભળીને વિવાને પોતાનું તમામ કામ એકબાજુએ મૂકી અને હોસ્પિટલ તરફ બાઈક મારી મૂક્યું.
વિવાન જયારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પ્રોફેસર ઊંઘી રહ્યા હતા.
ઇરા ત્યાં હાજર હતી.
'શું કહે છે ડોક્ટર?' વિવાનનો પહેલો પ્રશ્ન હતો.
ઊંઘી રહેલા પ્રોફેસર સાહેબને જોઈને દિલમાં એક થડકારો બેસી ગયો હતો.
'પ્રેશર હાઈ છે , મેડિસિનથી કાબૂમાં આવી જશે.'ઈરાના અવાજમાં કોઈ ગભરાટ નહોતો પણ ન જાણે કેમ વિવાનને પહેલીવાર કોઈક અજાણ્યો ડર લાગી રહ્યો હતો.
'તારે ઘરે જવું હોય તો જ ઇરા, હું સર પાસે બેઠો છું' વિવાને દિલથી કહ્યું.એ ઇરાને કઈ રીતે કહે કે મનના કોઈ છાને ખૂણે ડર સતાવી રહ્યો છે.
રાતભર મામાજી પાસે રહેલી ઇરા ફ્રેશ થવા ઘરે ગઈ અને વિવાન પ્રોફેસરની બાજુમાં રહેલી ખુરશી પર બેઠો રહ્યો.
કલાક માંડ વીત્યો હશે અને બેડમાં થોડું હલનચલન વર્તાયું . પ્રોફેસર જાગી ચૂક્યા હતા. પાસે બેઠેલા વિવાનને જોઈને તેમના સૂકાં હોઠ પર એક નાનકડું સ્મિત આવી ગયું.
'વિવાન, તું આવી ગયો?' તેમના હોઠ અસ્ફૂટ વાક્ય બોલી ચૂપ થઇ ગયા.
વિવાને ઉભા થઈને પ્રોફેસરનો હાથ ઝાલી લીધો : સર, શું થઇ ગયું ? તમારો થીસીસ પૂરો કરવાનો છે ને !! '
'હા , પણ એને માટે તને ક્યાં સમય છે ? તું તો રિસાઈને દૂર વસી ગયો છે ને...
"
પ્રોફેસર દિલના ઊંડાણથી બોલ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમના મનમાં વિવાનનું દૂર જવું તેમને કેટલું વસમું લાગ્યું છે.
'વિવાન, તું ખુશ તો છે ને ? કોઈ તકલીફ તો નથી ને ? '
વિવાન સ્તબ્ધ થઇ ગયો. હોસ્પિટલના બિછાને પડેલી એક વ્યક્તિ પોતાની આટલી ફિકર કરી રહી છે ?
'જે થયું અને તે જેને માટે ઘર છોડી દીધું એ મને ખ્યાલ છે પણ વિવાન , તે ઉતાવળ કરી દીધી' પ્રોફેસરનો અવાજ તરડાઈ રહ્યો.
' સુમનને તો બોલવાની ટેવ છે. બાકી રહી વાત ઈરાની , એને માટે કારકિર્દી સર્વસ્વ છે તે સુમન નથી જાણતી.'
'વાંધો નહીં સર, ' તમે સારા થઇ જાવ પછી આ બધી ચર્ચા કરીશું. વિવાને વાત વળી લેવાના આશયે કહ્યું.
'ના , મને બોલી લેવા દે વિવાન , તે સુમનનું સાંભળ્યું ? તને વિચાર ન આવ્યો કે તો આ તારા સરને છોડીને ચાલી જશે તો એમનું શું થશે ?' પ્રોફેસર બોલતા હતા અને તેમની સજળ આંખોમાંથી આંસુ ટપકીને ઓશિકાનું કવર ભીંજવી રહ્યા હતા.
'સર, મને માફ કરો , મને ખ્યાલ નહોતો કે મારુ જવું તમારે માટે આટલું પીડાકારી હશે !! ' બોલતા બોલતા વિવાનનો અવાજ પણ રૂંધાયો.
'જવા દે વિવાન, નસીબ બીજું શું ? હવે તું ચાલી જ ગયો છે તો એ વાત શું કરવી ? તું જ્યાં રહે સુખી રહે. હું જોઉં છું તારા હાથમાં યશની રેખા , તારે ખૂબ નામ કમાવાનું છે.' પ્રોફેસરનો અવાજ થોડો હાંફી રહ્યો હતો.
'સર , પ્લીઝ , આવી વાત ન કરો, હજી આપણે તમારી થીસીસ પૂરી કરવાની છે' વિવાનને સમજાયું નહીં કે પોતે શું બોલે .
'ખબર નહીં વિવાન , મારી જીજીવિષા હતી મારી થીસીસ પણ હવે મને નથી લાગતું કે હું પૂરી કરી શકું.. ' પ્રોફેસરના સ્વરમાં આદ્રતા ભળી હતી.
'નહીં સર, તમે પૂરી કરશો, તમે એકવાર હરતાં ફરતાં થઇ જાવ પછી હું આવીશ અને આપણે તમારું કામ પૂરું કરી દઈશું. વિવાન પોકળ સ્વરે બોલ્યો. ખરેખર તો એ પણ પ્રોફેસરની તૂટી રહેલી હામથી ચિંતિત હતો.
પ્રોફેસર શ્રીવાસ્તવે વિવાનનો હાથ લઈને પોતાની છાતીસરસો દબાવ્યો જાણે ક્યારેય છૂટાં ન પડવું હોય તેમ.
'વિવાન, સુમને જે કર્યું તે, પણ જરૂર પડે તો ઇરા ને સુમન માટે ઉભો રહેજે. એ માદીકરીનું આ દુનિયામાં કોઈ નથી'
'સર, આવું ન કહો, તમે છો ને !! '
'ના, વિવાન હું જે કહું એ સાંભળી લે , મારી પાસે સમય હોય એમ લાગતું નથી ....' એટલું બોલીને પ્રોફેસરે આંખો મીંચી લીધી.
'સર, સર.... ' વિવાન ડરી ગયો હતો. એને બેલ મારીને નર્સને બોલાવી. ડોક્ટર આવ્યા , તેમનું કહેવું હતું પ્રોફેસર નિદ્રામાં છે. પણ વિવાનનું દિલ કહેતું હતું કે આ જેવી તેવી નિંદ્રા નથી આ ગહેરી નિંદ્રા છે.
પ્રોફેસરે ચાર દિવસ સુધી કોમા જેવી નિદ્રામાં રહ્યા પછી ઊંઘમાં જ છેલ્લાં શ્વાસ લીધા.
જિંદગીમાં પહેલીવાર વિવાન પોક મૂકીને રડતો રહ્યો. એટલું તો એ પોતાના માતા પિતાના અવસાન પર ન રડ્યો હતો.
સ્મશાનમાં પ્રોફેસર શ્રીવાસ્તવના દેહને અગ્નિદાહ વિવાને જ આપ્યો હતો.
પ્રોફેસર માટે એ સગાં દીકરાથી કમ નહોતો એ તેને ત્યારે સમજાયું હતું.
********************
પ્રોફેસર પરિણીત નહોતા એટલે એમને અગ્નિદાહ દેવાનો આગ્રહ પણ વિવાને જ રાખ્યો હતો. સુમનને એમાં પણ જરા વહેમ તો આવ્યો હતો પણ એકઠા થયેલા પ્રોફેસરના મિત્રો અને ખાસ કરીને ત્રિપાઠી જ બધું સંચાલન કરતા હતા એટલે બોલવું ઉચિત ન લાગ્યું. દિનકર ત્રિપાઠી પ્રોફેસર શ્રીવાસ્તવના પ્રકાશક જ નહીં દોસ્ત પણ હતા. ત્રિપાઠીએ જ નિર્ણય લીધો કે અગ્નિદાહ વિવાને કરવો.પછી તો કોઈએ કંઈ બોલવાનું રહ્યું નહીં.
અગ્નિદાહ આપીને લોકો હાથ જોડીને રજા લેતા રહ્યા, વિખેરાતાં ગયા પણ છેલ્લે સુધી ચિતા સામે સૂજી ગયેલી લાલ આંખ સાથે બેસી રહેનાર હતો વિવાન અને એની સાથે હતા દિનકર ત્રિપાઠી.
અગ્નિદાહ આપીને ઠેઠ સુધી બેસીને વિવાને અસ્થિકુંભ ભરી લીધો હતો.
'ત્રિપાઠીજી , સરની અસ્થિ વિસર્જન માટે રાત્રે જ હું નીકળું છું ઋષિકેશ જવા'.
ત્રિપાઠી પાસે ડોકું ધુણાવીને હા પડ્યા વિના વિકલ્પ શું હતો ?
ક્રમશ: