Site Visit - 8 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 8

Featured Books
Categories
Share

સાઈટ વિઝિટ - 8

8

આપણે આ હેરતભરી મુસાફરીમાં જોયું કે આર્કિટેક્ટ બેલડી મસ્કત થી 550 કિમી રણમાં દુક્મ સાઈટ વિઝીટે જતાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરે છે. સાવ નવી રિકૃટ ગરિમા તેની સેન્સ ઓફ હ્યુમર અને ત્વરિત બુદ્ધિનો પરિચય આપતી રહે છે અને નાયક આર્કિટેક્ટ તેના સાહિત્યપ્રેમ અને કહેવતો કહેવાની ટેવનો.

રસ્તો ફંટાવો, ભૂલા પડવું, રણમાં કાર ફસાવી, નવા રસ્તે પર્વતો વચ્ચેથી 'સ્વર્ગ યાત્રા' કર્યા પછી અજાણ્યાં કોસ્ટલ વિલેજમાં જમવું, બોટ પકડવી અને એ બોટ પણ દરિયે સામાન્ય એવું તોફાન આવતાં રસ્તો ફંટાઈ જવી - આ બધી ચેલેન્જનો સફળતાપૂર્વક સામનો કરે છે.

બોટ તો બીજે પહોંચી, આપણી નાયક બેલડીનું શું? તો વાંચીએ આગળ.

**

બોટવાળાએ તો નજીક કોઈ કાંઠા પર બોટ લાંગરી દીધી. અમને કહી દીધું કે અહીંથી બોટ દરિયામાં આગળ જશે નહીં. આ ઓમાન દેશનું એક લગભગ સરહદ પરનું બંદર છે અને જો પવનનાં તોફાનમાં હજી આગળ તણાઈ જાય તો કોસ્ટગાર્ડ પકડી લે. તેમને તો માછલીઓ જ વેચવી હતી. અહીંની લોકલ માર્કેટમાં ફટકારી મારશે અને કોઈ ટ્રક રાતવરત મળે તો દુક્મ પહોંચાડશે.

હવે તો મારું હ્રદય ધડકવા લાગેલું. સાંજના સાડા છ વાગી ચૂકેલા. ઉનાળો હતો એટલે હમણાં જ સૂર્યાસ્ત થએલો. નહીં તો સાંજે મોડામાં મોડો છ વાગે થઈ જાય ને બીજી દસ મિનિટમાં અંધારું.

મારે શું કરવું? જેનું નામ સુદ્ધાં જાણતો નથી એ અજાણ્યાં બંદરને નામે અજાણ્યા દરિયા કાંઠે પડી રહેવું કે અહીંથી કાર લઇ રાતે તો રાતે, દુક્મ પહોંચવું.

અહીંના બોટમાં સાથે આવેલા કેટલાક અભણ લોકો સારા દેખાતા ન હતા. એક બે તો ગરિમા સામું જોઈ જીભ મોં માં ગોળ ફેરવતા હતા. ટીકીટીકીને તો મારા સિવાય બધા એને જોતા હતા. આવી છોકરી તો દરિયાઈ પરી હોય તો જોવા મળે. એમના આખા જન્મારામાં નહીં જોવા મળી હોય. એમનાથી તો પીછો છોડાવવો જ રહ્યો.

મેં કાર લીધી અને સવાઈ ગૂગલ અહીંના થોડા ઘણા ભણેલા લાગતા એક પ્રવાસીને દુક્મનો રસ્તો પૂછ્યો. એ રસ્તે કાર લઈ નીકળી પડ્યો. હવે તો ગમે તે કરો, ખાડી તો ઓળંગવી જ પડે. એ આગળ બીજાં બંદરે કદાચ બોટ મળે તો થાય નહીં તો અહીં રાત ગાળી કાલે વહેલી સવારે જવાય.

અહીંથી સીધા મસ્કત પણ જવા જેવું ન હતું. અમે બોટ તણાઈને રસ્તો ફંટાઈ જતાં અહીં આવી પડેલાં. આ સાવ અજાણી જગ્યા હતી.

અમે નજીકનાં લગભગ માછીમારોનાં જ ગામ વિંધતાં કોઈ સારું ગામ આવે તો ગોતતાં મુખ્ય રસ્તા તરફ ગયાં.

આગળ બે ચાર વળાંકો આવ્યા, બાર્બર શોપ, લોન્ડ્રી, કોફીની શોપ વગેરે આવ્યાં. તો આ ગામ સાવ નાનું ન હતું. અમે પેલા અભણ લોલુપ માછીમાર લોકોથી પીછો છોડાવવા ત્યાંથી નીકળી ગયા તે સારું જ હતું. અમે એક કોફી શોપમાં ઘુસ્યાં. કડક લેબનોન કોફી મંગાવી. ઓહ, તો આ અલ જમીલ અલ વકી નામનું ગામ હતું. અહીંથી પચાસ કિમી આગળ જતાં વહાબી સેન્ડ ડ્યુન્સ નજીક જતો રસ્તો આવતો હતો. એ વહાબી સેન્ડ ડ્યુન ઓમાનનું જાણીતું પ્રવાસ સ્થળ હતું.

અમે, ખાસ તો હું સખત થાક્યો હતો. કોફીશોપના માલિકે જણાવ્યા મુજબ ગામમાં કોઈ હોટેલ ન હતી પણ નજીક એક પર્વત પર કેમ્પિંગ સાઈટ હતી જ્યાં અમુક તહેવારો પર લોકો પિકનિક મનાવવા આવી રાત રહેતા હતા.

તો મેં ગરિમા સામે જોયું. એની આંખમાં ડરને બદલે ચમક દેખાઈ. એણે મૂક સંમતિ આપી ને હળવું સ્મિત કર્યું. મેં અહીં નજીકની કેમ્પિંગ સાઈટ પર જ રાત કાઢી સવારે દુક્મ સાઈટ જોઈ મસ્કત પરત જવા નક્કી કર્યું.

રાતના સાડાસાત વાગતાં તો ગામ પોઢી ગયું. અમે હવે જાણતાં હતાં તે રસ્તે દરિયે ગયાં. ચાંદો હજી ઉગીને ક્ષિતિજ ઉપર આવતો હતો. દરિયામાં તેનો પ્રકાશ લાંબો રેલો કરતો લહેરાતો હતો. દરિયો અત્યારે શાંત હતો. હળવાં હળવાં મોજાં પગ પખાળવા અમને આમંત્રણ આપતાં હતાં.

મેં પેન્ટ ચડાવી પગ બોળ્યા. ગરિમા ડરતી હતી. તેને ભારતનાં ચારે બાજુ જમીન વચ્ચેનાં શહેરમાં ઉછરી હોઈ દરિયાનો અનુભવ ન હતો. એમ તો મને પણ ક્યાં હતો? આ તો આટલાં વર્ષો મસ્કતમાં થયાં એટલે દરિયાનો ફેન બની ગયેલો. મેં ગરિમાને મારો હાથ પકડી તેની પેન્ટ ગોઠણ સુધી ઊંચી લઈ દરિયામાં આવવા કહ્યું. અમે હાથમાં હાથ લઈ સુદ બારસની ચાંદનીમાં નહાતાં કેડ સમાં પાણીમાં ઊભાં રહ્યાં.

અમારાં કપડાં પલળી ગયાં. મેં શર્ટ ઉતારી કાંઠે મૂક્યું. હું જોઈ જ રહ્યો. તેણે પણ ડ્રેસ કાંઠે મૂક્યો અને જાતે મોજાંઓની થપાટોમાં ભીની થવા મારી સાથે આવી ગઈ.

એક મોટું મોજું આવીને અમને છાલક મારી જતું રહ્યું. તે મોજું વાગતાં કૂદીને મને  વળગી પડી. કોફી શોપમાં એની આંખમાં જે ચમક જોઈ હતી તે હું હવે સમજ્યો. દરિયો જોઈ કદાચ પ્રથમ તે ડરી ગયેલી પણ પછી રોમાંચિત થઈ ગયેલી. તેની હરકતોનો મેં પહેલાં અચકાટ સાથે પછી મુક્ત મને પ્રત્યુત્તર આપ્યો. તે ખિલખિલાટ હસતી જતી હતી, ભીની રેતીમાં આળોટતી જતી હતી અને સાથે હું.

નિર્જન સમુદ્ર કાંઠે અમે બે લપટાઈને પડ્યાં રહ્યાં. બીજું જે થયું એ તમે સહુ સમજી શકો છો.

અમારાં કપડાં અને જૂતાં થોડે દૂર કાંઠા પર પવનમાં સુકાઈ રહ્યાં હતાં. અમે.. એકમેકમાં સમાઈને…

સમય થંભી ગયો હતો.

મોડી રાત્રે અમે કાંઠા પર જ જઈને બેઠાં ત્યાં એક લાકડાંની છત્રી એટલે કે શેડ દેખાયો. અમે ત્યાં ગયાં તો અંદર ઝાંખરાં હતાં. કેટલાક મવાલી જેવા માણસોએ દારૂ પીને ફેંકી દીધેલી ખાલી બોટલો હતી. અમે એ પબ્લિક શેડ વાપરવાને બદલે વિશાળ ખુલ્લા કાંઠાની રેતીને જ અમારો રેનબસેરા કે સ્યુટ સમજવો વ્યાજબી ગણ્યું.

પાછા જઇ જમવા કે નાસ્તાની અમને ઈચ્છા જ ન હતી.

અમારાં કપડાંની જ પથારી કરી અમે અસંખ્ય તારાઓ જોતાં દરિયાની રેતીની ઠંડક અને ચાંદનીના મદહોશ પ્રકાશને માણતાં ત્યાં જ પડ્યાં રહ્યાં.

ગરિમાએ કહ્યું કે ગમે તેવા, 60 પ્લસ કે કિશોરો, શિક્ષિત કે લુખ્ખા તેને જે રીતે જોતા હતા તેવી રીતે મેં ક્યારેય જોએલું નહીં. મારી વાતો અને વર્તણૂકથી તે મારી પર આકર્ષાઈ હતી. મને લાગ્યું કે મનોમન તે ખુદ મારું સામીપ્ય ઈચ્છતી હતી. આજે ઓચિંતી તક મળી.

તે ખૂબ આનંદમાં હતી.

મારાથી પણ અમુક વખત સંયમ રાખ્યા બાદ રહેવાયું નહીં. અમે દરિયો અને ચાંદની એ રીતે ભરપૂર માણી અને થાક ઉતારતાં સુઈ રહ્યાં.

ક્રમશઃ