Site Visit - 9 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 9

Featured Books
Categories
Share

સાઈટ વિઝિટ - 9

9.

આપણે જોયું કે આર્કિટેક્ટ અને તેની ખૂબસૂરત આસિસ્ટન્ટ ગરિમા આ અકલ્પિત મુશ્કેલીઓ ભરી મુસાફરી કરતાં સાઈટ વિઝિટ પર જઈ રહ્યાં છે. ગયા હપ્તામાં જોયું કે મૂળ રસ્તો ચુક્યા પછી તેમને એક ખાડી ઓળંગી સામે જઈ થોડું ડ્રાઇવ કરીને મુકામે પહોંચવાનું છે. એ નાની એવી દરિયાઈ મુસાફરીમાં પણ દરિયાઈ તોફાનમાં તેમની બોટ અન્ય સ્થળે પહોંચી જાય છે અને ત્યાં તેઓને રાત ગાળવી પડે છે. જો કે એ રાતનો અનુભવ તેમને આનંદદાયક બની રહે છે. તો હવે તેમની સાથે આગળ મુસાફરી કરીએ મંઝિલ ભણી.

**

મોંસુઝણું થતાં તો અમે ઉઠી ગયાં. (આથી પણ વહેલી સવારને 'ભળું ભાંખળું' કહેવાય તે ખબર છે કોઈને?) રાતે અમને ગાઢ ઉંઘ આવી ગઈ હતી. સવાર થતાં પહેલી મોટી બોટમાં કાર ચડાવી અમે પણ ચડી ગયાં.

સવારનો સમુદ્ર શાંત હતો. દૂર દૂર ક્યાંક ડોલ્ફિન પણ કૂદકા મારતી દેખાતી હતી. આ નાનો એવો દરિયાઈ ખાંચો હતો. આ રસ્તે દુક્મ જવા એ ખાડી ઓળંગવી પડે. દરિયામાંથી થોડી વાર પહેલાં જ સૂર્યોદય થયો હતો તેનાં કિરણો દરિયાની સપાટી એકદમ સોનેરી બનાવી રહ્યાં હતાં. હજી હમણાં સુધી ક્ષિતિજ ગુલાબી હતી. ઉપરથી સફેદ સી ગલ પક્ષીઓ ઊડતાં હતાં. મોજાંઓનો છપાક છપાક અવાજ વાતાવરણને સુંદર બનાવતો હતો.

ગરિમા મારી સાથે ઊભી દરિયાને માણતી હતી. તેના વાળ સવારના પવનમાં ફરફરતા હતા. સારા એવા ઘટ્ટ હતા. તેનાં ગૌર મુખ પર સવારનો આછો પ્રકાશ અને તેના ગુલાબી હોઠો પરનું સ્મિત તેની આભા સાચે જ નજર ખોડી રાખે તેવી યૌવનભરી પણ પવિત્ર લાગતી હતી.

મેં પૂછવા ખાતર પૂછ્યું કે આર્કિટેક્ચરના અભ્યાસ દરમ્યાન સાથી વિદ્યાર્થીઓ સાથે તેના સંબંધો કેવા હતા. તેણે કહ્યું કે એકદમ આત્મીય. તે ખુલ્લા મનની હતી અને નાના નાના હાસ્યસભર ટહુકા મૂકવાની ટેવને કારણે તે સહુમાં લોકપ્રિય બની ગઈ હતી. તેણે કહ્યું કે તેના મિત્રો સારા એવા હતા. પુરુષ મિત્રો પણ. છતાં, મજાક મસ્તી કે હરવાફરવા પૂરતી જ તે છૂટ લેતી કે મિત્રોને અમુક જ હદ સુધી છૂટ લેવા દેતી. ગઈકાલ રાત્રિનો દૈહિક અનુભવ તેનો જિંદગીનો પહેલો અનુભવ હતો અને માદક, ઉત્તેજક દરિયાઈ ચાંદની રાતનાં વાતાવરણમાં બસ થઈ ગયો હતો. તેણે પોતે તે ત્યાં સુધી પહોંચી જશે તેવું વિચાર્યું પણ ન હતું.

મેં પણ ક્યાં? હું મારી પત્નીને ચાહું છું અને મારો સુખી સંસાર ચાલે છે.

કેટલીક વસ્તુઓ બસ, થઈ જાય છે.

આ મુસાફરીમાં થતા વિચિત્ર અનુભવો સામે કોઈક તો આનંદદાયક અનુભવ હોવો જોઈએ ને?

તો બોટ એ અલ અલિંદમ કે એવાં અરેબિક નામનાં બંદરે આવી પહોંચી. અમે કાર ઉતારી અને ફરી ગૂગલ મેપ ચાલુ કર્યો. ક્યારેક એ છેહ જરૂર દે પણ મોટે ભાગે એની ઉપર ભરોસો રાખવો ફાયદાકારક નીવડે છે.

પેટ્રોલ ગઈકાલે ગોળગોળ ફર્યાં એમાં સરખું એવું ગયેલું. અત્યારે રસ્તો સીધાં સપાટ મેદાનમાંથી થઈ જતો હતો. ક્ષિતિજ પર નજર નાખો ત્યાં સુધી રસ્તાની પટ્ટી અને બેય બાજુ સપાટ મેદાન દેખાય. અહીં રણ નહોતું. ખાલી અનંત નિર્જન જમીન હતી.

અમે ગૂગલ મેપે સૂચવ્યા પ્રમાણે એક ગામનું ચક્કર મારતાં ગામમાં દાખલ થઈ રહ્યાં હતાં.

અહીંનાં ગામોમાં લોકો ઊંટ તો પાળે જ છે પણ તેલની સમૃદ્ધિ એટલી છે કે આવાં નાનાં ગામના લોકો પાસે ઊંચાં વ્હીલ્સ વાળી 4X4 કાર હોય છે. લેન્ડરોવર સુદ્ધાં, જેનો ભારતમાં તો ધનિકો જ વિચાર કરે. તેનો ઉપયોગ તેઓ રેતીમાં જવા કે ખડકાળ જમીન પર થઈને જવા માટે કરતા હોય છે. તેમને જવું પણ પડે છે. બધે કાઈં મસ્કત, સલાયા કે સુર શહેરો જેવું પોશ, પહોળા રોડ વાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર થોડું હોય?

આવડી મોટી કારો રાખે પણ ગામ તો થોડી જગ્યામાં, પર્વતના ઢાળ પર બન્યું હોઈ ત્યાં વાંકાચુંકા અને સાંકડા રસ્તાઓ હોય છે. એક તરફથી આવતી તેમની મસ મોટી કાર બીજી એવી જ તોતિંગ કાર સાથે અથડાઈ ન પડે તે માટે શેરીએ શેરીએ અને મોટા રસ્તાનાં દાખલ થવાનાં પોઇન્ટ પર મોટા સ્પીડબ્રેકર હોય છે. એ બધા 4X4 કાર ને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરેલા હોય છે.

અમે ગામમાંથી લગભગ નીકળી ચૂક્યાં હતાં. આ અને તે રાઉન્ડ એબાઉટ આવે એટલે કાર ધીમી પાડી ક્યાં વાળવી એ જોવાનું. દરેક મોટા સ્પીડબ્રેકર પર કાર જરૂર ઊછળતી. પટ્ટો બાંધ્યો હોવા છતાં ગરિમાનું મારી સાથે અથડાવું સામાન્ય હતું.

બસ એક બે સ્પીડબ્રેકર આવ્યા અને અમે ફરી હાઇવે પર ચડી ગયા.

મારો ફોન વાગ્યો. મેં બ્લ્યુટૂથ થી કારનાં સ્પીકર સાથે એટેચ કર્યો.

ફોન અલ ખુર્શીદ કંપનીમાંથી હતો. નક્કી મને કાલ ન પહોંચ્યો ને બીજાઓનો દિવસ બગાડ્યો તેથી ખખડાવવા માટે જ હશે. મેં હેલો કહ્યું.

તેમની કંપનીનો ફાઇનાન્સ મેનેજર હતો. મારાં કોઈ પેમેન્ટ માટે વાત કરતો હતો. સાથે હવેની મિટિંગનાં અને તે પછી કરવાનાં કામનાં પેમેન્ટ અંગે તેને વાત કરવી હતી. બને કે તેને અમારી મિટિંગની ખબર પણ ન હોય. જાણીજોઈને મેં ગઈકાલે હું પહોંચી શક્યો નહોતો તે સામેથી જણાવવાનું ટાળ્યું. પૂછ્યું હોત તો બધા સંજોગોનું વર્ણન ટુંકમાં કરત.

તેણે ફોન મૂક્યો અને મેં રાહતનો શ્વાસ લીધો.

અમે ગૂગલ મેપ મુજબ હાઇવે પકડવા માટે માત્ર એક રાઉન્ડ એબાઉટ દૂર હતાં. મેં રસ્તો ક્લિયર જોઈ થોડી સ્પીડ લીધી.

ફરી મારો ફોન વાગ્યો. મેં ફોન એટેચ હોવા છતાં ગરિમાને વાત કરવા કહ્યું. કોઈ બીજા ક્લાયન્ટનો ફોન હતો. હું શાર્પ ટર્ન આવતો હોઈ ડ્રાઈવિંગમાં એકાગ્ર હતો. હું અંતિમ રાઉન્ડ એબાઉટ વટાવી રસ્તા પર આવી ગયો અને એક્સપ્રેસ વે શરૂ થતાં કાર ની સ્પીડ વધારી.

ઓચિંતો એક વિચિત્ર સ્પીડ બ્રેકર આવ્યો અને એ પણ ફરી એક શાર્પ વળાંક પછી તરત જ. આગળ જતી કોઈ મોટી કારે બ્રેક મારી એટલે પાછળ મેં પણ. એ સાથે એ કાર તો નીકળી ગઈ, મારી કાર ઉછળી અને ડીવાઈડરની બાજુમાંથી ઠેકી રોડ નીચે આવી ગઈ.

'ઓહ..' કહેતાં ગરિમા આગળ ડેશબોર્ડ સાથે અથડાઈ અને મોબાઈલ તેના હાથમાંથી નીચે પડી ગયો. તેમાંથી ક્લાયન્ટનો 'હેલો.. હેલો..' અવાજ આવતો રહ્યો. મેં કાર થોડી રિવર્સમાં લીધી અને પાછળ થઈ ફરી હાઇવે પર ચડવા જતો હતો ત્યાં કોઈના ઘરની કદાચ ગેરકાયદે દબાણ કરી થોડો રસ્તો રોકતા વાડાની ફેન્સ સાથે કાર ટકરાઈ. વાડામાં રહેલું પાળીતું ઊંટ ગભરાઈને ગાંગરતું કાર પર હુમલો કરવા દોડ્યું. એ સાથે બીજાં બે ત્રણ પાળેલાં ઊંટ દોડ્યાં. ફરી કાર મિરરમાં જોતો રિવર્સમાં લઉં ત્યાં એ વાડાની બાજુનાં ઘરમાંથી બેદુઇન આરબ લાકડી સાથે ધસી આવ્યો અને કાર આડો ઊભો રહી ગુસ્સામાં મોટેથી કાઈંક બોલવા લાગ્યો.

ઓમાની લોકો મૂળભૂત રીતે વેપારી માનસના અને શાંત હોય છે. બેદુઇન લોકો તો આમેય લડાયક મિજાજના, ભટકતી જાતિના હોય છે.

હું કારમાંથી ઉતર્યો ત્યાં બીજા એના આરબ લોકો આવી પહોંચ્યા અને અમને ઘેરી લીધાં. ડ્રાઈવરની બાજુની સાઈડનું બારણું ખોલી ગરિમા બહાર નીકળે અને તેને કાંઈ સમજાવે તે પહેલાં તેને કોઈક બીભત્સ શબ્દ કહ્યો. તેણે ગુસ્સાથી 'sorry?' કહ્યું ત્યાં તેને બાવડું પકડી અમુક લોકો ખેંચી જવા લાગ્યા. ગરિમા ચીસો પાડતી રહી અને હું કાર ત્યાં ને ત્યાં પડતી મૂકી ડોર પણ લોક કર્યા વગર ગરિમાને બચાવવા તેમની પાછળ દોડ્યો.

ક્રમશઃ