શીર્ષક : ભવિષ્યનો ભૂતકાળ
લેખક : કમલેશ જોષી
‘તને સાંભરે રે...? મને કેમ વિસરે રે?’ નાનપણમાં સાંભળેલી કવિ શ્રી પ્રેમાનંદજીના કાવ્યની આ પંક્તિઓ કોણ જાણે ક્યાંથી મગજમાં ચઢી ગઈ. કૃષ્ણ અને સુદામા વર્ષો બાદ મળ્યા તારે સાંદીપની ઋષિના આશ્રમના દિવસો એકબીજાને યાદ કરાવતા, એ પ્રસંગો વાગોળતા બેઠા હતા એવું કંઈક આ કાવ્ય પંક્તિઓમાં રજૂ કરવામાં આવ્યું છે.
હમણાં એક પરિવારના પ્રસંગે સાસરેથી પિયરે આવેલી દીકરીઓ, દાદા, દાદી, મમ્મી, પપ્પા અને ભાઈ-ભાંડેડાઓ ભેગા મળી જૂના પ્રસંગોને, દસ, વીસ વર્ષ પહેલાના ભૂતકાળને યાદ કરવા બેઠા તે છેક રાત્રીના બે વાગ્યા સુધી એમની વાતો જ ન ખૂટી: “પેલા સામેની શેરીમાં રહેતા જ્યોતિષકાકા યાદ છે? અને પેલા શાકવાળા મનુઅદાની રેકડીમાંથી ભાજી લઈને ભાગેલી ગાય પાછળ એ કેવા દોડ્યા હતા નહીં? અને પેલા ત્રીજી શેરી વાળા ચંપામાસીના ઘરમાં છતમાંથી પોડું પડેલું, અને નાની બહેન મેળામાં ખોવાઈ ગયેલી અને મોટો ભાઈ પતંગ ચગાવતા અગાસી પરથી પડી ગયેલો, સાયકલ શીખતી વખતે મોટીબેન સામેવાળાના ડેલામાં ઘુસી ગયેલી એ તને યાદ છે? અને, અને, અને... કેટલું બધું...?” આવી મહેફિલ તમે પણ તમારા પરિવારમાં માણી હશે. ભૂતકાળની ઘટનાના સાક્ષીઓને પાંચ-પંદર વર્ષે એ ઘટનાઓને વાગોળી-વાગોળી, ફરી માણવામાં, એ ઘટનામાં ફરી એક લટાર મારવામાં, એ ઘટનાને ફરી એક વખત જીવંત કરવામાં, જે અમૃતરસ મળતો હોય, એ તો જે પીએ એ જ જાણી શકે. માનવસમાજમાં સમયાંતરે આવી મહેફિલો જામ્યા વિના રહેતી નથી.
વર્ષો બાદ ભેગા થતા જુવાનીયાઓ, બાળમંદિરમાં કે પ્રાથમિકમાં ભણતા એની કે શેરીમાં સાથે રમતા એની વાતો, મોટપણે ભેગા થતા ફોર્ટીપ્લસ મિત્રો કોલેજની, એ દિવસોમાં કરેલા ઢીકા-પાટુંની કે પી
પિકનીકની કે રોમાન્સની વાતો, બે જૂના ઓફિસ મિત્રો વર્ષો બાદ મળે તો જૂના સાહેબોની, સ્ટાફમિત્રોની, ઓફિસ બિલ્ડીંગની, ઓફિસ પોલિટિક્સની, માનની, અપમાનની, પાર્ટીઓની, એ સમયના નિયમોની વાતો અને ઉંમરના આખરી પગથિયે પહોંચેલા વડીલો બેઠા-બેઠા આખી જિંદગીની વીતેલી પળોની તમામ યાદગાર વાતો દ્વારા એની તસ્વીરોનું આલ્બમ પોતાના મસ્તિષ્કમાંથી બહાર કાઢી મનભરીને નીરખવા, પીવા, એમાં ડૂબી જવા હંમેશા આતુર હોય છે.
એક મિત્રે એક અઘરું વાક્ય કહ્યું: "વર્તમાનને ભવિષ્યમાં જઈ ભૂતકાળ તરીકે વિચારવાનો પ્રયોગ કરવા જેવો છે." અમે એનું વાક્ય સમજ્યા નહિ. એણે સમજાવવા પ્રયત્ન કર્યો. અત્યારે બે હજાર ત્રેવીસની સાલમાં ઓગણીસસો નેવુંની સાલની વાતો કરી આપણે ભૂતકાળમાં જઈએ છીએ, એમ કલ્પના કરો કે અત્યારે બે હજાર પિસ્તાલીસની સાલ ચાલી રહી છે, તમે ત્રીસ વર્ષના નહિ, ત્રેપન ચોપન વર્ષના છો અથવા તો જેવડા છો એનાથી બે દસકા મોટા છો, કોઈ જુદા જ શહેર કે દેશમાં બેઠા છો અને અત્યારે જે તમારો ઓફિસ મિત્ર કે શેરી મિત્ર છે એ વર્ષો બાદ તમને ત્યાં મળે છે તો તમે શું વાતો કરો? ‘તને યાદ છે, કોરોના પછીનો એ સમય, લોકો કેવા ફફડાટમાંથી બહાર આવેલા, મોદી સાહેબની લ્હેર હતી, તારક મહેતા કા ઉલટા ચશ્માં કોમેડી સિરીયલ અને રજત શર્માની આપકી અદાલત, કમલેશ જોષીના પેલી ડાયરીના આર્ટિકલ્સ અને કપિલ શર્માનો કોમેડી શૉ, રશિયા-યુક્રેન યુદ્ધ અને હોળી ટાણે વરસાદ, રવિવારના એ ગરમાગરમ ગાંઠીયા અને તીખો-મીઠો સંભારો, એ ફોર વ્હીલની લોંગ ડ્રાઈવ’ આટલું યાદ કરી સહેજ ઊંડો શ્વાસ લઈ તમે બોલો છો, ‘આપણા જીવનના એ ગોલ્ડન દિવસો હતા...’
યેસ, ધેર યુ આર. ભવિષ્યમાં તમે જેને ગોલ્ડન ડેઝ તરીકે યાદ કરવાના છો, એ જ દિવસો અત્યારે ચાલી રહ્યા છે. જેમ બાળપણને મિસ કરો છો, જેમ કોલેજ કાળને મિસ કરો છો એમ જ બે દસકા પછી તમે આજની, બે હજાર ત્રેવીસની સાલને, આ દસકાને, આ ક્ષણોને, આ ઘટનાઓને મિસ કરવાના છો. યુવાનીમાં જેમ બાળપણની કાગઝ કી કશ્તી અને બારીશ કા પાની આપણને કરોડોની સંપતિ કરતા, તમામ દૌલત, શોહરત અને જોશ-જુસ્સાથી છલકાતી જુવાની કરતા પણ મૂલ્યવાન લાગે છે, જીવનનો વર્તમાન દસકો પણ બે દસકા બાદ અબજોની કિંમતનો લાગવાનો છે. ઘણીવાર બાળપણમાં ઘણું બધું ન કરી શક્યાનો કે જુવાનીમાં ઘણું બધું ઉંધાચત્તુ કરી નાખ્યાનો અફસોસ આપણને સતાવતો હોય છે, એવો જ અફસોસ બે દસકા પછી આજના દિવસો માટે ન કરવો હોય તો આજના રવિવારે મારા પેલા મિત્રે કહેલો પેલો વિચિત્ર ‘વર્તમાનને ભવિષ્યમાં જઈ ભૂતકાળ તરીકે વિચારવાનો પ્રયોગ’ કરવા જેવો છે.
એક મિત્રે કલ્પના દોડાવી ‘દસ-વીસ વર્ષ પછી એટલે કે બે હજાર તેત્રીસ કે તેતાલીસમાં, અત્યારે જેટલા ઉંમરલાયક છોકરા-છોકરીઓ છે એ એમના ગૃહસ્થ જીવનમાં, બાળ-બચ્ચા સાથે સેટ થઈ ચૂક્યા હશે, આવકમાં એકાદ મીંડું પાછળ ઉમેરાઈ ગયું હશે, કેટલાક સભ્યો કુટુંબમાંથી વિદાય લઈ ચૂક્યા હશે તો કેટલાક નવા સભ્યો ઉમેરાઈ ચૂક્યા હશે, અત્યારે જેમની ત્રણ બુક પબ્લિશ થઈ છે એમની ત્રીસ પબ્લિશ થઈ ગઈ હશે, અત્યારે જે કોર્પોરેટર બની શક્યા છે એ મેયર, મંત્રી કે મુખ્યમંત્રી બનવાની તૈયારીમાં હશે, નવું મકાન અને નવી ગાડી આંગણે ઉભા હશે અને બે-ચાર દેશોની મુલાકાતો લઈ લીધી હશે.'
મિત્રો, આજનો દિવસ ભવિષ્યમાં આપણો ભૂતકાળ બનવાનો છે. આજનો ભૂતકાળ ભલે કાળો ડીબાંગ હોય, નિષ્ફળ હોય કે એવરેજ હોય, આપણા ભવિષ્યનો ભૂતકાળ કેવો બનાવવો એ આજે આપણે શું કરવાનું નક્કી કરીએ છીએ એના પર છે. ઓલ ધી બેસ્ટ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)