શંકરની અસાધારણ તેજસ્વીતા અને તીક્ષ્ણ બુદ્ધિનાં કારણે તેમણેં લાંબો સમય ગુરુકુળમાં રહેવું ન પડ્યું. એક દિવસ ગુરુકુલના આચાર્યએ શંકરને કહ્યું “ બેટા, તને જેટલું શીખવવાનું હતું એ બધું અમે શીખવી ચુક્યા છીએ. હવે અમારી પાસે શેષ કઈ બાકી રહેતું નથી. આથી તું ઘરે જઈ શકે છે “ આમે માત્ર 2 વર્ષમાં જ અભ્યાસ પૂર્ણ કરીને શંકર માતા આર્યમ્બા પાસે આવી ગયા.
શંકરને ઘરે પાછો આવીને તે અંત્યંત ખુશ થઇ ગઈ. કારણ કે માતા અર્યામ્બા તો મનમાં શંકરના લગ્ન માટે વિચાર પણ કરી રાખ્યો હતો. પણ વિધાતાને કૈક અલગ જ મંજૂર હતું બીજા શબ્દોમાં કહું તો ઈશ્વરની લીલા મુજબ કૈક અલગ જ બનવાનું હતું.....
---------------------
◆ નદીનું વહેણ બદલાયું -
શંકરનાં માતા પૂર્ણા નદીમાં રોજ ન્હાવા જતા. એક દિવસ કેટલોય સમય સુધી માં ન્હાવા ગયા પણ પાછા ન આવ્યા, આથી શંકર ચિંતામાં નદી તરફ માંની ભાળ માટે ગયા ત્યારે તેણે જોયું કે માં તો રસ્તા ની વચ્ચે બેહોશ હાલતમાં પડ્યા છે. આ જોઈ શંકર માંની સેવામાં લાગી ગયા અને ધીરે ધીરે માતાને ભાન આવતા તેને ઘરે લાવ્યા.
માતાની ન્હાવા માટે આટલે દૂર જવું પડે છે તે કષ્ટથી બાળ શંકરનું હૃદય દુઃખી થઇ ગયું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ તેણે કરુણ ભાવે સર્વ શક્તિમાન ઈશ્વરની પ્રાર્થના કરી “ હે પ્રભુ, આપ સર્વ શક્તિમાન છો. માં ની ઉમર થઇ ગઈ છે. તેને આટલું દૂર નદીમાં સ્નાન કરવા માટે આવવું પડે છે. તેને જે કષ્ટ થાય છે તે મારાથી સહેવાતું નથી. પ્રભુ, કૃપા કરીને પૂર્ણા નદીને ઘરની પાસે લાવી દો ને ” દિવસ રાત શંકર સતત આ જ પ્રાર્થનાનું રટણ કર્યા કરતા હતા. માંએ કહ્યું કે “બેટા, એમ નદીનું વહેણ થોડું બદલાય જાઈ ? પણ છતાં શંકરની પ્રાર્થાના તો ચાલુ જ રહી. એ જ ચોમાસામાં કાલડીમાં ખૂબ વરસાદ પડ્યો અને પૂર્ણા નદીમાં ખૂબ પાણી આવ્યું અને કહેવાય છે કે નદીએ પોતાનું વહેણ બદલ્યું અને હવે તે શંકરનાં ઘર નજીકથી વહેતી હતી.
◆ આઠ વર્ષને ઉમરે સંન્યાસ-
શંકરનાં મનમાં સન્યાસ લેવાની ઈચ્છા દિવસે અને દિવસે પ્રબળ થતી જતી હતી. એકવાર તેણે માતા સમક્ષ આ વાત રજૂ કરી. સંન્યાસની વાત સાંભળતા જ માતા આર્યમ્બા રોવા લાગી. તેને તો હતું કે શંકરનાં લગ્ન થશે, તેના પણ પુત્રો થશે. પણ પોતાના તમામ સપનાઓ તુટતા જોઇને માતા દુઃખી હૃદયે કહેવા લાગી “બેટા, આવી વાત ન કર. હજુ તો તું બાળક છો. અને તારા પછી મારો આધાર કોણ ? તારા સિવાય મારું આ સંસારમાં કોઈ નથી. તારા ગયા પછી મારી સંભાળ કોણ રાખશે ? મારા જીવતા હું તને સંન્યાસ નહિ લેવા દઉં.
માતાના આવા વર્તનથી શંકર દુખી થઇ ગયા. હવે શું કરવું ? માતાની ઈચ્છા વિરુદ્ધ સન્યાસ કેમ લેવો ? તેણે ઈશ્વરને ફરી વ્યાકુળ હૃદયે પ્રાર્થના કરી...
એક સવારે શંકર માતા સાથે નદી પર સ્નાન કરવા ગયેલા. માતા આર્યમ્બા સ્નાન કરીને બહાર આવી ગયા પણ શંકર હજુ સુધી ન્હાતા હતા. ત્યારે અચાનક જ માતાને શંકરની બૂમ સંભળાઈ “ માં, માં, બચાઓ, બચાઓ, મને મગરે પકડી લીધો છે” શંકરનો પગ મગરે પકડી લીધો હતો.
આ જોઇને માતા ગભરાઈ ગઈ અને નદીમાં કુદી પડી. પણ મગર તો શંકરને જોરથી પકડીને પાણીમાં ઊંડેને ઊંડે ખેંચી જી રહ્યો હતો. ત્યાં રહેલા લોકો પણ શંકરનો હાથ પકડીને તેને ખેંચવાની કોશિશ કરી રહ્યા હતા. પણ બધું નાકામ થઇ રહ્યું હતું...
અંતે શંકરે માંને કહ્યું “માં, મગર મને પાણીમાં ખેંચતો જાય છે. લાગે છે હવે મારો અંત સમય આવી ગયો છે. હવે તો મને છેલ્લે સન્યાસ લેવાની પરવાનગી આપો. મરવું જ છે તો સન્યાસનાં સંકલ્પ સાથે મારું. એ એક નવો જન્મ જ હશે.”
આર્યમ્બા પાસે કોઈ જ રસ્તો બચ્યો ન હતો. તેણે વિચાર્યું કે શંકરનાં પ્રાણ તો સંકટમાં છે જ. શા માટે તેની છેલ્લી ઈચ્છા પૂરી નાં કરવી ? કદાચ ઈશ્વર કોઈ કૃપા કરે અને ચમત્કાર થઇ જાય. એટલે છેલ્લે રોતા રોતા તે બોલ્યા “ જે તું ઈચ્છે છે એવું જ થાજો બેટા, હું તને સન્યાસ લેવાની આજ્ઞા આપું છું” એટલું કહી માતા બેભાન થઇ ગયા. આ બાજુ શંકર પોતાના પ્રયત્નો છોડીને ઈશ્વરને મનમાં યાદ કરીને માનસિક સન્યાસ ગ્રહણ કર્યો અને પોતાને આ મગરનાં મુખ માથી બચવાની પ્રાર્થના કરી. માતાની આજ્ઞાથી માનસિક સન્યાસ ધારણ કરીને તે અનન્ય આનંદમાં ડૂબી ગયા.
એ જ સમયે કેટલાક માછીમારો જાળ સાથે ત્યાં આવી ગયા. તેણે જાળથી મગરને ઘેરી લીધો. ગભરાયેલ મગર શંકરનો પગ છોડીને જાળમાંથી બચવા માટે ભાગ્યો. આમ શંકર મગરમચ્છથી મુક્ત થયા.
તત્કાલ વૈદ્ય પણ ત્યાં આવી ગયો. તેણે ઔષધી દ્વારા પગમાંથી નીકળતા લોહીને અટકાવ્યું. માતા પણ ધીરે ધીરે ભાનમાં આવી. અને શંકરને તેણે છાતી સરખો ચાંપી લીધો. ગામ વાસીઓએ શંકર અને માતાને ઘેર પહોંચાડ્યા.
પણ ઘર પાસે પહોંચતા જ શંકરે માંને કહ્યું “માં, મેં તો સંન્યાસ લઇ લીધો છે. આથી હવે હું ઘરમાં રહેવા માટે અસમર્થ છું. હવે હું ઘરમાં નહિ આવું, હું અહી ઝાડ નીચે જ રહીશ”
માતા પર તો જાણે વજ્રાઘાત પડ્યો. માતા ખૂબ રડ્યા કે “બેટા હવે મારું ધ્યાન કોણ રાખશે ?” ત્યારે શંકરે કહ્યું”માં, જેણે મને મગરનાં મોઢામાંથી બચાવ્યો એ જ ઈશ્વર તારું પણ ધ્યાન રાખશે”. હવે શંકર ઘર છોડવાની તૈયારી કરી રહ્યા હતા. તેણે પોતાના નજીકના લોકોને બોલાવીને સંપતિનો ભાર તેમને સોંપ્યો અને માતાના ભરણપોષણની વ્યવસ્થા ગોઠવી. પણ પુત્રને ઘર છોડીને જતો કઈ માં જોઈ શકે ? ફરી માતા કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. ત્યારે શંકરે કહ્યું “માં, આપના આશીર્વાદથી જ હું પરમપદને પામીશ. હું આપને વચન આપું છું કે, આપના અંતિમ કાળે આપ મને યાદ કરજો, આપના સ્મરણ માત્રથી હું જ્યાં પણ હોઈશ ત્યાંથી આપની પાસે આવી જઈશ. અને મૃત્યુ વખતે હું આપને ઈશ્વર દર્શન કરાવીશ.”
આટલું કહી શંકર ગૃહત્યાગ કરીને ચાલવા લાગ્યા. આગળ શંકર અને પાછળ ત્યાગમૂર્તિ માતા અને ગ્રામવાસીઓ શંકર સાથે પૂર્ણા નદીના કિનારા સુધી ચાલતા રહ્યા. અને અંતે શંકરે સૌને નમસ્કાર કરીને ઉત્તર તરફ પોતાની યાત્રા શરુ કરી....
( ક્રમશઃ )