Prem - Nafrat - 71 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૭૧

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૭૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૭૧

રચના બહાનું બનાવીને આજે આરવ પહેલાં ઘરેથી નીકળી ગઇ હતી. એ માના બંગલા પર પહોંચી ગઇ હતી. એમની પાસેથી પિતાની પૂરેપૂરી વાત સાંભળવાની બાકી હતી. એ પોતાના મનમાં પિતા સાથે થયેલા વર્તનનો બદલો લેવાનું ઘૂંટી રહી હતી. એ પિતાની વાતો સાંભળીને પોતાની જાતને વધારે મજબૂત બનાવવા માગતી હતી.

રચના પહોંચી ત્યારે મીતાબેન પરવારીને એની રાહ જોતા હતા. રચનાએ મનોમન ખુશી વ્યક્ત કરી કે આરવ સામે માને કેન્સર હોવાની વાત ઊભી કરી અને સારું થઇ ગયું એવો અહેવાલ આપીને એ પ્રકરણ પૂરું કરીને પોતાનું કામ કાઢી લીધું હતું. માને પણ આ યોજનાનો કોઇ અણસાર આવવા દીધો ન હતો. પોતે દુબઇ કેમ ગઇ હતી અને ત્યાં શું કર્યું એનો અંદાજ સુધ્ધાં મીતાબેનને આવવાનો ન હતો.

રચનાએ કહ્યું:'મમ્મી, આપણી વાતને આગળ ચલાવ...'

'વાત તો કરું છું પણ તારી દુબઇની યાત્રા કેવી રહી?' મીતાબેનને એના વિદેશ પ્રવાસ વિશે જાણવાની ઉત્સુક્તા હતી એ વ્યક્ત કર્યા વગર રહી શક્યા નહીં.

'મારી દુબઇયાત્રા સરસ રહી.' કહી રચના પછી મનમાં જ બોલી:'પરંતુ આરવના પરિવારની હવે પછીની જીવન યાત્રા મુશ્કેલ બનવાની છે.'

'જરા વિગતે વાત કર ને...' મીતાબેન એના ટૂંકા જવાબથી સંતુષ્ટ ન હતા.

'મા, એ વાતો કરવા માટે પછીથી આપણાને ઘણો સમય મળશે. અત્યારે પિતાજી વિશે બધું જાણી લેવા માગું છું...' રચના ઉતાવળી બની હતી.

હં... એ દિવસે કંપનીમાં ધમાલ થયા પછી તારા પિતા દેખાતા ન હતા એટલે દેવનાથભાઇ મેનેજર પાસે ગયા. એમણે રણજીતલાલને એક જગ્યાએ મોકલી દીધા છે અને સલામત છે એવી વાત કર્યા પછી બહાર હાંકી કાઢ્યા હતા. દેવનાથભાઇ મનોમન શંકા વ્યક્ત કરતા કંપનીની બહાર આવ્યા ત્યારે એક માણસે એમનો હાથ પકડી લીધો અને ઝાડ પાછળ લઇ ગયો. દેવનાથભાઇએ એનો ચહેરો ઓળખવાનો પ્રયાસ કર્યો. એ નવો જ હતો પણ એના ચહેરા પરની ચિંતા અને ડર કંઇક કહી રહ્યા હતા.

એને બોલતાં વાર લાગી:'ભાઇ... રણજીતલાલ તમારા મિત્ર છે ને?' પછી જવાબ 'હા' માં જ હોવાનું માની એ આગળ કહેવા લાગ્યો:'એમને ક્યાંક લઇ ગયા છે. હું આજે નોકરી પર થોડો મોડો આવ્યો ત્યારે કંપનીમાં ધમાલ મચી હતી અને બહાર પોલીસની ગાડી જોઇ એટલે અંદર ગયો જ નહીં. હું રણજીતલાલને ઓળખું છું. એ સારા માણસ છે. મેં એમને ઘાયલ અવસ્થામાં એક કારમાં લઇ જવાતા જોયા છે. એમની સ્થિતિ બહુ ગંભીર લાગતી હતી. માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. તમે જલદી કંઇક કરો. એ લોકોનો ભરોસો નથી. એ મેનેજર બદમાશ છે. મને બહાર આવેલા કેટલાક કામદાર મિત્રોએ કહ્યું કે કારણ વગરની મગજમારી ઊભી કરવામાં આવી હતી. બે જૂથ વચ્ચે સંઘર્ષ થયો હતો. એમાં ઘણાં વગર વાંકના કુટાઇ ગયા છે. એમની બધી વાતો સાંભળીને હું ડરી ગયો છું. અંદર ગયો નથી. હું જતો રહેતો હતો ત્યારે તમને આવતા જોયા એટલે વાત કરવા ઊભો રહ્યું છું. આપણે સરકારી હોસ્પિટલમાં જઇને તપાસ કરીએ તો કેવું?'

દેવનાથભાઇ એ કામદારની વાત સાંભળીને હતપ્રભ થઇ ગયા હતા. એમને કામદારનો વિચાર યોગ્ય લાગ્યો અને બંને એક રીક્ષા પકડીને નજીકના સરકારી દવાખાને ગયા. ત્યાં તપાસ કરી પણ રણજીતલાલ જ નહીં બીજું કોઇ ઘાયલ અવસ્થામાં આવ્યું હોવાનું નોંધાયું ન હતું. દેવનાથભાઇને મારો વિચાર આવ્યો. એ દોડતા આપણા ઘરે આવ્યા અને રણજીતલાલના કોઇ ખબર છે કે નહીં એમ પૂછ્યું ત્યારે મારો જીવ ઊંચો થઇ ગયો. એમણે કંપનીમાં બનેલી બધી વાત કરી ત્યારે મારા દિલની ધડકન વધી ગઇ. હવે ક્યાં તપાસ કરવી એનો ખ્યાલ આવતો ન હતો. મેં નક્કી કર્યું કે હું જાતે જઇને લખમલભાઇને મળીશ અને રણજીતલાલ વિશે માહિતી મેળવીશ. હું કપડાં બદલીને તૈયાર થઇ ત્યાં આપણા ઘર પાસે એમ્બ્યુલન્સની સાઇરન વાગી. હું દોડતી બહાર આવી. એમ્બ્યુલન્સ ઘરથી થોડે દૂર ઊભી હતી. એની આગળ એક કાર ઊભી રહી હતી. એમાંથી એક માણસ ઊતરીને અમારી તરફ આવી રહ્યો હતો. દેવનાથભાઇએ મને ધીમા અવાજે કહ્યું:'આ તો કંપનીનો મેનેજર છે...'

એક અકલ્પિત ભયથી મારું હ્રદય કંપી ઊઠ્યું.

ક્રમશ: