Site Visit - 6 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 6

Featured Books
Categories
Share

સાઈટ વિઝિટ - 6

6

તો આપણે કથા પ્રવાહમાં આગળ વધીએ એ પહેલાં ટુંકમાં યાદ તાજી કરી લઈએ. આપણો આર્કિટેક્ટ તથા કહેવતોનો ભંડાર નાયક રાત્રે ત્રણ વાગે દૂરની અને વેરાન રણમાં રહેલી સાઈટ પર જવા તેની ખૂબસૂરત અને હાસ્ય રેલાવતી, બુદ્ધિશાળી આસિસ્ટન્ટ સાથે નીકળે છે. મુસાફરી સરળ નથી. તેમને રસ્તો ભૂલવો, પેટ્રોલ માટે ગામની સીમ ઓળંગતાં જંગલી કુતરાઓ વચ્ચે ફસાવું, રસ્તો મેપ બંધ થતાં ક્યો છે એ ખબર ન પડતાં પાછા ફરવું અને સાચે રસ્તે ચડવા કેડી પકડતાં રેતીનાં રણમાં ફસાઈ જવું એવી મુશ્કેલીઓ નડે છે. તેઓ રેતીમાંથી બહાર નીકળવા શું કરે છે એ આ પ્રકરણમાં જોશું. શું તેઓ મુકામે પહોંચે છે?

*

મેં કહ્યું કે તો રેતી પર ટ્રેકશન માટે બને તેટલી હવા કાઢી નાખીએ. પણ કાઢવી શેનાથી?

એણે તરત જ પર્સમાંથી પોતાની હેરપીન આપી. મેં મારી પેનનો પણ ઉપયોગ કર્યો. થાય એટલી હવા કાઢી એટલે ટાયરોને નીચે ફેલાવા જગ્યા મળે. વધુ સરફેસ એમ સારું ટ્રેકશન.

"સર, પીવાનું પાણી આ રેતી પર ઢોળીએ તો?" તેણે પૂછ્યું.

"તારી વાત તો સોળ આની સાચી. (વળી કહેવત!) પણ પછી પાણી નહીં મળે તો? અને આ રેતી તો જનમ જનમની પ્યાસી છે. એની ઉપર ધોધમાર વરસાદ પણ અસર ન કરે." મેં કહ્યું.

"હું ખાલી સરફેસ ભીની કરવા કહું છું. જો જ્વાળામુખીમાં પણ ઉપર તર ને નીચે અનંત પ્રવાહી હોય તો અહીં પાણીનો નાનો થર બસ થઈ જાય."

"You make sense. ચાલ ત્યારે. હર હર મહાદેવ.." મેં કારમાંથી પાણીની બોટલ ઠાલવતાં કહ્યું.

"Her Her મહાદેવ. જુઓ. મહાદેવ પણ પહેલાં અમારું સાંભળે છે." તે હસી અને પાછળ પડેલો કોઈ કેરબો પણ વ્હીલ્સ ની આગળ ઢોળી નાખ્યો.

મેં તેની વાત પર ખુશ થઈ તેની પીઠ જોરથી થાબડી. તે તો ખુશ થઈ.

"સર, હવે એક પછી એક સ્ટેપ લઈએ. મારી ભાભી પરણીને ઘેર આવી ત્યારે તેનું એક પગલું કંકુ ને સોપારી પર પાડે એટલે એ વસ્તુઓ આગળ લઈ લેવાની. પછી બીજું પગલું એ જ વસ્તુ પર મૂકે. એમ અહીં કોઈ હાર્ડ વસ્તુ આગળ મૂકતાં જઈએ ને એની ઉપર થઈ જતા જઈએ."

તેણે સૂચવ્યું.

"એ પણ પાછલા વ્હીલને. ગતિ પાછલું વ્હીલ જ કરે છે. આગળનું તો સપોર્ટ આપે છે. " મેં કહ્યું.

"મારી જેમ." તેણે પોતાની હ્યુમરનો પરિચય આપ્યો.

હાર્ડ વસ્તુ ક્યાંથી કાઢવી? પહેલાં તો આગળની રેતી કેવી રીતે ખોદવી?

મેં પાછળ ડેકીમાં જોયું. અમારી વીલામાં ક્યારા સાફ કરવા ગાર્ડનીંગ શોકસ હતાં તેમાં આગળ વાઘ નખ જેવું અણીદાર માટી કાઢવા હતું. સાલો પાવડો નહોતો. અમે બન્નેએ જમણા હાથે એક એક એ શોક્સ પહેર્યાં અને કારમાં ક્લાયન્ટ માટે પડેલી ટાઇલ્સથી રેતી ખોદી. અમારાં કન્ટેનર કામ આવ્યાં. એમાંથી ડ્રોઈંગ બહાર મૂકી એમાં જ ધૂળ ભરી ભરી પૈડાં પાસેથી ઉલેચી.

"સર, નાનપણમાં ધૂળ ભીની કરી ઘર બનાવતાં એ ફરીથી કરીએ છીએ. આમેય અત્યારે ઘર બનાવવાનું જ આપણું કામ છે!" ગરિમા કન્ટેનરમાંથી ધૂળ ઠાલવતાં બોલી.

આખરે પૈડાંની ડીઝાઈન પરથી અને આજુબાજુથી સારી એવી ધૂળ નીકળી. અમે એનો ઢાળ બનાવી ટાઈલથી મારીમારીને સમથળ કર્યું અને એ જ ટાઈલ પરથી વ્હીલ આગળ લીધું.

'ગયું.. ગયું.. ' કહેતાં અમે તાળી પાડી.

ત્યાં મેં પાછળ એક ડ્રોઈંગ બોર્ડ જોયું. આર્કિટેક્ટ પાસે આવુંઆવું પડ્યું જ હોય. ભલે સોનાની લગડીઓ બધા પાસે ન હોય.

એ બોર્ડથી થોડી રેતી ખોદી ત્યાં ઢાળ કરી મૂક્યું. મારો બેલ્ટ કાઢી એને બોનેટ સાથે બાંધ્યો. કોણ જાણે આ લેડીઝ ક્યાંથી બધું રાખતી હશે, એણે કોઈ દોરી કાઢી. હું કારમાં બેઠો અને ગિયર ઝડપથી ફર્સ્ટ, સેકંડ અને રિવર્સ કરવા લાગ્યો. રેતીનો એક ફુવારો ઉડ્યો અને કાર ફસાયેલી એમાંથી તો બોર્ડ પર ચડી બહાર આવી ગઈ.

અમે થોડા મીટર, લગભગ સોએક મીટર ગરિમાની ભાભી વાળી કરી. ડ્રોઈંગ બોર્ડ અને ટાઇલ્સ પર કારનાં વ્હીલ્સ મુકાવી, આગળ જઈ એ ખસેડી ફરીથી આગળ મૂકીએ એમ. એ સો મીટર પૂરા કર્યા ત્યારે અગીયાર વાગવા આવ્યા હતા. અમે અત્યંત ધીમેથી કાર ચલાવતાં, ફર્સ્ટ, સેકંડ, રિવર્સ કરતાં સર્વિસ લેન સુધી આવી ગયાં. મેઈન રોડ જવા થોડું જ આગળ જઈ મર્જ થવાનું હતું તે એક્સપ્રેસ વે પકડ્યો. હવે અમે ફસાયેલી કાર બહાર કાઢી લીધી તેથી રાહતના મૂડમાં હતાં.

એકસપ્રેસ વે પકડતાં જ મેં સ્પીડ પકડી લીધી. એકદમ સીધો રસ્તો આવ્યો. આગળ જતાં ગયાં એમ બેય બાજુ પર્વતો આવતા ગયા. સખત ખડકો વચ્ચેથી અમે પસાર થતાં હતાં. ખડકો કુદરતી રંગીન હતા. ક્યાંક તેમની ઉપર લીલો તો ક્યાંક કથ્થાઈ તો ક્યાંક કાળો રંગ હતો. મોટે ભાગે ખાખી રંગ, રણની રેતી જેવો. મેં ગરિમાને કહ્યું કે આ રંગો અલગ અલગ ક્ષારો જે તે વખતે માટીમાં ભળીને બન્યા છે. ક્યારેક આ વિસ્તાર સમુદ્ર નીચે હશે અને એ માટી ધરતીકંપ કે એવી રીતે બહાર આવી આ કાળમીંઢ ખડકો બન્યા છે. તેની વચ્ચે એક સરખી પહોળાઈનો અને ઊંચા નીચા તીવ્ર ઢાળ વાળો રસ્તો બનાવવો એ ખુબ અઘરું કામ છે. મેં તેને ઢાળનો ખૂણો, રસ્તા વળાંક પર કેટલા અંશથી ઝૂકે વગેરે સમજાવ્યું. તે અભિભૂત થઈ આ જ્ઞાન ઝીલી રહી.

અહીં બીજો માર્ગ હતો જ નહીં એટલે રસ્તો ભૂલવાનો સવાલ જ નહોતો. અમે પહાડો વચ્ચેથી ઢાળ ઊતરતાં તો પેટમાં ફાળ પડે એવું થતું ને ચડતાં તો જાણે શ્વાસ રોકાઈ જતા હતા. આખો રસ્તો બેય બાજુ ઊંચા ખડકો, તેની ઉપર અફાટ રણ દેખાયા કરતું હતું. ક્યારેક રસ્તાની બાજુમાં ઊંડી ખીણમાં નીચે ગામ દેખાય તો તેનાં કીડી જેવડાં સફેદ કે ક્રીમ રંગનાં ઘરો અને આસપાસ ઉગેલી ખજૂરીઓ દેખાતી હતી. બપોર બરાબર તપ્યો હતો. કારમાં એસી સાથે પણ અમે જાણે સળગતાં હતાં.

ઓચિંતો સામે દૂર ક્ષિતિજે ભૂરાં પાણીનો વિશાળ પટ્ટો દેખાયો. મને લાગ્યું કે મારી સ્પીડને કારણે expected time કરતાં જલ્દી આવી ગયાં પણ ઊંચો ઢાળ ઉતરતાં જ જોયું કે ત્યાં અફાટ રેતી હતી અને ઉપર ઊંચાઈએથી તડકો ગરમ હવાનાં સ્તર પર પડતાં હવાનું સ્તર જ પાણી જેવું લાગતું હતું. ગરિમા બાળક જેવા ઉલ્લાસથી ચીસ પાડી "સર, મીરાજ. મૃગજળ."

મારે માટે મૃગજળની જેમ મુકામ આવ્યાની આશા ઠગારી નીવડી. વળી રસ્તો જ ત્યાંથી શાર્પ ટર્ન લેતો હતો. હવે કેટલું જવાનું હશે?

મેં કંટાળીને સ્વગત ઉચ્ચાર્યું.

"અરે સર, આપણે સ્વર્ગલોકમાં વાદળો પર વિહાર કરી રહ્યાં છીએ. જુઓ, નીચે પૃથ્વીલોક દેખાય. દેવો આમ જ યાત્રા કરતા હશે." ગરિમાએ મઝાક કરી.

"આપણાં પાપ સાથે હશે એટલે આ બાળી દેતી ગરમી સ્વર્ગયાત્રામાં પણ છે." મેં કહ્યું.

"પણ તારી આ સ્વર્ગયાત્રા ક્યાં સુધી? શું એ અનંત  ચાલ્યા કરશે?" ફરી મેં કહ્યું. એની પાસે પણ જવાબ નહોતો.

સામે નજર પડે ત્યાં સુધી પહાડો, પહાડો ઉપર રણ અને બહાર ઝુ.. ઝુ.. કરી ફૂંકાતો ભયંકર પવન જેમાં કારને બેલેન્સ રાખવી પડતી હતી. સામે ઊંચેથી મૃગજળ દેખાય પણ નીચે ઊતરતાં તો પહાડની ખીણ અને એમાં ધગધગતું પીળું રણ.

ઓચિંતો ભૂરો જળરાશિ દેખાયો. તેની ઉપર બપોરનો પ્રકાશ અસંખ્ય ચાંદરણાં લહેરાવતી હતો. એ સાચે જ સમુદ્ર હતો અને વિકરાળ પર્વતો પાછળથી અમને 'હાઉક' કરતો સ્વાગત કરવા સામો આવ્યો હતો.

આ રસ્તો અહીં અટકતો હતો અને નાની ખાડી ક્રોસ કરી દુક્મ પહોંચવાનું હતું. બેયના મોબાઈલમાં બેટરી ઓછી થઈ ગયેલી. કાર પણ પર્વતો ચડ ઉતર કરી સારી એવી ગરમ થઈ અવાજ કરવા લાગેલી.

અમે અહીં નાનો હોલ્ટ લેવા નક્કી કર્યું. આમેય સવારની મિટિંગ માટે અમે પૂરા પાંચ કલાક મોડાં હતાં. બપોરનો દોઢ વાગી ચૂકેલો!

ક્રમશ: