માતૃ ભારતીના પ્લેટફોર્મ પર હાજર છે રેટ્રો ની મેટ્રો, સિને જગતની ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. તો રંગીલા રાજસ્થાન ની સફર માટે તૈયાર ને? અરે વાહ !તમે તો લહેરિયા અને બાંધણી ની ડિઝાઇન ના રંગ બેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ ગયા છો એમ? તો ચાલો જઈએ રાજસ્થાનના એક એવા શહેરમાં, જેને આધુનિક ભારતના પ્રારંભિક આયોજિત શહેરોમાંનું એક બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.રંગીલા રાજસ્થાન ના મેઘધનુષમાં જે ઉમેરે છે ગુલાબી રંગ અને ઓળખાય છે પિંક સિટી તરીકે,રાજસ્થાનનું પાટનગર જયપુર.તો જયપુર તરફ પ્રયાણ કરીએ અને સાથે યાદ કરીએ 1973માં પ્રદર્શિત થયેલી મણિ કૌલની ફિલ્મ"દુવિધા"ને.આ ફિલ્મ રાજસ્થાની માં વિજયદાન દેથા દ્વારા લખાયેલી ટૂંકી વાર્તા પર આધારિત છે.જો તમને એ ફિલ્મ યાદ ન હોય તો "દુવિધા"ની રિમેક તરીકે 2005 માં આવેલી અમોલ પાલેકર દિગ્દર્શિત શાહરુખ ખાન અને રાની મુખર્જી અભિનિત ફિલ્મ "પહેલી"તો યાદ હશે જ.79 માં ઓસ્કાર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી હતી ફિલ્મ "પહેલી".આ ફિલ્મમાં પિંક સીટી જયપુર ને ખુબ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મના
પ્રસિદ્ધ ગીત 'કંગના રે'નું શૂટિંગ જયપુર નાં નારાયણ નિવાસ પેલેસમાં કરવામાં આવ્યું હતું અને ફિલ્મના સૌથી લોકપ્રિય ભૂત દ્રશ્યોમાંનું એક "ચાંદ બાઓરી"ખાતે શૂટ કરવામાં આવ્યું હતું.તમને ખબર છે મિત્રો,જયપુર શહેરની સ્થાપના 18 નવેમ્બર, 1727 ના રોજ આમેરના રાજા, મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય એ કરી હતી, તેમણે વધતી જતી વસ્તી ને સમાવવા માટે અને પાણીની અછત દૂર કરવા માટે તેની રાજધાની આમેરથી સ્થાનાંતરિત કરવાનું નક્કી કર્યું એટલે જયપુરના લેઆઉટની યોજના બનાવતી વખતે દેશ વિદેશના આર્કિટેક્ચર પરના ઘણા પુસ્તકો મંગાવ્યા,વિદ્યાધર ભટ્ટાચાર્યના સ્થાપત્ય માર્ગદર્શન હેઠળ, જયપુરની રચના વાસ્તુ શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્રના સિદ્ધાંતોના આધારે કરવામાં આવી હતી.આ શહેરને નવ બ્લોકમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાંના બેમાં રાજ્યના મકાનો અને મહેલો હતા, બાકીના સાત જાહેર જનતા ને ફાળવવામાં આવ્યા હતા. શહેરની સુરક્ષા માટે સાત દરવાજા ધરાવતો મજબૂત કિલ્લો બનાવાયો. મહારાજા સવાઈ રામસિંહ પ્રથમના શાસન દરમિયાન,શહેરની ઇમારતો ગુલાબી રંગે રંગવામાં આવી અને જયપુર ને મળી પિંક સીટી ની ઓળખ.ઇતિહાસ માં સચવાયેલ આ ભવ્ય વારસાની માહિતી મેળવતા મેળવતા આપણે તો આવી ગયા જયપુર નો મુગટ કહી શકાય તેવા હવામહલ પાસે. રાજ મુકુટ આકારનો પાંચ માળનો આ મહેલ લાલચંદ ઉસ્તા નામના વાસ્તુકાર એટલે કે આર્કિટેકટે ડિઝાઇન કર્યો હતો. હવામહલ મા ૯૫૩ આકર્ષક જાળીવાળી નાની-નાની બારીઓ રાજ ઘરાનાની મહિલાઓ સામાજિક સમારંભ અને શેરીઓમાં થતી દૈનિક ગતિવિધિઓ જોઈ શકે તે માટે બનાવવામાં આવી હતી. આ બારીઓમાંથી સતત વહેતી હવા મહેલના પાછળના હિસ્સામાં આવેલા બે માળના મહેલોને કુદરતી રીતે વાતાનુકૂલિત કરે છે અને તેથી જ આરામ કરવા માટે મહારાજા જયસિંહ નો આ પ્રિય મહેલ હતો. આ મહેલમાં એક સંગ્રહાલય પણ છે. તો હવા મહેલ જોઈને રેટ્રો ભક્તો ને ફિલ્મ "બેટા" નું ગીત. "કોયલ સી તેરી બોલી...."યાદ આવી જ ગયું હશે. વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ જંતર મંતર જયપુરમાં આવેલું છે. પ્રાચીન ખગોળીય યંત્રો અને જટીલ ગણિતીય સંરચનાઓ વડે જ્યોતિષીય અને ખગોળીય ઘટનાઓના વિશ્લેષણ અને સચોટ ભવિષ્યવાણી માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ આ બેજોડ વેધશાળા નું નિર્માણ રાજા સવાઈ જયસિંહ દ્વિતીય એ કરાવ્યું હતું. તેઓ ખગોળ વૈજ્ઞાનિક પણ હતા. આ વેધશાળા નું નિર્માણ કરાવતા પહેલા મહારાજા એ તેમના સાંસ્કૃતિક દૂત મોકલીને વિશ્વના ઘણા દેશોમાંથી ખગોળ વિજ્ઞાનના પ્રાચીન અને દુર્લભ ગ્રંથો મંગાવ્યા હતા અને અભ્યાસ અર્થે અનુવાદ કરાવીને પુસ્તકોને સાચવ્યા હતા.જંતર-મંતર માં આવેલા સમ્રાટ યંત્ર ,જયપ્રકાશ યંત્ર , રાશિ વલય, ઉન્નતાંશ યંત્ર, દિગીશ યંત્ર જેવા વિશાળકાય યંત્રો અને તેની કામગીરી જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા ને?તો એ સુંદર અનુભૂતિ સાથે આગળ વધીએ સાથે સાથે યાદ કરીએ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી સહિત ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીતનાર ફિલ્મ"રૂદાલી"ને. રાજસ્થાની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ ફિલ્મ ના નિર્દેશિકા પ્રસિદ્ધ ફિલ્મકાર ગુરુદત્તની ભત્રીજી કલ્પના લાઝમીએ ખુબ સરસ રીતે રાજસ્થાની પરંપરા અને લોકજીવનને ફિલ્મી પરદે ઉતાર્યું છે.
મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય એ 1699 થી 1727 સુધી આંબેરથી જ શાસનની ધૂરા સંભાળી પછી રાજધાનીને જયપુર ખસેડી.આંબેર કિલ્લામાં દિવાન-એ-આમ, દિવાન-એ-ખાસ, શીશ મહલ અને સુખનિવાસ જેવા વિભાગો છે. સુખનિવાસ નું વાતાવરણ ઉનાળાની સખત ગરમીમાં પણ ખુશનુમા રહે તે માટે સતત વહેતી જળધારાઓ નો ખૂબીપૂર્વક વાતાનુકૂલિત યંત્ર તરીકે ઉપયોગ કરાયો છે. ફિલ્મ "જોધા અકબર"માં જોધા બનેલ એશ્વર્યા રાય જે મોટી કઢાઈમાં રસોઈ બનાવે છે તે કઢાઈ અહીં જોઈ શકાય છે.આમ તો આખો કિલ્લો અને તેની રચના ખૂબ આકર્ષક છે પણ અત્યારે આપણે શીશ મહેલ અને તેની ખૂબીને માણીએ.જયમંદિર મહેલ, અરીસા,રંગબેરંગી કાચ, મીનાકારી તથા ચિત્રકારી વડે સુશોભિત છે.એટલે જ આ મહેલને શીશ મહેલ કહેવામાં આવે છે. શીશ મહેલ નું નિર્માણ મહારાજા માનસિંહે સોળમી સદીમાં કરાવ્યું હતું. આ મહેલમાં માત્ર એક જ મીણબત્તી પ્રગટાવીએ તો પણ મહેલ ઝગમગી ઊઠે.હવે કહો,શીશ મહેલ કઈ ફિલ્મમાં જોયાનું તમને યાદ છે? રેટ્રો ભક્તોને એ ફિલ્મ યાદ ન હોય એવું બને ખરું? 1960 માં આવેલી
બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ"મુગલ-એ-આઝમ"માં, ફક્ત એક ગીત"જબ પ્યાર કિયા તો ડરના ક્યા...."ને કલર શૂટ કરવામાં આવ્યું હતું,આ ગીતના શૂટિંગ લોકેશન માટે જયપુરના આમેર ફોર્ટ ખાતેના શીશ મહલ ની પ્રતિકૃતિ સમા સેટનો ઉપયોગ થયો હતો. મુગલ-એ-આઝમ એ પહેલી બ્લેક એન્ડ વ્હાઇટ હિન્દી ફિલ્મ હતી જેને ડિજીટલી કલર ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવી હતી,12 નવેમ્બર 2004ના રોજ રીલીઝ થયેલું કલર વર્ઝન પણ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. તો આ છે એ જમાના ની ક્લાસિક ફિલ્મનો જાદુ.
અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલો છે જયગઢ. આ કિલ્લો આંબેર કિલ્લા સાથે ભૂમિગત માર્ગો થી જોડાયેલો છે. સુંદર બગીચો,વિશાળ દરબાર હોલ, મહેલ,સંકુલની મધ્યમાં ઊંચો સુરક્ષા મિનાર, અને કમાનદાર દરવાજાઓ જયગઢ ની વિશેષતા છે. વોટર હાર્વેસ્ટિંગથી પાણીનો પુરવઠો કિલ્લામાં જળવાઈ રહે તેવી વ્યવસ્થા જોવા મળે છે. આ કિલ્લા નું સૌથી મોટું આકર્ષણ એટલે તે સમયની 360 degree ફરી શકે તેવી પૈડાં પર ગોઠવાયેલી સૌથી મોટી તોપ જૈવાન જે હજી પણ શાન થી આ કિલ્લામાં ઉભી છે.રાજપુત શાસકો માટે શસ્ત્રો બનાવતી વિશાળ ફાઉન્ડ્રી આ કિલ્લામાં જોવા મળે છે. આ વાત સાથે યાદ કરીએ જયપુરમાં શૂટ થયેલી અન્ય એક ફિલ્મ"હમકો તુમસે પ્યાર હૈ" નું ગીત"ઢોલા આવો રે...." ગીત યાદ કરતા કરતા આપણે પહોંચી ગયા "જલમહલ".માનસાગર સરોવર ની વચ્ચે આવેલો જલ મહલ તેની બેજોડ વાસ્તુકલા અને અનુપમ સૌંદર્યથી પ્રવાસીઓને આકર્ષે છે. સરોવરની વચ્ચે હોવાથી તેને "આઈ બોલ" પણ કહે છે. મહારાજા જયસિંહ દ્વારા નિર્મિત આ મહેલ કમાનો,મિનારાઓ,ઝરૂખાઓ અને પગથિયાંવાળી સીડીઓથી સુશોભિત બે માળની ઈમારત છે.ઉનાળાની સખત ગરમીમાં પણ આ મહેલ શીતળતાનો અનુભવ કરાવે છે કારણકે તેના ઘણા સ્તર પાણીમાં બનાવાયા છે. આ મહેલ પક્ષી અભયારણ્ય તરીકે વિકસિત થઇ રહ્યો છે તેના બગીચામાં રાજસ્થાનના ઊંચામાં ઊંચા વૃક્ષ જોવા મળે છે.ચાંદની રાતે આ મહેલ ખૂબ આકર્ષક લાગે છે. ફ્રેન્ડઝ, મને યાદ આવે છે કરિશ્મા કપૂર અને રેખા ને ચમકાવતી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ "ઝુબૈદા"તેના ઘણા દ્રશ્યો નારાયણ નિવાસ મહેલ જયપુરમાં ફિલ્માવવામાં આવ્યા હતા.ઐતિહાસિક ધરોહરો ની સાથે સાથે આધુનિક શૈલીનું,સફેદ આરસપહાણ અને રંગીન કાચની બારીઓ સાથે નું બિરલા મંદિર પણ પ્રવાસીઓને આકર્ષે છે.ગર્ભગૃહ, મિનારા,મુખ્ય સભામંડપ અને પ્રવેશદ્વાર એમ ચાર વિભાગમાં વહેચાયેલા આ મંદિર ની આસપાસ વિશાળ બગીચો છે મંદિરનું પરિસર જોતા જ ફિલ્મ "સબસે બડા ખિલાડી"નું ગીત "ભોલી ભાલી લડકી......" તમને યાદ આવ્યું જ હશે.
હવે આપણે મુલાકાત લઈએ જયપુરનું દિલ એટલે કે"સિટી પેલેસ"ની.સિટી પેલેસમાં પ્રવેશવા માટે ત્રણ દિશામાં ત્રણ દરવાજા આવેલા છે.ઉદય પોલ દરવાજા ને રસ્તે આગળ વધતાં આવે સભા નિવાસ એટલે કે જાહેર જનતા માટે નો વિભાગ દીવાને આમ,વિરેન્દ્રપોલ દરવાજેથી મુબારક મહલ અને તેની સાથે જોડાયેલ સર્વતોભદ્ર એટલે કે દીવાને ખાસ સુધી જઈ શકાય.અહીં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર ચાંદીના બે મોટા કળશ "ગંગાજલીશ" જોઈ શકાય છે.પોતાના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મહારાજા સવાઈ માધવસિંઘ દ્વિતીય, ૪૦૦૦ લીટર ગંગાજળ આ કળશમાં પોતાની સાથે લઈ ગયા હતા. આ ઉપરાંત સિટી પેલેસમાં ચંદ્ર મહેલ,ક્લોક ટાવર તેમજ એક મ્યુઝિયમ આવેલું છે જેમાં રાજઘરાના નાં વસ્ત્રો, શસ્ત્રો અને ચિત્રો નો અદભૂત ખજાનો જોવા મળે છે. સિટી પેલેસ ની ભવ્યતા જોતા જોતા યાદ કરો જયપુરના કેટલાક સ્થળોએ શૂટ થયેલી ફિલ્મ "બડે મિયા છોટે મિયા"અને તેનું રાજસ્થાની લોકગીત ની ધૂન પર બનેલું ગીત" દેતા જાઈ જો રે...." ફ્રેન્ડઝ,તમને ફિલ્મ લમ્હેં યાદ છે ને? રાજસ્થાની બેકગ્રાઉન્ડ ધરાવતી આ ફિલ્મનું એક ગીત "મોહે છેડોના નંદ કે લાલા..." કનક વૃંદાવનમાં ફિલ્માવવામાં આવ્યું છે. લગભગ ૨૮૦ વર્ષ પહેલા આ બગીચા નું નિર્માણ મહારાજા સવાઈ જયસિંહે કરાવ્યું હતું. મહારાજાની એક રાણી કનક દે ના નામ પરથી બગીચા ને કનક નામ અપાયું અને બગીચામાં સ્થપાયેલી ગોવિંદ દેવજી ની મૂર્તિ વૃંદાવન થી આવી હતી તેથી તેના નામમાં વૃંદાવન જોડાયું.જયપુરમાં એટલા બધા જોવાલાયક સ્થળો છે અને એટલા બધા શૂટિંગ લોકેશન છે કે જોતા જોતા સમય ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી અને લ્યો,જયપુરની યાદગાર સફર કરીને રેટ્રોની મેટ્રો પરત આવી ગઈ છે માતૃ ભારતીના પ્લેટફોર્મ પર. થોડા વિરામ પછી રાજસ્થાન નો પ્રવાસ જારી રહેશે.તો એમાં તમે પણ જોડાશો ને?
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.