(ગરિમાબેન વૈદેહીને હોસ્ટેલ જવા માટે કહે છે અને વૈદેહી એમની વાત માની પણ લે છે. એ શિખા અને રજનીશભાઈને જણાવે છે કે એને સ્ટડીમાં પ્રોબ્લેમ હોવાથી હોસ્ટેલમાં જાય છે. શિખા એનાથી ગુસ્સે થઈ ત્યાંથી જતી રહે છે. હવે આગળ)
વૈદેહી એની પાછળ પાછળ ગઈ અને ગાડીમાં એની બાજુમાં બેસી ગઈ અને કહ્યું,
"શિખુ, મારી વાત તો સાંભળ."
"મારે કંઈ નથી સાંભળવું. તું જા અહીંયાથી." શિખાએ કહ્યું.
"શિખુ, એટલી બધી નારાજ છે મારાથી. સારું ચલ હું અહીંયા જ રહીશ. બસ ? હું ક્યાંય નહીં જાઉં." વૈદેહીએ કહ્યું.
"સાચે જ."
"હા, બાબા. તું આમ ઉદાસ થઈ જાય એ મને નહીં ગમે. મારું શું છે ? વાંચી લઈશ કમને." વૈદેહીએ ઉદાસ થઈ કહ્યું.
આ સાંભળી શિખા એનાં તરફ જોવા લાગી.
"શિખુ, હું બસ પપ્પાનું સપનું પુરૂ કરવા માંગુ છું. પપ્પા મને મોટી ઓફિસર બનાવવા માંગતા હતા તો હું પણ ખૂબ મહેનત કરી એમનું આ સપનું પુરૂ થાય એનાં પ્રયત્નો કરું છું. ત્યાં બધાં સાથે રહી મારું વાંચવામાં મન નથી લાગતું. તું સમજ ને ?" વૈદેહીએ કહ્યું.
"તું ખોટું બોલી રહી છે વૈદુ. હું જાણું છું કે આ કારણ તો નથી જ તારું આ ઘર છોડવા પાછળ. છતાંપણ તું જવા માંગે છે તો ઠીક છે. તું જા. પણ તારી હોસ્ટેલનો રૂમ હું પણ જોવા આવીશ. જો મને રૂમ નહીં ગમે તો આપણે પાછા રિટર્ન. " શિખાએ કહ્યું. વૈદેહીએ એની વાત માની લીધી.
શિખાએ ડ્રાઈવરને ગાડી યુનિવર્સિટી હોસ્ટેલ પર લેવા કહ્યું. થોડીવારમાં તેઓ હોસ્ટેલ પર પહોંચી ગયા. વૈદેહીએ શિખાને બહાર ઉભી રાખી અને પોતે વોર્ડનની ઓફિસમાં ગઈ અને પોતાનું નામ જણાવ્યું.
"હા હા, ગરિમા મેડમનો ફોન આવ્યો હતો. એક મિનિટ..." વોર્ડને કહ્યું અને એક છોકરીને બૂમ પાડી.
"નીતુ, આમને એકસો અગિયાર નંબરનાં રૂમમાં લઈ જા." વોર્ડને કહ્યું.
નીતુ વૈદેહીને એકસો અગિયાર નંબરનાં રૂમમાં લઈ ગઈ. વૈદેહી અને શિખા એની પાછળ પાછળ ગયા. રૂમ જોઈ શિખાને જે ડર હતો ખરાબ રૂમ હોવાનો એ થોડો દૂર થયો. કારણ કે રૂમ ખાસ્સો મોટો અને એકદમ સ્વચ્છ હતો. એમાં કંઈ કમી કાઢવા જેવું હતું જ નહીં.
"અરે વાહ, રૂમ તો સારો છે અને અહીંથી બહારનો વ્યુ પણ સારો દેખાઈ છે. પણ..."
"શિખુ, હવે પણ બણ કંઈ નહીં. ચાલ, જલ્દી જલ્દી કોલેજ જઈએ. આવ્યા પછી હું બધો સામાન અનપેક કરીશ." વૈદેહીએ કહ્યું અને શિખાનો હાથ પકડી એને રૂમની બહાર લઈ આવી અને રૂમને લોક કર્યો.
બંને કોલેજ પહોંચ્યા. શિખાનું મોં હજી પણ ફૂલેલું હતું. અપૂર્વ ત્યાં આવ્યો અને વૈદેહીને શિખાને શું થયું એમ પૂછ્યું તો શિખા અપૂર્વ પર પણ ગુસ્સે થઈ ગઈ અને ક્લાસમાં જતી રહી. વૈદેહીએ એને પોતે હોસ્ટેલમાં રહેવા આવી છે એ જણાવ્યું અને આ વાત સાર્થકને ન જણાવે એ પણ કહ્યું.
અપૂર્વને પણ વૈદેહીનું આમ હોસ્ટેલમાં રહેવા આવવું સમજાયું નહીં પણ એને આગળ વધુ પૂછવું યોગ્ય ન લાગ્યું.
દિવસો એની ગતિએ વીતવા લાગ્યા. કોલેજમાં તો વાંધો નહતો આવતો પણ હોસ્ટેલમાં આવ્યા પછી વૈદેહીને કંઈ ગમતું નહીં. થોડા મહિના એ મહેતા હાઉસમાં રહી હતી. બધાં વચ્ચે એને બહુ જ ગમતું. એક પરિવાર મળ્યો હતો એને. અને સાર્થકનાં રૂપમાં એક પ્રેમાળ અને પરફેક્ટ જીવનસાથી. પણ કદાચ પોતાનું નસીબ એટલું સારું નહતું. એવું વૈદેહીએ માની લીધું.
બીજી તરફ સાર્થકને પણ વૈદેહીનાં હોસ્ટેલમાં રહેવા આવવા વિશે જાણ થઈ ગઈ હતી. શિખાએ એને જણાવી દીધું હતું. સાર્થકે પણ એને ઘણું પૂછ્યું પણ વૈદેહીએ વાંચવાનું બહાનું કાઢીને વાત વાળી દીધી.
વૈદેહીને સૌથી વધારે ખુશી ત્યારે મળતી જ્યારે સાર્થક સાથે એની ફોન પર વાત થતી. પણ હવે એ સાર્થકને એનાં દિલની વાત ક્યારેય નહીં કરે એવું એણે મન બનાવી લીધું હતું.
બીજી તરફ આદિત્ય વૈદેહી સાથેના સોનેરી સપનાં જોતો હતો. એ ત્રણ ચાર વખત કોઈને કોઈ બહાને વૈદેહીની કોલેજ આવ્યો હતો. જ્યારે એને ખબર પડી કે વૈદેહી હોસ્ટેલમાં રહે છે ત્યારે એ વૈદેહી માટે નાસ્તો વગેરે પણ લાવ્યો હતો અને આનંદીબેનનું નામ લઈ એને આપ્યો હતો. અમુકવાર એ વૈદેહી માટે અલગ અલગ વાનગી પણ લાવતો. વૈદેહીને તો એમ જ હતું કે આનંદીબેન એનાં માટે આ બધું મોકલે છે અને તેથી એ ખુશી ખુશી લઈ પણ લેતી. અને આદિત્યને લાગતું કે વૈદેહી એની નજીક આવી રહી છે.
સાર્થક ઈન્ડિયા આવી ગયો હતો અને એણે વૈદેહીને મળવા બોલાવી હતી પણ વૈદેહીએ બહાનું કાઢી ના કહ્યું હતું. સાર્થકનાં ઈન્ડિયા આવ્યા પછી તો એ એની સાથે વાત પણ ખૂબ જ ઓછી કરતી હતી. સાર્થકને સમજાતું નહતું કે વૈદેહી આવું બિહેવ શા માટે કરે છે ! જ્યારે પણ સાર્થક એને મળવા જતો એ કોઈને કોઈ બહાનું કાઢીને જતી રહેતી. અથવા તો એની સામે આવવાનું ટાળી દેતી.
દિવસો વીતવા લાગ્યા અને એની સાથે સંબંધોમાં જાણે તિરાડ પડવા લાગી હતી. બંને તરફથી કોઈ આ સંબંધને તોડવા નહતું માંગતું પણ ક્યાંક ને ક્યાંક એમનો સંબંધ તૂટી રહ્યો હતો. અને એ સંબંધની સાથે સાથે વૈદેહી અને સાર્થક બંને તૂટી રહ્યાં હતાં.
સાર્થક વિચારી વિચારીને થાકી ગયો હતો કે આખરે વૈદેહીને થયું શું છે પણ એને કોઈ જવાબ નહતો મળતો. રજનીશભાઈ પણ સાર્થકની હાલત જોઈ સમજી ગયા હતા કે સાર્થક વૈદેહીને ચાહવા લાગ્યો છે પણ પોતે ચૂપ હતા. એ ઈચ્છતા હતા કે સાર્થક જાતે વૈદેહી સાથે વાત કરે.
એક દિવસ ન રહેવાતા સાર્થક સીધો એની હોસ્ટેલ પણ પહોંચી ગયો અને વોર્ડનને એને બોલાવવા કહ્યું. વોર્ડન સાર્થકને સારી રીતે ઓળખતાં હોવાથી વધુ કંઈ પૂછ્યા વિના વૈદેહીને ઓફિસમાં બોલાવી. અને એને કોઈ મળવા આવ્યું છે એમ કહી વેઈટિંગ રૂમમાં મોકલી. સાર્થકને ત્યાં જોઈ વૈદેહી મનમાં ખુશ થઈ ગઈ પણ એનાં હાવભાવ જરાય બદલાયા નહીં.
"સાર્થક, તમે અહીંયા શું કરો છો ?" વૈદેહીએ એકદમ શાંતિથી પૂછ્યું.
"તારું થોડું કામ હતું. મારી સાથે ચાલ." સાર્થકે કહ્યું.
"પણ સાર્થક, મારે...." વૈદેહી કંઈ બોલે એ પહેલાં સાર્થકે એનો હાથ પકડ્યો અને એની સાથે લઈ ગયો. સાર્થકનું આમ હક કરી પોતાને લઈ જવું વૈદેહીને ગમ્યું પણ એ કંઈ બોલી નહીં. સાર્થકે પેસેન્જર સીટનો દરવાજો ખોલ્યો અને વૈદેહી ગાડીમાં બેસી ગઈ. પછી સાર્થક પણ ડ્રાઈવર સીટ પર બેઠો અને ગાડી ભગાડી મુકી.
છેલ્લા અડધા કલાકથી સાર્થક ગાડી હંકારી રહ્યો હતો. ન તો એ કંઈ બોલી રહ્યો હતો કે ન વૈદેહી. ક્યાં જઈ રહ્યાં હતાં એ પણ વૈદેહીને ખબર ન હતી. જો કે સાર્થક પોતે પણ જાણતો નહતો કે એ ક્યાં જઈ રહ્યો છે. એ બસ ગાડી ચલાવ્યે જતો હતો. બંને તરફ ન જીરવાઈ એવી શાંતિ હતી. છેલ્લે થોડી હિંમત કરી વૈદેહીએ સાર્થક તરફ જોઈ પૂછ્યું,
"આપણે ક્યાં જઈ રહ્યાં છે ?"
પણ સાર્થક કંઈ બોલ્યો નહીં. પણ એના જવાબરૂપે એણે ગાડીની સ્પીડ વધારી દીધી. સ્પીડની સાથે સાથે સાર્થકનાં ચહેરાનાં હાવભાવ પણ બદલાય રહ્યાં હતાં. વૈદેહી એનાં બદલાતા હાવભાવ જોઈ શકતી હતી. એને હવે ચિંતા થવા લાગી. એણે ફરીથી પૂછ્યું,
"સાર્થક, શું થયું છે ? તમે મને ક્યાં લઇ જઈ રહ્યાં છો ? ઘરે બધું ઠીક છે ને ? અંકલ...અંકલ ઠીક છે ? આંટીની તબિયત બગડી ગઈ છે ? શિખા...શિખાને તો કંઈ...."
વૈદેહી એનું વાક્ય પુરૂ કરે એ પહેલાં તો સાર્થકે સ્પીડમાં ચાલતી એની ગાડીને બ્રેક મારી જેનાં કારણે વૈદેહી આગળ તરફ નમી ગઈ.
"એકવાર...એકવાર પણ તેં એવું નહીં પૂછ્યું કે હું કેવો છું ? તને બધાની ચિંતા છે પણ મારી નહીં. એવું કેમ વૈદેહી ? શું હું તારા માટે કંઈ જ નથી ?" સાર્થકે વૈદેહી તરફ જોઈ પૂછ્યું.
"એ...એવું કંઈ નથી સાર્થક. હું તો બસ....અને કોણે કહ્યું કે તમે મારા માટે કંઈ નથી ? તમારાં કારણે તો હું નર્કમાં જતાં બચી છું. જો એ દિવસે તમે મારો હાથ નહીં પકડ્યો હોત તો આજે સિરાજે મને વેચી નાંખી હોત. તમે મારા મિત્ર છો, એક સાચા મિત્ર." વૈદેહીએ સાર્થક તરફ જોયા વિના કહ્યું.
"હું તારો ફક્ત મિત્ર જ છું !" સાર્થકે એની તરફ જોઈ પૂછ્યું.
"બીજું શું ? કેમ, તમને મારી મિત્રતા પસંદ નથી ?" વૈદેહીએ બારીની બહાર જોઈ કહ્યું.
"તારાં દિલમાં મારા માટે બીજી કોઈ ફિલિંગ નથી ?"
"બીજી કેવી ફિલિંગ સાર્થક ?" વૈદેહી બોલતાં બોલતાં એની નજર ચૂરાવી રહી હતી.
"શું તને એકવાર પણ મારા માટે પ્રેમ...."
"પ્લીઝ સાર્થક, હવે તમે એવું નહીં કહેતાં કે તમે મને પ્રેમ કરો છો ! કારણ કે મારા દિલમાં આવું કંઈ નથી." વૈદેહીએ સાર્થકની પૂરી વાત સાંભળ્યા વિના જ કહ્યું.
"આ જ વાત તું મારી આંખોમાં જોઈને કહી શકે છે ?" સાર્થકે વૈદેહીનો હાથ પકડી પૂછ્યું.
વૈદેહીએ એની આંખો બંધ કરી અને સાર્થક તરફ ફરી એની આંખોમાં જોઈ કહ્યું,
"સાર્થક, તમે ફક્ત મારા મિત્ર છો. એનાથી વિશેષ કંઈ નહીં. એમ પણ હવે સિરાજ જેલમાં છે તો હવે હું તમારા પર કોઈ બોજ બનવા નથી માંગતી. હું...હું...તમને...તમને...પ્રેમ નથી કરતી."
આ સાંભળી સાર્થકે ગાડી સ્ટાર્ટ કરી અને સીધી વૈદેહીની હોસ્ટેલ તરફ લીધી. અડધા કલાકમાં તેઓ હોસ્ટેલ પર હતા. સાર્થક ગાડીમાંથી ઉતર્યો અને પેસેન્જર સીટનો દરવાજો ખોલ્યો. વૈદેહી બહાર આવી.
"મારા ઘણાં બધાં મિત્રો છે. મને તારી મિત્રતાની કોઈ જરૂર નથી. આમ પણ તને તો આપણો સંબંધ બોજ લાગે છે ને ! હું તને આજે આ બંધનમાંથી આઝાદ કરું છું. " સાર્થકે કહ્યું અને વૈદેહીનાં હાથમાં બાંધેલું મંગળસૂત્ર કાઢી લીધું. એણે જોરથી દરવાજો બંધ કર્યો જેનાં અવાજથી વૈદેહી ધ્રુજી ઉઠી.
સાર્થક તરત જ ત્યાંથી નીકળી ગયો. વૈદેહી બસ ભીની આંખે એનાં તૂટેલા હૃદયના ટુકડાઓ સમેટતી રહી.
વધુ આવતાં ભાગમાં......