Pranay Parinay - 27 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 27

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 27

પાછલા પ્રકરણનો સાર:


ગઝલ બેહોશ થઈને ઢળી પડે છે. તેને પૂજા કરાવનાર રઘુ જ હોય છે. ગઝલને લઈને વિવાન અને રઘુ પગથિયાં ઉતરીને નીચે આવે છે, જ્યાં નીશ્કા રાહ જોઈને બેઠી હતી. વિવાન તેમને મદદ કરવા બદલ નીશ્કાનો આભાર માને છે ત્યારે નીશ્કા કહે છે કે તેને તેની બચપણની સહેલીની ચિંતા હતી. તે મલ્હારના ચારિત્ર્ય અને લાલચુ સ્વભાવને જાણતી હતી. તેણે આ બધું ગઝલને ખોટા હાથમાં જતી બચાવવા માટે કર્યું છે. અને વિવાનને કહે છે કે ગઝલ સાવ ભોળી છે, નાના બાળક જેવી છે. એને પ્રેમથી સમજાવશો તો તમારુ બધુ માનશે પણ જોર જબરદસ્તી કરશો તો એ પણ સામી જીદે ચડશે.

રઘુ લાફો મારીને નીશ્કાને ઘાયલ કરી દે છે અને પછી હોસ્પિટલ લઈ જાય છે અને વિવાન ગઝલને લઈને નીકળી જાય છે.

આ બાજુ છોકરીઓ પાછી નહીં ફરતાં કૃપા અને સુમતિ બેન પરેશાન થઈ જાય છે. તે બંનેની વાતચીત મલ્હાર સાંભળી જાય છે. મલ્હાર સુમતિ બેનનું અપમાન કરી નાંખે છે. મલ્હારની ઉદ્ધતાઈ જોઈને એક સમયે તો કૃપાને આ સંબધ બાંધ્યા બદલ પછતાવો થવા લાગે છે.

એ લોકો રિસોર્ટમાં ડ્રાઈવર વિષે તપાસ કરે છે પણ તેમને કોઈ માહિતી હાથ લાગતી નથી. છેવટે મલ્હારને રિસોર્ટમાં જ રહેવાનું કહીને પ્રતાપ ભાઈ અને મિહિર મંદિરે તપાસ કરવા જાય છે. ત્યાં પણ કશું હાથ લાગતુ નથી.


હવે આગળ..


**

પ્રણય પરિણય ભાગ ૨૭


વિવાન ગઝલને સેલવાસમાં જ એક પ્રાઈવેટ હાઉસ બોટ પર લઇ આવ્યો. વિશાળ હાઉસ બોટમાં એક નાનકડા ઘર જેવી બધી સુવિધાઓ હતી. એક નાનકડો બેડરૂમ પણ હતો. એ બેડરૂમના બેડ પર તેણે ગઝલને સુવડાવી.


તે હજુ હોશમાં નહોતી આવી. વિવાન એકીટશે તેની સામે જોઈ રહ્યો. તે વિવાને જ પસંદ કરેલી સાડી પહેરીને મંદિરે આવી હતી.

તેણે હંમેશાં ગઝલને વેસ્ટર્ન ડ્રેસમાં જોઈ હતી. ગઝલ સાડીમાં પણ ગજબની ખૂબસૂરત લાગતી હતી. તેણે વાળને એક ગાંઠના અંબોડે બાંધ્યા હતા. એના લાંબા વાળની લટનો એક મોટો જથ્થો અંબોડામાંથી છટકી ગયો હતો એ જથ્થાનો એક છેડો તેના ખભા પરથી થઇને તેના ઉર પ્રદેશ સુધી આવી રહ્યો હતો. ગઝલએ બિલકુલ ગુજરાતી ઢબે સાડી પહેરી હતી. સાડીની પાટલી વ્યવસ્થિત રીતે વાળીને નાભીથી નીચે કેડમાં ખોસી હતી. એ પળે ક્યાં દ્રષ્ટિ માંડવી એ પણ વિવાન માટે એક સમસ્યા હતી. ગઝલનો સ્નિગ્ધ નાજૂક ચહેરો, તેના હોઠ, તેનુ નાક, તેના ગાલ અને ગળા પર ઉપસી આવેલી એક આછી રક્તવાહિની, તેના વાળ, તેના વાળની લટનો એક છેડો જ્યાં જઈને અટકતો હતો એ બ્લાઉઝની કિનાર પાસેથી દેખાતા ઉન્નત સ્તન યુગ્મની ગૌર ત્વચા, બે પહાડો વચ્ચેની ખીણ જેવી તેની ક્લિવેજ, તેના શ્વાસોશ્વાસની લયમાં ઉપર નીચે થતુ પેટ, તેની નાજુક પાતળી કમર! વિવાનની દ્રષ્ટિ સૃષ્ટિના એ અનુપમ શિલ્પ ઉપર ફરી વળી. ગઝલ પીઠભર ચત્તી સૂતી હતી. તેના શરીરમાં સળવળાટ થયો અને તેનો ડાબો હાથ તેના હૃદય પર આવીને આપોઆપ સ્થિર થયો. તેના મોઢામાંથી કંઇક અસ્પષ્ટ શબ્દો નીકળ્યા. વિવાનને તેની ખૂબસૂરતી જોવામાં ખલેલ પડી. તે ઈચ્છતો હતો કે ગઝલ જાગી જાય. પણ તે એવું નહોતો ઈચ્છતો કે ગઝલ આ રીતે તેને ત્યાં ઉભેલો જૂએ.


ગઝલના ચહેરા સામે જોઈને વિવાન ધીમેથી બોલ્યો: 'આઈ એમ સોરી સ્વિટહાર્ટ, મારે આવી રીતે તારુ અપહરણ નહોતું કરવું. મારે તો તને ડોલીમાં બેસાડીને સૌની સામે વાજતે ગાજતે તારા ઘરેથી લઈ જવી હતી. પણ હું મજબૂર છું. તારી સેફ્ટી માટે થઇને મારે આ પગલું ભરવું પડ્યું. મલ્હાર કેટલો નીચ અને હલકટ માણસ છે એની તને ખબર પડશે પછી તું મને સમજી શકીશ. બસ, હજુ ત્રણ ચાર દિવસ.. પછી હું તને મારા ઘરે લઈ જઈશ અને આખી દુનિયાને કહીશ કે ગઝલ મારી પત્ની છે.' આટલું કહીને તેણે ગઝલના હાથ પર પોતાના હોઠ અડાડ્યા અને બહાર નીકળી ગયો.


'રઘુ શું ખબર?' બહાર આવીને તેણે રઘુને ફોન લગાવ્યો.


'ભાભી ગાયબ થવાથી રિસોર્ટમાં ખળભળાટ મચી ગયો છે. મિહિર ભાઈ અને મલ્હારના પપ્પા ભાભીને શોધવા નીકળ્યા છે.' રઘુએ અહેવાલ આપ્યો.


'હમ્મ.. અને મલ્હાર?' વિવાન બોલ્યો.


'એ હજુ રિસોર્ટમાં જ છે. વાત બહાર આવી જાય તો આબરુના ધજાગરા થાય એટલે પ્રતાપ ભાઈએ એને રિસોર્ટમાં જ રહેવાનું કહ્યુ છે.' રઘુ હસતા હસતા બોલ્યો.


'વ્હોટ એબાઉટ નીશ્કા?' વિવાને નીશ્કા બાબત પૂછતા રઘુનો હાથ પોતાના ગાલ પર ગયો. તેને થોડી વાર પહેલાં ઘટેલી ઘટના યાદ આવી ગઈ. એ ફ્લેશબેકમાં જતો રહ્યો.


** ફ્લેશબેક **


રઘુ મંદિરેથી નીશ્કાને લઇને નીકળ્યો. રઘુએ તેને લાફો માર્યો હતો એમાં તે આઘાતમાં સરી પડી હતી. રઘુ એને હોસ્પિટલ લઈ જતો હતો. એટલામાં નીશ્કાને કળ વળી. તે ગભરાઈને પાછલી સીટમાંથી ઉભી થઇ. રઘુએ મિરરમાંથી જોયું અને ગાડી સાઈડમાં લીધી.

તરતજ નીશ્કા ગાડીમાંથી નીચે ઉતરી ગઈ.


'ડર નહીં, આપણે હવે શું કરવાનું છે તે સાંભળ..' કહીને રઘુએ તેને પ્લાન સમજાવ્યો.


નીશ્કાએ આખી વાત શાંતિથી સાંભળી પછી તેની સામે ગઈ અને રઘુના ગાલ પર ચમચમાવીને એક લાફો માર્યો. રઘુના કાનમાં સીટી વાગી ગઈ.


'ઇડિયટ.. હવે સમજાયું એટલા જોરથી કોઈને લાફો મરાય? આ જો મને અહીં લોહી નીકળી આવ્યું.' નીશ્કાએ તેનો ચીરાયેલો હોઠ બતાવતા કહ્યુ.


'એ જરૂરી હતું.. ભાભી કિડનેપ થઇ ગઇ છે એ વાત સાચી તો લાગવી જોઈએને? નહીંતો બધાને તારા પર શંકા જાત..' રઘુ પોતાનો ગાલ પંપાળતા બોલ્યો.


'ઠીક છે, હવે હું આગળ ભાગુ છું.. તુ મારી પાછળ પડ..' નીશ્કાએ કહ્યુ.


'ચલ હટ્.. આ રઘુ કોઈ છોકરીની પાછળ પડતો નથી..' રઘુ પોતાના વાળમાં હાથ ફેરવતાં એટિટ્યુડમાં બોલ્યો.


'એય ડોબા, પાછળ પડવાનો મતલબ મારી સાથે લગન નથી કરવાના.. હોસ્પિટલમાં એવો દેખાવ કરવો પડશેને કે હું મુશ્કેલથી જીવ બચાવીને ભાગી છુ.. એમજ કેમ હોસ્પિટલમાં એડમિટ થઇશ?' નીશ્કા બોલી.


'ઓકે, હાં સમજ્યો.. ચલ ભાગ..' રઘુએ કહ્યુ.


નીશ્કા હોસ્પિટલ તરફ ભાગી. રઘુ મોઢા પર રૂમાલની બુકાની બાંધી હાથમાં ચાકુ લઈને એની પાછળ દોડ્યો.


'બચાઓ.. બચાઓ..' બોલતી નીશ્કા હોસ્પિટલમાં ઘૂસી. રઘુ એની પાછળ આવ્યો.


નીશ્કાની બુમાબુમ સાંભળીને એક બે વોર્ડબોય તેની પડખે આવ્યા.

એકદમ અસલી સીન ક્રિયેટ કરવા રધુ દોડતો નીશ્કા પર ધસ્યો.


'અરે! એ.. અહીં ક્યાં ઘૂસો છો તમે..' કહેતો એક વોર્ડબોય તેમની વચ્ચે પડ્યો.


'ભાઈ સાબ.. આ ગુંડાથી મને બચાવો.. મને મારી નાખશે..' નીશ્કા પેલા વોર્ડબોયના સામે હાથ જોડીને કરગરી.


પેલાએ રઘુને પકડવાની કોશિશ કરી પણ રઘુએ તેને ધક્કો મારીને નીચે પાડી દીધો અને ત્યાંથી ભાગી ગયો.


'એય.. એય.. ઊભો રે..' કહેતો બીજો વોર્ડબોય તેને પકડવા દોડ્યો પણ ત્યાં સુધીમાં રઘુ ઘણો આગળ નીકળી ગયો હતો.


'એ મા..' કહેતા નીશ્કાએ ચક્કર આવવાનું નાટક કર્યું.


** ફ્લેશબેક પૂરો ""


વિવાનનો ફોન ચાલુ હતો પણ થોડી વાર સુધી રઘુ ચુપ રહ્યો એટલે વિવાન બોલ્યો: 'રઘુ.. હેલ્લો.. રઘુ..'


'ભાઈ, તમે નીશ્કાની બિલકુલ ચિંતા નહીં કરો. મે એને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી છે. ત્યાંનુ બધુ એ સંભાળી લેશે.' રઘુએ કહ્યું.


'ઠીક છે, છતાં પણ એના પર ધ્યાન રાખજે.' વિવાને કહ્યુ.


'હાં ભાઈ.. આપણો એક માણસ ત્યાં જ છે.' કહીને રઘુએ ફોન કટ કર્યો.


**


'મિહિર ભાઈ, હવે શું કરીશું?' મંદિરના પગથિયાં ઉતરતા પ્રતાપ ભાઈએ પૂછ્યું.


'પોલીસ ફરિયાદ કરવી પડશે.' મિહિર બોલ્યો.


'નહીં મિહિર ભાઈ, પોલીસ ફરિયાદ ના કરાય, એનાથી તો વાત બધે ઉડશે અને આપણા બંને ઘરની બદનામી થશે. આપણી આબરૂ જશે.' પ્રતાપ ભાઈ બોલ્યા.


'આબરૂ કરતા મારી બેનનો જીવ વધુ કિંમતી છે.' એમ કહીને મિહિરે કૃપાને ફોન લગાવ્યો અને બધી વાત કરી.

નીચે પહોંચીને ગાડી લઈને એ બંને પોલીસ સ્ટેશન જવા નીકળ્યા.


'શું થયું..?' સુમતિ બેને કૃપાને પૂછ્યું.


'ગઝલ ના મળી.. સાથે નીશ્કા પણ ગુમ છે.' કૃપા રડવા જેવી થઈને બોલી.


'હે ભગવાન..' બોલીને સુમતિ બેન રડવા લાગ્યાં.


'મિહિર પોલીસ સ્ટેશન જાય છે, મને પણ ત્યાં બોલાવી છે.' કહીને કૃપા ઉતાવળે પોલીસ સ્ટેશન જવા નીકળી.

આ વખતે મલ્હાર પણ તેની સાથે આવ્યો.


મિહિર અને પ્રતાપ ભાઈ એ લોકોની રાહ જોઇને પોલીસ સ્ટેશનની બહાર જ ઉભા હતાં.


'શું થયું હશે? ગઝલ ક્યાં હશે?' ત્યાં પહોચતા જ કૃપાએ રડતા રડતા મિહિરને પૂછ્યું.


'રડો હવે માથે હાથ દઇને.. મૂર્ખાઈનુ કામ કર્યુ ત્યારે અક્કલ ક્યા ગઈ હતી..?' મલ્હાર બબડ્યો. મિહિર તેની ભાષા સાંભળીને ચોંકી ગયો. પણ અત્યારની પરિસ્થિતિને લીધે ગમ ખાઈ ગયો.


'તૂં ચૂપ રહે મલ્હાર.' પ્રતાપ ભાઈએ મલ્હારને કોણી મારીને હોઠનાં ખૂણેથી કહ્યું.


'કંઈ નહીં થાય ગઝલને.. ડોન્ટ વરી મળી જશે એ.. ચલ મારી સાથે.' કહીને મિહિર કૃપાને લઈને પોલીસ સ્ટેશનમાં ગયો.


તેણે પોતાના કોન્ટેક્ટસ વાપરીને સેલવાસના પોલીસ કમિશ્નરને બોલાવ્યા. અને આખી ઘટના એમને કહી સંભળાવી.


'જુઓ મિહિર ભાઈ, આવા કેસમાં બે વસ્તુ બની શકે, એક તો તમારી બહેનનું કિડનેપિંગ થઇ ગયું હોય અથવા તો એ પોતે જ ભાગી ગઈ હોય. કિડનેપિંગના કિસ્સામાં તપાસ કરી શકાય પણ જો તેની મેળે ભાગી હશે તો મહેનત કરવાનો કોઈ મતલબ નથી. છોકરી પુખ્ત છે એટલે કાયદો એની ફેવર કરશે. એટલે છોકરી તો જશે ઉપરથી તમારી બદનામી થશે એ લટકામાં.' કમિશનર ટેબલ પર પડેલું પેપર વેઈટ ફેરવતાં બોલ્યાં.


'વ્હોટ રબ્બિશ..? અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. આજે અમારા લગ્ન છે.. એ ભાગે શું કામ?' મલ્હાર ગુસસે થતા બોલ્યો.

પ્રતાપ ભાઈએ એને ઠંડો પાડ્યો.


'તો આપણે કિડનેપિંગના એંગલથી જ આગળ વધીએ. હું અત્યારે ઓફિસિયલ FIR નથી દાખલ કરતો, કેમકે છોકરીઓ મળી ગયા પછી કારણ વગરની હો હા ના થાય. એટલે મારી રીતે ઓફફ ધ રેકોર્ડ તપાસ શરૂ કરાવી દઉં છું.' કહીને કમિશ્નરે બે હવાલદારોને ઘટનાસ્થળે રવાના કર્યા.


કમિશ્નર સાહેબનો આભાર માનીને ચારેય જણ બહાર નીકળ્યા. એટલામાં મિહિરના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મિહિરે તરતજ ફોન ઉપાડ્યો: 'હેલ્લો.'


'હેલ્લો ભાઈ, હું નીશ્કા..' નીશ્કાનો અવાજ ગભરાયેલો હતો.


'નીશ્કા.. ક્યાં છો તમે લોકો?' મિહિરનો અવાજ ફાટી ગયો.

બધા તેની ફરતા ઉભા રહી ગયા.

'હું.. હું હોસ્પિટલ..' નીશ્કાએ હાથમાંથી મોબાઈલ નીચે પાડી દીધો અને ચક્કર આવવાનું નાટક કર્યું.


'હેલ્લો.. હેલ્લો.. નીશ્કા..' મિહિરના અવાજમાં ગભરાટ ભળ્યો.


'હેલો..' સામેથી એક પુરુષનો અવાજ આવ્યો.


'હેલ્લો.. કોણ? નીશ્કા ક્યાં?' મિહિર બોલ્યો.


'સર, હું હોસ્પિટલમાંથી બોલુ છું, તમારી સાથે વાત કરતા હતા એ મેડમની તબિયત ખરાબ છે, તેણે મારા મોબાઈલ પરથી તમને ફોન કર્યો હતો. તમે હોસ્પિટલમાં આવો.' એમ કહીને વોર્ડબોયે મિહિરને હોસ્પિટલનું નામ એડ્રેસ કહ્યું.


'હાં, અમે આવીએ છીએ.'એમ કહીને મિહિરે ફોન મુક્યો.


'શું થયું?' કૃપાએ પૂછ્યું.


'નીશ્કા હોસ્પિટલમાં છે.' મિહિરે કહ્યુ.


'અને ગઝલ?' કૃપાએ ચિંતાથી પૂછ્યું.


'એ કંઇ ખબર નથી, ત્યાં જઇને ખબર પડશે.' મિહિરે કહ્યુ. અને કમિશનરને ફોનમાં થયેલી વાત કહી સંભળાવી.


'આપણે બને એટલા જલ્દી હોસ્પિટલ પહોંચવું જોઈએ.' કમિશ્નર બોલ્યા.


બધા ફટાફટ હોસ્પિટલ પહોંચ્યા.


'નીશ્કા..' મિહિર તેની બાજુમાં જઈને બોલ્યો.


'મિહિર ભાઈ..' નીશ્કા મિહિરને જોઈને રડવા લાગી.


તેના હાથ પર સલાઈન લગાવેલુ હતું. માથા પર પટ્ટી લગાવી હતી. હાથ-પગ પર ઉઝરડા પડ્યા હતા. રઘુએ મારેલા લાફાના કારણે ગાલ અને આંખ વચ્ચે કાળુ ચકામુ ઉપસી આવ્યું હતું. હોઠ પાસે ચીરો પડ્યો હતો. એ બધું જોઇને તેની સાથે નક્કી કંઇક ભયંકર બન્યું હશે એવું બધાને લાગતુ હતુ.


'નીશ્કા.. બેટા આ શું થયું? ગઝલ ક્યાં છે?' કૃપાએ નીશ્કાના કપાળ પર હાથ મૂકીને પૂછ્યું.


'મને કંઈ જ ખબર નથી.. અમે મંદિરે પહોંચ્યા ને કોઇએ અમારા પર હુમલો કર્યો... ઝપાઝપીમાં હું અને ગઝલ અલગ થઈ ગયા.. હું છટકીને ભાગી.. ગઝલ પણ ભાગી.. પણ ત્યાંથી એ ક્યાં ગઈ એ મને ખબર નથી..' એટલું બોલીને નીશ્કા રડવા લાગી.


'શીઈઈશશ.. રડ નહીં.. શાંત થઈ જા..' કૃપા તેને બથમાં લઈને બોલી.


'ભાભી.. ગઝલ ક્યાં હશે?' નીશ્કા રડતા રડતા બોલી.


'મિહિર ભાઈ, આ કિડનેપિંગનો જ કેસ છે.' કમિશનર પોતાના અનુભવે બોલ્યા.


'શું..? ગઝલ કિડનેપ થઇ ગઇ?' નીશ્કાના અવાજમાં આઘાત ભળ્યો અને તે ફરીથી રડવા લાગી.


'આપણે બહાર જઈને વાત કરીએ.' પ્રતાપ ભાઈએ કમિશનરની સામે જોઈને કહ્યું.


નીશ્કાના સ્ટેટમેન્ટ પરથી સેલવાસ પોલીસ ગઝલની શોધમાં લાગી. મલ્હારે પણ ગઝલને શોધવા માટે પોતાના માણસો લગાવ્યા. પણ તેમને કંઇ હાથ લાગતુ નહોતું.


કૃપા અને નીશ્કા એકધારું રડી રહ્યાં હતાં.ત્યાં રિસોર્ટમાં લગ્નમાં આવેલા મહેમાનોને પણ ગઝલના કિડનેપિંગની ખબર પડી હતી. એ બધાં પણ ચિંતામાં હતા.


બીજી તરફ, ગઝલ હજુ હોશમાં નહોતી આવી. ત્યાં વિવાન પર રઘુનો ફોન આવ્યો અને હોસ્પિટલમાં બનેલી આખી વાત વિવાનને વિગતવાર જણાવી.

વિવાને હાઉસ બોટ છોડવાનો નિર્ણય કર્યો.

.

.

ક્રમશઃ

.

**

શું પોલીસ અને મલ્હારના માણસો ગઝલને શોધી શકશે?


વિવાન હાઉસ બોટ છોડીને હવે ગઝલને ક્યાં જશે.


અધવચ્ચે ગઝલ હોશમાં આવી જશે તો?


**

મિત્રો, આપના તરફથી આ નવલકથાને અઢળક પ્રેમ મળી રહ્યો છે. આપના અમૂલ્ય પ્રતિભાવો અને મેસેજીસ મારા ઉત્સાહમાં વધારો કરે છે. અને સારૂ લખવા માટે મને પ્રેરણા આપે છે. તમારો આ પ્રેમ મારા સર આંખો પર.. ❤

આવી રીતે જ તમારો પ્રેમ વરસાવતા રહેશો.


❤ હું તમારા પ્રતિભાવોની રાહ જોઈશ. ❤