Site Visit - 3 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 3

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

Categories
Share

સાઈટ વિઝિટ - 3

3.

ભાગ 1અને 2 માં જોયું કે એક આર્કિટેક્ટ મસ્કત શહેરમાં પ્રેક્ટિસ કરે છે. તેને ખૂબ મોટો પ્રોજેક્ટ મળે છે પણ તે શહેરથી ખાસ્સા 500 કિમી દૂર રણ પ્રદેશમાં છે. જ્યાં આજે કશું નથી ત્યાં તેના ક્લાયન્ટ જંગલમાં મંગલ કરવા માંગે છે અને આ કુશળ આર્કિટેક્ટ પર તેને ભરોસો છે.

આર્કિટેક્ટ અન્ય ટેકનિકલ એક્સપર્ટ લોકો પાસેથી સાઇટને લગતી કેટલીક માહિતી લેવા માંગે છે જે માટે એ બધા સાઈટ પર મળવાના છે પણ 13 મી ના જ. આજે 12 મી ની સાંજ છે.

બીજા ભાગમાં જોયું કે આર્કિટેક્ટ ત્યાં સમયસર પહોંચવા રાત્રે 3 વાગે નીકળે છે. એકલા રાતે ડ્રાઈવિંગ જોખમી હોઈ માત્ર તેને જાગતો રાખવા કંપની આપવા તેની નવી રિકૃટ જુનિયર ગરિમાને સાથે લે છે.

મુસાફરીમાં દોઢ કલાક બાદ પેટ્રોલ ખૂટતું લાગે છે. પંપ દૂર છે અને ત્યાં જતાં એક ગામની સીમમાં જંગલી કૂતરાઓનો તેઓને સામનો કરવો પડે છે.

તો આગળ વાંચીએ આ રસપ્રદ, દિલધડક સાઈટ વિઝિટની વાત.

**

ત્યાં તો મેં ડેકી ખોલી નાખેલી તેમાં એક કૂતરો ડેકીમાં થએલી લાઈટ જોઈ સીધો કારની અંદર કૂદ્યો અને એનું માથું ડેકીનાં ઉપરનાં પતરાં સાથે અથડાતાં વીં વીં કરતી ચીસ પાડી ઉઠ્યો. મેં એકદમ ડેકી બંધ કરવાનું બટન દાબ્યું. તેનું ડોકું દબાયું. તે પાછલી સીટ સાથે માથું પછાડતો બહાર કૂદી ગયો. તેનું જોઈ બીજા કૂતરાઓ તેની તરફ પાછળ ગયા. બીજો એક કૂતરો પાછલી સીટેથી અમારી પર તરાપ મારતો હતો તે અમે સૂઈ જતાં ડેશ બોર્ડ સાથે અથડાઈ નીચે અમારા પગની જગ્યાએ ફસાયો. એ  અર્ધો ગરીમાની સીટ નીચે ફસાયો અર્ધો અમારા પગ પાસે. મેં ડોર ખોલી નાખ્યાં. ગરિમા બહાર કૂદી પડી. એ કૂતરો ડરી ગયેલો તેને મેં જોરથી લાત મારી. એ બહાર ફેંકાયો અને એના બીજા સાથી ઉપર પડ્યો. તેઓ આ અજાણ્યા ધક્કાથી એક ક્ષણ બઘવાઈ ગયા પછી અંદરોઅંદર ઝઘડવા લાગ્યા.

પાછળથી ડેકીમાંથી કૂતરાનો ધક્કો આવતાં કાર ઉતરતા ઢાળે આગળ વધી ઊંધી ચાલવા લાગી. ગરિમા દોડી, કૂદીને કારમાં બેસી ગઈ. મેં 'ગરીમા, હોલ્ડ ઓન' કહેતાં કાર ચાલુ કરી, ખુલ્લાં ડોર સાથે જોરથી એકસેલેટર આપ્યું અને કાર ભાગી. કૂતરાઓ કાઈં સમજે તે પહેલાં અમે આગળ નીકળી ચૂક્યાં હતાં.

પાછળ કૂતરાઓ જોરથી ભસતા હતા. તેઓ દોડ્યા પણ ખરા. આશરે 40 ની ઝડપે. પણ મેં 60 અને થોડી સેકન્ડમાં 70 ની ઝડપ પકડી વાંકાચૂંકા પણ સવારના ખાલી રસ્તાઓ પરથી કાર ઉછળતી કૂદતી ભગાવી અને ફરી હાઈવેની નજીકની સીમમાં આવી ગયા. પેટ્રોલપંપ હવે સાવ નજીક દેખાતો હતો.

અમે સર્વિસ લેનમાં હતા.

હાઇવે પર ચડવાનો રસ્તો જમીનથી ખાસ ઊંચો ન હતો. સાઈડમાંથી ચડવાની જગ્યા હતી એટલે કે રસ્તાની ધાર બેય તરફ ઢળતી હતી પણ એ તો 4x4 કાર માટે. અહીં ઘણા આરબો 4x4 કાર વાપરે છે જેમાં દરેક વ્હીલનો અલગ કંટ્રોલ હોય અને તે રેતીમાં કે ખડકાઉ જમીન પર પણ ચાલી શકે.

મારી તો પેસેન્જર કાર હતી. છતાં અહીંની પાવરફુલ એન્જિન વાળી. મેં જોર કરી એકસેલેટર આપી કારને રસ્તા પર ચડાવી, ભગાવી અને આગળ પેટ્રોલ પંપ પર ઊભી રાખી.

મેં ટાંકી ફૂલ કરાવી લીધી. હવા ચેક કરાવી લીધી. કારના ડ્રાઇવરની બીજી બાજુના કાચમાં સ્ક્રેચ નહીં, નાની તડ જ પડેલી. પેલા કૂદકો મારેલા કૂતરાના ફોર્સથી. પંપ વાળા અમારી ભાષા ન સમજે ન હું તેઓની. છતાં મેં ગેરેજ નજીક હોય તો પૂછ્યું. એક ગેરેજ ઊંધી તરફ જાઓ તો આઠેક કિલોમીટર દૂર હતું પણ તે આઠેક વાગ્યા પછી ખૂલે. ત્યાં તો સાઈટ પર પહોંચવા આવ્યો હોઉં.

તડમાંથી પણ હવા અવરોધે તો ઝડપ સારી એવી ઘટી જાય. કામચલાઉ મેં અને ગરિમાએ મળી અમારા અસબાબ માંથી મોટી સેલોટેપ કાપી એ તડ ઉપર અંદરની તરફ ચિપકાવી દીધી.

મેં નહોતું કહ્યું, સંઘર્યો સાપ પણ કામ આવે!

મેં ગરિમાને હું સાથે લાવેલો તે કોફી આપી અને મેં થોડી પીધી.

હવે ફરી ગૂગલ મેપ સેટ કર્યો. સાવ સીધા રસ્તે સો સવાસો કિલોમીટર જવાનું હતું. અમે કાર શરૂ કરી અને હાઇવે પકડ્યો. સવારના સવાપાંચ વાગતાં તો ક્ષિતિજ એકદમ ગુલાબી બની ગઈ. પ્રભાતનો તાજો પવન શરૂ થયો. એને કહેવાય 'વહાણું વાયું.'

મેં આગળ કહ્યું જ છે કે હું કહેવતો અને રૂઢિપ્રયોગોનો ભંડાર છું!

'વાઉ સર, વ્હોટ એ લવલી સીન! Enchanting!' ગરિમા બાળક જેવું ખુશ થતી બોલી ઉઠી. મેં પણ એક ક્ષણ માટે ડ્રાઈવિંગ ધીમું કરી એ લાલિમા માણી, હૃદયમાં ઉતારી. બાજુમાં જોયું.

તાજો પવન શ્વાસમાં લેવા અને કાર એસી ને આરામ આપવા મેં બારીઓ ખોલી. ગરિમા તેના પવનમાં ફરફરતા વાળ સરખા કરી રહી હતી. તેનાં યુવાન, શ્વેત ગુલાબી મુખ પર વહેલી સવારનાં કિરણો પડી તેને ચમકાવી રહ્યાં હતાં. તેના મુખ સાથે તેના એકદમ કાળા ભમ્મર વાળ અને કાળી આંખો સરસ કોન્ટ્રાસ્ટ પેદા કરતી હતી.

મેં માત્ર દૃષ્ટિ કરી. એ મારી આસિસ્ટન્ટ છે. ગમે તે કરો, સુંદરતા આંખો માટે ચુંબકનું કામ કરે છે. ગમે ત્યાંથી પોતાની તરફ આકર્ષે. જોવામાં કાઈં ખોટું નથી. બલ્કે હું તો કહીશ સારું છે. નહીં તો 'જંગલમેં મોર નાચા કિસને દેખા..' જેવું થઈ જાય. ઈશ્વરે એને આપેલ ભેટ એળે જાય. હા. તે પછી જોનારના મનમાં વિકાર ન આવવો જોઈએ.

રસ્તો ફરીથી સાવ ક્લિયર હતો. મેં ગરિમાને પૂછ્યું કે તેને ડ્રાઈવિંગ આવડે છે? ઇન્દોરમાં તેના પપ્પાની કાર તે ડ્રાઇવ કરતી હતી મેં તેને કહ્યું કે જેમ આપણે ચગાવેલો પતંગ કોઈને સેલ ખાવા આપીએ તેમ ક્રૂઝ મોડમાં જતી કાર ચલાવવી છે? તે તો રોમાંચિત થઈ ઊઠી. એક ક્ષણ માટે કાર ઊભાડી હું બાજુની સીટમાં જતો રહ્યો અને તેને કાર ડ્રાઇવ કરવા દીધી. એટલું કહ્યું કે અહીં જમણી બાજુ ચલાવવાની, ડાબી નહીં. કદાચ જ કોઈ ઓવરટેક કરે તો ડાબેથી કરશે. આપણે છીએ ત્યાં જ રહેવાનું. અને ક્રૂઝ એટલે મઝા નહીં. સ્ટીયરીંગ પર કંટ્રોલ રાખવાનો ને નજર સામે રાખવાની. એક પગ બ્રેકને પણ અડાડી રાખવાનો અને સતર્ક રહેવાનું. આવા રસ્તે અંગૂઠો અડતાં જ કાર 100 ઉપર સ્પીડ પકડી લે છે.

તે સમજી ગઈ. હવે તે ક્રૂઝ મોડમાં ડ્રાઇવ કરતી રહી અને હું ગૂગલ મેપ જોતો રહ્યો. એરો આગળ વધતો હતો. એમ ને એમ એક કલાક વીતી ગયો. બેય બાજુ પીળું અફાટ રણ, એક પણ વૃક્ષ નહીં કે નહીં જમીન પર ઘાસ. આવી જગ્યાએ પણ અહીંની સરકારે આવા લીસ્સા અને પહોળા રસ્તાઓ બનાવ્યાં છે તે કાબિલે તારીફ છે.

એક કલાક બીજો વીત્યો. મેં સાંભળેલું કે અર્ધે રસ્તે એક મોટું ગામ કુર્ન અલ અલામ આવશે. એ કે એનું બોર્ડ કેમ ન આવ્યાં? અહીં તો સાવ સીધો રસ્તો અને બેય બાજુ રણ ચાલતું જ હતું. ન મળે કોઈ માણસ, કોઈ વાહન કે ન મળે કોઈ પ્રાણી પણ.

મેં ધ્યાનથી જોવા અમારી બે વચ્ચે પડેલ મોબાઈલ હાથમાં લઈ ગૂગલ મેપ જોયો.

અમે સાવ ખોટી દિશામાં જઈ રહ્યાં હતાં. પેટ્રોલપંપ પર મેપ રીસેટ કરવામાં કોઈ બીજું જ સ્થળ ટાઇપ તો ન થયું હોય, કોઈ ભળતું જ નામ ગૂગલ મેપે પકડી અમને એ રસ્તે ચડાવી દીધાં હતાં. કોણ જાણે કેટલા કિલોમીટર એ બાજુ ગયા હશું!

હવે કોને રસ્તો પૂછશું? મૂળ રસ્તે કેવી રીતે જશું? હું મનમાં વિચારી રહ્યો.

(ક્રમશ:)