"જૂઠું..જૂઠું.. સાવ જૂઠું..તમે સદંતર ખોટું બોલી રહ્યા છો..માત્ર થોડાક રૂપિયા માટે આટલું બધું ખોટું બોલતા શરમ નથી આવતી?" વકીલ કોઠારીસાહેબ ઊંચા સાદે બોલ્યા.
"સાહેબ..તમારા માટે થોડાક જ રૂપિયા હશે..મારે તો મારા સ્વમાનનો સોદો છે..બોલો! કેટલા ચૂકવશો મને આ સોદામાં?" ગળગળી થઈને લીના બોલી.
"સોદો..શાનો સોદો..? રૂપિયા પડાવવા માટે તમે કાવતરું રચ્યું છે અને મારા અસીલને નાહકનો હેરાન કરી રહ્યા છો.." કોર્ટરૂમમાં વિરુદ્ધ પક્ષના વકીલ તરીકે કોઠારીસાહેબ કેસ લડી રહ્યા હતા.
"સાહેબ..સ્ત્રી તરફી કાયદા હોવાનો આ બહેન ફાયદો ઉઠાવી રહ્યા છે..એક તો જાતે ઘર છોડીને નીકળ્યા છે અને પોતે કમાઈ શકે એમ છે તો પણ..! આ કેસ જ બેબુનિયાદ છે.." વકીલસાહેબની દલીલો હજુ ખતમ નહોતી થઈ.
ન્યાય માંગવા આવેલી લીના સાવ અસહાય થઈને ઘડીક ન્યાયના ત્રાજવાને તો ઘડીક જજસાહેબને જોઈ રહેતી. એની હસ્તરેખામાં પડેલી ભાગ્યરેખા આડી થઈને સંસારરથના પૈડાનું સમતોલન ખોરવી રહી હતી. એક પૈડા ઉપર બોજ હતો ફૂલ જેવા બે માસૂમ બાળકોનો..અને બીજું પૈડું આરામથી તૈયારી કરી રહ્યું હતું નવી દિશા તરફની ગતિ માટે..!
કઠેડામાં ઉભેલી લીના હૃદયના અનેક વલોપાતો, આઘાતો અને વણકહ્યા કિસ્સાઓના ઉઝરડા ખોતરી રહી હતી. પણ કોર્ટને એ બધામાં રસ ક્યાંથી હોય! પુરાવા, સાક્ષી તથા સાબિતી એના માટે ખિસ્સાને ન પોસાય એવી મોંઘી વસ્તુઓ હતી. આંખો સામે પોતાના અંધકાર અને બાળકોના તેજસ્વી ભાવિની છબી તરવરતી હતી. બે હાથે મુઠ્ઠી વાળીને નીચું માથું રાખીને ઉભેલી લીના કોઈ હારેલા રાજાથી કમ નહોતી લાગતી..!
ત્રણેક મહિના પહેલા બાળકોસમેત જાકારો પામેલી લીનાને સમાજે આસાનીથી લગાડેલું ત્યકતાનું લેબલ જ્યાં-ત્યાંથી તરછોડવા માટે પૂરતું હતું. પિયરપક્ષના દરવાજે સામાજિક પ્રતિષ્ઠાનું મોટુંમસ તાળું લાગેલું હતું. નોકરી કરી શકે એટલું ખાસ ભણેલી નહીં છતાં ક્યાંય પણ કામ માંગવા જાય તો એનો ભૂતકાળ ભૂતની જેમ પીછો કરતો. બાળકોને ઉછેરવાનો અને ભણાવવાનો ખર્ચ ઉપાડવાની અસમર્થતા એને કોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ પાડી રહ્યા હતા.
કોર્ટમાં પડતી મુદ્દતો અને વકીલનો ખર્ચ બંને લીનાને અત્યંત ભારે થઈ પડ્યા હતા. એ લોકોના ઘરે રસોઈ કરવા જતી અને સાથે સીવણકામ પણ કરતી. એમ કરતાં માંડ પૂરું થતું અને એમાંય વકીલનો ખર્ચ વધારાના બોજ જેવો એને લાગતો. બાળકોની શાળાની ફી, પુસ્તકો, કપડાંલત્તા એ બધાની સાથે સાથે વારેતહેવારે બાળકોની પૂરી કરવી પડતી ફરમાઈશો કહો કે અન્ય બાળકોની ચીજવસ્તુઓ જોઈને થતી બાળહઠ લીનાની મુશ્કેલીમાં વધારો કરી દેતી.
"સાહેબ! આ કેસને હજુ કેટલો સમય લાગશે? તમે તો મારી સ્થિતિ જાણો જ છો ને.." વકીલ પટેલસાહેબની ઓફિસમાં બેઠેલી લીનાએ પૂછ્યું.
"બેન..કશું કહેવાય નહીં..સામાવાળાની દલીલો ખૂટતી જ નથી ને મુદ્દતોમાં વધુ સમય લાગે છે. આમ તો આપણો કેસ મજબૂત જ છે. હું તમને ભરણપોષણ જરૂર બંધાવી આપીશ..એવું લાગે તો મારી ફી હપ્તેથી ચૂકવજો.." વકીલ પટેલસાહેબ હૈયાધારણ આપતા બોલ્યા.
કેસ ચાલતાં ચાલતાં વરસ થયું. હજુ સુધી કોઈ નીવેડો આવેલો નહીં. હવે તો લીનાની ધીરજ પણ ખૂટી.
આખરે એક દિવસ કોર્ટમાં જજસાહેબ આગળ હાથ જોડતી કંટાળેલી લીના બોલી, "સાહેબ..મારે કેસ નથી લડવો.. તમે કેસ બંધ કરી દો.."
"બેન..તમે આ શું બોલો છો?" વકીલે એને ટપારી.
"હા.. જજસાહેબ! મારે કેસ નથી લડવો. આ વકીલસાહેબ સાચું કહે છે. હું જાતે કમાઈ શકું એમ છું.." લીના એકદમ રડમસ અવાજે બોલી.
"જુઓ બેન..આ કોર્ટ છે. કોઈ મજાક નથી ચાલી રહી કે તમે મન ફાવે ત્યારે કેસ કરો ને પાછો ખેંચી લો. જે હોય તે સાફસાફ કહો." જજસાહેબ લગભગ ગુસ્સે થઈ ગયા.
"સાહેબ..મારો કોઈ વાંકગુનો નથી છતાં મને સજા શા માટે? જે કાયદો એક સ્ત્રીને કોર્ટમાં કેસ લડવાનો ખર્ચ ન આપી શકે એ સ્ત્રી તરફી હોવાનો દાવો બિલકુલ ખોટો છે. માનવતા મરી પરવારેલા માણસ પાસેથી અપેક્ષા શું રાખવી? ખોટેખોટી સાંત્વના આપતા આ કાયદા મને શું મદદરૂપ થયા? હવેથી મારા બાળકોનો ખર્ચ હું મજૂરી કરીને પણ ભોગવીશ." કોર્ટ અને પતિને ઉદ્દેશીને એણે તિખારો કર્યો.
કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરતા વિરોધપક્ષના વકીલ કોઠારીસાહેબ લગભગ કોઈ કેસ હારેલા નહીં છતાંય કેસ હાર્યા હોય એમ એની સામે નજર મિલાવી શક્યા નહી.
કોર્ટમાં વ્યાપેલા સંપૂર્ણ સન્નાટા વચ્ચે એ સ્ત્રી કાયદાને લપડાક મારીને ખુમારીથી બહાર નીકળી ગઈ..!