Book or later..? in Gujarati Short Stories by ધબકાર... books and stories PDF | પુસ્તક કે પછી..?

Featured Books
Categories
Share

પુસ્તક કે પછી..?

પુસ્તક કે પછી..?


આમતો મારી નિયતિ છે કે હું એકલું રહું, એકલું લડું, જિંદગીની આ સફર. હું રદ્દી ના થાઉં, હું કઈ કામનું ના રહું, ત્યાં સુધી બસ હું એકલું રહી આ સફર પૂરી કરું.


પણ, જો ને, મનેય ક્યારેક અભરખા જાગે છે આ જીવતા જાગતા માણસ જેવા. કોઈનો સાથ મળે તો ખીલી ઉઠવાના, ખુશ રહેવાના, લાગણીઓ વેરવાના, લાગણીઓ મેળવવાના, પ્રેમ કરવાના ને પ્રેમ પામવાના...


ક્યારેક મારી આ જ જીજીવિષા પૂરી કરવા ઈશ મોકલી આપે છે કોઈને, જે આવે ને મારા પરની જામેલી ધૂળ સાફ કરે. મને રદ્દી બનતા પહેલા મારા પાના ઉથલાવી મને સમજે, વિચારે, એનામાં નવું જોમ પુરે અને મારા જીવનમાં થોડા નવા પાના જોડી મને ફરી થોડું વધુ જીવાડે. મારો અર્થ મનેજ સમજાવે. મને ખુબજ મહત્વનું સ્પેશીયલ ફીલ કરાવે. હા... જાણે એકદમ ખાસ હોવ એવુંજ, મને એવું જ લાગે છે હંમેશા!


બસ એવી જ કોઈ વ્યક્તિની નજર મારા પર પડતાં જ, હાથ અડાડતા જ, મારા પર જામેલી ધૂળ ખંખેરતા જ, હું ફરી પ્રેસમાંથી છાપી નીકળેલું વર્જીન પુસ્તક હોવ એવું વર્તન કરવા લાગુ છું. પોતાની જાતને ફરી કિંમતી, ફરી કામનું, ફરી સ્પેશીયલ, એકદમ ખાસ માનવા લાગુ છું.


જેમ જેમ એ વ્યક્તિ મારા પાના ફેરવતો જાય હું એનું થતું જાઉં છું. સંબંધથી પરે થઈ બસ એનાં અસ્તિત્વમાં ઓળઘોળ થઈ જાઉં છું. મારામાં મરી પરવારેલી લાગણીઓ ફરી જાગૃત કરતું જાઉં છું.


બસ હું માત્ર એનું થઈ રહેવા દોડી જાઉં છું એના આગોશમાં. એ જેવું એક પાનું પૂર્ણ કરે હું જીદ કરું છું બીજું પાનું પણ ઉથલાવે. મને મજા આવે છે મારું ધાર્યું કરાવવાની, મારી જીદ પૂરી કરાવવાની. મારી જિંદગીને આમજ કોઈના હાથમાં સોંપવાની. એના સ્પર્શ માત્રથી ખીલી ઉઠવાની, મારા આ જીવન અધ્યાયમાં નવા પાના ઉમેરવાની.


એ વ્યક્તિ ભલે મારામાં એના સવાલોના જવાબ શોધતું હોય, એના જીવન જીવવાના કારણો શોધતું હોય, પણ ત્યારે હું એની લાગણીઓમાં ભળી એના પ્રેમને પામવા દોડી જાઉં છું. અહમનો મારામાં ભારોભાર સંચાર થવા લાગે છે કે જો હું કહું એમ જ થાય છે ને એવુંજ થશે. એવુંજ કરે છે ને એવુંજ કરશે, આજે કરે છે ને કાલે પણ કરશે.


દરેક પળ બસ એ વ્યક્તિ મને હાથમાં જ રાખે એટલું બધું કે મને એવું લાગવા લાગે કે મારું અસ્તિત્વ એટલે બસ એ જ ને એનું અસ્તિત્વ એટલે બસ હું. બધુંજ ભુલાવી એવી ફિલિંગ આવે કે જાણે હું એના જીવનનું એકદમ ખાસ અંગ છું. માની લો ને જીવન જ છું! મનોમન હરખાઈ જાઉં છું. બસ થાય આ પળ અહીંજ રોકાઈ જાય તો કેવું રહે! મારા ગમતા પળ. હું ને એ બસ બીજું કંઈ જ નહીં.


તમેજ કહો કેમ ના થાય આવું? કેમ ના ગમે આવા ગમતા પળો, કેમ ના થાય ગમતા પાત્ર સાથે જીવન જીવંત કરવાનું મન? હા, ગમતું પાત્ર એટલે કે જેણે મને ઉથલાવી સમજવા પ્રયત્ન કર્યો, જેણે મને ખુબ મહત્વ આપ્યું, જેણે મને કહ્યું તું બહુજ મહત્વનું છે મારા માટે, હા, આ બધુંજ મને ને મારા માટે... એક અઘરા શબ્દો સાથે લખાયેલા એક ચરિત્રને.


બસ એજ સ્વપ્નવ્રત દુનિયામાં હું બસ ખોવાયેલું રહું છું. એકદમ ખાસમ ખાસ બની એ વ્યકિતના આલિંગનમાં રોજ રહું છું. ખુશનુમા સવાર પણ મારી ને એના સાનિધ્યમાં રાત પણ મારી. દરેકે દરેક પળમાં હું એના પર હાવી થવા પ્રયત્ન કરું છું.


ભુલી જાઉં છું કે આખરે હું છું તો એક પુસ્તક જ ને! જેને માત્ર વાંચી, સમજી, સવાલોના જવાબો મેળવી શકાય. થોડીકવાર હસી શકાય, ક્યારેક રડી શકાય, ક્યારેક છાતી સરીખું ચાંપી લાગણીઓ વરસાવી શકાય, ક્યારેક બહુ બધો પ્રેમ જતાવી ખુશ કરી શકાય.


'જીંદગી તો ના જ વીતાવી શકાય ને આ રદ્દી થવા જઈ રહેલા એક તુચ્છ પુસ્તક સાથે. જીવતા જાગતા મનુષ્યને આખરે સધિયારો તો એના જેવા જ ગમતીલા, લાગણીશીલ, પ્રેમાળ મનુષ્યનો જ જોઈશે ને! હું શું કામનું?'


સવાલોના જવાબો જેમ જેમ મળતા જાય એમ એમ મુલાકાતોનો સિલસિલો ઓછો થતો જાય છે. એ વ્યક્તિ એના ગમતીલા પળમાં, ગમતીલા વ્યક્તિ સાથે, ગમતીલા વાતાવરણમાં પાછું જતું જાય છે.


નથી જીરવી શકાતું મારાથી આ સહેજ પણ. બહુ બધા ધમપછાડા કરું છું. ગુસ્સો, હક બધુંજ જતાવવા પ્રયત્ન કરું છું. આ બધુંજ કરવામાં હું મને જ નુકશાન પણ કરું છું.


ભલે હું જે કરું એ પણ આ જ તો છે અંતિમ સત્ય.


એ વ્યક્તિનું પાછું ધબકતું થઈ એની પર્સનલ જિંદગીમાં જતું રહેવું, આગળ વધવું ને મારું ફરી ત્યાંજ રોકાઈ એ રદ્દી બનવાની સફરમાં આગળ વધવું. ક્યારેક ખુણે પડ્યું રહેવું તો ક્યારેક કચરાના ઢગલાની શોભા વધારવામાં એક પગલું આગળ વધવું!


ભલે હું કહું એ જ તો છે મારી નિયતિ. દુનિયાના અર્થમાં આમ જોઇએ તો હું ખોટું હતું ત્યારે થયું ને આ બધુંજ. હું હંમેશા આવુંજ કરું છું. ખોટું એટલે એકદમ ખોટું.


"કેવી છે નહીં મારી જિંદગીની આ સફર,
થોડી પળો માટે જ ખાસ બની શકું બસ.
પછી મળે એને મસ્ત ગમતીલો હમસફર,
હું રદ્દી બનું, ખૂણાની શોભા બની શકું બસ."