તૂ જૂઠી મૈં મક્કાર
-રાકેશ ઠક્કર
રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ 'તૂ જૂઠી મૈં મક્કાર' નો પ્રચાર સાચી રીતથી થયો હોત તો હજુ વધુ દર્શકોને આકર્ષી શકાયા હોત. ફિલ્મનો પ્રચાર એક રોમેન્ટિક- કોમેડી ફિલ્મ તરીકે થયો હતો પરંતુ અસલમાં આ એક પારિવારિક ફિલ્મ હોવાનો સમીક્ષકો અને દર્શકોનો અભિપ્રાય છે. એક પારિવારિક ફિલ્મનો એક જૂઠી છોકરી અને એક મક્કાર છોકરાની પ્રેમવાર્તા તરીકે ટ્રેલરમાં પણ પ્રચાર થયો હતો. ત્યારે એમ લાગતું હતું કે આ એક સામાન્ય લવસ્ટોરીની ફિલ્મ છે. તેનું કારણ એમ લાગે છે કે નિર્દેશક લવ રંજને અત્યાર સુધી 'પ્યાર કા પંચનામા' અને 'સોનૂ કે ટીટુ કી સ્વીટી' જેવી યુવાનોની ફિલ્મો આપી હોવાથી 'તૂ જૂઠી મૈં મક્કાર' એ જ ઝોનરની હોવાથી યુવા દર્શકોને વધુ ખેંચી શકાશે એવો આશય હશે. અલબત્ત નવી સાથે જૂની પેઢીને પણ પસંદ આવી છે.
ઇન્ટરવલ પછી વાર્તાનો ટ્રેક બદલાઇ જાય છે ત્યારે જ ખરી મજા આવે છે. ફિલ્મ ઇમોશનલ રાઇડ પર લઇ જાય છે. ઇન્ટરવલ સુધી ખાસ જમાવટ થતી નથી. પહેલો ભાગ ધીમો જ નહીં ક્યાંક કંટાળાજનક બને છે. એમાં લેખકે થોડી મહેનત કરવાની જરૂર હતી. કરોડપતિ રણબીરને બ્રેકઅપનો બિઝનેસ કરતો બતાવ્યો છે એ વાત જલદી ગળે ઉતરે એવી નથી. નિર્દેશક દ્વારા રણબીર પાસે કાર્તિક સ્ટાઇલની ડાયલૉગબાજી જબરદસ્તી કરાવવામાં આવી છે. છોકરા- છોકરીના પ્રેમ વધુ પડતો મોનોલૉગમાં છે. અલબત્ત ત્યાં ગીતોથી સ્થિતિને સંભાળવાનો પ્રયાસ થયો છે. બીજા ભાગમાં નિર્દેશકે પોતાની એક અલગ ઓળખ બનાવી છે એને જાળવી રાખે છે. કદાચ લાંબા સમય પછી દર્શકોએ એવી કોઇ ફિલ્મ જોઇ હશે જેનો પહેલો અને બીજો ભાગ એકબીજાથી એકદમ અલગ હોય. ક્લાઇમેક્સ અસર છોડી જાય છે. આખી વાર્તાને બે જણ પરથી પરિવાર પર લઇ જવામાં આવી છે.
બિઝનેસમેનનો પુત્ર મિકી (રણબીર) પોતાના મિત્ર ડબાસ (બસ્સી) સાથે મળીને છોકરા-છોકરીઓના બ્રેકઅપ કરાવવાનો ધંધો કરે છે. ડબાસની એક પાર્ટીમાં મિકીની મુલાકાત ટિન્ની (શ્રધ્ધા) સાથે થાય છે. બંને એકબીજા સાથે પ્રેમ કરે છે અને વાત લગ્ન સુધી પહોંચી જાય છે એનો બંનેને ખ્યાલ રહેતો નથી. મિકીનો પરિવાર પણ ટિન્નીને સ્વીકારવા તૈયાર થઇ જાય છે ત્યારે અચાનક ટિન્ની આ સંબંધને તોદવાનો નિર્ણય કરી લે છે. પણ ટિન્ની આવો નિર્ણય કેમ લે છે? પાછળથી બંને સાથે રહે છે? એમાં કોણ જૂઠું અને કોણ મક્કાર છે એ જાણવા ફિલ્મ જોવી પડશે.
છેલ્લા અડધા કલાકમાં દર્શકો હસતાં- હસતાં રડે પણ છે અને પૈસા વસૂલ મનોરંજન મેળવે છે. અત્યાર સુધી પારિવારિક ફિલ્મોના દર્શકો લવ રંજનની ફિલ્મ જોતાં ડરતા હતા. હવે એમનો અભિપ્રાય બદલાશે. એમણે એ પણ સાબિત કર્યું છે કે તે મહિલાઓના દુશ્મન નથી અને માત્ર પુરુષોની વિચારધારા પ્રમાણે જ ફિલ્મ બનાવે છે. રણબીર કપૂર ભલે લાંબા સમય પછી કોઇ રૉમકૉમ ફિલ્મમાં દેખાયો હોય પણ આ વખતે નિર્દેશકે એની પાસે કાર્તિક આર્યન જેવું કામ કરાવ્યું એમાં પાસ થયો છે. તેને વાતોડિયો અને રોમેન્ટિક બતાવવા સાથે મોનોલૉગ પણ અનેક આપ્યા છે. કદાચ આ એવી ફિલ્મ છે જેમાં રણબીરના સૌથી વધુ સંવાદ છે.
રણબીર અને શ્રધ્ધાની પહેલી વખત દેખાયેલી કેમેસ્ટ્રી જબરદસ્ત છે. આ એવી જોડી છે જેમના પર નેપોટિઝમનો આરોપ લાગતો નથી અને એ અંગેની ડિબેટ થતી નથી. કેમકે એમનો અભિનય દર વખતે બધાંની બોલતી બંધ કરી દે છે. શ્રધ્ધા કપૂર અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી વધુ ગ્લેમરસ અને મોર્ડન રૂપમાં દેખાઇ છે. તેણે ટુપીસ બિકીની પહેરીને બિંદાસ અંગપ્રદર્શન કર્યું છે. તેમ છતાં અભિનયમાં કોઇ કસર રાખી નથી. ફિલ્મ 'સ્ત્રી' પછી ઘણા સમય બાદ શ્રધ્ધાને સારી તક મળી છે. ક્લાઇમેક્સ પહેલાના પ્રેમ વ્યક્ત કરવાના દ્રશ્યોમાં એનો જવાબ નથી.
ડિમ્પલ કાપડિયા હવે માતાની ભૂમિકામાં જામવા લાગી છે. તો પહેલી વખત પિતાની ભૂમિકામાં દેખાયેલા બોની કપૂરે પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો હોવાથી આવી વધુ ભૂમિકાઓ મળી શકે છે. કાર્તિક આર્યનની મહેમાન ભૂમિકા વાર્તા માટે મહત્વની લાગે છે. ફિલ્મમાં અભિનેતા ન હોવા છતાં બસ્સીએ કોમેડી પૂરી પાડવાનું કામ સરસ કર્યું છે. બહેનની ભૂમિકામાં હસલીન કૌર પ્રભાવિત કરે છે.
ઘણા સમય પછી સંગીતકાર પ્રીતમની કોઇ ફિલ્મના બધાં જ ગીતો લોકપ્રિય રહ્યા છે. એનું ફિલ્માંકન પણ સરસ થયું છે. 'પ્યાર હોતા કઇ બાર હૈ' ગીતને એમાં શ્રેષ્ઠ કહી શકાય એમ છે. બેકગ્રાઉન્ડ સંગીત કલાકારોના ઇમોશનને વધુ સારી રીતે અનુભવવા મજબૂર કરે છે. તો વન લાઇનર્સ હાસ્ય પૂરું પાડતા રહે છે. આવી ફિલ્મો જ થિયેટરોનું અસ્તિત્વ બનાવી રાખવામાં મદદ કરે એવી છે. લોજીક નથી છતાં એક દર્શક જેના માટે થિયેટરમાં જવા માગે છે એ રોમાન્સ, કોમેડી, દોસ્તી, પારિવારિક મૂલ્યો વગેરે બધું જ ફિલ્મમાં આપ્યું છે. દર્શકોએ આવી ફિલ્મને OTT પર આવશે ત્યારે જોઇશું એવી રાહ જોવાની જરૂર નથી.