વળાવવું ને વધાવવું,પતી જવું ને શરુ થવું,વિદાય અને મિલન,કંકુના થાપા અને કંકુના પગલાં,મંગલ સૃષ્ટિના નવા મંડાણ.
મહાન સાહિત્યકાર ધૂમકેતુના મતે :કુદરતે પુરુષ માટે પ્રકૃતિ અને પ્રકૃતિ માટે પુરુષ સર્જેલ છે.કેમકે બેઉ વિના જીવનવિકાસ પૂરો થતો નથી.એ વિકાસસર્જનની સફળ શોધ એ જ જીવનનો અંતિમ હેતુ છે.એ જ માનવ સંસ્કારનું સાચું સૌન્દર્ય છે.એ જ પરમ સત્ય છે ને એ જ સંસારની શોભા છે.
લગ્ન એટલે માત્ર બે આત્માઓનું મિલન નહિ પણ બે કુટુંબોનું પણ મિલન છે...પહેલાના જમાનમાં લગ્નપ્રથા ખુબ અલગ હતી.અમુક રીવાજો તો એવા હતા કે ૭ -૭ દિવસો સુધી જાનને સાચવવી પડતી..અને આઠમાં દિવસે સંસ્કૃતિ મુજબ લગ્ન થયા પછી ધામધુમથી દીકરીને સાસરિયા સાથે, પિયરને પરાયું કરી સાસરીને પોતાનું કરવાની અનેક શિખામણો સાથે ભારે હૈયે વળાવવામાં આવતી.જો કે આજના મોંઘવારીના જમાનામાં ઘટીને દોઢ થી બે દિવસ થઇ ગયા છે.આજે તો કોઈ પણ ઘરમાં લગ્ન પ્રસંગ આવે એટલે સહુ પ્રથમ પ્રસંગોના લીસ્ટ સાથે તેના ખર્ચનું લીસ્ટ બને છે.લગ્નના એક એક પ્રસંગમાં સામાન્યથી માંડી મધ્યમ અને ઉચ વર્ગના દરેક લોકોને માટે અધધધ..કહી શકાય એટલો ખર્ચ થાય એવી અનેક લલચામણી ઓફર હોય છે.દેખાદેખીના જમાનામાં આવી ઓફર સ્વીકારતા સામાન્ય વર્ગ તો દેવાના કરજમાં જ ડૂબી જાય ને સામાન્ય વર્ગની જિંદગીભર કરેલી તમામ બચત વાપરી જાય છે.આજે તો અનેક જ્ઞાતિઓમાં એકસાથે અનેક દંપતીઓને પ્રભુતામાં પગલા પાડવા માટેની સમુહલગ્નપ્રથા અમલમાં આવી છે. લગ્નપ્રસંગ નક્કી થયા બાદ વ્યક્તિગત લગ્નપ્રસંગ ઉજવવો કે કે સમુહલગ્નમાં કરવા એ વિષે કુટુંબમાં મતમતાંતર રહે છે. વ્યક્તિગત કરતા સમુહમાં લગ્નપ્રસંગ ઉજવવો એ આર્થિક સાથે સામાજિક રીતે ખુબ ફાયદાકારક છે.નાણાની બચત સાથે સમયની પણ બચત થાય.આજે કુદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારીની સમસ્યા અને લુપ્ત થતી સંયુક્ત કુટુંબપ્રથા એ બે મુખ્ય સમસ્યાને ધ્યાનમાં લેતા ધીમે ધીમે સમાજમાં કે વ્યક્તિગત રીતે સમૂહ ભાવનાનો હાસ થતો જોવા મળી રહ્યો છે ત્યારે સમૂહ લગ્નો જેવી પ્રથાઓ અપનાવી સમૂહના ફાયદાઓ અનુભૂતિ દ્વારા આજની પેઢીને પ્રત્યક્ષ રીતે સમજાવી શકાય અને વ્યક્તિગત રીતે આર્થિક બોજો ઓછો થઇ જાય એ સમૂહ લગ્નોનો આજના જમાનામાં સહુથી ઉપયોગી ફાયદા છે.
લગ્નપ્રસંગે વાડી,હોલ,કંકોત્રી,જાનને ઉતારવાના હોટેલ કે ઉતારાનો ખર્ચ,કેટરિંગ,સુશોભન વગેરે અનેક પ્રકારના ખર્ચોમાંથી વ્યક્તિગત મુક્તિ મળે છે.નાણાની બચત એ આજના મોંઘવારીયુગમાં ખાસ ફાયદાકારક વાત છે.સામાન્ય વર્ગ માટે તો આશીર્વાદરૂપ છે..ગરીબ કે ઉચ મધ્યમ વર્ગની દીકરીઓને ઘર ઉપયોગી જીવનજરૂરી તમામ વસ્તુઓ સમાજના દાતાઓના માધ્યમ દ્વારા મળી જતા વ્યક્તિગત સાથે કૌટુંબિક અને સામાજિક ફાયદાઓ પણ સમૂહ લગ્ન પ્રથાના કહી શકાય.ઉપરાંત સમયની બચત સાથે ખોટા ઘર કરી ગયેલા રીવાજોમાંથી મુક્તિ મળે છે,જે પૈસાનો વેડફાટ માત્ર હોય છે જેની બાદબાકી થતા સામાજિક રીતે પણ સારું પરિવર્તન થાય છે.
કૌટુંબિક ફાયદો તો ખુબ મોટો છે જ.સમૂહભાવનાનો વિકાસ આજની પેઢીમાં કરવો ખુબ જરૂરી છે.સમૂહ લગ્નોમાં આખું કુટુંબ તો સાથે કામ કરે જ છે પણ તે સાથે આખી જ્ઞાતિના લોકો એકસાથે એક જ સ્થળે મળી જાય છે.પરિણામે અરસપરસ સહકાર,પ્રેમભાવના,ઓળખાણ વધતા અને સમુહમાં કાર્ય કરતા મળતો આનંદ સાથે ખુબ સારી ભાવના કેળવાય છે. પરણવાલાયક યુવક યુવતીઓ પણ અહી એકબીજાને જોઈ પસંદ કરતા પછીની પેઢી માટે પણ પત્ર પસંદગીની એક સારી તક ઉભી થાય છે એ વધારાનો ફાયદો છે. વિભક્ત કુટુંબ ભાવનાની પરિસ્થિતિને નાબુદ કે ઓછી કરવા પણ સમૂહ લગ્ન પ્રથા થોડે ઘણે અંશે ઉપયોગી નીવડે છે. ઘરના વડીલોને ઘણી જ માનસિક શાંતિ પણ રહે છે.ઉપરાંત શારીરિક દોડધામ પણ ઘણી ઓછી થઇ જતા લગ્ન પ્રસંગને સહુ કોઈ શાંતિથી માણી શકે છે અને આનંદ લઇ શકે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે,
સિતાર બંધનોથી બંધાયેલ છે,એટલે એમાંથી મધુર સૂર નીકળે છે
કુટુંબ બંધનોથી બંધાયેલ છે એટલે એમાંથી પ્રેમ વાત્સલ્ય નીતરે છે,
લગ્ન બંધનોથી બંધાયેલું છે એટલે એ નવું જીવન પ્રગટાવે છે....”
આમ સમુહલગ્નપ્રથા વ્યક્તિગત,,આર્થિક,કૌટુંબિક સાથે સામાજિક રીતે અનેક રીતે ફાયદાકારક છે વધુમાં વધુલોકો એ અપનાવતા થાય અને અન્યને પણ અપનાવવા સમજાવી સમાજના આવા સુંદર પ્રેરણાદાયી પ્રોજેક્ટમાં સહુએ સાથ પુરાવી સામાજિક સંપની મિશાલ પૂરી પડવી જ જોઈએ.