Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - પરીક્ષા પે ચર્ચા

Featured Books
Categories
Share

ડાયરી - સીઝન ૨ - પરીક્ષા પે ચર્ચા

શીર્ષક : પરીક્ષા પે ચર્ચા
લેખક : કમલેશ જોષી

એક મિત્રે વિચિત્ર ઓબ્ઝર્વેશન કહ્યું, "એસ.એસ.સી.ની પરીક્ષા આવી પહોંચી છે એમાં વિચિત્ર વાત એ છે કે જેમણે આખું વર્ષ વાંચ્યું નથી, મહેનત કરી નથી એવા ઠોઠ વિદ્યાર્થીઓ કરતા જે વિદ્યાર્થીઓ આખું વર્ષ વાંચી વાંચીને ઉંધા વળી ગયા હતા એ લોકો વધુ ટેન્શનમાં, ચિંતામાં કે ડિપ્રેશનમાં હોય એવું લાગી રહ્યું છે." મનેય એની વાત સાચી લાગી. અમારી પડોશમાં રહેતો એક હોંશિયાર છોકરો એસ.એસ.સી.માં છે. ધૂળેટીના દિવસે એના ફેમિલીએ ગૅઇટ પર તો તાળું મારી જ દીધું હતું, એ ઉપરના જે રૂમમાં વાંચતો હતો ત્યાં પણ તાળું લટકતું હતું. જયારે એનાથી ચાર ઘર દૂર રહેતો એનો જ ક્લાસમૅટ એની ટોળકી સાથે ‘જરાક અમથું, શાસ્તર શાસ્તર' કરતા કરતા ડોલે ડોલે છેક બપોર સુધી હોળી રમતો હતો. પરીક્ષાના એંસી કે સો કલાક પહેલા સુધી મોજથી હોળી રમવા માટે વિદ્યાર્થીમાં હિમ્મત હોવી જોઈએ કે ઉપલો માળ ખાલી હોવો જોઈએ એ મને સમજાયું નહિ.

એક વડીલે કહ્યું, "એસ.એસ.સી.ના પરીક્ષા ખંડમાં હું બેઠો હતો ત્યારે મને જેટલું ટેન્શન હતું એનાથી વધુ ટેન્શન હું પહેલી વાર છોકરી જોવા ગયો ત્યારે, પહેલી વાર નોકરીનું ઇન્ટરવ્યૂ દેવા ગયો ત્યારે અને પહેલી વાર મારું એક્સીડન્ટ થયું અને મને આઈ.સી.યુ.માં દાખલ કરાયો હતો ત્યારે મેં અનુભવ્યું હતું. જેમ ગુજરાતી, ગણિત, વિજ્ઞાનના પેપર હોય છે એમ જ બલકે એનાથી વધુ અઘરા પ્રશ્નોવાળા પેપર શાળા-કોલેજનું ભણવાનું પૂરું થયા પછી શરુ થતા હોય છે. કોઈ ફેમિલી લગ્નની ઉંમર વટાવી ગયેલા સંતાનનું પેપર સોલ્વ કરવા મથી રહ્યું હોય છે તો કોઈને હોસ્પિટલમાં આખરી શ્વાસ લઈ રહેલા ફેમિલી મેમ્બરની લાઇફ બચાવવાનો પ્રશ્ન મુંઝવી રહ્યો હોય છે. કોઈને બે માણસ વચ્ચે વધતી જતી ખાઈનો પ્રશ્ન કોરી ખાતો હોય છે તો કોઈને નોકરી-ધંધામાં મળતી સતત નિષ્ફળતાને કેમ પચાવવી એ સમજાતું નથી. કો'ક ફેમિલીને વડીલના અણસમજું વ્યવહારનો પ્રશ્ન મુંઝવે છે તો કોઈ ફેમિલીને સંતાનોની અપરિપક્વતા પીંખી રહી છે. ઝીણી નજરે જુઓ તો આજુબાજુના તમામ પરિવારો પરીક્ષાર્થીઓ હોય અને દરેક ઘર પરીક્ષાખંડ હોય એવું લાગ્યા વિના રહેતું નથી."
એક મિત્રે કહ્યું, "જિંદગીનું પ્રશ્નપેપર તો ફૂટેલું જ છે. સરેરાશ જુઓ તો દરેકના જીવનમાં કેટલીક ઘટનાઓ ફિક્સ જ છે, જેમ કે જિંદગીમાં એકાદવાર તો લાઇફ ગોટે ચઢશે જ, એકાદવાર તો મોટી સફળતા મળશે જ, અને એકાદ તો મોટી પછડાટ આવશે જ. આવો સમય અને સંજોગો એ આપણું પ્રશ્નપેપર અને એ આ સમયના આપણા વાણી, વર્તન અને વિચારો એ આપણા જવાબો.

તમારી આસપાસના કે અંગતોના દસ ઘરનું અવલોકન કરો. કોઈ હોસ્પિટલની દોડાદોડી કરી રહ્યું હશે, તો કોઈ સગાઈ-લગ્નની તૈયારીની, કોઈ બેફામ કમાણી કરી રહ્યું હશે તો કોઈ દેવાના પહાડ નીચે ડૂબી ગયું હશે. સવાલ એ છે કે આ ઘટનાઓ વખતે આપણે કેટલા સ્થિર રહીએ છીએ અને કેટલા ડામાડોળ થઈએ છીએ. જિંદગીની પરીક્ષામાં સુખ, સત્તા, સંપતિ, શક્તિ કે સફળતા આવે ત્યારે કોઈના બાપુજીનું ન સાંભળે કે ન માને એ અથવા દુઃખ, દર્દ, પીડા કે નિષ્ફળતા આવે ત્યારે હિબકે ચઢી જાય એ ફેલ અને આ બંને સંજોગોમાં માપસર, સ્થિર, બેલેન્સ્ડ રહે એ પાસ. મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એ છે કે દરેક પેપર ત્રણ કલાક (કે અમુક દિવસો, મહિનાઓ, વર્ષો બાદ) પૂરું થઈ જ જાય છે અને નવું પેપર શરુ થાય છે. કોઈ પેપર અનલિમીટેડ ટાઈમ માટે ચાલતું નથી. આજે જે દુઃખનું પેપર આપી રહ્યા છે એમણે આવતી કાલે સુખનું પેપર આપવાનું છે, આજે જે આનંદથી નાચી રહ્યા છે એમણે આવતી કાલે માથું પકડી રડવાનું છે, આજે જે વ્યક્તિ કરુણ સંજોગોથી ઘેરાયેલો છે એ જ વ્યક્તિની આસપાસ આવતી કાલે ખુશખુશાલ માહોલ ગોઠવાઈ જવાનો છે.

એક લાસ્ટ બેંચર મિત્રને પરીક્ષાનું નામ સાંભળી પરસેવો વળી જતો. એ ગુસ્સેથી બોલતો, "આ પરીક્ષા બરીક્ષા હોવી જ ન જોઈએ. ભણી લીધું એટલે બસ વાત પૂરી, પરીક્ષા વળી શું લેવાની?" એના પ્રશ્નનો જવાબ એક સમજુ મિત્રે આપ્યો. એ દિવસે અમે સૌ ક્રિકેટ રમવા જતા હતા. લાસ્ટ બેંચર સારો બેટ્સમેન હતો. ટીમ પાડતા હતા ત્યાં પેલા સમજુ મિત્રે કહ્યું, "ટીમ પાડવાની શું જરૂર છે, આપણે સૌ બેટિંગ કરીએ, સૌ એક જ બાજુ રહીએ, એટલે કોઈ આપણને આઉટ ન કરી શકે." અમને સૌને એની વાત વિચિત્ર લાગી.
લાસ્ટ બેંચર બોલ્યો, "બે ટીમ તો પાડવી જ પડે ને! નહિતર દાવ આપશે કોણ અને દાવ લેશે કોણ?"
સમજુએ કહ્યું, "દાવ આપનાર બોલર આપણને મૂંઝવી નાખવા ફાસ્ટ, ગુગલી, સ્પીન દડા નાખી આપણી દાંડી ઉડાડી દે એના કરતા આપણે બોલર અને બોલિંગ બંને વગર જ રમીએ તો વધુ મજા નહિ આવે?"
લાસ્ટ બેંચર બોલ્યો, "તું ગાંડો થયો છે કે શું? એ ફાસ્ટ બોલ ન નાખે તો આપણે હેલિકોપ્ટર શોટ જેવી ટેક્નિક વાપરી ચોગ્ગા-છગ્ગા કેમ મારી શકીએ? બોલર તો જોઈએ જ ને?"
પેલો સમજુ બોલ્યો, "માય ડીયર ફ્રેન્ડ, હું પણ એ જ કહું છું, પરીક્ષા અને જિંદગીમાં પ્રશ્નો અને સમસ્યાઓના ગુગલી આવે તો જ મહેનત, હિમ્મત, સાહસ, સમજણની ટેક્નિક વાપરી આપણા જીવનના સ્કોરમાં સીધા જ ચાર-છ રન ઉમેરી શકીએ ને!" અમે સૌ તો તાળીઓ પાડતા ‘હીપ હીપ હુરરે...' બોલી ઉઠ્યા.

મિત્રો, મને ખાતરી છે કે તમારી સામે પણ ગુગલી કે ફાસ્ટ બોલ રૂપી અઘરો પ્રશ્ન આવીને ઉભો છે. અમે સૌ તમારી સામે જોઈ રહ્યા છીએ. બેટ તમારા હાથમાં છે. માત્ર રમત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી, બેટ ઉપાડો એટલે અમે ચોતરફ તાળીઓનો ગડગડાટ કરી તમારી બેટિંગને ટેન આઉટ ઓફ ટેન આપી વધાવી લઈએ. ઓલ ધી બેસ્ટ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...)