23.
અમારે હવે ફરી દક્ષિણ દિશા પકડી વહાણમાં આવેલાં એ તરફ જઈને આગળ બીજો રસ્તો પકડવાનો હતો. અત્યારે તો પોલીસ ખાનગી વાહનોમાં પાછળ હતી. બારીનો કાચ જંગલી કૂતરાએ સ્ક્રેચ પાડેલો અને સેલોટેપ મારી નાની તડ કવર કરેલી એ સિવાય કાર પરફેક્ટ હતી. પેટ્રોલ પણ હતું.
એક જગ્યાએ ટુંકો હોલ્ટ કર્યો ત્યાં પંચરની શોપ નજીક હતી. બોલો, એ પણ કેરાલીની! અમે ચા પાણી કર્યાં. ઘણાં દિવસે ચા પીવા મળી. મારી પાસે હવે પાકીટ હતું પણ પૈસા પેલા ડફ્લી સાથે ગાઈ વગાડી મેળવેલ એ સિવાય નહીં. એ પણ પૂરતા હતા છતાં ત્યાં એટીએમ પરથી થોડા ઉપાડી લીધા. પોલીસોનું બિલ પણ મેં ચૂકવ્યું.
સારું છે, હું એમનું ઓપરેશન એક રીતે લીડ કરવા જતો હતો. નહીતર હજુ શંકાસ્પદ આરોપી તરીકે એમની વચ્ચે હાથકડી સાથે બેઠો હોત.
અમારે એ છોકરીને છોડાવવાની હતી પણ નહીં નહીં તો દસેક કલાકની આ અમારી મુસાફરી દરમ્યાન તેને જ્યાં મોકલવાની હતી ત્યાં તેઓ સગેવગે તો નહીં કરી નાખેને? ચાન્સ લેવાનો હતો.
બપોર થયા. રસ્તો ધગધગવા લાગ્યો. સામે જોઈ પણ શકાતું ન હતું. તડકા માટે ફ્લેપ નીચો કરીએ પણ રસ્તાની બાજુની રેતીનું અને ખુદ રસ્તાનું રીફલેકશન આવે એનું શું કરવું? તો પણ મેં ગરિમાને કહી ગ્લોવનું ખાનું ખોલાવ્યું. કદાચ મારાં ગોગલ્સ હોય. કાઈં જ નહોતું. કાર બીજાને વેંચવા કે પોતાને વાપરવા લેતાં પહેલાં ઉસ્માનના માણસે ખાલીખમ કરી દીધી હતી.
બાર વાગ્યા હશે? ડેશબોર્ડની ઘડિયાળમાં જોયું. પોણો વાગતો હતો. મેં કાર ધીમી કરી. પોલીસોએ પણ કરી. મેં નજીક કોઈ ઢાબા જેવું આવે તો જમી લઈએ એમ સૂચન કર્યું. તેઓના સાહેબ કહે હજી એક કલાક આ કોસ્ટલ હાઇવે પર ડ્રાઇવ કરીએ એટલે મીરબાત બીચનાં નજીકનાં ગામે પહોંચી જશું. ત્યાં સુધી ચલાવી લઈએ. મારે માન્યા વગર છૂટકો ન હતો.
બપોરે બે આસપાસ એક ચાર રસ્તા આવ્યા ત્યાં પોલીસોએ કારો ઊભી રખાવી અને જમવા માટે એ ગામનાં એક રેસ્ટોરાં પર ગયા.
રસ્તો કન્ફર્મ કરવા મેં મિરબાત બીચ જવા ટુંકો ક્યો રસ્તો પડે તેમ પૂછ્યું. માલિક અરેબિક, એ પણ અહીંની લોકલ ડાયલેક્ટ જ સમજતો હોય એમ લાગ્યું.
સાચી સર્ચ, to narrow down the place શરૂ થઈ. પોલીસોએ તે લોકેશન બતાવ્યું કે આ જગ્યા કઈ હોઈ શકે? માલિકને ખબર ન પડી.
ગરિમાએ રસ્તો કાઢ્યો. પેલી નવી ફેસબુક ફ્રેંડને ફોન લગાવ્યો. બે વાર કટ થયો. પછી તેણે મેસેજ કર્યો કે અમે ટ્રાવેલમાં છીએ અને એક નાનો એક્સિડન્ટ થતાં અમારા એક સાથીને થોડી નર્સિંગની જરૂર છે. તમને અમે મળી શકીએ?
તેણે કહ્યું કે હું તો દુબઈ પાસે કોઈ ઇન્ટીરિયર જગ્યાએ છું. કદાચ એક રિસોર્ટ માં. હજી હોસ્પિટલ જોઈન કરવામાં થોડો સમય લાગશે એમ અમારા કો ઓર્ડીનેટરએ કહ્યું છે.
ગરિમાએ કહ્યું કે સોરી. તું કામ નહીં આવી શકે. પણ તું છે એ સરસ જગ્યાના ફોટા મોકલી શકે?
તેણે પોતે હતી એ જગ્યાના ફોટા મોકલ્યા.
એ એક રિસોર્ટ હતો. આસપાસના બીચ અને કિનારાના ફોટા પણ મોકલ્યા. દરેક ફોટામાં કોઈ સ્ત્રી સતત તેની સાથે ને સાથે હતી.
ગરિમાએ પોલીસોને અને તેમણે આ રેસ્ટોરાં માલિકને બતાવ્યા કે આ જગ્યા નજીકમાં ક્યાં છે. માલિક સમજ્યો નહીં. ત્યાં તો તેની મદદમાં એક ભારતીય લાગતો વેઇટર આવ્યો. તેને પૂછ્યું. તે કહે તે આ જગ્યા જાણે છે. તેને મેં વતન પૂછ્યું. તે બાંગ્લાદેશી હતો.
જગ્યા કઈ રીતે જાણે છે તેમ પૂછતાં તેણે કહ્યું કે અવારનવાર ત્યાં અમુક ધનિક દેખાતા પુરુષો આવે છે અને આ જગ્યા પછી આગળ એક પણ રેસ્ટરૂમ એટલે કે ટોઇલેટ ધરાવતી રેસ્ટોરાં નથી એટલે અહીં હોલ્ટ કરે જ છે.
પોલીસ અધિકારીને કુતૂહલ થયું. તેમણે પૂછ્યું કે બીજું કોઈ ત્યાંથી આવે જાય છે? તો તેણે કહ્યું કે આ જગ્યાએથી કોઈક વખત સુંદર યુવતીઓ સાથે કારો પસાર થાય છે જે અહીં ઉભતી નથી.
ત્યાં જવાનો રસ્તો મેં પૂછ્યો અને તેણે બહાર રસ્તા નજીક જઈ બતાવ્યો.
મારી પાસે ખુબ મર્યાદિત કેશ હતી પણ તેને દસ રિયાલની નોટ આપી. એટલાના ભારતના બાવીસ સો રૂ. નજીક થાય. તે ખૂબ ખુશ થઈ ગયો અને વાહનો ચાલ્યાં ત્યાં સુધી હાથ હલાવતો રહ્યો.
અમે એ બતાવેલા રસ્તે ગયા.
સાવ સીધો રસ્તો. એક બાજુ ભૂરો સમુદ્ર ઘૂઘવે જે દૂર લીલો દેખાય અને બીજી બાજુ સફેદ રેતી વચ્ચે એ સ્ટેટ હાઇવે હતો. તે એમ તો ટુ લેન રસ્તો હતો પણ સરખો એવો પહોળો હતો. અમને રેસ્ટોરાં થી ત્યાં પહોંચતાં ખાસ સમય ન લાગ્યો. વળાંક પાસે એરો અને બોર્ડ આવ્યું જ્યાં લોકેશન હતું. અમે એ છોકરીએ મોકલેલા ફોટા જોઈ ખાતરી કરી. એ ચોક્કસ હોટેલની બહારનો વ્યુ હતો. મને એ જગ્યા ખૂબ જાણીતી જગ્યા લાગી. પેલું રિશિકપુર સપનામાં પૂર્વજન્મની ઇમારત જુએ છે એવું તો નહીં હોય! મેં ગરિમાને એ કહ્યું. તે હસી પડી. કહે કે એવું તે કેમ હોય? મને ખૂબ જાણીતી ઇમારત લાગી.
એક મિનિટ માટે મેં ગાડી રસ્તાની બાજુએ પાર્ક કરી. થોડા પાછળ જઈ સાઈડમાં બોર્ડ હતું કે પ્રાઇવેટ પ્રોપર્ટી. ત્યાં માલિકનું નામ અને પ્રોપર્ટીનું નામ જોયું. આ તો મારો ડિઝાઇન કરેલો રિસોર્ટ! માલિક પાસેથી 2000 રીયાલ જેવા મારા કામનાં પૈસા પણ લેવાના બાકી હતા.
અહીં હું સાઇટ વિઝીટે આવી ગયેલો જ્યારે આ મકાન સાવ વેરાન જગ્યાએ સમથળ જમીન કરીને બનતું હતું.
માલિક કોણ? યાદ આવ્યું. અબ્બાસ મોહસીન. હું તેને રૂબરૂ મળ્યો ન હતો. બધાં ડોક્યુમેન્ટ સાઈન થઈ કુરિયર થતાં અને ફોન પર જ વાત થતી. તે આમાં સામેલ ક્યારથી થયો? મારો ફોન મારી સાથે હોત તો ચેતવી દેત. હશે. અમારું કામ સાઈટ અને મકાનની ડિઝાઇનનું. બની ગયા પછી ત્યાં પછી શું કરવું એ ક્લાયન્ટની મરજી. મને પેમેન્ટ મળે તો ગરિમાનો પગાર અને ચકુ, એની મમ્મીનું પેટ ભરાય.
ગરિમાએ નર્સ ફ્રેન્ડને બહાર આવવા કહ્યું. અમે રિસેપ્શન પર ગયાં.
એક ક્ષણ હું ડઘાઈ ગયો. વગર અરીસે સામે કાઉન્ટર પાછળ હું પોતે? ના. અબ્બાસ મોહસીન.
તો ઠીક. એ મારો હમશકલ અબ્રાહમ મથાઈ ઉર્ફે ફેક પાસપોર્ટધારી અબ્બાસ મોહસીન હતો.
**
ક્રમશઃ