Site Visit - 4 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 4

Featured Books
Categories
Share

સાઈટ વિઝિટ - 4

4

અત્યાર સુધીમાં વાંચ્યું કે મસ્કત સ્થિત એક આર્કિટેક્ટ દૂર દૂકમ નામનાં 550 કિમી દૂર આવેલાં ગામ તરફ સાઈટ વીઝીટ જવા નીકળે છે. સાથે તેની નવી રિકૃટ સુંદર આસિસ્ટન્ટ ગરિમા છે. તેઓને રાત્રે ત્રણ વાગે મુસાફરી શરૂ કર્યા વગર છૂટકો નથી. સંજોગો એવા થાય છે કે તેમને ભાડાંની કારને બદલે પોતાની જ કાર ઓચિંતી લેવી પડે છે.

બીજા ભાગમાં જોયું કે કારમાં પેટ્રોલની જરૂર પડતાં તેઓ નજીકનો પંપ ગોતે છે અને ત્યાં જતાં નજીકના ગામની સીમમાં જંગલી કુતરાઓ વચ્ચે ફસાઈ જાય છે. ત્યાંથી બહાદુરી પૂર્વક નીકળે છે.

ત્રીજા ભાગના અંતે જોયું કે આપણી આર્કિટેક્ટ અને તેની આસિસ્ટન્ટ ની જોડીને રીસેટ કરેલો ગૂગલ મેપ જ રસ્તો ખોટો બતાવી દે છે અને તેઓ અફાટ રણમાં કોણ જાણે કેટલા વખતથી ખોટી દિશામાં જઈ રહ્યાં છે.

આગળ વાંચીએ.

મેં તરત અત્યારે મોજથી કાર ચલાવી રહેલી ગરિમાને કાર રોકવા કહ્યું. આમ તો અહીં લાયસન્સ વગરનાને કાર આપો તો તેની અને આપનારની ધરપકડ થાય અને કાર જપ્ત થઈ જાય. અહીં આવા એકાંત રસ્તે સવારે સાડાસાતે કોઈ પોલીસની પેટ્રોલ વાન મળવાની શક્યતા જ નહોતી એટલે એ રિસ્ક લીધેલું.

"હું ધ્યાન આપું છું સર. તમે રિલેક્સ રહો." તેણે કહ્યું. તેને કાર પાછી મને ચલાવવા આપવી ગમી ન હોય એમ લાગ્યું.

"અરે પાછી વાળવી પડશે. આપણે ખોટા રસ્તે છીએ." મેં કહ્યું. હું થોડો બેબાકળો બની ગયેલો.

એક ક્ષણ ગરિમાની આંખો પણ પહોળી થઇ ગઈ. તેણે પણ ક્ષિતિજમાં મીટ માંડી. દૂર દૂર સુધી બેય બાજુ અફાટ રણ સિવાય કશું દેખાતું ન હતું.

એણે મેપ જોવા મોબાઈલ હાથમાં લીધો.

"સર, તમે તો દુક્મ બરાબર નાખ્યું છે. કોઈ કારણે અહીં કે આગળ સિગ્નલ પકડાતાં બંધ થઈ ગયાં છે. મોબાઈલનું 4G ડેટા પેકેજ કામ કરતું નથી એટલે એ ક્યાંથી દિશા બતાવે?"

એમ કહેતાં એણે હળવેથી બ્રેક મારી કાર ન્યુટ્રલમાં નાખી અને ઊભી રાખી. સરસ. એ ગભરાયા વગર ધૈર્ય રાખી શકે છે. મારી ઓફિસમાં એક મહિનાથી જ છે પણ પૂરી મેચ્યોર લાગે છે. ઓટો ગિયરમાંથી મેન્યુઅલ કરતાં તેને ફાવ્યું અને કાર બરાબર ઊભી પણ રાખી.

મેં જોયું. કારમાં ચાર્જર પોઇન્ટમાં ભરાવેલો મોબાઈલ બરાબર કામ કરતો હતો પણ અહીં કોઈ સિગ્નલ પકડાતાં નહોતાં. આમ તો લોકો પોતાની કારમાં આવજા કરે જ છે અને અમુક બસ સર્વિસ પણ છે જે જીપીએસ પર ચાલે છે.

ગમે તે હોય, અમે ભૂલાં પડી ગયેલાં.

"આપણે કઈ દિશામાં હશું?" હું સ્વગત બોલ્યો. તેણે સાંભળ્યું.

" સૂરજ આપણી સામે છે. પૂર્વ તરફ."

તેણે કહ્યું.

"એક્ઝેટ પૂર્વ નહીં. અત્યારે મે મહિનો ચાલે છે. 21 જૂને દક્ષિણાયન આવે એટલે દક્ષિણ તરફ ઉગવો શરૂ થાય. જાન્યુઆરીમાં ઉત્તરાયણ આવે એટલે પૂર્વમાં પણ લગભગ દક્ષિણ તરફ ઊગતો થએલો સૂર્ય ઉત્તર તરફ ગતિ કરે. તો આપણે ક્યાંક ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ છીએ. અને સહેજ ડાબી બાજુ છે એટલે દક્ષિણ પૂર્વમાં જઈએ છીએ. દુક્મ મસ્કતથી સીધું દક્ષિણ તરફ, સહેજ પૂર્વ તરફ એક જ સીધી લીટીમાં છે." મેં માથું ખંજવાળતાં કહ્યું.

"સર, I can understand you are confused. કોઈ પણ થાય. પણ તમે કહ્યું તેના પરથી હું એટલું સમજી કે દક્ષિણમાં સહેજ પૂર્વ તરફ જવાનું હતું અને એ જ આપણી દિશા છે. પેલા પેટ્રોલ પંપ પછી ક્યાંય વળ્યાં નથી અને રસ્તો સાવ સીધો છે. યાદ કરીએ. ત્યાંથી કોઈ રસ્તા ફંટાતા હતા?" તેણે મારી મા હોય એમ મને સાંત્વન આપતાં કહ્યું.

મેં મગજને રિપ્લે કર્યું. વહેલી સવારે નિઝવા શહેર હજી ઊંઘતું હતું ત્યારે ગયેલું. પછી એક રાઉન્ડ એબાઉટ પર સેકંડ ટર્ન એટલે સીધા જવાનું હતું. હા. એ પછી પેટ્રોલ માટે સાઈન આવી ત્યારે અમે એક ગામમાં ઘુંસેલાં અને તેનું સાઈનબોર્ડ દેખાયેલું નહીં. બસ તો ત્યાંથી ઊંધા એટલે દક્ષિણ પૂર્વ તરફ સાચું પણ એક ને બદલે બીજા રસ્તે ભાગતા જ રહ્યા.. ભાગતા જ રહ્યા..

હવે શું? દોઢેક કલાક ઘૂસી ગયો.

વળી મેં વિચાર્યું - અહીંથી બીજો રસ્તો હોવો તો જોઈએ. અમારી દિશા બરોબર હતી, દશા નહીં! અમે શરૂમાં સમાંતર અને પછી Y શેપ ના કોઈ વળાંક પર રસ્તો ચૂકેલાં.

ગરિમા બેલ્ટ છોડી ઉતરી અને મારી તરફ આવી. મેં ડોર ખોલ્યું અને અમે જગ્યા ચેન્જ કરી. મેં ફરીથી ડ્રાઈવિંગ સીટ લીધી અને ગયેલા સમયમાંથી જેટલો મળ્યો, કાર 140ની સ્પીડે ભગાવી. વચ્ચે વચ્ચે કાંટો 150 ને પણ ટચ કરતો હતો. પેલું પેટ્રોલપંપ વાળું ગામ ક્યું હશે? મેં ચાલુ કારે ગરિમાને મેપ જોવા, હથેળીથી expand કરવા કહ્યું. કોઈ જ ગામ આજુબાજુ નહીં! જો કોઈ જ ગામ નજીક ન હોય તો આ રસ્તો ક્યાં જતો હશે? ક્યાંક એવું ન બને કે સાચે રસ્તે હોઈએ અને પાછા ઊંધા ફરતા હોઈએ. સાલું અહીં હોકાયંત્ર હોય તો કોઈક રીતે કામ આવે.

સૂરજ હવે કારની બેક સીટ બાજુથી અમારી પીઠ શેકતો હતો. વાગ્યા હતા સાડાઆઠ પણ ગરમી બપોરે બાર વાગ્યા જેવી હતી.

ઓચિંતાં સિગ્નલ મળ્યાં. ફરી રસ્તાની બાજુએ કાર ઊભી રાખી મેપ જોયો. બ્લિંકર ટિક ટૂક કરતું હતું તો પણ કોઈ મોટી દૂધની ટ્રક પાછળથી જોરથી હોર્ન મારતી ગઈ. ડ્રાઈવરે મારી સામે આંખો કાઢી.

મેપમાં પચીસ કિલોમીટર પર એક નાની કેડી હતી જે કોઈ નાનાં ગામમાં થઈ દુક્મ જતા એક્સપ્રેસ વે ને મળતી હતી

"યુરેકા.. યુરેકા.." મેં બૂમ પાડી અને સ્ટીયરિંગ મૂકી તાળીઓ પાડી.

"વાહ મેરે સર.. તુસ્સી ગ્રેટ હો.."કહેતી ગીરીમા ખુશ થતી સીટ પર હળવું કૂદી.

"નજીકમાં જ કેડી છે. એ.. આ આવી" કહેતાં મેં સ્ટીયરીંગ ઘુમાવ્યું અને કાર એ કેડી પર લીધી.

"ઇસ બાત પર એક ચોકલેટ તો બનતી હૈ મેરે સર કે લિયે" કહેતાં તેણે પોતાની પર્સમાંથી એક ચોકલેટ કાઢી ને રેપર ખોલી મારાં મોં માં મૂકી. મને એના હાથનો કૂણો મઝાનો સ્પર્શ થયો. મેં ચોકલેટ સાથે એની મીઠાશ માણી મન રસ્તામાં પરોવ્યું.

તેણે પણ "રિલેક્સ, સર" કહેતાં એક ચોકટલેટ મોં માં મૂકી.

ક્રમશ: