માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો, રૂપેરી પડદા ની રસપ્રદ વાતો સાથે. તો તૈયાર છો ને મજેદાર સફર માટે?
હં.... આજે રેટ્રો ની મેટ્રો તમને સફર કરાવશે ભારતની સૌથી જૂની મેટ્રો સેવા ધરાવતા શહેરની, બોલો બોલો એ શહેર કયું? અરે મૂંઝાઈ ગયા? ચાલો,બીજી કલ્યુ પણ આપું... આ શહેરને પૂર્વ નું મોતી કે પછી city of joy તરીકે ઓળખવામાં આવે છે.... અને આપણે સૌ જેના દિવાના છીએ તેવી મધુર મીઠાઈ રસગુલ્લા..... આહા...આટલું સાંભળતા જ.... તમારા ચહેરા પર રસગુલ્લા જેવું જ મધુર સ્મિત આવી ગયું અને હોઠે આવી ગયો કલકત્તી પાન જેવો મઘમઘતો બિલકુલ સાચો જવાબ "કોલકાતા"તો કોલકાતાની મજેદાર સફર સાથે બોલિવૂડના એવા કલાકારો ને યાદ કરીશું જેમનો જન્મ કે ઉછેર કોલકાત્તામાં થયો હોય.
પૂર્વ ભારતનું પ્રવેશદ્વાર ગણાતા કોલકાતાને ભારતીય ઇતિહાસની કેટલીક કથાઓ નું ઉદગમસ્થાન કહી શકાય.કોલકાતાનો મિજાજ હંમેશા કલા અને સંસ્કૃતિ ને પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે.આ શહેર સર્જનાત્મક ઊર્જાના શહેર તરીકે પણ ઓળખાય છે.કદાચ આ જ કારણ છે કે બોલિવુડને પણ ઘણા કલાકારો નો વારસો કોલકત્તા તરફથી મળ્યો છે.રેટ્રો ચાહકો,હાવરા બ્રિજ એટલે કોલકાતા નું ગૌરવ, કોલકત્તા ની ઓળખ. કોલકત્તામાં સ્વાગત તો હાવરા બ્રિજ જ કરેને ? કોલકાતાની પૃષ્ઠ ભૂમિમાં જેની વાર્તા આકાર લે છે તે ફિલ્મ "હાવરા બ્રીજ"યાદ આવી ગઈ ખરૂ ને?હાવરા બ્રિજ જેવી જ મજબૂત સુરો પર ની પકડ ધરાવનાર સિનેજગતના ગાયક કલાકાર એટલે મન્ના ડે.આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતીય પાર્શ્વ ગાયક, સંગીત નિર્દેશક અને સંગીતકાર પ્રબોધ ચંદ્ર ડે જેમને આપણે મન્ના ડે નામથી ઓળખીએ છીએ.શાસ્ત્રીય ગાયક તરીકે તેઓ ભીંડીબજાર ઘરાનાના શિષ્ય હતા.કોમર્શિયલ હિન્દી ફિલ્મોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતને માનભેર સ્થાન અપાવવાનું શ્રેય તેમને આપવામાં આવે છે.1 મે 1919 ના રોજ તેમનો જન્મ કોલકાતામાં બંગાળી પરિવારમાં થયો હતો.તેમના માતા-પિતા ઉપરાંત, તેમના સૌથી નાના કાકા, સંગીતાચાર્ય કૃષ્ણચંદ્ર ડેએ તેમને ખૂબ જ પ્રેરિત અને પ્રભાવિત કર્યા હતા.
1942માં"તમન્ના"ફિલ્મમાં સુરૈયા સાથે હિટ યુગલ ગીત ગાયને તેમણે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી.1943માં"રામ રાજ્ય" ફિલ્મમાં પ્રથમ સોલો ગીત ગાવાની તક સાવ આકસ્મિક રીતે તેમને મળી.થયું એવું કે ફિલ્મના નિર્માતા વિજય ભટ્ટ અને સંગીતકાર શંકરરાવ વ્યાસે ફિલ્મમાં પ્લેબેક આપવા માટે કાકા કે સી ડેનો સંપર્ક કર્યો ત્યારે કે.સી. ડે અન્ય કલાકાર માટે અવાજ આપવા તૈયાર ન હતા તેથી તેમણે ઓફર નો અસ્વીકાર કર્યો તે સમયે રૂમના એક ખૂણામાં મન્નાડે બેઠા હતા એટલે ગાવાની તક એમને આપવાનું નક્કી થયું.ફિલ્મના સંગીતકાર મન્ના ડેને ગીતો શીખવવા લાગ્યા,ત્યારે તેમણે તેમના કાકા થી અલગ શૈલીમાં ગાવાનું પસંદ કર્યું અને આમ,એક આગવી ઓળખ સાથે તેમની કારકિર્દી એ વેગ પકડ્યો.પાંચ દાયકાથી વધુ સમયની કારકિર્દીમાં,મન્ના ડેએ કુલ 3,047 ગીતો રેકોર્ડ કર્યા,બંગાળી અને હિન્દી ઉપરાંત ભોજપુરી, પંજાબી,આસામી,ગુજરાતી,કન્નડ,મલયાલમ સહિત અન્ય 14 ભારતીય ભાષાઓમાં તેમણે ગીતો ગાયા. સીને જગતના આ મહાન ગાયક ને ભારત સરકારે 1971માં પદ્મશ્રી, 2005માં પદ્મ ભૂષણ અને 2007માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.ઢળતી સાંજે કોલકત્તા ના હાવરા બ્રિજને જોતા જોતા મને તો મન્નાડે એ ગાયેલ ગુજરાતી ગૈરફિલ્મી ગીત"પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો.... યાદ આવે છે, મન્નાડે એ ગાયેલું તમારું સૌથી પ્રિય ગીત કયું છે તે વિશે વિચારતા વિચારતા રેટ્રોની મેટ્રોમાં આપણી સફર આગળ વધારીએ.રેટ્રો ચાહકો તમે તો જાણો જ છો કે કોલકાતાનું એક મુખ્ય આકર્ષણ એટલે ટ્રામની સફર... શહેર નાં રસ્તા પરથી પસાર થતી ટ્રામ કોલકાતાની ધડકન છે.અત્યારે મને એક ફિલ્મ યાદ આવે છે જેનું શૂટિંગ થયું હતું કોલકાતામાં.તે ફિલ્મ એટલે બિમલ રોયની "દો બીઘા ઝમીન"અભિનેત્રી નિરૂપા રોય અને અભિનેતા બલરાજ સહાની પર એક સીન ફિલ્માવવાનો હતો, જેમાં આ બંને કલાકારોએ ટ્રામના પાટા પરથી પસાર થવાનું હતું. ડાયરેક્ટર બિમલ રોયે બંને કલાકારો ને સીન સમજાવ્યો અને કહ્યું કે હું ઇચ્છું છું કે તમે બંને ખૂબ વાસ્તવિક અભિનય કરો. શૂટિંગ દરમિયાન આસપાસના લોકોને ખબર ન પડે અને કલાકારો ડિસ્ટર્બ ન થાય તે માટે બિમલ દા કેમેરા સાથે એક ખૂણામાં છુપાઈ ગયા અને ત્યાંથી જ સીન શૂટ કરવાનું નક્કી કર્યું. જેવો બિમલ દા એ ઈશારો કર્યો કે તરત જ બલરાજ સહાની ટ્રામના પાટા પસાર કરવા લાગ્યા તે જ સમયે ટ્રામ શરૂ થઈ ગઈ, બંને કલાકારો એક્ટિંગમાં એવા ખોવાઇ ગયા હતા કે તેમને ખબર જ ન પડી કે ટ્રામ તેમની નજીક આવી ગઈ છે. અચાનક ટ્રામ સાથે બલરાજ સહાની અથડાયા અને ધડામ કરતાં નીચે પડ્યા.ટ્રામ સ્પીડ માં નહોતી તેથી બલરાજ સહાની ને વધુ ઇજા ન થઈ પણ ટ્રામમાં બેઠેલા લોકો નીચે ઉતર્યા અને તેમણે બંને કલાકારોને ખખડાવી નાખ્યા.પાત્ર મુજબના ગેટઅપને કારણે લોકો કલાકારોને ઓળખી ન શક્યા.પરિસ્થિતિ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ. શૂટિંગ અને એક્ટિંગ વિશે જણાવે તો ત્યાં લોકોની ભીડ જમા થઈ જાય અને બિમલ રોયની બધી મહેનત પાણીમાં જાય છેવટે બંને કલાકારોએ લોકોની માફી માંગી અને કેટલાક કલાકો સુધી શૂટિંગ અટકાવી દેવાયું. જ્યારે મામલો થાળે પડયો ત્યારે બિમલ રોયે સીન શૂટ કર્યો.ગોલ્ડન એરાના કલાકારોનું,ડાયરેક્ટરોનું ફિલ્મો પ્રત્યેનું સમર્પણ કેટલું ગજબનું હતું તે સમજાય છે ને?ચાલો હવે તમને એક જનરલ નોલેજનો ક્વેશ્ચન કરું.વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટુ વૃક્ષ ક્યાં આવેલું છે? અરે વાહ તમે માત્ર રેટ્રો ચાહકો જ નહીં જનરલ નોલેજ ના પણ અભ્યાસુ છો.બિલકુલ સાચું, કલકત્તામાં આવેલ બોટનીકલ ગાર્ડનમાં લગભગ અઢીસો વર્ષ જૂનું વિશાળકાય વટવૃક્ષ છે જે વિશ્વમાં સૌથી મોટું વૃક્ષ હોવાનું ગૌરવ ધરાવે છે. આ વૃક્ષ વચ્ચેથી પસાર થતા માર્ગ પર ચાલીને એક અનોખો અનુભવ કરતા કરતા યાદ કરીએ બોલિવૂડમાં વટવૃક્ષ જેવું જ યોગદાન આપનાર ફિલ્મકાર ઋષિકેશ મુખર્જી ને. કલકત્તાના એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં 1922 ની 30 મી સપ્ટેમ્બરે તેમનો જન્મ થયો.ફિલ્મ ઉદ્યોગમાં આવતા પહેલા થોડા વર્ષો તેમણે શિક્ષક તરીકે કામ કર્યું. ફિલ્મક્ષેત્રે લગભગ ચાર દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં તેમણે લગભગ 42 ફિલ્મો બનાવી.ઋષિ દા તરીકે જાણીતા ભારતીય સિને ઉદ્યોગના આ પ્રખ્યાત લેખક,નિર્દેશક અને એડિટર,
બદલાતી મધ્યમ-વર્ગની નૈતિકતાને પ્રતિબિંબિત કરતી તેમની સામાજિક ફિલ્મો માટે જાણીતા છે. મુખ્યપ્રવાહની ફિલ્મો ની અતિશયોક્તિ અને આર્ટ ફિલ્મોની નરી વાસ્તવિકતા વચ્ચે એક મધ્યમ માર્ગ તેમણે બનાવ્યો.સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC) અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના અધ્યક્ષ તરીકે તેમણે બહુમૂલ્ય સેવા આપી.ભારત સરકારે તેમને 1999માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 2001 માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા તો 2001માં તેમને એનટીઆર નેશનલ એવોર્ડ મળ્યો હતો.આઠ ફિલ્મફેર એવોર્ડ જીતનાર ઋષિ દાની ચુપકે ચુપકે, અનુપમા,આનંદ, અભિમાન,ગુડ્ડી,ગોલમાલ,
બાવર્ચી,ખુબસૂરત,નમક હરામ જેવી સાવ નોખી તરાહની સરસ ફિલ્મો યાદ આવી ગઈ ને?
સાહિત્ય,કલા,સંસ્કૃતિ ની જેમ જ વિજ્ઞાન ક્ષેત્રે પણ કલકત્તા નું આગવું પ્રદાન રહ્યું છે.જગદીશચંદ્ર બોઝ, પ્રફુલચંદ્ર રે, કેદારેશ્વર બેનર્જી,મેઘનાદ સહા જેવા ઘણા મહાન વૈજ્ઞાનિકોના નામ અને તેમનું યોગદાન તમને યાદ આવી ગયા હશે જ.એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજા ક્રમનું બિરલા પ્લેનેટોરિયમ અને ભારતનું સૌથી મોટું સાયન્સ સીટી કલકત્તા માં આવેલું છે. તે જ રીતે સંગીત ક્ષેત્રે પણ કલકત્તા નું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.માત્ર ફિલ્મ સંગીત ક્ષેત્રે કાર્યરત સંગીતકારોની વાત કરીએ તો પંકજ મલિક, કે સી ડે, આર સી બોરાલ, સચિન દેવ બર્મન, હેમંતકુમાર,સલીલ ચૌધરી,આર ડી બર્મન,બપ્પી લહેરી, તનિષ્ક બાગચી અને પ્રીતમ જેવા ઘણા સંગીતકારો નું યોગદાન આપણને અચૂક યાદ આવે.જો કે અત્યારે તો રેટ્રો ની મેટ્રોનું વિરામ સ્થળ આવી ગયું છે તો થોડા વિરામ પછી કલકત્તા ની યાત્રા જારી રહેશે યે વાદા રહા.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.